યુપી: ભયંકર ગરમી વચ્ચે શબઘરમાં એટલા મૃતદેહો આવ્યા કે જગ્યા ઓછી પડી, ડૉક્ટરની તબિયત બગડી

ઉત્તરપ્રદેશમાં ભીષણ ગરમી પડી રહી છે. કેટલાંક શહેરોનું તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કાનપુરમાં પણ સતત ગરમી પડી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં અહીં શબઘરમાં આવેલા મૃતદેહોની સંખ્યા ઘણી વધી ગઈ છે.

બીબીસી હિન્દી માટે રિપોર્ટ કરતા કાનપુરના પત્રકાર અંકિત શુક્લાએ જણાવ્યું કે શનિવારે અહીં 32 અજાણ્યા લોકોના મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

આ મૃતદેહો શહેરની અલગ-અલગ જગ્યાઓ પર મળ્યા હતા. 30થી વધારે મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.

જાણ્યા-અજાણ્યા મૃતદેહો સતત આવવાના કારણે શબઘરમાં જગ્યા પડી હતી. સતત કામના કારણે એક ડૉક્ટરની તબિયત પણ બગડી હતી.

સીએમઓ ડૉ. આલોક રંજને 32 અજાણ્યા મૃતદેહો મળવાની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું, “ઑટોપ્સીની રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું કારણ જાણવા મળશે. મૃતદેહોને રાખવા માટે એક એસી અને અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ ડૉક્ટરોની ટીમ પોસ્ટમૉર્ટમ કરી રહી હતી. 19 મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ થઈ ચૂક્યું છે અને 14 મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ બાકી છે. 32 અજાણ્યા મૃતદેહો છે, જેને ઓછામાં ઓછા 48 કલાક ઓળખાણ કરવા માટે રાખવામાં આવશે.”

એડીએમ રાજેશકુમારે કહ્યું, “વધારે મૃતદેહો આવી રહ્યા છે. તેને રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મૃતદેહને બરફની પાટો પર રાખવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, જગ્યાની અછતને કારણે તે કરી ન શક્યા.”

કાનપુરમાં શુક્રવારે તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ હતું અને કાનપુર તે દિવસે ઉત્તરપ્રદેશનું સૌથી ગરમ શહેર હતું. શહેરની એલએલઆર હૉસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ મૃત્યુ લૂ લાગવાને કારણે થયું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, કાનપુરના ઍડિશનલ પોલીસ કમિશનર હરિશ્ચંદ્રે માન્યું કે આ ગરમીની અસર છે.

પોસ્ટમૉર્ટમ પછી અંતિમ સંસ્કારનું કામ કરનાર ધનીરામ પૈંથરે જણાવ્યુ, “છેલ્લા એક અઠવાડિયાથી રોજ 10-12 મૃતદેહો આવી રહ્યા છે. અહીં જરૂરી ડીપ ફ્રીઝર અને એસી ન હોવાને કારણે મૃતદેહો લાવનારની હાલત પણ ખરાબ છે. મોટી સંખ્યામાં લાવારિશ મૃતદેહો બહાર રાખવામાં આવ્યા છે.”

મિર્ઝાપુરમાં 13 લોકોનાં મૃત્યુ, છ હોમગાર્ડ

મિર્ઝાપુરથી હરીશચંદ્ર કેવટ, બીબીસી હિન્દી માટે

પૂર્વ ઉત્તરપ્રદેશના જિલ્લામાં તાપમાન વધવાને કારણે કેટલાક લોકોના મૃત્યુના અહેવાલો આવી રહ્યા છે. મિર્ઝાપુર અને બલિયા સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લા છે.

મિર્ઝાપુરમાં હીટ વેવ અને અવ્યવસ્થાને કારણે 13 ચૂંટણી કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે તેવા અહેવાલો છે. 30થી વધારે લોકોને હૉસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કામાં શનિવારે થયેલા મતદાનને દિવસે ભયંકર ગરમીને કારણે મિર્ઝાપુર આવેલા સુરક્ષાદળના અલગ-અલગ કર્મચારીઓ ભયંકર અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો અને જીવ પણ ગુમાવવો પડ્યો હતો.

મૃતકોમાં છ હોમગાર્ડના જવાનો સહિત કુલ 12 લોકો સામેલ છે.

આ ઉપરાંત અન્ય બે હોમગાર્ડ જે ચૂંટણી ડ્યૂટીમાં ન હતા, તેમનું પણ મૃત્યુ થયું હતું.

હોમગાર્ડે શું કહ્યું?

મિર્ઝાપુરમાં સ્ટ્રોંગ રૂમ રાજકીય પૉલિટેકનિક પરિસરમાં બનાવવામાં આવ્યું છે. મઝવા બલૉકના કટકા બૂથ પર તહેનાત હોમગાર્ડના જવાને કહ્યું, “અમે લોકો 31 તારીખે રાતે 11 વાગ્યે જ આવી ગયા હતા. અમે ટ્રેનથી ઊતરીને સ્ટ્રોંગ રૂમ સુધી ચાલીને ગયા હતા. અમેં ત્યાં પોતાની બસ અને બૂથને શોધવાનું શરૂ કર્યું, કારણ કે બધી જ બસો અલગ-અલગ જગ્યાએ ઊભી હતી.”

