PM મોદીએ શિખરસંમેલનના સમાપનની જાહેરાત કરતાં શું કહ્યું?

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, ANI

જી20 દેશોના હાલના અધ્યક્ષ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિખરસંમેલનના સમાપન નિમિત્તે બ્રાઝિલને અધ્યક્ષપદ સોંપ્યું.

જી20 દેશોની અધ્યક્ષતા આ વર્ષના નવેમ્બર માસથી બ્રાઝિલ પાસે હશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “ભારત પાસે નવેમ્બર સુધી જી20નું અધ્યક્ષપદ છે. હજુ અમારી પાસે અઢી મહિનાનો સમય છે. મારો પ્રસ્તાવ છે કે એક વર્ચુઅલ સેશન રાખવામાં આવે, જેથી અમે નક્કી કરેલા તમામ હેતુની સમીક્ષા કરી શકાય. આપ સૌ તેમાં જોડાશો, એવી આશા છે આ સાથે જી20ના સમાપનની જાહેરાત કરું છું. સમગ્ર વિશ્વમાં આશા અને શાંતનું સંચાર થાય. 140 કરોડ ભારતીયોની આ મંગળકામના સાથે આપ સૌનો આભાર.”

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની વાત પણ કરી.

તેમણે કહ્યુંકે સમય સાથે બદલાવ જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલ પાંચ સભ્યો છે.

જેમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ સામેલ છે.

ભારત તેના સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની માગ ઘણા સમયથી કરતું આવ્યું છે.

બીબીસી ગુજારતી

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની મોટી જાહેરાત

બ્રિટનના વડા પ્રધાનઋષિ સુનક

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતસ્થિત બ્રિટિશ હાઇકમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોપેનહેગ સમજૂતી બાદ સ્થાપિત ‘ગ્રીન ક્લાઇમેટ ફેડ (જીસીએફ)’માં બ્રિટન બે અબજ ડૉલરનું યોગદાન કરશે.

નવી દિલ્હી ખાતે યોજાયેલ જી20 શિખરસંમેલન દરમિયાન બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે કહ્યું હતું કે તેમનો દેશ જલવાયુ પરિવર્તન સામે ઝઝૂમવા માટે પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

નોંધનીય છે કે બ્રિટનના વડા પ્રધાન સુનક સહિતના 41 દેશોના નેતા જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા માટે ભારતના પાટનગર દિલ્હી પહોંચ્યા હતા.

બ્રિટિશ ઉચ્ચાયોગ અનુસાર, બ્રિટન ‘ગ્રીન ક્લાઇમેટ ફંડ’ને 1.62 અબજ પાઉન્ડ (બે અબજ ડૉલર) આપશે, જે જલવાયુ પરિવર્તન સામે ઝઝૂમવા વિશ્વની મદદ કરવાના હેતુસર અપાયેલ સૌથી મોટી એકલ ફંડિંગ વચનબદ્ધતા છે.

બ્રિટિશ ઉચ્ચાયોગે જણાવ્યું કે વડા પ્રધાન સુનકે વિશ્વના નેતાઓને અપીલ કરી છે કે તેઓ ડિસેમ્બરમાં યારાના COP-28 શિખરસંમેલન પહેલાં સાથે મળીને કામ કરે. જેથી કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય અને જલવાયુ પરિવર્તનની અસર સામે ઝઝૂમવા માટે વિશ્વના નબળા દેશોની મદદ કરી શકાય.

આ ફંડ વર્ષ 2009માં COP – 15માં થયેલ કોપેનહેગન સમજૂતી બાદ 194 દેશો દ્વારા સ્થાપિત કરાયો હતો.

બીબીસી ગુજરાતી

બાઇડને કરી જી20 સમિટની પ્રશંસા

બાઇડેન

ઇમેજ સ્રોત, ANI

જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વૈશ્વિક નેતા અને અધિકારીઓ રવિવારે સવારે મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન નવી દિલ્હી ખાતે ચાલી રહેલા જી20 શિખરસંમેલનના બીજા દિવસના સત્રમાં સામેલ નહોતા થયા.

રાષ્ટ્રપતિ જો બાઇડને રવિવારે સવારે 10.20 વાગ્યે ભારતથી વિયેતનામ માટે પ્રસ્થાન કર્યું હતું. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર તેમને વળાવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વિયેતનામ માટે રવાના થયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વિયેતનામ માટે રવાના થયા

અમેરિકન દૂતાવાસ અનુસાર, વિયેતનામમાં તેઓ અમેરિકા અને વિયેતનામ વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતોને લઈને ચર્ચા કરશે.

આ અગાઉ મોડી રાત્રે કરેલા એક ટ્વીટમાં રાષ્ટ્રપતિ જો બાઇડને આ વર્ષના શિખરસંમેલનની પ્રશંસા કરતાં કહ્યું કે આનાથી સાબિત થયું છે કે સંકટ સમયે જી20 હજુય આપણા મહત્ત્વપૂર્ણ મુદ્દાનું સમાધાન શોધી શકે છે.

તેમણે લખ્યું, “જ્યારે વિશ્વનું અર્થતંત્ર જળવાયુ સંકટ, નાજુક તકો અને સંઘર્ષના મિશ્રિત ફટકાથી પીડિત છે, ત્યારે આ વર્ષના શિખરસંમેલને સાબિત કરી બતાવ્યું છે કે જી20 હજુય આપણા સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાનું સમાધાન કાઢી શકે છે.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

તેમણે વધુ એક ટ્વીટમાં લખ્યું, “હું એ વાતની જાહેરાત કરવામાં ગર્વ અનુભવું છું કે અમેરિકા, ભારત, સાઉદી અબિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન સંઘે ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કૉરિડૉર માટે એક ઐતિહાસિક સમાધાનને અંતિમ ઓપ આપ્યો છે.”

તેમણે આ પ્રોજેક્ટને એક ‘ગેમ-ચેન્જિંગ ક્ષેત્રીય રોકાણ’ ગણાવતાં લખ્યું કે આ માત્ર ટ્રૅક પાથરવા કરતાં ઘણું મહત્ત્વપૂર્ણ છે.

બીબીસી ગુજરાતી

બ્રિટનના વડા પ્રધાન સુનકે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિએ રવિવારે દિલ્હીસ્થિત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

નોંધનીય છે કે શુક્રવારે જ્યારે જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ઋષિ સુનકે પોતાની જાતને ‘ગૌરવાન્વિત હિંદુ’ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે તેઓ આગામી અમુક દિવસો સુધી જ્યારે ભારતમા છે ત્યારે કોઈ મંદિરની મુલાકાત લઈ શકશે.

બીબીસી ગુજરાતી

વિશ્વના નેતા ‘બાપુ’ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા

જી20 સમિટના બીજા દિવસે વહેલી સવારે વિશ્વના સંખ્યાબંધ દેશોના આમંત્રિત નેતાગણ દિલ્હી ખાતે મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

સમાધિસ્થળે પહેલાંથી હાજર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.

વડપ્રધાન મોદીએ ઋષિ સુનક અને જસ્ટિન ટ્રુડોનું સ્વાગત કર્યું હતું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડપ્રધાન મોદીએ ઋષિ સુનક અને જસ્ટિન ટ્રુડોનું સ્વાગત કર્યું હતું

વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિતના નેતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

વડા પ્રધાન મોદીએ સમાધિસ્થળે પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું સ્વાગત કર્યું હતું.

વિશ્વના નેતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, G20 India

ઇમેજ કૅપ્શન, વિશ્વના નેતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા

મહાત્મા ગાંધીના સમાધિસ્થળ ખાતે જી20ના શિખરસંમેલનમાં ભાગ લેવા પહોંચેલા મોટા ભાગના નેતા પહોંચ્યા હતા.

જોકે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા નહોતા. નોંધનીય છે કે તુર્કી અને ઇન્ડોનેશિયાના નેતા ત્યાં હાજર હતા.

શ્રદ્ધાંજલિ આપતા પહેલાં મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ પણ ગવાયું.

આ ગીતમાં દેશના ખ્યાત ગાયકો ઉદિત નારાયણ, સોનુ નિગમ, શાન, પૈપ્પોન અને સોનુ નિગમના પિતા અગમકુમારે પોતાનો અવાજ આપ્યો છે.

બીબીસી ગુજરાતી

ઘોષણાપત્રમાં શું છે?

મોદી

ઇમેજ સ્રોત, ANI

આ આયોજનમાં 41 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

આયોજનના પ્રથમ દિવસની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ વિશે વાત કરીએ તો 'ન્યૂ દિલ્હી જી20 લીડર્સ ડિક્લેરેશન' પર તમામ દેશો સહમત થયા હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી.

'ન્યૂ દિલ્હી જી20 લીડર્સ સમિટ ડિક્લેરેશન'માં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં જી20 દેશોએ કહ્યું છે કે પરમાણુ હથિયારોની ધમકી કે તેનો ઉપયોગ સ્વીકારી શકાય નહીં.

રશિયાનો ઉલ્લેખ કર્યા વિના જી20 સભ્ય દેશોએ બાલી ઘોષણાપત્રની યાદ અપાવી અને કહ્યું કે યુક્રેનમાં સ્થાયી શાંતિ માટે તમામ દેશોએ યુએન ચાર્ટરના સિદ્ધાંતો હેઠળ કામ કરવું જોઈએ.

આ જ ઢંઢેરામાં સભ્યદેશોને એ પણ યાદ અપાવવામાં આવ્યું છે કે તેઓ પોતાની સરહદો વિસ્તારવા માટે બળનો ઉપયોગ કરવાથી કે ધમકી આપવાથી દૂર રહે.

ભારતની અધ્યક્ષતામાં આયોજિત જી20 સંમેલનમાં તમામ સભ્ય દેશોએ પરસ્પર સંમતિથી શનિવારે 'ન્યૂ દિલ્હી જી20 લીડર્સ સમિટ ડિક્લેરેશન'ની જાહેરાત કરી હતી.

આ ઘોષણાપત્રમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જે વાક્ય કહ્યું હતું તે પણ સામેલ છે. જેમાં તેમણે કહ્યું હતું કે, "આજનો સમય એ યુદ્ધનો સમય નથી."

બીબીસી ગુજરાતી

ઘોષણાપત્ર પર બધા દેશોએ સહમતી આપી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, X@NARENDRAMODI

નવી દિલ્હી જી20 લીડર્સ ડિક્લેરેશન પર તમામ દેશો સહમત થયા હતા.

આ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, "અમારી ટીમની સખત મહેનત અને તમારા બધાના સહયોગથી નવી દિલ્હી જી20 લીડર્સ ડિક્લેરેશન પર સર્વસંમતિ સધાઈ છે."

તેમણે કહ્યું હતું કે, "મારો પ્રસ્તાવ છે કે આ લીડર્સ ડિક્લેરેશનને અપનાવવામાં પણ આવે. હું આ ડિક્લેરેશનને સ્વીકારવાની જાહેરાત કરું છું."

તેમણે કહ્યું હતું, "આ પ્રસંગે, હું અમારા મંત્રીઓ, શેરપાઓ અને તમામ અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે જેમણે સખત મહેનત કરીને આ સાર્થક કર્યું છે."

જી20ના ભારતીય શેરપા અમિતાભ કાંતે સૉશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'એક્સ' પર લખ્યું હતું કે નવી દિલ્હીના ઘોષણાપત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નવી દિલ્હી ઘોષણાપત્ર નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  • મજબૂત, લાંબા ગાળાનો, સંતુલિત અને સમાવેશી વિકાસ
  • સતત વિકાસ લક્ષ્યો તરફ આગળ વધવામાં ઝડપ
  • લાંબાગાળાના ભવિષ્ય માટે હરિત વિકાસ કરાર
  • 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાઓ
  • બહુપક્ષવાદને પુન:જીવિત કરવો
બીબીસી ગુજરાતી

કોણાર્ક ચક્રની શું છે વિશેષતા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PIB

શનિવારે સવારે ‘ભારત મંડપમ્’માં વડા પ્રધાન મોદી વિદેશથી આવેલા રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કરવા માટે મોદી જે મંચ પર ઊભા હતા તેની પાછળ કોણાર્ક ચક્રની એક વિશાળ પ્રતિકૃતિ હતી.

આ તકે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને કોણાર્ક ચક્ર વિશે જાણકાર આપતાં દેખાયા.

આ બાબતથી સ્વાભાવિક છે કે સામાન્ય લોકોના મનમાંય આ સાંસ્કૃતિક વારસાને લઈને કુતૂહલ જાગે.

કોણાર્ક ચક્ર અંગે મહત્ત્વની વાત કંઈક નીચે પ્રમાણે છે.

  • આ ચક્ર કલિંગ (આજનું ઓડિશા)માં બનેલા કોણાર્ક સૂર્યમંદિરનું છે, જે 13મી સદીમાં રાજા લાંગુલા નરસિંહદેવ પ્રથમના શાસનકાળમાં બનાવાયું હતું.
  • નરસિંહદેવ પ્રથમનું શાસનકાળ વર્ષ 1238થી માંડીને 1264 સુધીનો હતો. એ દરમિયાન તેમણે ઓડિશામાં સમુદ્રકાંઠે કોણાર્કમાં એક સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
  • આ મંદિરને હિંદુ સ્થાપત્ય કળાનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક મનાય છે. આ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, મુખ્ય દ્વાર સાથે જોડાયેલું મંદિર, પ્રાર્થનાસ્થળ અને અલગ નૃત્યસ્થળ.
  • મંદિર અને પ્રાર્થનાસ્થળ ખરેખર એક રથની આકૃતિમાં છે જેના બહારના ભાગે 12-12 (કુલ 24) પૈડાં છે, જેને ચક્ર કહેવાય છે.
  • એ સૂર્યના રથનું પ્રતીક છે જેને સાત ઘોડા ખેંચે છે. હાલના સમયમાં અહીં ઘોડાની માત્ર એક જ મૂર્તિ રહી ગઈ છે. આ મંદિર યુનેસ્કો વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ છે.
  • 19મી સદીમાં મંદિરના મુખ્ય હૉલને પડતો બચાવવા માટે એ સમયના બ્રિટિશ શાસને તેને પથ્થરોથી ભરી દીધો હતો. વર્ષ 2022માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મંદરિની અંદરથી રેતી અને પથ્થર કાઢવાનો નિર્ણય કર્યો.
  • આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, અહીંની સભ્યતા અને સ્થાપત્ય કળાને દર્શાવે છે. મનાય છે કે કોણાર્ક ચક્રના ફરવાની તુલના કાળચક્ર સાથે કરાય છે અને તેને આગળ વધવા અને બદલાવના સ્વરૂપમાં જોવામાં આવે છે.
બીબીસી ગુજરાતી

આફ્રિકન યુનિયનને જી20નું કાયમી સભ્યપદ મળ્યું?

ભારત મંડપમ્

ઇમેજ સ્રોત, ANI

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે જ્યાં સમારોહનું આયોજન કરાયું છે એવા ‘ભારત મંડપમ્’ ખાતે શનિવારે સવારે વડા પ્રધાન મોદી સહિત અન્ય દેશોનાં વડાં અને પ્રતિનિધિઓ આવી પહોંચ્યાં હતાં.

ભારતની અધ્યક્ષતામાં થનાર જી20 શિખરસંમેલનના અધ્યક્ષપદેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભાનું સંબોધન કર્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં ચાલી રહેલ ચર્ચા અનુસાર તેમની સામે પડેલી દેશનું નામ રજૂ કરતી પ્લેટમાં દેશનું નામ ‘ઇન્ડિયા’ નહીં બલકે ‘ભારત’ લખાયેલું દેખાયું હતું.

આ સાથે જ દેશના નામ અંગે ચાલી રહેલી વાદવિવાદમાં વધુ ઉમેરો થવાના સંકેતો મળ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં સૌપ્રથમ મોરોક્કોમાં ભારતીય સમયાનુસાર વહેલી સવારે આવેલ ધરતીકંપમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું, “વૈશ્વિક અર્થતંત્રમાં ઊથલપાથલ હોય, પૂર્વ-પશ્ચિમનું અંતર હોય, આતંકવાદ હોય કે સાઇબર સિક્યૉરિટીનો મુદ્દો આવનારી પેઢીઓ માટે આપણે આ પડકારોના સમાધાન શોધવાના જ રહેશે.”

આફ્રિકન યુનિયનના ચેરપર્સન અઝાલી અસોમનીનું સ્વાગત કરતાં વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Evan Vucci/Pool via REUTERS

ઇમેજ કૅપ્શન, આફ્રિકન યુનિયનના ચૅરપર્સન અઝાલી અસોમનીનું સ્વાગત કરતાં વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદીએ પોતાના સ્વાગત ભાષણમાં સભાની કાર્યવાહી શરૂ કરતા પહેલાં આફ્રિકન યુનિયનને જૂથનું સ્થાયી સભ્યપદ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો સ્વીકાર થતા તેમણે નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું, “તમારી સંમતી સાથે આગળની કાર્યવાહીનો આરંભ કરતા પહેલાં હું આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જી20ના સ્થાયી સભ્ય સ્વરૂપે પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રિત કરું છું.”

જે બાદ આફ્રિકન યુનિયનના ચેરપર્સન અઝાલી અસોમની સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરવા આગળ વધ્યા હતા, દરમિયાન વડા પ્રધાન મોદીએ પોતાના સ્થાન પરથી ઊભા થઈને ગળે મળીને તેમનું અભિવાદન કર્યું હતું.

આ જાહેરાત સાથે જ આફ્રિકન યુનિયનના આ સંગઠનમાં સ્થાયી સભ્ય સ્વરૂપે સામેલ થયા બાદ હવે 19 દેશ અ બે સંઘ આ જૂથના સભ્ય બની ગયાં છે.

નોંધનીય છે કે આફ્રિકન યુનિયન 55 સભ્ય દેશોનું એક સંગઠન છે.

નોંધનીય છે કે જી20માં ભારતના વડપણ હેઠળ લેવાયેલા આ પગલાને ‘સીમાસૂચકસ્તંભ’ માનવામાં આવી રહ્યું છે.

જી20 શિખરસંમેલનમાં આફ્રિકન યુનિયન એટલે કે આફ્રિકન સંઘને સ્થાયી સભ્યપદ અપાવાના નિર્ણયનું ભારતી એન્ટરપ્રાઇઝના સંસ્થાપક સુનીલ ભારતી મિત્તલે સ્વાગત કર્યું હતું.

આફ્રિકન યુનિયન વર્ષ 2022માં જ અસ્તિત્વમાં આવ્યું હતું.

સુનીલ મિત્તલે કહ્યું, “મને આશા છે કે દિલ્હીથી વિશ્વ સુધી જનાર સંદેશને વિશ્વને સમાવેશી બનાવવા તરફ ઉઠાવાયેલા પગલારૂપે એક માઇલસ્ટોન તરીકે જોવામાં આવશે.”

તેમણે કહ્યું, “મને એ વાતની ખુશી છે કે જી20માં વૈશ્વિક ઑર્ડરમાં આફ્રિકન યુનિયનની ભાગીદારી માટે જૂથને જી20માં સામેલ કરવાને લઈને સંમતી સધાઈ અને એ દિશામાં આગળ વધી શકાયું.”

નોંધનીય છે કે આફ્રિકન યુનિયનને જી20ના સભ્ય તરીકે સામેલ કરવાની વાત એ ભારતના જી20 અધ્યક્ષતાના મુખ્ય હેતુઓમાં સામેલ હતી.

આ વર્ષે જૂન માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમણે સંગઠનના તમામ સભ્યોને પત્ર લખીને તેમને વિનંતી કરી છે કે તેઓ આફ્રિકન યુનિયનને જી20નો સ્થાયી સભ્ય બનાવવાની વાતને સમર્થન આપે.

બીબીસી ગુજરાતી

જી20 ડિનરમાં ખડગેને આમંત્રણ ન અપાયા મુદ્દે સિદ્ધારમૈયા-ભૂપેશ બઘેલે શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે જી20 નેતાઓ માટે અપાઈ રહેલા રાત્રિભોજમાં કૉંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ ન અપાયો, જે યોગ્ય નથી.

જોકે તેમણે એવું પણ કહ્યું કે આમ પણ ખડગે તેમાં સામેલ ન થઈ શક્યા હોત કારણ કે તેમનો પ્રોગ્રામ પહેલાંથી નક્કી હતો.

ખડગેને આમંત્રણ ન અપાયાની વાતે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે પણ આપત્તિ વ્યક્ત કરી હતી.

આ રાત્રિભોજમાં ખડગેને આમંત્રણ ન અપાયા મુદ્દે સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં કહ્યું, “તેઓ માત્ર કૉંગ્રેસના અધ્યક્ષ જ નથી. તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે. મારા હિસાબે તેમને રાત્રિભોજમાં બોલાવવા જોઈતા હતા. તેમને ન બોલાવવાની વાત યોગ્ય નથી.”

ખડગે સહિત વિપક્ષના કોઈ પણ નેતાને આ ડિનરમાં આમંત્રિત નહોતા કરાયા.

જોકે, રાજ્યોના મુખ્ય મંત્રીઓને એ માટેનું નિમંત્રણ અપાયું હતું. જેમાં વિપક્ષના મુખ્ય મંત્રી પણ સામેલ હતા.

