દેશનું નામ ભારત કેવું રીતે પડ્યું અને નામકરણની કથા શું છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત વડનેરકર
    • પદ, ભાષાશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

જી-20 શિખર સંમેલનના પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ તરફથી આપવામાં આવનાર ભોજન સમારંભ માટે છાપવામાં આવેલા નિમંત્રણ પત્રને લઈને વિવાદ થઈ ગયો છે.

રાષ્ટ્રપતિ તરફથી મોકલવામાં આવેલા નિમંત્રણ પત્રમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દ 'પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા' ને બદલે 'પ્રેસિડેન્ટ ઑફ ભારત' લખવાને કારણે આ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વિપક્ષી દળોએ એ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર દેશના નામ તરીકે 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ બંધ કરીને માત્ર 'ભારત' શબ્દનો ઉપયોગ કરવાની યોજના લાવી રહી છે.

વિપક્ષી દળોનાં આ આરોપો પર કેન્દ્ર સરકાર કે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આવી નથી પરંતુ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગિરિરાજ સિંહે તેમનો નિમંત્રણ પત્ર એક્સ (ટ્વિટર) પર મૂક્યો હતો જેમાં 'પ્રેસિડેન્ટ ઑફ ભારત' લખવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Twitter / Sambit Patra

આ પગલાંની ટીકા કરતા કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ દ્વારા જી-20 કૉન્ફરન્સ માટે મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં 'પ્રેસિડેન્ટ ઑફ ઇન્ડિયા' બદલે 'પ્રેસિડેન્ટ ઑફ ભારત' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'ઇન્ડિયા' ગઠબંધનનો આટલો ડર? શું આ મોદી સરકારની વિપક્ષ પ્રત્યેની નફરત છે કે પછી ડરેલા અને ગભરાયેલા સરમુખત્યારની ધૂન?

આ આમંત્રણનો પત્ર સૉશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવે છે કે ભાજપ 'ઇન્ડિયા' ગઠબંધનથી ડરી ગયો છે, તો બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓનું કહેવું છે કે 'ભારત' નામનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી કારણ કે તે બંધારણનો જ એક ભાગ છે.

બીબીસી ગુજરાતીએ 4 જૂન, 2020ના રોજ આ દેશનું નામ ભારત નામ કેવી રીતે પડ્યું એ અંગે ભાષાશાસ્ત્રી અજિત વડનેરકરનો આ વિગતવાર લેખ પ્રકાશિત કર્યો હતો એ લેખ ફરી એકવાર વાંચો

line

ભારત નામ કેવી રીતે પડ્યું?

ભારત

ઇમેજ સ્રોત, Twitter / Dharmendra Pradhan

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરેલા ટ્વીટની તસવીર

દેશનું નામ બદલવા પર ચર્ચા છેડાઈ છે, બંધારણમાં નોંધાયેલા 'ઇન્ડિયા ધેટ ઇઝ ભારત'ને બદલીને માત્ર ભારત રાખવાની માગ ઊઠી છે. તો આવો સમજીએ કે ભારતને કયાં-કયાં નામોથી ઓળખવામાં આવે છે અને તેની પાછળની કહાણી શું છે.

પ્રાચીનકાળમાં ભારતભૂમિનાં અલગઅલગ નામ રહ્યાં છે- જેમ કે જમ્બુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ, આર્યાવર્ત, હિન્દુ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા.

પરંતુ ભારત સૌથી વધુ લોકમાન્ય અને પ્રચલિત રહ્યું છે.

નામકરણને લઈને સૌથી વધુ ધારણાઓ અને મતભેદ પણ ભારતને લઈને રહ્યા છે. ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની જેમ અલગઅલગ કાળખંડોમાં તેનાં અલગઅલગ નામ મળે છે.

આ નામોમાં ક્યારેક ભૂગોળ, ક્યારેક જાતીય ચેતના તો ક્યારેક સંસ્કાર ઊભરીને આવે છે.

