જયશંકરઃ દુનિયામાં ભારતનો સશક્ત અવાજ કે આક્રમકતાને લીધે દેશમાં મળતી લોકપ્રિયતા?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતનું માનવું છેકે યુક્રેનમાં યુદ્ધને કારણે દુનિયામાં વિભાજન વધી ગયું છે. પશ્ચિમના દેશોએ ઊભી કરેલી વૈશ્વિક વ્યવસ્થામાં મોટા પાયે ફેરફારની જરૂર છે એવું પણ ભારત માને છે.

આ વાસ્તવિકતા છે, પણ અમેરિકા જેવા શક્તિશાળી દેશને આ વાત કરે કોણ?

ચીન આ વાત ખુલ્લેઆમ જણાવે છે અને વિકાસશીલ દેશોમાં પોતાને એક અગ્રણી દેશ તરીકે જોઈ રહેલું ભારત પણ આ વાત દુનિયાને કહેવાની જવાબદારી પોતાના ખભે લઈ રહ્યું છે.

ભારતના વિદેશપ્રધાન ડૉ. સુબ્રમણ્યમ જયશંકર એવા અગ્રણી નેતા તરીકે અલગ તરી આવ્યા છે, જે વિકાસશીલ દેશોના વિચારોને કોઈ સંકોચ વિના સચોટ શબ્દોમાં વ્યક્ત કરી રહ્યા છે.

ભારતના તરફદારોનો દાવો છે કે જયશંકર પોતાની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી રહ્યા છે. પશ્ચિમના શક્તિશાળી સાથી રાષ્ટ્રો ભારત પર જોરદાર દબાણ કરી રહ્યા છે કે ભારતે રશિયા સાથેનો નાતો તોડી નાખવો જોઈએ. આ યુદ્ધમાં ભારત પશ્ચિમની છાવણીને સાથે આપે તેવું દબાણ છે, પરંતુ ભારતે એવું કર્યું નથી.

ભારતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે યુદ્ધમાં તે 'કોઈ પણ પક્ષને સાથ આપશે નહીં'. ભારતે આ રીતે દુનિયામાં ઊભા થઈ રહેલા દબાણનો સામનો કરવા માટે જે આત્મવિશ્વાસ દાખવ્યો છે તેના એક મોટા ચહેરા તરીકે પણ જયશંકર જ દેખાઈ રહ્યા છે.

ભારતમાં વિદેશ પ્રધાન જયશંકરની લોકપ્રિયતા વધી રહી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકો એ જોઈ રહ્યા છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન જેવા દુનિયાના શક્તિશાળી જૂથો સામે ભારત અડીખમ ઊભું છે.

જયશંકરનાં નિવેદનોને નીડર અને તીખાં ગણવામાં આવી રહ્યાં છે, જ્યારે કેટલાકને તે ચીડ પેદા કરનારાં લાગ્યાં છે.

લોકતંત્ર કેટલું મજબૂત છે તેનું રેટિંગ કરનારી પશ્ચિમની ઘણી મોટી સંસ્થાઓએ ભારતમાં લોકશાહી પરંપરામાં પીછેહઠ થઈ રહી છે તેની અને લઘુમતીઓ સાથે થઈ રહેલા વહેવારની બાબતમાં ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવે કે ટીકા કરવામાં આવે તેની સામે જયશંકરે ખૂબ આકરું વલણ લીધું છે.

જયશંકરનું કહેવું છે કે, "આ તો ઢોંગ છે. દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમણે આવાં સર્ટિફિકેટ ફાડવાનો ઠેકો લઈ લીધો છે. ભારતને હવે તેમની મહેરબાનીની જરૂર નથી એ વાત તે લોકોને હજમ થઈ રહી નથી."

જયશંકરનું આ નિવેદન બસ એક રીતે ચોંકાવનારું હતું. તેમણે પોતાનો આકરો અભિપ્રાય સીધો જ વ્યક્ત કરી દીધો. તેને ડિપ્લોમેટિક ચાસણીમાં ગળચટ્ટો બનાવવાની કોશિશ કરી નહોતી.

દેખીતી રીતે જ જયશંકર જાણે છે કે ભારતના સામાન્ય નાગરિકો પણ દેશની ટીકાનો જવાબ આ રીતે ચોખ્ખીચણાક ભાષામાં જ દેવાનું પસંદ કરે. આવા તીખી વાણીને કારણે જયશંકર સામાન્ય લોકો અને ખાસ કરીને રાષ્ટ્રવાદી લોકોની નજરમાં હીરો બની ગયા છે.

