ચીન અમેરિકાને પછાડી ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર કેવી રીતે બન્યું?

    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધો અંગે સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે ભારત ચીન પાસેથી આટલી બધી ખરીદી શું કામ કરે છે?

વિદેશમંત્રીએ આ સવાલ કોલકાતાના કાર્યક્રમ દરમિયાન ઉઠાવ્યો હતો. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે ચીન સાથે આટલા મોટા પાયે વેપાર શું દેશ માટે યોગ્ય છે?

જયશંકર કોલકાતાના આ કાર્યક્રમમાં ઉત્પાદન ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાના મહત્ત્વ વિશે વાત કરી રહ્યા હતા.

તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે, ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના આંકડા પ્રમાણે બંને દેશો વચ્ચેનો વેપાર ચાલુ નાણાકીય વર્ષમાં 118.4 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો હતો.

ચીનથી ભારતમાં આયાત 3.24 ટકા વધીને 101.7 બિલિયન ડૉલર થઈ ગઈ હતી. ભારતથી ચીનની નિકાસ 8.7 ટકા વધીને 16.67 બિલિયન ડૉલર થઈ ગઈ હતી.

આ આંકડાઓને આધારે જ વિદેશમંત્રી એસ. જયશંકરને કોલકાતામાં યોજાયેલા કાર્યક્રમમાં ભારત અને ચીન વચ્ચેના વેપાર પર સવાલો પૂછવામાં આવ્યા હતા.

જયશંકરે કહ્યું કે જે ભારત જ્યારે કોવિડ મહામારીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચીન પોતાની ભારતને લાગતી સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી.

આ પહેલાં વર્ષ 2017માં ભૂતાનની નજીક આવેલી સીમા પર ભારત અને ચીન વચ્ચે 71 દિવસ સુધી તણાવની પરિસ્થિતિ હતી.

ત્યાર બાદ 2020માં ગલવાનની ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તે બાદથી ભારત અને ચીનના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.

બંને દેશોએ ગલવાનની ઘટના પછી સીમા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

ભારતે ક્વાડ (QUAD) સંગઠનના સભ્ય દેશો જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સાથે સીમાસુરક્ષાને લઈને વાતચીતને આગળ વધારી છે.

ભારત સરકારે જૂન 2020માં ચીનની કેટલીક મોબાઇલ ઍપ બંધ કરી દીધી હતી. ભારતે સુરક્ષા અને પ્રાઇવસીના ખતરાનો હવાલો આપીને ચીનની 59 ઍપ પર પ્રતિબંધ લગાડ્યો હતો.

ત્યાર બાદ ભારત સરકારે 10 ઓગસ્ટે 47 ઍપ, 1 સપ્ટેમ્બરે 118 ઍપ અને 19 નવેમ્બરે 43 મોબાઇલ ઍપ પર પ્રતિબંધ લાદ્યો હતો.

જૂન 2020માં પ્રતિબંધિત કરાયેલી કેટલીક ઍપમાં ટિકટૉકનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો.

વિદેશમંત્રી એસ જયશંકરે શું કહ્યું?

એસ. જયશંકરે કોલકાતામાં “વિકસિત ભારત@2047” સંમેલનમાં ચીનની વાત કરતી વખતે 1962ની યાદ અપાવી હતી.

તેમણે કહ્યું, “ચીન સાથેના સંબંધની વાત કરીએ તો ભારત પાસે 1962નો અનુભવ છે. ત્યાર બાદ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી 1988માં ચીન ગયા હતા. એક રીતે આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય કરવાની દિશામાં એક પ્રયત્ન હતો.”

“આ દરમિયાન બંને દેશો વચ્ચે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. 1988 પછી બંને દેશો વચ્ચેના સંબંધનો આ જ આધાર હતો. જોકે, 2020માં જે ઘટના બની તે પછી બંને દેશોના સંબંધોમાં ફેરફાર આવ્યો છે.”

