You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરળમાં પહોંચ્યા બાદ ચોમાસું થંભી ગયું, હવે ક્યારે આગળ વધશે અને ગુજરાતમાં કઈ તારીખે પહોંચશે?
ગુજરાત સહિત દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસું કેરળ અને પૂર્વોત્તરનાં રાજ્યો સુધી પહોંચી ગયું છે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.
કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. બંગાળની ખાડી તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે, પરંતુ ગુજરાત પર જે તરફથી આવે તે અરબી સમુદ્રની શાખા આગળ વધી નથી.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હાલ આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં તાપમાન હજી 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર છે.
જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોમાં હજી હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.
ગુજરાતમાં જૂન મહિનો અડધો પૂરો થયા બાદ ચોમાસાનું આગમાન થતું હોય છે. જોકે તે પહેલાં ચોમાસા પહેલાની ગતિવિધિને કારણે વરસાદની શરૂઆત થઈ જતી હોય છે.
ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે આગળ વધશે?
ભારતમાં ચોમાસાની શરૂઆત 30 મેના રોજ જ થઈ ગઈ છે અને એક જ સાથે કેરળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ચોમાસું શરૂ થયું હતું.
ચોમાસાની બે શાખામાંથી અરબી સમુદ્રની શાખા હજી કેરળથી આગળ વધી શકી નથી અને બીજા પ્રદેશોમાં તે આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે.
જ્યારે બંગાળની ખાડી તરફની શાખા પૂર્વોત્તરનાં રાજ્યો અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગઈ છે. ઓડિશા સહિતનાં રાજ્યોમાં ચોમાસા પહેલાંના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી પરિસ્થિતિઓ દેખાઈ રહી છે. આગામી બે દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, બાકી રહેલા દક્ષિણ અરબી સમુદ્રના વિસ્તારો, કેરળના બાકી રહેલા વિસ્તારો, લક્ષ્યદ્વીપ, કર્ણાટકના કેટલાક વિસ્તારો, આંધ્ર પ્રદેશના વિસ્તારો, તમિલનાડુના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસોમાં અરબી સમુદ્રની બ્રાંચ હવે પ્રગતિ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ચોમાસું વધારે વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતા છે.
દેશમાં હાલ પૂર્વોત્તર અને દક્ષિણમાં ભારે વરસાદ થતાં ઉત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારે શરૂ થશે?
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી બે દિવસ સુધી રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીની સ્થિતિ રહેવાની સંભાવના છે.
આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં હજી પણ ગરમીની સાથે ઘણા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનો ચાલુ રહે તેવી શક્યતા છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે.
ગુજરાતની પાસે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવશે, સાથે ગરમી પણ પડી રહી છે એટલે કેટલાક વિસ્તારોમાં બફારો પણ અનુભવાશે.
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે પરંતુ રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું આ તારીખની આસપાસ શરૂ થતું હોય છે. જોકે, 1 જૂન બાદ ચોમાસું પહોંચે એ પહેલાં પણ વરસાદ પડે તો તેને ચોમાસાના વરસાદમાં ગણવામાં આવે છે.
ગુજરાતમાં ચોમાસું અરબી સમુદ્રની શાખા લઈને આવે છે અને હાલ આ શાખા આગળ વધી રહી નથી. 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ ત્યાંથી આગળ વધ્યું નથી. જોકે, હવે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં આ શાખા મજબૂત બનશે અને વધારે વિસ્તારોમાં ચોમાસાને લઈ જશે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 7 જૂનની આસપાસ વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવી શક્યતા હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે, એ પહેલાં પણ કોઈ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં ધૂળભરી આંધીની આગાહી કેટલા દિવસ છે?
હવામાન વિભાગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં ધૂળભરી આંધીની આગાહી કરી રહ્યું છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં ઝડપી પવનની સાથે ધૂળભરી આંધીની શક્યતા છે.
સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા દિવસો અને જૂનની શરૂઆતના દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ધૂળની આંધી આવતી હોય છે. રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ક્યારે ગુજરાતના વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળે છે.
રીમાલ વાવાઝોડા બાદ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં 40થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે બપોર બાદ પવન ફૂંકાઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા બાદ ગુજરાતમાં હજી એકાદ દિવસ ધૂળની આંધીની શક્યતા દેખાઈ રહી છે, ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉપરાંત હજી બે કે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં કોઈ ખાસ ઘટાડો નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી નથી.