હિન્દ, હિન્દુસ્તાન, ઇન્ડિયા જેવાં નામોમાં ભૂગોળ ઊભરી રહી છે. આ નામોનાં મૂળમાં આમ તો સિન્ધ નદી પ્રમુખ રીતે નજરે આવે છે, પરંતુ સિન્ધ માત્ર એક ક્ષેત્ર વિશેષની નદી જ નથી.

સિન્ધનો અર્થ નદી પણ છે અને સાગર પણ. એ રૂપમાં દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રને એક જમાનામાં સપ્તસિન્ધુ કે પંજાબ કહેતા હતા. એટલે કે તેમાં એક વિશાળ ઉપજાઉ વિસ્તારને ત્યાં વહેતી સાત કે પાંચ મુખ્ય ધારાઓને ઓળખવાની વાત છે.

આ રીતે ભારતના નામ પાછળ સપ્તસૈન્ધવ ક્ષેત્રમાં ઉદય પામેલી અગ્નિહોત્ર સંસ્કૃતિ (અગ્નિમાં આહુતિ આપવી)ની ઓળખ છે.

ભારતના દાવેદાર કેટલાય 'ભરત'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પૌરાણિક યુગમાં ભરત નામની અનેક વ્યક્તિઓ થઈ છે. દુષ્યંતસુત સિવાય દશરથપુત્ર ભરત પણ પ્રસિદ્ધ છે, જેઓએ 'પાદુકારાજ' કર્યું.

નાટ્યશાસ્ત્રવાળા ભરતમુનિ પણ થયા છે. એક રાજર્ષી ભરતનો પણ ઉલ્લેખ છે, જેના નામે જડભરત શબ્દ પ્રચલિત થયો.

મગધરાજ ઇન્દ્રદ્યુમ્નના દરબારમાં પણ એક ભરત ઋષિ હતા. એક યોગી ભરત પણ થયા છે. પદ્મપુરાણમાં એક દુરાચારી બ્રાહ્મણ ભરતનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

એતરેય બ્રાહ્મણમાં પણ દુષ્યંતપુત્ર ભરત જ ભારત નામકરણની પાછળ દેખાય છે. ગ્રંથ અનુસાર ભરત એક ચક્રવર્તી સમ્રાટ એટલે કે ચારેય દિશાઓની ભૂમિને અધિગ્રહણ કરીને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરીને અશ્વમેધ યજ્ઞ કર્યો, જેને કારણે તેમના રાજ્યને ભારતવર્ષ નામ મળ્યું.

આ રીતે મસ્ત્યપુરાણમાં ઉલ્લેખ છે કે મનુને પ્રજાને જન્મ આપનાર વર અને તેનું ભરણપોષણ કરવાને કારણે ભરત કહેવાયા છે. જે ખંડ પર તેમનો શાસન-વાસ હતો તેને ભારતવર્ષ કહેવાયું છે.

નામકરણનાં સૂત્ર જૈનપરંપરામાં પણ મળે છે. ભગવાન ઋષભદેવના જયેષ્ઠ પુત્ર મહાયોગી ભરતના નામે આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું. સંસ્કૃતિમાં વર્ષનો એક અર્થ વિસ્તાર, વિભાજન, ભાગ વગેરે પણ થાય છે.

line

દુષ્યંત-શકુન્તલાના પુત્ર ભરત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે ભારત નામ પાછળ મહાભારતના આદિપર્વમાં એક કથા છે. મહર્ષિ કણ્વ અને અપ્સરા મેનકાનાં પુત્રી શકુન્તલા અને પુરુવંશી રાજા દુષ્યંત વચ્ચે ગાંધર્વવિવાહ થાય છે. આ બંનેના પુત્રનું નામ ભરત પડ્યું

ઋષિ કણ્વે આશીર્વાદ આપ્યા કે ભરત આગળ જતાં ચક્રવર્તી સમ્રાટ બનશે અને તેમના નામે આ ભૂખંડનું નામ ભારત પ્રસિદ્ધ થશે.

મોટા ભાગના લોકોના મનમાં ભારત નામની ઉત્પત્તિની આ પ્રેમકથા લોકપ્રિય છે. આદિપર્વમાં આવેલા આ પ્રસંગ પર કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલમ નામનું મહાકાવ્ય રચ્યું. મૂળે આ પ્રેમાખ્યાન છે અને માનવામાં આવે છે કે તેને કારણે આ કથા લોકપ્રિય બની.