હોમગાર્ડના જવાને કહ્યું, “અમે લોકો પોતાની બસમાં બેઠા ત્યારે એવું લાગ્યું કે બસની છત પરથી જાણે આગ વરસી રહી છે. અમે બધા જ પરસેવાથી તરબતર હતા અને આંખો બળી રહી હતી.”

તેમણે ઉમેર્યું, “પીવાના પાણી માટે માત્ર બે જ ટેન્કરો હતા. છાંયડા માટે કોઈ વ્યવસ્થા ન હતી. બસો એક લાઇનમાં ન હતી. આ કારણે અમે લોકોએ ત્રણ કલાકથી વધારે સમય બસમાં પસાર કર્યો. અમે સવારથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બપોરે 12 વાગ્યા પછી જ અમે પોલિંગ બૂથ માટે ત્યાંથી રવાના થયા હતા.”

મુલાકાતે આવેલા ચૂંટણી નિરીક્ષક અધિકારી સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે ‘આ માટે તેઓ જવાબદાર નથી.’

સુવિધાઓ વિશે સવાલ પર તેમનો જવાબ હતો કે આજ સવારે વાદળ છવાઈ ગયાં હતાં, નહીંતર મતદાનસ્થળો પર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મતદાનસ્થળ પર હાજર આશા અને આંગણવાડી કાર્યકર્તાઓએ કહ્યું, “જે લોકો મતદાનકેન્દ્રની અંદર બેઠા હતા તેમને થોડીક રાહત હતી. તેઓ છાંયડામાં બેઠા છે અને તેમની ઉપર પંખો ફરે છે, પરંતુ અમારે શું કરવું? અમે આખો દિવસ બહાર બેસીને ડ્યૂટી કરી રહ્યા છીએ. અમારા માટે કોઈ વ્યવસ્થા નથી.”

સોનભદ્રમાં નવ અને વારાણસીમાં ત્રણ ચૂંટણી કર્મચારીનાં મૃત્યુ

ગૌરવ ગુલમહોર, બીબીસી હિન્દી માટે

પૂર્વી ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં શુક્રવારે સૌથી વધારે 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભદોહીમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ, વારાણસીમાં 43 ડિગ્રી સેલ્સિયસ અને મિર્ઝાપુરમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સોનભદ્રમાં અત્યાર સુધી કુલ નવ મતદાન કર્મચારીઓ હીટ વેવને કારણે મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

સોનભદ્ર જિલ્લા અધિકારી ચંદ્રવિજયસિંહે મીડિયાને જણાવ્યું, “રૉબર્ટ્સગંજ પૉલિટેકનિક કૉલેજથી પોલિંગ પાર્ટી રવાના થવાની હતી. કેટલાક મતદાન કર્મચારી, ડ્રાઇવર અને હેલ્પરની બપોરે 11થી 2 વાગ્યા વચ્ચે હીટ સ્ટ્રોકને કારણે તબિયત ખરાબ થઈ ગઈ હતી.”

તેમણે ઉમેર્યું, “ત્રણ મતદાન કર્મચારીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. હીટ સ્ટ્રોક વૉર્ડમાં પણ બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. બે ચૂંટણી કર્મચારીઓ નિત્યાનંદ પાંડે (ક્લાર્ક) અને અન્ય એકનું હીટ વેવને કારણે મૃત્યુ થયું હતું.”

જાણકારી પ્રમાણે વારાણસીમાં પણ ત્રણ મતદાન કર્મચારીઓ સહિત કેટલાક સામાન્ય લોકોનું ભયંકર ગરમીને કારણે મૃત્યુ થયું છે. જોકે, જિલ્લા વહીવટીતંત્રે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.

બલિયાના ચકબહાઉદ્દીન ગામના કેન્દ્ર પર રામબચન ચૌહાણ નામના એક વૃદ્ધ ચક્કર ખાઈને પડી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

ઘટનાસ્થળ પર હાજર ગ્રામના સરપંચ અરુંજય ચૌહાણે બીબીસીને જણાવ્યું, “રામબચન મતદાનની લાઇનમાં લગભગ પાંચ મિનિટ ઊભા રહ્યા હતા. અચાનક ચક્કર આવતા તેઓ હાંફીને નીચે પડ્યા. તેમને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ અગાઉ સંપૂર્ણપણે સ્વસ્થ હતા.”

જોકે, બલિયાના જિલ્લા અધિકારી રાજેન્દ્રકુમારે બીબીસીને કહ્યુ કે ઉપજિલ્લા અધિકારીના રિપોર્ટ પ્રમાણે તેઓ પહેલેથી જ બીમાર હતા.

જોકે, તેમણે બલિયામાં હીટ વેવને કારણે અન્ય કોઈ વ્યક્તિના મૃત્યુથી ઇનકાર કર્યો છે.