You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદને કાળઝાળ ગરમીથી બચાવવા તૈયાર કરાયેલો 'હિટ ઍક્શન પ્લાન' શું છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં મે 2010માં જ્યારે તાપમાન 46 ડિગ્રીને પાર ગયું હતું, ત્યારે એ મહિનાના એક અઠવાડિયામાં 800 જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. અમદાવાદ શહેરમાં ગરમીને કારણે આ પ્રકારે એક જ અઠવાડિયામાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોય તેવો આ એક અલાયદો કિસ્સો હતો.
AMCના નોડલ ઑફિસર ડૉ.તેજસ શાહે બીબીસી ગુજરાતી સાથે શૅર કરેલા પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશનમાં સંબંધિત માહિતી અપાયેલી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે મે, 2010માં કુલ 1344 લોકો હીટવેવને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્રથમ વખત 2013માં હીટ ઍક્શન પ્લાનની શરૂઆત કરી હતી. સરકાર હીટ વેવના સમયમાં લોકોને ગરમી વિશે માહિતી મળે તે માટે તૈયારીઓ કરે છે.
સરકારી હૉસ્પિટલો હીટ વેવને લગતી ઇમર્જન્સી માટે તૈયાર રહે તે હેતુ સાથે અમદાવાદ શહેરમાં પ્રથમ હીટ ઍક્શન પ્લાનની શરૂઆત થઈ હતી.
2013 બાદ હીટ ઍક્શન પ્લાન દર વર્ષે લાગુ કરાય છે. હીટ ઍક્શન પ્લાન (HAP) સામાન્ય રીતે મે મહિનામાં સૌથી વધારે સક્રીય રીતે લાગુ કરવામાં આવે છે. હાલમાં જ્યારે અમદાવાદમાં તપમાન 40 ડિગ્રીને પાર જઈ રહ્યું છે, ત્યારે HAP લાગુ કરવામાં આવેલો છે.
જોકે, HAP કેવી રીતે લાગુ થાય છે, તેનાથી શું ફરક પડે છે, તેની માહિતી લેવા માટે બીબીસીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમજ આ HAPને લાગુ કરવા પાછળ જે સંસ્થાનું મોટું યોગદાન છે, તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના (IIPH)ના અધિકારીઓ સાથે વાત કરી હતી.
શું છે હીટ ઍક્શન પ્લાન?
HAP એટલે હીટ વેવ અંગેનો ઍક્શન પ્લાન છે, જે અંતર્ગત પહેલાંથી જ લોકોને જાણકારી આપવામાં આવે છે. સાથે જ લોકોએ શું કરવું અને શું ન કરવું તેની ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવે છે.
આ ઉપરાંત વિવિધ ખાતાઓ સાથે સંકલન કરી હીટ વેવને કારણે લોકોને કોઈ નુકસાન ન થાય તે માટે પૂર્વ તૈયારી કરાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા IIPHના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું હતું કે, “આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જે આ પ્લાનને લાગુ કરશે અને બીજાં ખાતાં સાથે સંકલનમાં કામ કરશે.”
આ પ્લાન વિશે માહિતી આપતા ડૉ. માવળંકર કહે છે કે, “ગરમીને કારણે 2010માં એક સપ્તાહમાં 800થી વધુના લોકોનાં મૃત્યુને કારણે સરકાર અને બીજી સંસ્થાઓએ સાથે મળીને ગરમીથી બચવા અગાઉથી શું કરી શકાય તે દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું અને ભારતમાં પ્રથમ વખત આ હીટ ઍક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો.” જોકે, અમદાવાદ પહેલાં દક્ષિણ એશિયાના અમુક દેશોમાં હીટ ઍક્શન પ્લાન લાગુ થઈ ગયો હતો.
ડૉ. માવળંકર કહે છે કે “વિવિધ સ્થળોએ લાગુ કરાયેલા હીટ ઍક્શન પ્લાનથી પ્રેરણા લઈને અમદાવાદ માટે પ્લાન બનાવવામાં આવ્યો હતો.” 2010ની હીટ વેવની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “21મી મે 2010ના રોજ તાપમાન 46 ડિગ્રીને પાર હતું અને તે દિવસે 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.”
તેમણે કહ્યું હતું કે, “ગરમી કેટલી રહેવાની છે, ઘરની બહાર નીકળવું કે નહીં અને ઘરની બહાર નીકળવા કેવી તૈયારીઓ રાખવી. આ પ્રકારની માહિતી પહેલાંથી લોકો પાસે હોય તેવી સિસ્ટમ એટલે હીટ ઍકશન પ્લાન.”
કેવી રીતે કામ કરે છે હીટ ઍક્શન પ્લાન?
અમદાવાદમાં હીટ ઍક્શન પ્લાન મુખ્યત્વે ચાર મુદ્દા પર કામ કરે હોય છે.
- સૌપ્રથમ લોકોમાં હીટ વેવ વિશે જાગૃતિ લાવવી અને તેમને હીટ વેવના જોખમો વિશે જાણ કરવી.