બે પ્રેમીઓની અમર પ્રેમકહાણી એટલી મહત્ત્વની બની કે આ મહાદેશના નામકરણનું નિમિત્ત બનેલાં શકુન્તલા-દુષ્યંતપુત્ર એટલે કે મહાપ્રતાપી ભરત અંગે અન્ય કોઈ જાણકારી મળતી નથી.

ઇતિહાસના અભ્યાસીઓનું સામાન્ય રીતે માનવું છે કે ભરતજન આ દેશમાં દુષ્યંતપુત્ર ભરતથી પહેલાં હતા. માટે એ તાર્કિક છે કે ભારતનું નામ કોઈ વ્યક્તિવિશેષના નામ પરથી નહીં પણ જાતિ-સમૂહના નામે પ્રચલિત થયું.

line

ભરતગણથી ભારત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભરતજન અગ્નિપૂજક, અગ્નિહોત્ર તેમજ યજ્ઞપ્રિય હતા. વૈદિકમાં ભરત/ભરથનો અર્થ અગ્નિ, લોકપાલ કે વિશ્વરક્ષક (મોનિયર વિલિયમ્સ) અને એક રાજાનું નામ છે.

આ રાજા એ જ 'ભરત' છે જે સરસ્વતી, ઘાઘરના કિનારે રાજ કરતા હતા. સંસ્કૃતમાં 'ભર' શબ્દનો એક અર્થ છે યુદ્ધ.

બીજો છે 'સમૂહ' કે 'જનગણ' અને ત્રીજો અર્થ છે- 'ભરણપોષણ'.

જાણીતા ભાષાવિદ્ ડૉ. રામવિલાસ શર્મા કહે છે- "આ અર્થ એકબીજાથી ભિન્ન તેમજ પરસ્પર વિરોધી છે. આથી 'ભર'નો અર્થ યુદ્ધ અને ભરણપોષણ બંને હોય તો આ શબ્દની પોતાની કોઈ વિશેષતા નથી. 'ભર'નો મૂળ અર્થ ગણ એટલે કે જન હતો. ગણની સમકક્ષ એ કોઈ પણ જન માટે ઉપયોગમાં લઈ શકાતો હતો. તેમજ આ એ ગણવિશેષનો સૂચક હતો જે 'ભરત' નામથી વિખ્યાત થયો."

તેનો શું અર્થ થયો?

વાસ્તવમાં ભરતજનોનું વર્ણન આર્ય ઇતિહાસમાં એટલું પ્રાચીન અને દૂરથી ચાલ્યું આવે છે કે ક્યારેક યુદ્ધ, અગ્નિ, સંઘ જેવા આશયથી સંબંધિત 'ભરત'નો અર્થ સીમિત રહીને એક સંજ્ઞામાત્ર રહી ગયો, જેના કારણે ક્યારેક 'દાશરથેય ભરત' સાથે જોડી દેવાય છે, તો ક્યારેક ભારતની વ્યુત્પત્તિના સંદર્ભમાં દુષ્યંતપુત્ર ભરતને યાદ કરાય છે.

line

'ભારતી' અને 'સરસ્વતી'નો ભરતો સાથે સંબંધ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે હજારો વર્ષ પહેલાં અગ્નિપ્રિય ભરતજનોના સૂચિતાર્થ અને સદાચાર એટલા પ્રચલિત હતા કે સતત યજ્ઞકર્મમાં રહેતા હોવાથી ભરત અને અગ્નિ શબ્દ એકબીજા સાથે જોડાઈ ગયા.

ભરત, ભારત શબ્દ જાણે કે અગ્નિના વિશેષણ બની ગયા.

સંદર્ભ દર્શાવે છે કે દેવશ્રવા અને દેવવાત- આ બંને ભરતો એટલે ભરતજનના બે ઋષિઓએ જ મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરવાની તકનીકી શોધ કરી હતી.

