એ યોદ્ધાઓ જેનાથી ડરીને ચીને હજારો કિલોમીટર લાંબી 'ગ્રેટ વોલ ઑફ ચાઇના' બનાવી

    • લેેખક, દાહલિયા વેન્ચૂરા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

વર્ષોથી ચાલતી ક્રૂર લડાઈના અંત માટે હાન ચીનના શાસકો અને ઉત્તરની વિચરતી જાતિઓએ ઈસવી પૂર્વે 33માં શાંતિકરારની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય પ્રસંગોએ કરવામાં આવ્યું હતું તેમ ચીનની રાજકુમારી અને ઝાયોન્યુના વડાનાં લગ્ન વડે તે શાંતિકરારનો સોદો નક્કી થવાનો હતો. જોકે, ચીનના સમ્રાટ પોતાની એકેય દીકરીને ગુમાવવા ઇચ્છતા નહોતા. તેથી તેમણે પોતાના હરમમાંથી એક સ્વયંસેવકને શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો.

આવાં લગ્ન કરવા માટે વાંગ ઝાઓજુન નામક એક માત્ર મહિલા તૈયાર થયાં હતાં. તેઓ અત્યંત સુંદર અને બુદ્ધિશાળી યુવતી હતાં. લગ્નના આ પ્રસ્તાવમાં તેમને રાજમહેલના જીવનની શૂન્યતામાંથી મુક્તિ મેળવવાની અને એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળવાની તક દેખાઈ હતી.

રાજકુમારીના પદ અને સુંદર લાલ પોશાક તથા એક વાદ્યયંત્ર સાથે તે દૂરના દેશની લાંબી યાત્રા માટે એક સફેદ અશ્વ પર નીકળી પડ્યાં હતાં.

તેમણે બાકીનું જીવન સપાટ મેદાન પર વિતાવ્યું હતું અને તેના સૌમ્ય પ્રભાવને લીધે જૂના દુશ્મનો હાન અને ઝાયોન્યુ વચ્ચે લાંબા સમય સુધી શાંતિ જાળવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

હાર્વર્ડ યુનિવર્સિટીના ઍન્થ્રોપોલોજી વિભાગના ક્રિસ્ટિના વારિનરે બીબીસીને અમેરિકામાં કહ્યું હતું, “ઝાયોન્યુ લોકો વચ્ચે તેનું જીવન એકદમ અલગ હતું. સૌપ્રથમ તો એક મહિલા તરીકે તેની પાસે ઘણી સત્તા હતી.”

બાયોમોલેક્યૂલર પુરાતત્ત્વના નિષ્ણાત ક્રિસ્ટિના આ વાત જાણે છે કે તેમણે ઇતિહાસમાં સૌપ્રથમ ખાનાબદોશ સામ્રાજ્ય કયું હતું તેનો અભ્યાસ કર્યો છે.

વાંગ ઝાઓજુનની કહાણી કિવદંતીઓમાં ડૂબેલી છે. વારિનરે જણાવ્યું હતું કે શાંતિ કરાર માટે ઝાયોન્યુ અને હાન રાજવંશોએ અનેક પ્રયાસ કર્યા હતા તેમજ તેને મજબૂત કરવા માટે લગ્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. “તેમની જીવનશૈલી અને વૈશ્વિક દૃષ્ટિકોણ એટલાં અલગ-અલગ હતાં કે સ્થાયી શાંતિ હાંસલ કરવાનું તેમના માટે મુશ્કેલ હતું.”

વિધિની વક્રતા એ છે કે દુશ્મનોના ઇતિહાસની કથા ચીની ઇતિહાસકારોએ પોતે જ તેમના વંશજોને કહી હતી.

હકીકત એ છે કે ઝાયોન્યુએ લેખનપ્રણાલી ક્યારેય વિકસાવી જ ન હતી અને વિચરતો લોકસમૂહ હોવાને કારણે તેઓએ તેમના દૈનિક જીવનના બહુ ઓછા પુરાવા છોડ્યા હતા. અલબત, વિશાળ શબઘર સંકુલમાંથી તેઓ જરૂર જણાવી રહ્યા છે કે તેઓ કોણ હતા.

એ પૈકીની બે કબરની તાજેતરની તપાસમાં વારિનરે ભાગ લીધો હતો. તેમણે વિખ્યાત વિચરતા લોકસમૂહની છબીને સમૃદ્ધ બનાવી છે. એ લોકોએ અશ્વની પીઠ પર બેસીને શક્તિશાળી સામ્રાજ્ય બનાવ્યું હતું અને સૂર્ય તથા ચંદ્ર તેમના ઓળખપત્ર હતા.

અનુભવી ભરવાડો

વોરિનરે નોંધ્યું છે, “ઝાયોન્યુ સામ્રાજ્યની રચના બહુ નાટકીય રીતે અને અચાનક થઈ હતી. મધ્ય મંગોલિયાના પર્વતોની પૂર્વ અને પશ્ચિમમાં રહેતા આ લોકો હજારો વર્ષોથી એકમેકની સાથે વાતચીત કરી ન હતી.”