આ વર્ષના જાન્યુઆરીમાં પશ્ચિમના મીડિયામાં કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકારને 'હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર' ગણાવી ત્યારે પણ જયશંકરે બહુ આકરો જવાબ આપ્યો હતો.

તે વખતે તેમણે કહ્યું હતું કે, "તમે વિદેશી અખબારો વાંચશો તો ખબર પડશે કે તેમાં હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર એવા શબ્દપ્રયોગો કરવામાં આવે છે. અમેરિકા કે યુરોપના દેશોને એ લોકો ખ્રિસ્તી રાષ્ટ્રવાદી નથી કહેતા. આવા જુમલા તે લોકો ખાસ આપણા માટે જ સાચવીને રાખે છે."

રાજદ્વારી અને વિદેશી બાબતોના જાણકાર ડૉક્ટર સુવ્રોકમલ દત્તા કહે છે કે પોતે પશ્ચિમના દેશો તરફ જયશંકરે આક્રમક વલણ લીધું છે તેને સંપૂર્ણપણે સમર્થન આપે છે.

ડૉ. સુવ્રોકમલ કહે છે, "દુનિયાના બીજા દેશો સાથે, ખાસ કરીને પશ્ચિમના દેશો સાથે પનારો પાડવાનો હોય ત્યારે જયશંકર માટે ભારતનું હિત જ સર્વોપરી હોય છે. યુક્રેનના હાલના સંકટ વખતે રશિયામાંથી ક્રૂડ ઑઇલ ખરીદવાના મામલે તેમણે જે રીતે પશ્ચિમના દેશોને જવાબો આપ્યા તેના કારણે ભારતમાં તેઓ ખૂબ લોકપ્રિય થઈ ગયા છે."

જોકે 'મોદીઝ ઈન્ડિયા: હિન્દુ નેશનલિઝમ એન્ડ ધ રાઈઝ ઑફ એથનિક ડેમોક્રસી'ના લેખક અને લંડનની કિંગ્ઝ કૉલેજના પ્રોફેસર ક્રિસ્ટૉફ જેફરલો તર્ક આપતા કહે છે કે 'જયશંકરના વાણી વર્તન એક લોકપ્રિય રાષ્ટ્રવાદીના છે. આ બધી વાતો તેઓ પોતાના દેશની જનતાનું દિલ જીતવા માટે કરે છે.'

જેફરલો વધુમાં જણાવે છે, "જયશંકર પશ્ચિમના દેશો વિશે જે રીતે વાતો કરે છે તેની પાછળનો અસલી ઇરાદો સ્થાનિક સ્તરે પોતાની વાતો અસરકારક દેખાય તે માટેનો છે. તેમના આક્રમક મિજાજનું સૌથી મોટું કારણ એ જ છે. પણ આ કોઈ નવો અભિગમ પણ નથી."

તેઓ કહે છે, "દુનિયામાં આજે ઘણા રાષ્ટ્રવાદી નેતાઓ આવી જ ભાષા બોલે છે. તુર્કીના અર્દોઆન પણ આવી જ રીતે બોલે છે. હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બાન પણ આવા જ શબ્દપ્રયોગો કરે છે. આ બધા જ નેતાઓ પોતાના દેશની જનતાને આકર્ષવા માટે આવી રીતે અપનાવે છે. સામાન્ય જનતાને કટાક્ષભરી અને બેલગામ ભાષા પસંદ પડતી હોય છે."

લંડનની યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરના સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેમોક્રસીના ડિરેક્ટર પ્રોફેસર નિતાશા કૌલ કહે છે, "ભારત અને પશ્ચિમના દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે જયશંકર બહુ સાવધાની અને ચતુરાઈથી રિવર્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરી રહ્યા છે."

"તેઓ એવા તર્કો અપનાવે છે, જો મૂળભૂત રીતે પ્રગતિશીલ લાગે, પરંતુ એ જ તર્કને પુરાતનપંથી અને સ્વદેશી અભિગમને યોગ્ય ઠરાવવા માટે પણ કામમાં લેવામાં આવે છે."