જયશંકરે કહ્યું, “ચીને વર્ષ 2020માં ભારત સાથે થયેલી સમજૂતીઓનું ઉલ્લંઘન કર્યું અને મોટી સંખ્યામાં સૈનિકોને સીમા પર એકઠા કરવાનું શરૂ કર્યુ. ચીને આ પગલું ત્યારે લીધુ જ્યારે ભારત કોવિડ મહામારીમાંથી પસાર થઈ રહ્યો હતો.”

ભારતે તેના જવાબમાં સીમા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી અને ત્યાર બાદ ગલવાનમાં સૈનિકોની અથડામણ થઈ હતી.

તેમણે કહ્યું કે ભારતીય નાગરિક તરીકે આપણે દેશની સુરક્ષાને અવગણી ન શકાય અને આ વર્તમાન સમયમાં એક મોટો પડકાર છે.

જોકે, તેમણે ઉમેર્યું કે આ ઉપરાંત એક મોટો આર્થિક પડકાર પણ છે. આપણે અગાઉનાં વર્ષોમાં ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અવગણના કરી હતી.

વિદેશમંત્રીએ કહ્યું, “ભારતીય ટ્રેડર્સ ચીન પાસેથી આટલી વધારે ખરીદી કેમ કરે છે? તમે કહી શકો કે તેમની (ચીનની) ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટીએ પણ ચીન વધારે સક્ષમ છે. ચીનમાં વધારે સબસિડીની પણ વ્યવસ્થા છે જેનો તેમને ફાયદો થાય છે.”

“જોકે, હું તમને વિનંતી કરીશ કે તમે આ વિશે વિચારો કે શું આ વાત દેશના ભવિષ્ય માટે યોગ્ય છે? શું તમારા વ્યવસાય માટે કોઈ બીજા સ્રોત પર આધાર રાખવો યોગ્ય છે? ખાસ કરીને એવા દેશ પર જે વેપાર ઉપરાંત રાજકીય કારણો માટે પણ તમારો ફાયદો ઉઠાવી શકે છે.”

તેમણે કહ્યું, “વિશ્વના કેટલાક દેશો હાલમાં આર્થિક સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. દેશો માને છે કે કેટલાક મુખ્ય વ્યવસાય દેશની અંદર જ રહેવા જોઈએ. પુરવઠાતંત્ર નાનું હોવું જોઈએ. તમે બધી વસ્તુઓનું ઉત્પાદન ન કરતા હોય તો પુરવઠાતંત્ર ભરોસાપાત્ર હોવું જોઈએ. આ એવા દેશ સાથે હોવું જોઈએ જે રાજકારણ અને વેપારને એકમેક સાથે ભેગાં ન કરે અને જેની સાથે આપણો સીમાવિવાદ ન હોય.”

“આ વાત સંપૂર્ણપણે સરકારના હાથમાં નથી. આ નિર્ણય મોટા ભાગે વેપારીના નિર્ણય પર આધાર રાખે છે. સરકાર આ કામમાં ચોક્કસ મદદ કરે છે. સરકાર દરેક સૅક્ટરમાં આ કામ ન કરી શકે. જોકે, સરકાર કેટલાંક ક્ષેત્રો બાબતે અત્યંત સંવેદનશીલ છે.”

શું ભારતે ચીનની આયાત પર ઓછો આધાર રાખવો જોઇએ?

ચીન મામલાના નિષ્ણાત અને વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તાએ કહ્યું કે વિદેશમંત્રી જયશંકરનું નિવેદન ભારતના વેપારીઓને એ યાદ અપાવવાનો પ્રયત્ન છે કે સીમા પર સતત તણાવ જોવા મળી રહ્યો છે અને ભારતે ચીન પર ઓછો આધાર રાખવો જોઈએ.

તેમણે કહ્યું, “વિદેશમંત્રીનું નિવેદન એ સંદર્ભમા મહત્ત્વપૂર્ણ છે કે (ચીન પર) આ પ્રકારની નિર્ભરતાથી આપણે ન તો દેશના સ્વાસ્થ્ય અને ન વેપારી હિત પર ધ્યાન આપી રહ્યા છીએ. કારણ કે ચીન જો ભવિષ્યમાં કોઈ પણ કારણોસર નિકાસ બંધ કરે તો પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે.”

“ભારત ચીનને માત્ર 14 ટકા નિકાસ કરે છે અને ચીન પાસેથી 86 ટકા આયાત કરે છે. ભારત એવી પરિસ્થિતિમાં છે, જેમાં નેપાળ અને બાંગ્લાદેશ પણ નથી.”

તેમણે કહ્યું, “સરકારે આત્મનિર્ભર ભારત યોજના થકી રીટેલ ગુડ્સની આયાત બંધ કરાવી દીધી હતી. જોકે, જે ભારતમાં બની શકે એવા મધ્યમ કે લો ટેકનૉલૉજી પ્રોડક્ટના ઉત્પાદન વિશે ન વિચાર્યું. ભારત તેનું ઉત્પાદન વધારી શકે, પરંતુ આ વિશે ઉદ્યોગજગતે ન વિચાર્યુ અને પોતાનું ઉત્પાદન ન વધાર્યું. કારણ કે તેમને (ઉદ્યોગોને) ચીનથી તે સરળતાથી મળી શકે છે.”

ફૈસલ અહમદ દિલ્હીની ફૉર સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં પ્રોફેસર અને ભારત-ચીન વેપાર મામલાના જાણકાર છે.

તેમણે કહ્યું કે એશિયા પેસિફિક વિસ્તારમાં એક ગ્લોબલ વેલ્યૂ ચેનનું એક નેટવર્ક છે, જેમાં ચીન અગ્રેસર છે.

પ્રોફેસરે ઉમેર્યું, “ચીને આ પ્રકારની વ્યવસ્થાઓ અને ઓછો ખર્ચ થાય તેવી પદ્ધતિઓ અપનાવી, જેને કારણે ચીનને ફાયદો મળે છે.”

“આ પદ્ધતિઓ જ્યારે ચીનને બદલે અન્ય કોઈ દેશમાં લઈ જવામા આવે તો કંપનીઓને એટલો ફાયદો થતો નથી. આ કારણે જ કંપનીઓ માટે ચીન એક મહત્ત્વપૂર્ણ સહયોગી પુરવાર થાય છે.”

સૈબલ દાસગુપ્તાએ કહ્યું, “સરકાર ઉત્પાદન વધારવા માટે પીએલઆઈ યોજનાની જાહેરાત કરી હતી. ઍન્ટી ડમ્પિંગ ડ્યૂટી પણ લાદવામા આવી હતી અને ક્વૉલિટી કંટ્રોલ ઑર્ડર પણ લાવ્યા, છતાં ભારતની આયાતમાં વધારો થયો હતો. સરકારે આ બાબતે સમયસર રિવ્યૂ ન કર્યો, પરંતુ સરકાર હવે ઇન્ડસ્ટ્રીને આ વિશે યાદ અપાવી રહી છે.”

“આ સવાલ પહેલાં જ કરવાની જરૂર હતી. દેશમાં બજાર જે ઝડપથી વધી રહી છે તે ઝડપથી દેશની ઉત્પાદનક્ષમતા વધારવાના પ્રયત્નો કેમ કરવામા ન આવ્યા? આ વિશે ન વિચારાયું અને સરકારના પ્રયત્નોમાં કમી દેખાય છે.”

પ્રોફેસર ફૈસલ અહમદે કહ્યું, “ભારતમાં ઉત્પાદિત કરાતી કેટલીય વસ્તુઓમાં ચીનથી આયાત કરેલાં ઉપકરણોનો ઉપયોગ કરવામા આવે છે. આ ઉપકરણો ભારતની આયાતનો મોટો ભાગ છે અને તેમાં ચીનની મોટી ભાગેદારી છે. ભારતે આ મુશ્કેલીનો ઉપાય શોધવાના પ્રયત્નો કરવા જોઈએ.”

“ભારતે બીજા દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરવા આત્મનિર્ભર યોજના અથવા પીએલઆઈ યોજના હેઠળ કામ કરવું પડશે. આ ઉપરાંત ભારતે ઘરેલુ ઉત્પાદનક્ષમતાને મોટા પાયે વધારવા ધ્યાન આપવું જોઈએ.”

“આપણે આ વાતને ચીનના વિરોધની દૃષ્ટીએ નહીં, પરંતુ આપણે ઉત્પાદન વધારવા તરફ અને વિશ્વમાં આપણા ઉત્પાદનોની નિકાસ વિશે વિચારવું જોઈએ. ઘરેલુ ઉત્પાદન વધશે તો બીજા દેશો પર આપણી નિર્ભરતા ઓછી થશે.”

પ્રોફેસર ફૈસલ અહમદે કહ્યું, “દેશના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઇન્ડસ્ટ્રીની ભૂમિકા જરૂર છે, પરંતુ ઉત્પાદનક્ષમતામાં વધારા માટે સરકારની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જોકે, આ સરકાર અને ઇન્ડસ્ટ્રી બંનેની જવાબદારી છે.”

સૈબલ દાસગુપ્તાએ કહ્યું, “આવનારી સરકાર આ વિશે પાયાના સ્તરે કોશિશ કરે તે મહત્ત્પૂર્ણ છે. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી ચીન પર નિર્ભરતા કેટલી ઘટી શકે તે કહેવું મુશ્કેલ છે.”

ભારત અને ચીન વચ્ચે વેપાર

વર્ષ 2024માં ચીને ફરીથી ભારતના સૌથી મોટા વેપાર સહયોગી તરીકેનો દરજ્જો હાંસલ કર્યો છે. ગયા વર્ષે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર સહયોગી હતો.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવે (જીટીઆરઆઇ) જાહેર કરેલા તાજેતરના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2024માં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર 118.4 બિલિયન ડૉલર રહ્યો હતો.

જીટીઆરઆઇના રિપોર્ટ પ્રમાણે ભારતે ચીનથી થઈ રહેલી આયાત ઘટાડવા ઍન્ટી ડમ્પિંગ ટૅક્સ અને ક્વૉલિટી કંટ્રોલ અંગેના નિયમો લાગુ કર્યા હતા. જોકે, ભારતની આયાત પર તેની અસર જોવા મળતી નથી.

નાણાકીય વર્ષ 2024માં ભારતે ચીન પાસેથી 2.2 અરબ ડૉલરની લીથિયમ આયન બૅટરી ખરીદી હતી, જે આ ક્ષેત્રમાં થતી આયાતના 75 ટકા છે. આ ઉપરાંત ટેલિકૉમ ઉપકરણો અને ફોન સાથે જોડાયેલી આયાતનો 44 ટકા હિસ્સો ચીનથી આવે છે, જેની કિંમત લગભગ 4.2 અરબ ડૉલર છે.

ભારત અને ચીન વચ્ચે વેપારનો ઇતિહાસ

ભારત અને ચીન વચ્ચે ઈસવીસન પૂર્વે બીજી સદીથી સાંસ્કૃતિક સંબંધો છે. પાડોશી દેશો હોવાને કારણે બંને દેશોના ઇતિહાસકારો એકમેકના દેશનો પ્રવાસ ખેડીને એ વિશેના અહેવાલો લખતા હતા.

ચીન સાથે ભારતનો વેપાર મોડો શરૂ થયો હતો. વર્તમાન આંકડા પ્રમાણે ભારત અને ચીન વચ્ચે વર્ષ 2000 સુધી જે વેપાર 2.92 અબજ ડૉલરનો હતો એ વધીને વર્ષ 2008માં 41.85 અબજ ડૉલર થઈ ગયો હતો.

વર્ષ 2000માં બંને દેશોની આયાત અને નિકાસમાં કોઈ મોટો ફેરફાર નહોતો થયો. જોકે, વર્ષ 2006 પછી આ અંતરમાં વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2007માં ભારતે 14.61 અબજ ડૉલરનો નિકાસ કર્યો હતો, જ્યારે 24.05 અબજ ડૉલરની આયાત કરી હતી.

ચીનના પ્રિમિયર વેન જિયાબાઓએ ડિસેમ્બર 2010માં ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચેના વેપારને 2015 સુધી 100 અબજ ડૉલર સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આયાત અને નિકાસ વચ્ચેનું અંતર પણ વધ્યું છે, ભારત ચીનને નિકાસ કરતાં ચીન પાસેથી અનેક ગણી વસ્તુઓ આયાત કરે છે.