ભૂપેશ બઘેલે ખડગેને આમંત્રણ ન અપાયાની વાતે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું, “ઇંદિરા ગાંધીના સમયમાં 40 વર્ષ પહેલાં 100 રાષ્ટ્રધ્યક્ષ આવેલા અને અહીં 20માંથીય અમુક નથી આવ્યા. વિપક્ષના નેતાઓને આમંત્રિત નથી કરાયા જેમાં (મલ્લિકાર્જુન) ખડગે સામેલ છે. આ બેઠકનું અમને કોઈ પરિણામ દેખાઈ નથી રહ્યું. આવનારા સમયમાં આનાં પરિણામો પર અમારી નજર રહેશે.”

બીબીસી ગુજરાતી

કોને મળ્યું સ્પેશિયલ રાત્રિભોજનું આમંત્રણ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

આ સમારોહ નિમિત્તે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે રાત્રે સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું છે.

સમાચાર એજન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર, ‘ભારત મંડપમ્’ માં અપાઈ રહેલા અપાઈ રહેલા સ્પેશિયલ ડિનર માટે 170 મહેમાનોને આમંત્રણ અપાયું છે.

વિદેશી નેતાઓ અને અન્ય દેશોમાંથી આવેલાં પ્રતિનિધિમંડળોના પ્રમુખો સિવાય તમામ રાજ્યના મુખ્ય મંત્રીઓ, કૅબિનેટ અને રાજ્યમંત્રીઓ અને અન્ય જાણીતા મહેમાનોને શનિવારે રાત્રે આ ભોજ માટે બોલાવાયા છે.

ઇવેન્ટનાં મેજબાન રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં પત્ની સુદેશ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ આ ડિનરમાં સામેલ થશે.

જોકે, અન્ય રાજકીય દળોના નેતાઓને આ ડિનર માટે આમંત્રિત નથી કરાયા.

ડિનરમાં સામેલ થનારા કૅબિનેટ મંત્રીઓમાં રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, એસ. જયશંકર, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પહ્લાદ પટેલ સામેલ છે.

રાજ્યમંત્રીઓ સિવાય નિયંત્રણ અને મહાલેખાપરીક્ષક ગિરીશચંદ્ર મુર્મૂ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, એનએસએ અજિત દોવાલ, દિલ્હીના એલજી વીકે સક્સેનાને પણ આમંત્રિત કરાયા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને એચડી દેવેગૌડાને પણ આ ખાસ અવસરે બોલાવાયા છે.

બીબીસી ગુજરાતી

વડા પ્રધાને સ્વાગત સંબોધનમાં શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

આધિકારિકપણે કાર્યક્રમ શરૂ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું :

કાર્યક્રમ શરૂ કરતા પહેલાં હું થોડી વાર અગાઉ મોરક્કોમાં આવેલા ભૂકંપ પ્રભાવિત લોકો માટે સંવેદના પ્રગટ કરવા માગું છું. હું કહેવા માગું છું કે સમગ્ર વિશ્વ તેમની સાથે છે અને અમે તેમની દરેક સંભવ મદદ કરવા તૈયાર છીએ.

આપણે જ્યાં ભેગા થયા છે, ત્યાંથી અમુક અંતરે અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ છે જેના પર પ્રાકૃત ભાષામાં લખ્યું છે – માનવતાનું કલ્યાણ અને સુખ, સદૈવ સુનિશ્ચિત કરાશે.

ભારત સમગ્ર વિશ્વથી અપીલ કરી રહ્યું છે કે આપણે એકસાથે મળીને ગ્લોબલ ટ્રસ્ટ ડેફિસિટને વિશ્વાસમાં તબદીલ કરીએ. આ બધા સાથે હળીમળીને ચાલવાનો સમય છે. અમે બધા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અમારા માટે પથપ્રદર્શક બની શકે છે.

વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને જુદી જુદી મહત્ત્વપૂર્ણ સંસ્થાના પ્રતિનિધિઓના સ્વાગત માટે વડા પ્રધાન મોદી સમારોહ સ્થળે પહોંચી ગયા હતા.

નોંધનીય છે કે ભારતના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલા આ શિખરસંમેલનના આયોજનને ભારત સરકાર એક ઐતિહાસિક ક્ષણ ગણાવીને પાછલા ઘણા સમયથી તેનો પ્રચાર કરી રહી છે.

આખરે મહિનાઓથી જે સંમેલનના આયોજન અંગે ભારતના લોકો સાંભળી રહ્યા હતા તે માટે ઠરાવેલો દિવસ આવી પહોંચ્યો છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર વડા પ્રધાન મોદી બાદ નેધરલૅન્ડ્સના વડા પ્રધાન માર્ક રૂટ, નાઇજિરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમેદ તિનુબુ, યુએઈના રાષ્ટપ્રતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધાનોમ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસિ, મોરિસિયસના વડા પ્રધાન પ્રવીંદકુમાર જગન્નાથ, સિંગાપોરના વડા પ્રધાન લી સીન લૂંગ અને સ્પેનનાં ઉપરાષ્ટ્રપતિ નાડિયા કાલ્વિનો જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા સમારોહ સ્થળે આવી પહોંચ્યાં હતાં.

ઉપરોક્ત સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તય્યપ એર્ડોગાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મનીના ચાન્સેલર ઓલાફ શ્કોલ્ઝ, યુરોપિયન કાઉન્સિલના વડા ચાર્લ્સ મીશેલ, યુરોપિયન કમિશનનાં વડાં ઉર્સુલા વોન ડર લીએન, ઑસ્ટ્રેલિયા વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડિઝ અને જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા સમારોહ સ્થળે પહોંચ્યાં હતાં.

જો બાઇડન

ઇમેજ સ્રોત, ANI

જો સમરોહ માટે ગોઠવાયેલી સુરક્ષાવ્યવસ્થાની વાત કરીએ તો સમગ્ર દિલ્હીમાં જી20 સંમેલનના આયોજનને પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારતના અધ્યક્ષપણા હેઠળ યોજાનારા આ શિખરસંમેલન માટે સમગ્ર પાટનગરને સજ્જ કરાયું હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ્ ઇન્ટરનેશનલ ઍક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે 9-10 સપ્ટેમ્બર સુધીમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને અન્ય ઘણા દેશોનાં વડાં અને પ્રતિનિધિઓ શિખરસંમેલનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યાં હતાં.

અહીં નોંધનીય છે કે જી20 અથવા ગ્રૂપ ઑફ ટ્વેન્ટી એ એવા દેશોનું જૂથ છે જે વૈશ્વિક અર્થતંત્ર વિશેના આયોજન પર ચર્ચા કરે છે.

જી20માં યુરોપિયન યુનિયન અને 19 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે. સ્પેનને હંમેશાં મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.

અત્યાર સુધી આ આયોજનમાં ભાગ લેવા માટે ઘણા મહાનુભવો, રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી પહોંચ્યા છે.

ગ્રે લાઇન

કોણ કોણ જી20 સંમેલનમાં ભાગ લેશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

શુક્રવારે મોડી સાંજે જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આવી પહોંચ્યા હતા.

આ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ ભારત મુલાકાત છે.

આ સિવાય ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલબેનીઝ પણ જી20 શિખરસંમેલનમાં હાજરી પુરાવવા માટે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા.

જી20 આયોજનમાં ભાગ લેવા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફાતેહ અલ-સીસી, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ, ઓમાનના નાયબ વડા પ્રધાન અસદ બિન તારિક બિન તૈમુર અલ સઈદ, રશિયાના વિદેશમંત્રી સર્ગી લેવરોવ, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક, સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ, જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિડા, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડિઝ અને અન્ય મહત્ત્વપૂર્ણ દેશો અને સંગઠનોના પ્રતિનિધિ આવી પહોંચ્યા છે.

ગ્રે લાઇન

જી20 શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જી20 સમૂહના સભ્યદેશો વિશ્વના અર્થતંત્રમાં 85 ટકાનો હિસ્સો ધરાવે છે, જ્યારે વૈશ્વિક વેપારમાં તેમની ભાગીદારી 75 ટકાની છે. વિશ્વની કુલ વસ્તીની લગભગ 66 ટકા વસ્તી આ જી20 સમૂહના સભ્ય દેશોમાં વસે છે.

1999માં એશિયાના 1997-98ના નાણાકીય સંકટ બાદ જી-20ની સ્થાપના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર અને નાણાકીય સ્થિરતાની ચર્ચા કરવા માટે અગ્રણી ઔદ્યોગિક તથા વિકાસશીલ અર્થતંત્રોની કેન્દ્રીય બૅન્કોના ગવર્નર, નાણામંત્રી વચ્ચે ઔપચારિક ચર્ચા માટે તે સ્થપાયું હતું.

2007ની વૈશ્વિક આર્થિક મંદી બાદ જી-20ને સભ્ય દેશોના વડા-પ્રમુખોના સ્તરે ચર્ચા માટેનો મંચ બનાવી દેવાયું હતું. 2009માં પણ એ જ પરિસ્થિતિ તાદૃશ થઈ હતી.