નિતાશા કૌલ કહે છે કે પશ્ચિમમાં એવા ઘણા લોકો છે જેઓ સામ્રાજ્યવાદના ઇતિહાસની જયશંકરની ટીકાઓને ટેકો પણ આપશે. જોકે તે લોકો આ જ તર્કને આધારે પોતાના દેશની જનતાને આકર્ષવાનો પણ પ્રયાસ કરે છે. તેઓ પશ્ચિમના દેશોના ભૂતકાળનાં કરતૂતોની ટીકા કરનારાને આકર્ષે છે.

મિત્ર અને દુશ્મન દેશો આને કેવી રીતે જુએ છે?

ચીનના ચેંગડૂ શહેરની સિચુઆન યુનિવર્સિટીમાં આવેલી સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિએટ ડીન તરીકે પ્રોફેસર હુઆંગ યુનસૉન્ગ કામ કરે છે. જયશંકર ચીનમાં ઘણો સમય ભારતના રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે.

પ્રોફેસર હુઆંગ કહે છે, "ચીનના બૌદ્ધિક અને સ્ટ્રેટેજિક ક્ષેત્રના કેટલાક લોકો એવા છે, જેમને જયશંકરનો પરિચય છે. તે લોકો જયશંકરને એક વાસ્તવવાદી નેતા તરીકે વખાણે છે, જેમનો સખત મિજાજ છે, ચાલાક છે અને હિંમતવાન છે."

"તેઓ ડિપ્લોમેટિક વ્યવહારમાં શાંત અને તેજ દિમાગ પણ છે. તેઓ પોતાના મનમાં એ વાતે હંમેશાં સાવધાન રહે છે કે કઈ રીતે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને જાળવી રાખી શકાય."

પ્રોફેસર નિતાશા કૌલનું કહેવું છે કે, "ચોક્કસપણે એ વાતનો ઇનકાર કરી શકાય તેમ નથી કે માનવઅધિકારોના નામે બીજા દેશોમાં દખલગીરી અને લોકતંત્રને પ્રોત્સાહનના નામે પશ્ચિમી દેશો પાખંડી અભિગમ અપનાવે છે."

જોકે તેઓ એમ પણ જણાવે છે કે જયશંકરનાં નિવેદનો અને વાક્યપ્રયોગો પશ્ચિમ દેશો માટે છે, તે "હકીકતમાં નૈતિકતાનાં આવરણોમાં રજૂ થતી ચાલાકી જ છે".

તેઓ કહે છે, "મેં તેને સામ્રાજ્યવાદના ઘાવને નૈતિક સ્વરૂપ આપીને પશ્ચિમ સામે તેને નૈતિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની રીત તરીકે જોઈ છે. તે સ્વદેશમાં આક્રમકતા અને અહંકારના સ્વરૂપમાં દેખાય છે."

"મને લાગે છે કે જયશંકર આજકાલ જે કરે છે, અને હાલની ભારતની વિદેશ નીતિના જે સિદ્ધાંતો છે તેની પાછલનો ઇરાદો જયશંકર જેવા ચહેરાનો ઉપયોગ કરીને પશ્ચિમના દેશોને આરોપીના કઠેડામાં ઊભા કરવાનો છે. પશ્ચિમી દેશોનો ઇતિહાસ અને માનવતાના મુદ્દે તેમને આરોપી બનાવવાના છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ તેનું એક ઉદાહરણ છે."

પ્રોફેસર નિતાશા કૌલ કહે છે કે પશ્ચિમના દેશો સામાન્ય રીતે જયશંકરની આકરી ટીકાનો અંદાજ ધરાવે છે, પરંતુ આ દેશોની સામે મુખ્ય પડકાર ચીનનો છે અને ચીનનો વિચાર કરે છે ત્યારે જયશંકરના નિવેદનો તેમને ઓછાં ખરાબ લાગે છે.

તેઓ કહે છે, "જયશંકરનો આ દાવ સફળ થયો છે, કેમ કે સ્પષ્ટપણે વાત કરીએ તો આ બાબતમાં ચીન ભારતનો સૌથી મોટો સાથીદાર છે. પશ્ચિમના દેશોના જાણકાર જયશંકરનાં નિવેદનો પાછળની સચ્ચાઈને સમજે છે, તેઓ માને છે કે ચીનની સરખામણીએ તેમના માટે ભારત તરફથી કોઈ મોટો ખતરો નથી."

આ બાજુ પ્રોફેસર ક્રિસ્ટોફ જેફરલો માને છે કે જયશંકરના આ હિંમતભર્યા નિવેદનો અને ભાષણોની પાછળ તેમની એ બાબતની ખાતરી છે કે વૈશ્વિક વ્યવસ્થામાં પશ્ચિમના દેશોનો દબદબો હતો તે સ્થિતિ બદલાઈ રહી છે.

પોતાના પુસ્તક 'ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફૉર એન અનસર્ટેન વર્લ્ડ' (2020)માં તેમણે વારંવાર જયશંકરને ટાંક્યા છે. તેમણે લખ્યું છે કે, "આજે આપણી સામે એવા પરિવર્તનો આવી રહ્યા છે, જે આપણે પહેલાં ક્યારેય જોયા નથી."

પ્રોફેસર ક્રિસ્ટોફ જેફરલોનો તર્ક છે કે, "દુનિયામાં સત્તાની ધરી ખસી રહી છે તેના તરફનો આ ઈશારો છે. આજે વિકસી રહેલા દેશો વાસ્તવિકતાને દર્શાવવાની હિંમત દાખવી શકે છે. પશ્ચિમના દેશો ઢોંગ કરી રહ્યા છે. તમે પોતે અનૈતિક કામ કરતા હો ત્યારે બીજાને નૈતિકતા પર ભાષણ આપી શકો નહીં."

જયશંકરની પ્રગતિ

મોદી સરકારના પ્રધાનમંડળમાં જયશંકરનો સિતારો બુલંદી પર છે તેવું માનવામાં આવે છે. ખાસ કરીને જયશંકરે યુક્રેન યુદ્ધની અને રશિયામાંથી ખનીજ તેલ ખરીદવાની બાબતને જે રીતે સંભાળી લીધી છે, તેના કારણે તેમની આબરૂ વધી છે.

જયશંકરના સમર્થકોનું કહેવું છે કે મોદી પ્રધાનમંડળમાં સૌથી વધારે માનીતા હોય તેવા પ્રધાનોમાં તેમનું સ્થાન છે.

ડૉક્ટર સુવ્રોકમલ દત્તા કહે છે, "વિદેશ પ્રધાન તરીકે હું તેમને સ્વ. સુષમા સ્વરાજની કક્ષામાં મૂકું છું. વિદેશ પ્રધાન તરીકે જયશંકરે મેળવેલ સિદ્ધિઓ મારા માટે પંડિત જવાહરલાલે હાંસલ કરેલી સિદ્ધિઓ કરતાંય ઘણી વધારે છે."

દેખીતી રીતે જ આ દાવો વધારે પડતો છે. પરંતુ ભારતના વિદેશ પ્રધાન તરીકે સ્થાન મેળવવા સુધીની જયશંકરની સફર કરિયર ડિપ્લોમેટની સફળતાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.

1955માં દિલ્હીમાં જન્મેલા જયશંકરનો પરિવાર અમલદારોના પરિવાર તરીકે પ્રતિષ્ઠિત હતો. તેમના પિતા કે. સુબ્રમણ્ય પણ બહુ જાણીતા અમલદાર હતા. જયશંકરે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડૉક્ટરેટની ડિગ્રી સુપ્રસિદ્ધ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી મેળવેલી છે.

તે વખતે તેમની સાથે ભણતા સાથીઓ માને છે કે તેઓ ખુલ્લા વિચારો ધરાવતા ઉદારવાદી માણસ છે, જે પશ્ચિમના લોકતંત્રને માને છે.

જયશંકરની રાજદ્વારી કરિયરની શરૂઆત 1977થી થઈ હતી અને તેમણે દુનિયાના ઘણા દેશોમાં રાજદૂતાલયના અધિકારી તરીકે સેવાઓ આપી છે.

અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે (2013-2015) હતા ત્યારે જયશંકરે અમેરિકાના નીતિ નિર્ણાયક વર્તુળો સાથે સારો તાલમેલ ગોઠવ્યો હતો. તે રીતે તેમણે ભારતના આર્થિક સંબંધોને આગળ વધાર્યા હતા.

ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી ઊભી થાય તે માટે પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.

