જી20 શિખર સંમેલન: મહેમાનોના સ્વાગત માટેનાં એ આકર્ષણો જે ચર્ચામાં છે

G20

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતના યજમાનપદે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં જી20 શિખર પરિષદનું આયોજન થઈ રહ્યું છે.

નવી દિલ્હીમાં યોજાનાર આ પરિષદની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, આજે અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત પહોંચી રહ્યા છે.

ભારતની રાજધાની પ્રતિનિધિમંડળોની યજમાની માટે સજ્જ છે. આ શિખર પરિષદ સૌપ્રથમ વાર ભારતના પ્રમુખપદે યોજાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રદર્શનો માટે જાણીતા વિશાળ પ્રગતિ મેદાનમાં બનાવવામાં આવેલા અત્યાધુનિક ‘ભારત મંડપમ્’માં આ શિખર પરિષદ યોજાઈ રહી છે. અહીં નેતાઓ સપ્તાહાંતે મળશે અને વિશ્વ સમક્ષના મુદ્દાઓની ચર્ચા કરશે.

મહેમાનોના સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે રોશનીથી ઝગમગતો ‘ભારત મંડપમ્’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

બીબીસી ગુજરાતી

નટરાજની મૂર્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું

જી20

ઇમેજ સ્રોત, ANI

ભારત મંડપમ્ કન્વેન્શન સેન્ટરમાં એક નટરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. એવું મનાય છે કે સમગ્ર વિશ્વમાં નટરાજની સૌથી મોટી મૂર્તિ છે.

આ મૂર્તિ આઠ ધાતુઓ કૉપર, ઝિંક, સીસમ, ટીન, ચાંદી, સોનું, પારો અને લોખંડમાંથી બનાવવામાં આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તાંડવ નૃત્ય કરતા શિવનું આ શિલ્પ 27 ફૂટ ઊંચું છે અને 20 ટનનું વજન ધરાવે છે.

'લૉસ્ટ-વેક્સ કાસ્ટિંગ' પદ્ધતિનો ઉપયોગ કરીને તામિલનાડુના તંજાવુરના પરંપરાગત સ્વામીમલાઈના સ્થપતિઓ દ્વારા આ શિલ્પ બનાવવામાં આવ્યું છે. આ શિલ્પને આકાર આપવામાં લગભગ 3.25 લાખ માનવકલાકો લાગ્યા હતા.

નવમી સદીમાં ચોલ વંશના સામ્રાજ્યની કળાપરંપરાનો પ્રભાવ આ મૂર્તિમાં જોવા મળે છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘જી20 બેઠકના સ્થળે નટરાજની પ્રતિમા ભારતની વર્ષો જૂની કલાત્મકતા, પરંપરાઓના પ્રમાણપત્ર તરીકે ઊભી છે.’

બીબીસી ગુજરાતી

AI એન્કર કરશે મહેમાનોનું સ્વાગત

કાર્યક્રમને સફળ બનાવવા ‘ભારત મંડપમ્’ને શણગારવામાં આવી રહ્યો છે. ‘ભારત મંડપમ્’માં એક પ્રદર્શન રાખવામાં આવ્યું છે જેમાં વિદેશી મહેમાનોને ભારતીય વૈદિક કાળથી લઈને ભારતના બંધારણ સુધીની પ્રક્રિયા અને તેની વિશેષતા વિશે જણાવવામાં આવશે.

આ સાથે દેશના પ્રાચીન ઇતિહાસની સાથે ડિજિટલ વિશ્વની ઝલક પણ અહીં રજૂ કરવામાં આવશે.

કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું સ્વાગત AI એન્કર કરશે અને તે પ્રદર્શન વિશે પણ થોડી જાણકારી મહેમાનોને આપશે.

AI એન્કર ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજીથી મહેમાનોને ઓળખી લેશે અને તેમનું સ્વાગત કરશે. AI એન્કર ભારતીય પરિધાનમાં સજ્જ હશે.