ડૉ. રામવિલાસ શર્મા અનુસાર, ઋગ્વેદના કવિ ભરતોના અગ્નિ સાથેના સંબંધના ઇતિહાસની પરંપરા પરત્વે સચેત છે.

ભરતોની સાથે સતત સંસર્ગને કારણે અગ્નિને ભરત કહેવાયું. આ રીતે યજ્ઞમાં સતત કાવ્યપાઠને કારણે કવિઓની વાણીને ભારતી કહેવાઈ.

આ કાવ્યપાઠ સરસ્વતીના તટે થતો હતો, આથી આ નામ પણ કવિઓની વાણી સાથે જોડાયું. અનેક વૈદિકમંત્રોમાં ભારતી અને સરસ્વતીનો ઉલ્લેખ આવે છે.

line

દાશરાજ્ઞ યુદ્ધ કે દસ રાજાઓનો જંગ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રાચીન ગ્રંથોમાં વૈદિકયુગીન એક પ્રસિદ્ધ જાતિ ભરત નામ અનેક સંદર્ભમાં આવે છે. આ સરસ્વતી નદી કે આજના ઘાઘરના કછારમાં વસનારો સમૂહ હતો. તેઓ યજ્ઞપ્રિય અગ્નિહોત્ર જન હતા.

એ જ ભરતજનના નામ પરથી એ સમયના આખા ભૂખંડનું નામ ભારતવર્ષ થયું. વિદ્વાનો અનુસાર, ભરત જાતિના નાયક સુદાસ હતા.

વૈદિકયુગથી પહેલાં પશ્ચિમોત્તર ભારતમાં નિવાસ કરતા લોકોના અનેક સંઘ હતા, જેને જન કહેવાતા.

આ રીતે ભરતોના આ સંઘને ભરતજનથી ઓળખવામાં આવતા હતા. બાકી અન્ય આર્યસંઘ પણ અનેક જનમાં વિભાજિત હતા, જેમાં પુરુ, યદુ, તુર્વસુ, અનુ, દ્રુહ્યુ, ગાંધાર, વિષાણિન, પક્થ, કેકય, શિવ, અલિન, ભલાન, ત્રિત્સુ અને સંજય વગેરે સમૂહ પણ જન હતા.

આ જ જનોમાં દસ જનોના સુદાસ અને તેમના તુત્સુ કબીલા વચ્ચે યુદ્ધ થયું હતું.

સુદાસના તુત્સુ કબીલા વિરુદ્ધ દસ મુખ્ય જાતિના ગણ કે જન લડતા હતા, જેમાં પંચજન (જેને અવિભાજિત પંજાબ સમજી શકાય) એટલે પુરુ, યદુ, તુર્વસુ, અનુ અને દ્રુહ્યુ સિવાય ભાલાનસ (બોલાન દર્રા વિસ્તાર), અલિન (કાફિરિસ્તાન), શિવ (સિન્ધ), પક્થ (પશ્તૂન) અને વિષાણિની કબીલા સામેલ હતા.

line

મહાભારતથી અઢી હજાર વર્ષ પહેલાં 'ભારત'

કર્ણાટકના હોયસાલેશ્વર મંદિરમાં લડાઈનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કર્ણાટકના હોયસાલેશ્વર મંદિરમાં લડાઈનું એક દૃશ્ય

આ મહાયુદ્ધ મહાભારતથી અઢી હજાર વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે. સ્વાભાવિક છે કે એ યુદ્ધ જેનું નામ જ મહા'ભારત' છે તે ક્યારે થયું હશે?

ઇતિહાસકારો અનુસાર, ઈશુ પહેલાં અંદાજે અઢી હજાર વર્ષ પહેલાં કૌરવ-પાંડવો વચ્ચે મહાયુદ્ધ થયું હતુ.

એક ગૃહક્લેશ જે મહાયુદ્ધમાં ફેરવાઈ ગયું એ તો ઠીક છે, પણ આ દેશનું નામ ભારત છે અને બે કુટુંબોના ક્લેશની નિર્ણાયક લડાઈમાં દેશનું નામ કેવી રીતે આવ્યું.