જોકે વિદેશ નીતિના જાણકારો કહે છે કે તેમની વૈચારિક યાત્રામાં મહત્ત્વનો વળાંક તેઓ ચીનમાં રાજદૂત હતા ત્યારે આવ્યો હતો. તેઓ 2009થી 2013 સુધી ચીનમાં ભારતના રાજદૂત તરીકે હતા.

તે દરમિયાન 2011માં તેમની નરેન્દ્ર મોદી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. તે વખતે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને ચીનના પ્રવાસે ગયા હતા.

સમાચાર સંસ્થા એએનઆઈને હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયશંકરે તે દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, "હું પ્રથમ વાર (નરેન્દ્ર મોદીને) 2011માં ચીનમાં મળ્યો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચીનની મુલાકાતે આવ્યા હતા અને મારા મન પર તેમની ઊંડી છાપ પડી હતી."

"2011 સુધીમાં હું આવી રીતે પ્રવાસે આવેલા ઘણા મુખ્ય પ્રધાનોને મળ્યો હતો. પરંતુ મેં કોઈને આટલી જોરદાર તૈયારી સાથે પ્રવાસ કરતા જોયા નહોતા."

જયશંકરની વૈચારિક યાત્રા

2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યાં સુધીમાં જયશંકરને અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક મળી ચૂકી હતી.

જયશંકરના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું એટલે એવું થયું હતું કે બીજા કારણો હતાં, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે સપ્ટેમ્બર 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે જયશંકર સાથે ખૂબ સારો તાલમેલ જોવા મળ્યો હતો.

નરેન્દ્ર મોદીના આ પ્રથમ અમેરિકા પ્રવાસ માટે જયશંકરે રાજદૂત તરીકે તૈયારીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ન્યૂ યોર્કના મેડિસન સ્કવૅર ગાર્ડનમાં 'હાઉડ મોદી' કાર્યક્રમ થયો હતો જે બહુ ચર્ચાસ્પદ થયો હતો.

ગયા વર્ષે એક કાર્યક્રમમાં ખુદ જયશંકરે પોતે જ કહ્યું હતું, "મેડિસન સ્કવેર કાર્યક્રમ યોજાયો ત્યારે હું અમેરિકામાં ભારતનો રાજદૂત હતો. ઘણા બધા લોકો માને છે કે એ કાર્યક્રમ એક ઐતિહાસિક આયોજન હતું."

નરેન્દ્ર મોદીએ તેમને વિદેશ સચિવ બનાવ્યા (2015-2018) અને તે પછી ભારતની વિદેશ નીતિ ઘડવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.

ખાસ કરીને 'નિયમોના આધારે વૈશ્વિક વ્યવસ્થા' ચાલે તેવી ભારતની નીતિ ઘડવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.

જયશંકર કહે છે કે તેમણે વિદેશ સચિવ તરીકે નરેન્દ્ર મોદી સાથે ઘણા બધા વિદેશ પ્રવાસો કર્યા હતા.

જોકે જયશંકર પર એવો આક્ષેપ થાય છે કે તેમણે વિદેશ સેવાના અધિકારી તરીકેના કાર્યક્ષેત્રમાં જ પોતાને મર્યાદિત રાખીને કામ કરવાના બદલે પોતાના રાજકીય આકાઓની સેવામાં વધારે ધ્યાન આપ્યું હતું.

2019માં લોકસભાની ચૂંટણીમાં વિજય મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ હવે જયશંકરને પોતાના વિદેશ પ્રધાન બનાવ્યા. તે વખતે જયશંકર વિદેશ સચિનના પદેથી નિવૃત્ત થઈને આરામની જિંદગી જીવવાની તૈયારીમાં હતા.

વિદેશ નીતિના જાણકારો કહે છે રિટાયર થઈ ગયેલા વિદેશ સચિવને સીધા જ વિદેશ પ્રધાન તરીકે કેબિનેટ પ્રધાન બનાવવાની વાત અભૂતપૂર્વ હતી. એએનઆઈને હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયશંકરે જણાવ્યું હતું કે તેમને એવી કોઈ આશા નહોતી કે વિદેશ પ્રધાન બનાવાશે.

એક ઇન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું હતું કે તેમણે આ પ્રસ્તાવને સ્વીકારતા પહેલાં એક મહિનો વિચાર કર્યો હતો. આખરે તેમણે વિદેશ પ્રધાન બનવા માટે સત્તાવાર રીતે સૌપ્રથમ સત્તાધારી ભારતીય જનતા પક્ષનું સભ્યપદ લીધું હતું.

વિદેશ પ્રધાન તરીકે તેમની શપથવિધિ થઈ ત્યારે એક મોટો અખબારમાં મથાળું હતું કે, "મોદીના સંકટમોચકના કેબિનેટ પ્રધાન તરીકે થયા શપથ'.

એવું કહેવું અયોગ્ય ગણાશે કે મોદી માટે વફાદારી દાખવી તેના ઇનામ તરીકે તેમને પ્રધાનપદ મળ્યું હતું. ચાર વર્ષના કાર્યકાળ બાદ મોદી પ્રધાનમંડળના સૌથી ચમકદાર ચહેરા તરીકે તેઓ અલગ તરી આવ્યા છે.

તેમના વિરોધીઓ માને છે કે એક જમાનામાં ઉદારવાદી વલણ ધરાવનારા જયશંકરે નવા વાધા પહેરી લીધા છે.

શું જયશંકરની વિદેશ નીતિના સિદ્ધાંતો તાર્કિક છે?

જયશંકરે લખેલા પુસ્તકમાં જણાવ્યા અનુસાર તેમની વિદેશ નીતિ ત્રણ સિદ્ધાંતો પર આધારિત છે:

  • ગઠબંધન ટાળવું: ગઠબંધન કરવાના બદલે ભાગીદારી કરવામાં તેઓ વધુ માને છે. તેઓ બહુલતાવાદ કે બહુપક્ષીય રાજનીતિની તરફેણ કરે છે.
  • એકથી વધુ ધરી ધરાવતી દુનિયા હોવી જોઈએ એમ તેઓ માને છે અને આવી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાના અંગત સંઘર્ષ દ્વારા લાભ ઉઠાવવામાં માને છે.
  • ઉપરના બંને અભિગમને કારણે ઊભા થતા વિરોધોભાસોને સ્વીકારે છે
  • જયશંકરનું પુસ્તક 2020માં પ્રગટ થયું હતું અને તે પછી ઘણું બધું બદલાઈ ગયું છે.

શું જયશંકર આજે પણ આ સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે?

પ્રોફેસર જેફરલો કહે છે કે વિરોધાભાસોમાંથી હંમેશાં લાભ લેવો શક્ય નથી હોતો, "ચીન હિમાલયના પહાડોમાં ઘૂસણખોરી કરી રહ્યો છે, તેમ છતાં બ્રિક્સ જેવા સંગઠનોમાં ભારત ચીન સાથે સારો વ્યવહાર કરે છે. આવું ક્યાં સુધી ચાલશે?"

"ચીન જો આક્રમક બનશે તો ભારતે સ્પષ્ટપણે પશ્ચિમની તરફ ઢળવું પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. રશિયા પણ હવે વિકલ્પ રહ્યો નથી, કેમ કે રશિયા અને ચીન સતત એક બીજાની નજીક આવી રહ્યા છે."

દ્વિધ્રુવીય થઈ રહેલી દુનિયામાં ચીન એક ધરી તરીકે ઉપસી રહ્યું છે તે ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. જોકે આ બાબતથી અમેરિકા પણ પરેશાન છે. એ જ કારણસર ભારત અને જયશંકર આક્રમક રીતે મજબૂત સાથે પોતાની વાત જણાવવાની હિંમત કરી શકે છે.

પરંતુ પ્રોફેસર જેફરલો કહે છે કે આજે ભારત પોતાને મહત્ત્વની સ્થિતિમાં જોઈ રહ્યો છે તેવી સ્થિતિ લાંબો સમય રહેવાની નથી.

તેઓ કહે છે, "ભારત પોતાના પક્ષમાં આવશે એ આશા સાથે આજે સૌ કોઈ દેશો તેને મનાવવા કોશિશ કરી રહ્યા છે. તમે અમેરિકાને પૂછો છો તો તેમની પણ એ જ ઈચ્છા છે."

"તમે રશિયામાં જાવ તો ત્યાં પણ આવો જ વિચાર ચાલે છે. દુનિયા વધુ ને વધુ દ્વિધ્રુવીય થઈ રહી છે. એવો પણ સમય આવી શકે છે કે તમે તમારી નિષ્પક્ષતા જાળવી શકો નહીં."

સાચી વાત એ છે કે જયશંકર પોતે પણ માને છે કે ચીનની સાથે મળીને ભારત એકવીસમી સદીને એશિયાની સદી બનાવી શકે છે. તેમણે પોતાના પુસ્તકમાં આ જ વિચારને આગળ કર્યો છે."

"જેમણે પણ જયશંકરનું પુસ્તક વાંચ્યું છે, તેઓ જાણે છે કે બહુ ઝડપથી ચીનની પ્રગતિ થઈ તેને તેઓ માને છે. તેઓ ઇચ્છે છે કે ભારત ચીન પાસેથી શીખે."

વિરોધાભાસ

ચીનના વિદ્વાન પ્રોફેસર હુઆંગ યુનસૉન્ગ તર્ક આપતા કહે છે, "જયશંકરની દરખાસ્ત છે કે ચીન અને ભારતે મળીને 21મી સદી એશિયાની સદી બનાવવી જોઈએ. પરંતુ તેમની આક્રમક નીતિ અને ચીન તરફના તેમના અભિગમ સાથે આ વાતનો મેળ પડતો નથી."

આ માટેનું કારણ આપતા પ્રોફેસર હુઆંગ કહે છે, "ચીન અને ભારત બંને અલગ અલગ પૂર્વની સંસ્કૃતિ છે. બંને જુદી સંસ્કૃતિઓ અને ભૌગોલિક ક્ષેત્રોમાં વિકસી છે. ઇતિહાસમાં બહુ થોડા સમય માટે જ તેમને પરાજય જોવા મળ્યો હતો."

તેઓ કહે છે, "1980ના દાયકામાં એશિયાની એક સદીનો વિચાર આપણા જે નેતાઓએ વ્યક્ત કર્યો હતો, તે આપણા બંને દેશોની વિકાસ અને સમૃદ્ધિની આકાંક્ષાઓ સાથે જોડાયેલો છે. પરંતુ ઝડપથી ફેલાઈ રહેલો રાષ્ટ્રવાદ અને અયોગ્ય વ્યૂહાત્મક નિર્ણયોને કારણે ભારત અને ચીન વચ્ચે મતભેદો વધારવાનું જ કામ થયું છે."

પ્રોફેસર હુઆંગ કહે છે, "આજે બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીને બદલે દુશ્મન પડોશી દેશોના બની ગયા છે. દોસ્તીના સંબંધોને બદલે હવે દુશ્મની અને રુક્ષતા આવી ગઈ છે."

ભારત અને ચીન વચ્ચે નિકટતાના સંબંધો બને અને એશિયાની સદી બને તે બાબતમાં જયશંકરના વિચારોને પ્રોફેસર જેફરલો પણ માનતા નથી. તેઓ તેમને બહુ દૂરની શક્યતા માને છે.

પ્રોફેસર જેફરલો ઘણા સવાલો ઉઠાવે છે, "આખરે ચીન કેવી રીતે ભારતને મદદ કરી શકે? પશ્ચિમના દેશો શક્તિશાળી સ્થિતિમાં છે તેને ત્યાંથી દૂર કરવામાં ચીનને ભારત કેવી રીતે મદદ કરી શકે? પશ્ચિમી દેશોની પકડ ભલે ઓછી થાય, પણ તેની જગ્યાએ કોણ શક્તિશાળી બનશે તેનો એક જ જવાબ છે - ચીન. જો એવું જ હોય તો ચીનને દુનિયાનો નવો જગતજમાદાર બનાવવામાં ભારતે શા માટે મદદ કરવી જોઈએ?"

પ્રોફેસર જેફરલો કહે છે, "આગામી સમયમાં ભારત સામે બેતરફી પડકારો આવી શકે છે. દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ હશે એટલા માત્રથી પડકાર નહીં હોય, પરંતુ વિકાસશીલ દેશોની વચ્ચે ભારત ચીનથી પાછળ રહી જશે. કેમકે મહાસત્તા બનવા માટે તમારી પાસે સંસાધનો હોવાં જોઈએ."

ડૉક્ટર સુવ્રોકમલ દત્તા જયશંકરના આ સિદ્ધાંતમાં માને છે કે ચીન અને ભારત સાથે મળીને એક એશિયન સદી બનાવી શકે છે. જોકે તેઓ ઇચ્છે છે કે પહેલાં આ માટે 'ચીને પોતાની રીતો સુધારવી પડશે'.

તેઓ કહે છે, "ચોક્કસ બે મોટા દેશો એશિયાની તાકાતને જોડીને એશિયન સદી બનાવવાનું સપનું સાકાર કરી શકે છે. આ વાત શક્ય છે અને તાર્કિક છે. પરંતુ શરત એ છે કે ચીન પોતાના ભારતવિરોધી પગલાંને અટકાવે."

જયશંકર કેટલા સફળ છે?

ભારતના દોસ્ત અને દુશ્મન દેશો સાથે પનારો પાડવાનો લાંબો સમયનો અનુભવ ધરાવતા એક મોટા નેતા માને છે કે ભારતની અસર ઘટવા લાગી છે.

તેઓ કહે છે, "તમે સાઉદી અરબથી ચીન સુધી એક લાંબી લાઇન દોરો તો તેની પશ્ચિમના દરેક વિસ્તારો હવે ચીન, રશિયા, સાઉદ અરબ અને ઈરાનના ઘેરામાં છે. આપણે એક કોરાણે છીએ અને દ્વિતિય દરજ્જાના ખેલાડી રહી ગયા છીએ. મોદીએ પ્રથમ મુદત વખતે જે કંઈ હાંસલ કર્યું હતું તેમાં આટલો મોટો ખાડો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી."

ચીનની સરખામણીએ પણ ભારત દુનિયામાં પાછળ પડી રહ્યું છે.

હાલમાં જ સાઉદી અરબ અને ઈરાન દુશ્મની ભૂલીને રાજદ્વારી સંબંધો બાંધવા તૈયાર થયા ત્યારે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ચીને ભજવી હતી. વાસ્તવમાં સાઉદી અરબ અને ઈરાન બંને દેશોને ભારતની નજીક માનવામાં આવે છે.

એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ચીનને સમજનારા જયશંકરથી વધારે હોંશિયાર કોઈ કરિયર ડિપ્લોમેટ નથી.

એ જ રીતે મોદી જેવા પણ કોઈ નેતા નથી, જેમણે નવ વાર ચીનનો પ્રવાસ કર્યો છે. ચાર વાર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને પાંચ વાર વડા પ્રધાન બન્યા પછી.

આ બંને પાસે એવી અપેક્ષા હતી કે ચીન અને ભારત વચ્ચેના સંબંધોનો તણાવ તેઓ દૂર કરશે.

તેના બદલે એવું લાગે છે કે સંબંધોમાં તણાવ વધી ગયો છે. શાંતિ સમજૂતિ માટેની કોઈ આશા પણ હાલમાં જણાતી નથી.

એસ. જયશંકરની સફળતાની યાત્રા

  • 1977માં ભારતની વિદેશ સેવામાં જોડાયા.
  • 1985-1988 દરમિયાન મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં નિમણૂક.
  • 1990-1993 દરમિયન ટોક્યોમાં ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી તરીકે મૂકાયા.
  • 1993-1995 દરમિયાન વિદેશ મંત્રાલયમાં (પૂર્વ એશિયાના) ડિરેક્ટર બન્યા.
  • 1995-1998 દરમિયાન વિદેશ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી (અમેરિકા) બન્યા.
  • 2000-2004 દરમિયાન સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશનર બન્યા.
  • 2007-2009 દરમિયાન વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા અને અમેરિકા-ભારત વચ્ચે અણુકરાર વખતે આગેવાની લીધી હતી.
  • 2009-2013 દરમિયાન ચીનમાં ભારતીય રાજદૂત તરીકે બંને દેશોના સંબંધોને સુધારવામાં મહત્ત્વની ભૂમિકામાં.
  • 2013-2015 દરમિયાન અમેરિકામાં ભારતીય રાજદૂત હતા અને ન્યૂ યોર્કમાં મોદીનો કાર્યક્રમ યોજાયો તેના મુખ્ય આયોજક મનાયા.
  • 2015-2018 દરમિયાન ભારતના વિદેશ સચિવ બન્યા અને પેરિસમાં પર્યાવરણ સમજૂતિ માટે ભારતીય ટીમની આગેવાની લીધી.
  • 2019માં વિદેશ પ્રધાન બન્યા અને ભારતીય વિદેશ નીતિને વ્યાપક કરવા પર ધ્યાન આપ્યું.