બીબીસી ગુજરાતી

મહેમાનોને ચંદ્રયાનની પણ ઝલક બતાવાશે

G20

ઇમેજ સ્રોત, ANI

‘ભારત મંડપમ્’માં અનેક પ્રદર્શનો તૈયાર કરવામાં આવ્યાં છે જેમાં મહેમાનોને અલગ-અલગ ઝાંખી કરાવવામાં આવશે.

ભારતમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે બન્યું અને યુપીઆઈ વડે ડિજિટલ ક્રાંતિ કઈ રીતે આવી તેને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આરબીઆઈ પણ દેશનો ફાઇનાન્શિયલ લૅન્ડસ્કેપ કઈ રીતે બદલાશે તેની ઝાંખી રજૂ કરશે.

ડેલિગેટ્સના યુપીઆઈ વૉલેટમાં બે હજાર રૂપિયા ભરવામાં આવશે જેનો તેઓ ઉપયોગ કરી શકશે.

મહેમાનો સમક્ષ સિંધુ ઘાટીની સભ્યતાથી લઇને ભારતની 2019ની ચૂંટણી સુધીની વાત રજૂ કરવામાં આવશે.

ભારતીય ચૂંટણીપંચના ડેટાને આધાર બનાવીને ભારતની ચૂંટણી વ્યવસ્થાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે જેથી ભારતીય લોકતંત્રની ઝાંખી વિશ્વ સમક્ષ રજૂ થઈ શકે.

જી20 સમિટમાં ચાર મિનિટની ફિલ્મ ‘ઇન્ડિયા ઑન ધી મૂન’ રજૂ કરવામાં આવશે. ભારતે તાજેતરમાં ચંદ્રયાનના માધ્યમથી મેળવેલ સફળતાની ઝાંખી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરાશે.

બીબીસી ગુજરાતી

મહેમાનોનાં ભોજન માટેનાં વાસણો

G20

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હી વિશ્વના મોટા નેતાઓની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે. આ મહેમાનગતિનો મહત્ત્વનો ભાગ એ મહેમાનોને પીરસવામાં આવતું ભોજન હશે.

જી20 પ્રતિનિધિઓ માટે ભારતની અનોખી વાનગીઓ તૈયાર કરવામાં આવશે અને આ વાનગીઓ પીરસવા માટે સોનાચાંદીનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવશે.

આ વાસણોની જવાબદારી આઇરિસ જયપુર નામની એક કંપનીને સોંપવામાં આવી છે. આ કંપની વૈભવી વાસણો ડિઝાઇન પણ કરે છે અને તેને બનાવીને તેની નિકાસ કરવાનું કામ પણ કરે છે.

આઇરિસ જયપુરના આ વૈભવી વાસણો જી20ના રાજકીય ડિનરની શોભા વધારશે.

અહીં ઉલ્લેખનીય છે કે જી20માં પરંપરા અને આધુનિક સૌંદર્યના મિશ્રણને આધાર બનાવીને મહેમાનગતિથી માંડીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આઇરિસ જયપુરના સીઇઓ રાજીવ પાબુવાલ કહે છે કે, “જેટલા પણ ડેલિગેટ્સ આવે છે એ આ વાસણો જોઈને અચંબિત થઈ જાય છે. રાજા-મહારાજાઓના સમયમાં જે રીતે વાસણો બનાવવાનો અને તેની ટેબલ પર ગોઠવણીનો જે કૉન્સેપ્ટ હતો તેને અમે અનુસરી રહ્યા છીએ. અલગ-અલગ શહેરોની થીમ પર પણ વાસણો બનાવવામાં આવ્યા છે. અમે કોશિશ કરી છે કે આપણા ભારતીય વારસા અને પરંપરાની એક ઝલક દુનિયાને દેખાડી શકીએ.”

બીબીસી ગુજરાતી

પૅઇન્ટિંગ્સથી સુશોભિત દિલ્હી

G20

ઇમેજ સ્રોત, ANI

નવી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કૌટિલ્ય માર્ગ પર એક ‘વેસ્ટ-ટુ-આર્ટ’ પાર્કને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આ પાર્કમાં જી20 દેશોના રાષ્ટ્રીય પ્રાણીઓ અને પક્ષીઓનાં શિલ્પો બનાવવામાં આવ્યાં છે. આ તમામ શિલ્પો ઑટોમોબાઇલ વેસ્ટમાંથી બનાવવામાં આવ્યા છે.

લલિત કલા અકાદમીના 25 કલાકારોએ 22 પ્રાણીઓના આ અનન્ય શિલ્પો બનાવવા પર કામ કર્યું છે.

આ સિવાય દિલ્હીના અનેક વિસ્તારોમાં હજારો વૉલ પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યાં છે જેને કારણે જાણે કે દિલ્હીની સૂરત બદલાઈ ગઈ છે.

આ ભીંતચિત્રોમાં જી20 થીમ મુખ્ય છે. મહેમાનોના ઑઇલ પેઇન્ટિંગ્સ પણ અનેક જગ્યાએ બનાવવામાં આવ્યાં છે. ચિત્રોને કારણે દિલ્હી વધુ સુંદર દેખાય છે.

બીબીસી ગુજરાતી

જી20ના લોગોમાં કમળે સર્જ્યો વિવાદ

G20

ઇમેજ સ્રોત, @BJP4INDIA

ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેના લોગોમાં કમળ સામેલ કરવાને લઈને વિપક્ષી દળ કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ભારતની જી20ની અધ્યક્ષતાના લોગો, થીમ અને વેબસાઇટનું લૉન્ચિંગ કર્યું હતું.

આ લોગોમાં કમળનું ફૂલ સામેલ છે.

મોદીએ લોગો વિશે કહ્યું હતું, "જી20નો આ લોગો માત્ર એક પ્રતીક-ચિહ્ન નથી. આ એક સંદેશ છે, ભાવના છે, જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં સામેલ રહ્યો છે. આ લોગો અને થીમ દ્વારા આપણે એક સંદેશ આપ્યો છે."

તેમણે કમળને ભારતની પૌરાણિક ધરોહર ગણાવતા કહ્યું, "આ લોગોમાં કમળનું ફૂલ, ભારતની પૌરાણિક ધરોહર, આપણી આસ્થા અને બૌદ્ધિકતાને ચિત્રિત કરે છે."

મોદીએ કહ્યું કે કમળનું પ્રતીક આશાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું, "હાલમાં દુનિયા વિનાશકારી મહામારી, સંઘર્ષ અને ઘણી આર્થિક અનિશ્ચિતતા બાદના પ્રભાવોમાંથી પસાર થઈ રહ્યું છે. જી20ના લોગોમાં કમળનું પ્રતીક આવા સમયે આશાનું પ્રતિનિધિત્વ કરે છે."

કૉંગ્રેસ પાર્ટી મહાસચિવ અને મીડિયા પ્રભારી જયરામ રમેશે એક ટ્વીટ કરીને કહ્યું હતું, "આજે ભાજપનું ચૂંટણીચિહ્ન ભારતની જી20 અધ્યક્ષતાનો સત્તાવાર લોગો બની ગયું છે. આ ચોંકાવનારું જરૂર છે પણ હવે લોકો જાણી ગયા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બેશરમીથી ખુદનો પ્રચાર કરવાની એક પણ તક ગુમાવશે નહીં."

જાણીતા લેખક સલિલ ત્રિપાઠીએ સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યું હતું, "કોઈ રાજનૈતિક પાર્ટીનું ચૂંટણીચિહ્ન (કમળ) જી20 બેઠકનો લોગો કેવી રીતે હોઈ શકે. શું જી20માં સામેલ બાકીના 19 દેશો મોદીને મંજૂરી આપી રહ્યા છે કે કેમ આ અંગે સ્પષ્ટતા જરૂરી છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી