ભારતમાં ચોમાસું મોડું શરૂ થશે, ગુજરાતમાં ક્યારે પહોંચશે?

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ભારતમાં આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં મોડું શરૂ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં હાલ ઉનાળાની ગરમી પડી રહી છે અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જઈ રહ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઉનાળાની ગરમી પણ મોડી શરૂ થઈ હતી.

બીજી તરફ તાજેતરમાં જ ચોમાસા પહેલાં બંગાળની ખાડીમાં 'મોખા' નામનું વાવાઝોડું સર્જાયું હતું. તેની સીધી અસર ભારત પર નહોતી થઈ પરંતુ તેના કારણે ભારતમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી અને ખૂબ ઝડપથી દેશમાં ગરમી પડવાની શરૂ થઈ હતી.

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ હજી એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભારતમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. જ્યારે ગુજરાતમાં ચોમાસું લગભગ 15 જૂનની આસપાસ પહોંચતું હોય છે.

કેરળથી ભારતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, જ્યારે ગુજરાતમાં સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં પહેલાં ચોમાસાની શરૂઆત થતી હોય છે.

આ વર્ષે ચોમાસું ક્યારે શરૂ થશે?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત કદાચ ચાર દિવસ મોડી થશે. એટલે કે કેરળમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં ચાર દિવસ મોડું પહોંચશે.

હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન પ્રમાણે એવો અંદાજ છે કે કેરળમાં ચોમાસું 4 જૂનના રોજ પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ચોમાસાના પૂર્વાનુમાનની આગાહી આંકડાકીય મૉડલના આધારે કરવામાં આવતી હોય છે. જેમાં ઘણી બાબતો ધ્યાન પર લેવામાં આવે છે. જેથી હવામાન વિભાગનું કહેવું છે કે જે 4 જૂનના રોજ ચોમાસાની તારીખમાં ચારેક દિવસ વહેલું કે ચારેક દિવસ મોડું ચોમાસું થઈ શકે છે. આ આગળ પાછળના ચાર દિવસોને મૉડલ ત્રુટી ગણવામાં આવે છે, એટલે કે આગાહીમાં આટલો ફેરફાર થવો સામાન્ય છે.

ભારતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું એ ખૂબ અગત્યનું છે, તેના પર જ દેશના અર્થતંત્ર અને કરોડો ખેડૂતોની ખેતીનો આધાર રહેલો છે.

ચોમાસાની નક્કી કરેલી તારીખ કરતાં બે-ચાર દિવસ ચોમાસું થોડું વહેલું કે મોડું શરૂ થવું એ સામાન્ય છે. આ પહેલાંના વર્ષોમાં પણ ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં મોડું શરૂ થયું હતું.

વર્ષ 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન, 2018માં 29 મેના રોજ ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. 2019માં અરબી સમુદ્રમાં સર્જાયેલા અને ગુજરાત પર આવેલા 'વાયુ' વાવાઝોડાને લીધે ચોમાસું મોડું શરૂ થયું હતું.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?

કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાત સુધી પહોંચતા તેને લગભગ 10થી 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે. વર્ષ 2022માં 29 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી.

જે બાદ ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી 13 જૂનના રોજ પહોંચ્યું હતું. ત્યાર બાદ 16 મેના રોજ તેણે વધારે વિસ્તારોને કવર કર્યા હતા.

જોકે, તે બાદ ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું અને લગભગ 10 દિવસ સુધી તેમાં કોઈ પ્રગતિ દેખાઈ ન હતી. 1 જુલાઈની આસપાસ સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું હતું.

કેરળ ચોમાસું પહોંચે તે બાદ પણ તેને ઘણાં પરિબળો અસર કરતાં હોય છે. તેના પર તેની પ્રગતિ આધારિત છે. ઘણી વખત ચોમાસું જલદી ગુજરાત પર પહોંચે છે તો ઘણી વખત ચોમાસું મોડું ગુજરાત પર પહોંચે છે.

ચોમાસું શરૂ થાય તે પહેલાં પણ રાજ્યમાં વરસાદ થતો હોય છે અને ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થઈ જતો હોય છે. આ વર્ષે કેરળમાં ચોમાસું પહોંચે તે બાદ પવનો કેટલાક મજબૂત છે અને બાકીનાં પરિબળો કેવી અસર કરે છે તેના આધાર પર તેની પ્રગતિ નક્કી થશે.

ચોમાસામાં આ વર્ષે કેટલો વરસાદ પડશે?

હવામાન વિભાગે એપ્રિલમાં જ આગામી ચોમાસાનું અનુમાન જારી કરી દીધું છે. એ મુજબ આવનારું ચોમાસુ દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. 'સામાન્ય ચોમાસા'નો અર્થ એ છે કે દેશમાં સરેરાશ સારો વરસાદ થશે. 96 ટકાથી 104 ટકા સુધીના વરસાદને સારો વરસાદ ગણવામાં આવે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 96% વરસાદ થવાની સંભાવના છે. લાંબા ગાળાની સરેરાશ એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી પડતો વરસાદ. જોકે, સારા વરસાદનો સૌથી નીચેનો માપદંડ હવામાન વિભાગે કહ્યો છે.

ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે અને સપ્ટેમ્બર મહિના સુધી તે લંબાય છે. આ ચાર મહિનામાં પડતા વરસાદને ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે.

આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ મજબૂત થઈ રહી છે અને તાજેતરનું એવું અનુમાન છે કે ભારતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ અલ નીનો વધારે મજબૂત બનશે.

સામાન્ય રીતે ભારતના ચોમાસા પર અલ નીનોની નકારાત્મક અસર થતી હોય છે અને વરસાદ ઓછો પણ થતો હોય છે તો ક્યારેક કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ પણ પેદા થતી હોય છે. જોકે, ઇન્ડિયન ઓસન ડાયપોલ પોઝીટીવ હોય તો તે અલ નીનોની અસરને નકારી શકે છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાનું અનુમાન જારી કર્યું છે, તેમના અનુમાન અનુસાર દેશમાં આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે.

સ્કાયમેટના અનુમાન અનુસાર લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ચોમાસામાં 94 ટકા વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટના કહેવા અનુસાર ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અપૂરતો વરસાદ થવાની શક્યતા છે.