પ્રથમ જી20 શિખર સંમેલન 2008માં વૉશિંગ્ટન ડીસી (અમેરિકા)માં યોજાયું હતું. પછી 2009માં સંમેલન લંડનમાં યોજાયું હતું. એમ એક પછી એક સભ્યદેશો તેની યજમાની મેળવતા ગયા.

વર્ષ 2021માં જી20ની બેઠકો ઇટાલીમાં યોજાઈ હતી અને વર્ષ 2022માં તે ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી.

જો કે આ જૂથનું ધ્યાન અર્થવ્યવસ્થાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું રહ્યું છે, પરંતુ સમય સાથે તેનો વ્યાપ વધતો ગયો.

તેમાં ટકાઉ વિકાસ, આરોગ્ય, કૃષિ, ઉર્જા, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પણ ઉમેરવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી

જી20 કઈ રીતે કામ કરે છે?

વાસ્તવમાં, જે પણ દેશને જી20 નું પ્રમુખપદ મળે છે, તે એ વર્ષે જી20ની બેઠકોનું આયોજન કરે છે. તે બેઠકની કાર્યસૂચિ રજૂ કરે છે.

આ સિવાય જી20 બે સમાંતર ટ્રેક પર કામ કરે છે. એક છે ફાઇનાન્સ ટ્રેક, જેમાં તમામ દેશોના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો સાથે મળીને કામ કરે છે.

બીજો શેરપા ટ્રેક છે, જેમાં દરેક દેશના એક શેરપા અગ્રણી હોય છે. હકીકતમાં શેરપાનો મતલબ પહાડોમાં થતા મિશનોને આસાન બનાવનાર વ્યક્તિ એવો થાય છે.

શેરપા ટ્રૅકમાં ખેતી, વિકાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

જી20ના નાણાકીય ટ્રૅકમાં ફ્રૅમવર્ક વર્કિંગ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

જી20ના શેરપા આગેવાનો પણ પોતપોતાના દેશના વડાનું કામ સરળ બનાવવાની જવાબદારી લે છે. તમામ સભ્ય દેશોના શેરપાઓ બેઠકો દ્વારા વિવિધ મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.

બીબીસી ગુજરાતી

જી20 ફૅમિલિ ફોટોની પ્રથા શું છે?

એસસીઓની બેઠકમાં મોદી (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, NARENDRAMODI@TWITTER

ઇમેજ કૅપ્શન, એસસીઓની બેઠકમાં મોદી (ફાઇલ તસવીર)

આ શિખર સંમેલનના સમાપન વેળાએ રાષ્ટ્રોના પ્રમુખ-વડાઓ એક સામૂહિક તસવીર માટે ભેગા મળે છે. જેને ફેમિલી ફોટો તરીકે ઓળખવામાં આવે છે.

જોકે, ઘણી વાર તેને એક રાજદ્વારી દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે છે અને તસવીર પોતાનામાં જ એક હેડલાઇન બનતી હોય છે.

વર્ષ 2018માં ઇસ્તંબુલમાં સાઉદીના કૉન્સ્યુલેટમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મોટાભાગે અવગણના કરાઈ હતી અને તેમને જૂથમાં આખરમાં ઊભા રાખવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી

જી20થી અત્યાર સુધી શું હાંસલ થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વર્ષ 2008 અને 2009ના સંમેલનોમાં આર્થિક સંકટ મામલે જે પગલાં લેવાયાં હતાં તેનાથી વિશ્વને મંદીમાંથી બહાર લાવવામાં મદદ મળી હતી.

પરંતુ કેટલાક વિવેચકોનું માનવું છે કે, ત્યાર બાદના શિખર સંમેલનો સરખામણીએ એટલાં સફળ નથી રહ્યાં અને કેમકે મોટાભાગે દુશ્મન રાષ્ટ્રો વચ્ચેનો તણાવ એમાં અસર કરી ગયો હતો.

પરંતુ સંમેલનની સાથે સાથે થતી દ્વિપક્ષીય મંત્રણાઓ ફળદાયી સાબિત થઈ છે.

વર્ષ 2019માં ઓસાકા ખાતે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વેપાર વિવાદને ઉકેલવા માટેની વાટાઘાટો માટે તૈયાર થયા હતા.

રેડ લાઇન
રેડ લાઇન