તેનું કારણ એ છે કે આ યુદ્ધમાં ભારતની ભૌગોલિક સીમામાં આવતાં બધાં સામ્રાજ્યોએ ભાગ લીધો હતો, આથી તેને મહાભારત કહે છે.

દાશરાજ્ઞ યુદ્ધ તેનાથી અઢી હજાર વર્ષ પહેલાં થયું હોવાનું મનાય છે. એટલે કે આજથી સાડા સાત હજાર વર્ષ પહેલાં.

તેમાં તુત્સુ જાતિના લોકોએ દસ રાજ્યોના સંઘ પર અભૂતપૂર્વ વિજય મેળવ્યો. તુત્સુ જનોને ભરતોનો સંઘ કહેવાતો હતો. આ યુદ્ધ પહેલાં આ ક્ષેત્ર અનેક નામથી જાણીતું હતું.

આ વિજય બાદ તત્કાલીન આર્યાવર્તમાં ભરતજનોનું વર્ચસ્વ વધ્યું અને તત્કાલીન જનપદોના મહાસંઘનું નામ ભારત થયું, એટલે કે ભરતોનું.

ભારત-ઈરાન સંસ્કૃતિ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

સ્પષ્ટ છે કે મહાભારતમાં ઉલ્લેખિત શકુન્તલાપુત્ર મહાપ્રતાપી ભરતનો ઉલ્લેખ એક રોચક પ્રસંગ છે.

હવે વાત કરીએ હિન્દુ, હિન્દુસ્તાનની. ઈરાની-હિન્દુસ્તાની જૂના સંબંધી હતા. ઈરાન પહેલાં પર્સિયા હતું.

એ અગાઉ પણ અર્યનમ, આર્યા અથવા આર્યાન. અવેસ્તામાં આ નામોનો ઉલ્લેખ છે.

માનવામાં આવે છે કે હિન્દુકુશની પાર જે આર્યો હતા તેમનો સંઘ ઈરાન કહેવાયો અને પૂર્વમાં જે હતા તેમનો સંઘ આર્યાવર્ત કહેવાયો. આ બંને સમૂહ મહાન હતાં. પ્રભાવશાળી હતાં.

હકીકતમાં તો ભારતનું નામ દૂર પશ્ચિમ સુધી ખુદ ઈરાનીઓએ પહોંચાડ્યું હતું.

કુર્દ સીમા પર બેહિસ્તૂન શિલાલેખ પર કોતરેલો હિન્દુશ શબ્દ તેની સાક્ષી પૂરે છે.

ફારસીઓએ અરબી પણ શીખી, પણ તેમના અંદાજમાં.

એક જમાનામાં અગ્નિપૂજક જરથુષ્ટ્રોની એવી સ્થિતિ હતી કે ત્યાં ઇસ્લામનો ઉદય પણ ન થઈ શક્યો.

આ વાત તો ઇસ્લામથી સદીઓ પહેલાં અને ઈશુથી પણ ચાર સદી પહેલાંની છે.

સંસ્કૃત-અવેસ્તામાં ગર્ભનાળનો સંબંધ છે. હિન્દુકુશ-બામિયાનની આ પાર યજ્ઞ થતો તો પેલે પાર યશ્ન.

અર્યમન, અથર્વન, હોમ, સોમ, હવન જેવી સમાનાર્થી પદાવલિઓ અહીં પણ હતી, ત્યાં પણ.

ફારસ, ફારસી, ફારસીઓની ગ્રાહ્યતાનો વિસ્તાર અહીં સુધી ન રહ્યો, ઇસ્લામમાં પણ સનાતનતાનું આ સૌહાર્દ જોવા મળે છે.

line

હિન્દ, હિન્દશ, હિન્દવાન

તામિલનાડુના મહાબલિપૂરમમાં પાંચ રથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તામિલનાડુના મહાબલિપૂરમમાં પાંચ રથ

હિન્દુશ શબ્દ તો ઈશુથી પણ અગાઉ બે હજાર વર્ષ પહેલાં અક્કાદી (એક ભાષા) સભ્યતામાં હતો. અક્કદ, સુમેર, મિસર બધાથી ભારતને સંબંધ હતા. આ હડપ્પા સમયની વાત છે.