“ઈસવી પૂર્વે 200ની આસપાસ ત્યાં ઘણી હિલચાલ, અરાજકતા તથા યુદ્ધ જોવા મળ્યાં હતાં. નવા ઝાયોન્યુ સામ્રાજ્યની રચના માટે બે જૂથે હાથ મિલાવ્યા હતા.”

પ્રાચીન રોમન અને ઇજિપ્શીયન સામ્રાજ્યોનું સમકાલીન તે સામ્રાજ્ય શાહી ચીનને સૌથી મોટા હરીફ તરીકે ઉભર્યું હતું. ચીની ઇતિહાસકારો ક્રૂર લડાઈની કથાઓ કહે છે. તેમાં 3,00,000 વિકરાળ અશ્વારૂઢ ઝાયોન્યુ તીરંદાજોએ ઉત્તર ચીન પર વારંવાર હુમલા કર્યા હતા.

તેમાં કોઈ અતિશયોક્તિ નથી તેનો પુરાવો ચીનની ગ્રેટ વોલ છે. શક્તિશાળી યોદ્ધાઓ સામેના અવરોધ તરીકે સમગ્ર ઉત્તરીય સરહદે તે દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં એ દિવાલ તેમને રોકી શકી ન હતી.

અશ્વ પર આરૂઢ થઈને યુદ્ધ કરવાની અદભૂત ક્ષમતાને લીધે તેમની છબી આકર્ષક બની હતી અને સમય જતાં તે વીડિયો ગેમ્સના સર્જનની પ્રેરણા પણ બની હતી.

તેઓ વિચરતી જાતિના પશુપાલન કરતા લોકો હતા. તેમનું વર્ણન ચીની ઈતિહાસકાર સીમા કિઆન (ઇસવી પૂર્વે 145-60) દ્વારા કરવામાં આવ્યું છે. એમાં તેમની સંસ્કૃતિની પ્રથમ ઝલક જોવા મળી હતી. તેઓ અશ્વો, ઢોરઢાંખર અને ઘેંટાઓના ટોળા માટે ચરવાની જમીન સતત શોધતા હતા.

વોરિનરે કહ્યું હતું, “તેઓ મોસમ અનુસાર આગળ વધતા હતા. ઘણી વખત સમાન સ્થળે પાછા ફરતા હતા. તેઓ ઘાસ વધુ હરિયાળું હોય તેવા નવા-નવા સ્થળોએ પણ ગયા હતા. તેઓ દૂરના પ્રદેશોના, ભૂતપૂર્વ દુશ્મન હોય તેવા જૂથો સાથે જોડાણ કરીને તેમના પ્રદેશનો વિસ્તાર પણ કરતા હતા.”

ધીમે ધીમે તેમણે ગ્રેટ યુરેશિયન પ્રદેશ પર ત્રણ સદી સુધી તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

આ રીતે તેમણે સલામતી હાંસલ કરી હતી એટલું જ નહીં, પરંતુ તેઓ જેને સૌથી વધુ મહત્વ આપતા હતા તે વિલાયતી પ્રોડક્ટ્સ પણ પ્રાપ્ત કરી હતી.

તેઓ બહારની વસ્તુઓથી આકર્ષાયા હતા. તેથી તેમણે વ્યૂહાત્મક વ્યાપાર નેટવર્ક બનાવવા અને તેના વિસ્તરણના પ્રયાસ કર્યા હતા, જેથી દૂરના પ્રદેશોમાંથી વસ્તુઓ અને ટેકનોલોજી પોતાને ત્યાં લાવી શકાય.

રોમ અથવા ઇજિપ્તથી વિપરીત, ભરવાડોના આ ખાનાબદોશ સમૂહે શહેરોનું નિર્માણ કર્યું ન હતું કે કેન્દ્રીયકૃત અમલદારશાહી બનાવી ન હતી?

તેઓ વિદેશી વસ્તુઓ એક નિશ્ચિત માત્રામાં પોતાની સાથે લઈ જઈ શકતા હતા. તેમના માટે એ બહુ કિંમતી હતી, પરંતુ એ પરિસ્થિતિમાં તેઓ કેટલું એકઠું કરી શકે તેની એક મર્યાદા હશે.

મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈવોલ્યુશનરી એન્થ્રોપોલોજી એન્ડ જિયોએન્થ્રોપોલોજીના તેમજ સોલ, મિશિગન તથા હાર્વર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓની આંતરરાષ્ટ્રીય ટીમના તાજેતરના અભ્યાસના તારણ મુજબ, અન્ય બાબતોની માફક આમાં પણ રાજકુમારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી.

પુરાતત્વશાસ્ત્રને જેનેટિક્સ સાથે જોડીને ઘણાં રસપ્રદ પાસાં આખરે પ્રકાશમાં આવી રહ્યાં છે. જેમ કે, પુરુષોનું વર્ચસ ધરાવતા સમાજમાં સામ્રાજ્યને સ્ત્રીઓએ આગળ ધપાવ્યું હતું.

સમજદાર રાજકુમારીઓ

વારિનરે કહ્યું હતું, “બે શબઘરમાંથી મળી આવેલા માનવઅવશેષોના જીનોમ્સના રિક્ન્સ્ટ્રક્સનનું પરીક્ષણ અમે સૌપ્રથમ કર્યું હતું. અમને જાણવા મળ્યું હતું કે તેઓ આનુવંશિક રીતે બહુ વૈવિધ્યસભર હતા. સામ્રાજ્ય ઘણાં વંશીય જૂથોનું બનેલું હતું. તેમણે એકમેકની સાથે હાથ મેળવીને રાજકીય જોડાણ બનાવ્યું હતું.”

ઝાયોન્યુ સમુદાયોની આંતરિક ગતિશીલતાને સમજવા માટે સંશોધકોએ બે કબ્રસ્તાનમાં કામ કર્યું હતું. એ પૈકીનું એક સ્થાનિક ઉચ્ચ વર્ગનું હતું. તેમાંથી મળેલા પુરાવા દર્શાવે છે કે તેઓ “તેમના પાડોશીઓ સાથે જોડાણ કરવા માટે લગ્નનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરતા હતા. બીજું કુલીન કબ્રસ્તાન હતું. ત્યાં વિશાળ, ચોરસ કબરોની આસપાસ નાની કબરો પણ હતી. તેમાં ભદ્ર વર્ગના લોકો, સામ્રાજ્યના વિસ્તરણ માટે મોકલવામાં આવેલા ઉચ્ચ-ક્રમાંકિત લોકોને દફનાવવામાં આવ્યા હતા. ”

આજુબાજુની કબરો કદાચ નોકરોની હતી અને રસપ્રદ વાત એ છે કે તેઓ બધા પુરુષો હતા, નીચલા દરજ્જાના લોકો હતા.

“કુલીન કબરો પર સ્ત્રીઓએ કબજો જમાવ્યો હતો.”

તેમનું આનુવંશિક વૈવિધ્ય નીચલા વર્ગ કરતાં પણ ઘણું ઓછું હતું, જે દર્શાવે છે કે તેમની શક્તિ ચોક્કસ વંશોમાં કેન્દ્રિત હતી. તેમની કબરમાંથી ગ્રીક, ચીની, રોમન અને પર્શિયા જેવા અન્ય પ્રદેશોની કળા તથા ટેકનૉલૉજી પ્રત્યેની અભિમુખતાના પુરાવા મળ્યા હતા. એ ઉપરાંત સમાજમાં તેમની મોખરાની ભૂમિકાના સંકેતો પણ મળ્યા હતા. તેમાં ચીની લેકર ગોબ્લેટ્સ, ગિલ્ડેડ આયર્ન બેલ્ટ ક્લેપ્સ, અશ્વો માટેની લોખંડની સામગ્રી તથા ગાડીઓ જેવી પરંપરાગત રીતે પુરુષ યોદ્ધાઓ સાથે સંકળાયેલી વસ્તુઓ પણ હતી.

“એ સ્ત્રીઓ સત્તા, આદર અને શાસનનું પ્રતીક હતી. એ બધી શ્રીમંત મહિલાઓ જ ન હતી, સત્તાધારી મહિલાઓ હતી.”

તેઓ રાજકીય રીતે સમજદાર રાજકુમારીઓ હતી, જેમણે વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું.

“ઝાયોન્યુ યોદ્ધાઓના સૈન્યે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો, જ્યારે ભદ્ર મહિલાઓએ સરહદો પર શાસન કર્યું હતું.” સરકારનું કામકાજ મહિલાઓને સોંપવાની પરંપરા ચાલુ રહી હોવાનું વોરિનરે જણાવ્યું હતું.

“ઝાયોન્યુના પતનનાં 1,000 વર્ષ પછી પણ મોંગોલ સામ્રાજ્યની રાણીઓ શ્રેષ્ઠ શાસકો હતી. મોંગોલ સામ્રાજ્ય સૌથી મોટું હતું અને વિચરતી જાતિઓનું હતું.”

ઝાયોન્યુએ કોઈ લેખિત ઇતિહાસ ભલે ન છોડ્યો હોય, પરંતુ તેમણે ઇતિહાસ પર ગાઢ છાપ છોડી હતી.

“તેમણે લાંબા ગાળાની મોટી અસર કરી હતી. તેમના સામ્રાજ્યના પતન પછી પણ તેની સ્મૃતિ મજબૂત રહી હતી. સદીઓ પછી નવાં જૂથો ફરી-ફરી બન્યાં હતાં અને તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઝાયોન્યુના કાયદેસરના વંશજો છે. તેમની સાથે ઉદ્ભવેલા ઘણા વિચારનો પ્રભાવ પછીના સામ્રાજ્યોમાં પણ ચાલુ રહ્યો હતો.”