- બીજું હીટ વેવની લોકોને અગાઉથી જાણ કરી દેવી અને તે અંગે વિવિધ એજન્સીઓ એક બીજા સાથે સંકલનમાં રહીને કામ કરે તે દિશામાં કામ કરવું.
- ત્રીજું મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને હીટ વેવના દર્દીઓની ઇમર્જન્સીમાં સારવાર કરવા માટે તૈયાર કરવા.
- ચોથું લોકો સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે તેવી પડછાયાવાળી જગ્યાઓ ઊભી કરવી.
ડૉ. માવળંકર પ્રમાણે, “જ્યારે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારે તેમાં ખાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ખુલ્લામાં કામ કરતા મજૂરો, વૃદ્ધો તેમજ બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.”
આ પ્લાન પ્રમાણે જ્યારે તાપમાન 45 ડિગ્રીને પાર જાય, ત્યારે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવે છે. 43થી 44.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું હોય, ત્યારે યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવે છે અને તાપમાન 41.1 ડીગ્રીથી 43 ડીગ્રી હોય ત્યારે ઑરેન્જ ઍલર્ટ હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન આગાઉથી આ પ્રકારે ઍલર્ટ જાહેર કરતું હોય છે.
ઍલર્ટ બાદ શું થાય છે?
ઍલર્ટ જાહેર કર્યા બાદ શું થાય છે તે અંગે બીબીસી ગુજરાતીને AMCના નોડલ ઑફિસર ડૉ.તેજસ શાહ જણાવે છે, “હાલ એક સામાન્ય વ્યક્તિ સુધી યેલો, ઑરેન્જ કે રેડ ઍલર્ટની માહિતી પહોંચી જાય છે. અમે આ સિસ્ટમને સારી રીતે ગોઠવી છે. જે પ્રકારે જાહેર કરાયેલા ઍલર્ટ અનુસાર વિવિધ એજન્સીઓએ કામ કરવાનું હોય છે.”
જેમ કે રેડ ઍલર્ટ હોય તો AMCના ઍસ્ટેટ ખાતા દ્વારા રોડ રસ્તા પર કામ કરતા તમામ મજૂરોને બપોરે 12થી 4માં કામ કરવાની ના પાડવામાં આવે છે.
આ જ રીતે યેલો ઍલર્ટ હોય ત્યારે મજૂરોને નિયમિત બ્રેક મળે છે કે નહીં, તે જોવાની જવાબદારી પણ ઍસ્ટેટ વિભાગની બની જાય છે.
જોકે આ પ્રકારની કામગીરીનું મૉનિટરિંગ કેવી રીતે થાય છે, તે વિશે જ્યારે બીબીસીએ નોડલ ઑફિસર ડૉ.તેજસ શાહને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે, “ઍસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગની ટીમ જે પ્રકારે ઍલર્ટ હોય, તે પ્રકારે કામ થઈ રહ્યું છે કે નહીં તેનું સતત મૉનિટરીંગ કરે છે. તેથી જ હીટ ઍક્શન પ્લાનના ફાયદા જોવા મળી રહ્યા છે.”
હીટ વેવ શું છે?
સરળ શબ્દોમાં સમજીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ છે. જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે.
ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય, ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે.
હીટ વેવની ઍલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 4.5થી 6.4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.
સિવિયરર હિટ વેવની ચેતવણી ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં 6.4 ડિગ્રી કરતાં વધારો જોવા મળે છે.
માર્ચથી જૂન મહિના દરમિયાન ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોમાં વધારે ગરમી અનુભવાય છે.ક્યારેક તામિલનાડુ અને કેરળમાં પણ તેની અસર વર્તાય છે. જોકે હવે હિમાલયનાં કેટલાંક રાજ્યોમાં પણ લૂની અસર જોવા મળી રહી છે.
હીટ ઍક્શન પ્લાનથી શું ફાયદો થયો?
ડૉ.શાહ પ્રમાણે એક સામાન્ય વ્યક્તિને ઘરેથી નીકળતા પહેલાં ખબર હોવી જોઈએ કે આજે કયું ઍલર્ટ છે. તેઓ ઉમેરે છે, "અમને મળેલા ફીડબેકના આધારે કહું તો લોકો પોતાનું કામ એ પ્રકારે પ્લાન કરે છે."
“અમે પોલીસ ડિપાર્ટમૅન્ટ અને લેબર ડિપાર્ટમૅન્ટની સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છીએ. ઍલર્ટના સમયે ઘણા ચાર રસ્તાઓ પર ટ્રાફિક લાઇટ બંધ કરી દેવાય છે, જેથી લોકોને તડકામાં રોડ પર ઊભા ન રહેવું પડે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમારી ટીમ લેબર ડિપાર્ટમેન્ટ સાથે પણ કામ કરે છે અને સતત જોતી રહે છે કે, વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઍલર્ટ સમયે કોઈ કામ ચાલું તો નથી ને.