સિન્ધ માત્ર નદી નહીં, સાગર, ધારા અને જળનો પર્યાય હતો. સિન્ધની સાત નદીઓવાળા પ્રસિદ્ધ 'સપ્તસિન્ધ', 'સપ્તસિન્ધુ' ક્ષેત્રને પ્રાચીન ફારસીમાં 'હફ્તહિન્દુ' કહેવાતો હતો.

શું આ 'હિન્દુ'નો અર્થ કંઈક જુદો છે?

સ્વાભાવિક છે કે હિન્દ, હિન્દુ, હિન્દવાન, હિન્દુશ જેવી અનેક સંજ્ઞાઓ બહુ પ્રચલિત છે.

ઇન્ડસ આ જ હિન્દશનું ગ્રીક સમરૂપ છે. આ ઇસ્લામ અગાઉની સદીઓ પહેલાંની વાત છે.

ગ્રીકમાં ભારત માટે India અથવા સિન્ધુ માટે Indus શબ્દોનો પ્રયોગ વાસ્તવમાં એ વાતનું પ્રમાણ છે કે હિન્દ અત્યંત પ્રાચીન શબ્દ છે અને ભારતની ઓળખ છે. સંસ્કૃતનું 'સ્થાન' ફારસીમાં 'સ્તાન' થઈ જાય છે.

આ રીતે હિન્દ સાથે જોડાઈને હિન્દુસ્તાન બન્યું. એટલે જ્યાં હિન્દી લોકો રહે છે. હિન્દુ વસે છે.

ભારત-યુરોપીય ભાષાઓમાં 'હ'નું રૂપાંતર 'અ' થઈ જાય છે. 'સ'નું 'અ' નથી થતું.

line

મેસોપોટામિયન સંસ્કૃતિઓનો હિન્દુઓ સાથે જ સંપર્ક હતો. હિન્દુ વાસ્તવમાં ગ્રીક ઇન્ડસ, અરબ, અક્કાદ, પર્શિયન સંબંધોનું પરિણામ છે.

અમે 'ભારતવાસી'

'ઇન્ડિકા'નો પ્રયોગ મેગાસ્થનીજે કર્યો. તેઓ લાંબા સમય સુધી પાટલીપુત્રમાં રહ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં બખ્ત્ર, બાખ્ત્રી (બૈક્ટ્રિયા), ગાંધાર, તક્ષશીલા (ટેક્સલા) વિસ્તારમાંથી પસાર થયા.

અહીં હિન્દ, હિન્દવાન, હિન્દુ જેવા શબ્દો પ્રચલિત હતા.

તેણે ગ્રીક સ્વરતંત્ર અનુરૂપ તેનાં ઇન્ડસ, ઇન્ડિયા જેવાં રૂપો ગ્રહણ કર્યાં. આ ઈશુથી ત્રણ સદી અને મોહમ્મદથી દસ સદી પહેલાંની વાત છે.

જ્યાં સુધી જમ્બુદ્વીપની વાત છે તો એ સૌથી જૂનું નામ છે. આજના ભારત, આર્યાવર્ત, ભારતવર્ષથી પણ મોટું.

પરંતુ આ તમામ વિવરણ બહુ અભ્યાસ માગે છે અને તેના પર હજુ ગહન શોધ ચાલી રહી છે.

જાંબુને સંસ્કૃતમાં 'જમ્બુ' કહેવાય છે. અનેક ઉલ્લેખ છે કે આ કેન્દ્રીય ભૂમિ પર એટલે કે આજના ભારતમાં કોઈ કાળમાં જાંબુનાં ઝાડ વધુ પ્રમાણમાં હતાં. તેને કારણે તેને જમ્બુદ્વીપ કહેવાય છે.

જે પણ હોય, આપણી ચેતના જમ્બુદ્વીપ સાથે નહીં, ભારત નામ સાથે જોડાયેલી છે. 'ભરત' સંજ્ઞાના દરેક સ્તરે ભારત હોવાની કથા ખોદાયેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો