ભારત અને ચીન વચ્ચેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની સ્પર્ધા શું હિમાલયને નુકસાન પહોંચાડી રહી છે?

    • લેેખક, નવીનસિંહ ખડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • અમુક સમય પહેલાં જોશીમઠનાં ઘરોમાં પડેલી તિરાડો અને ધસતી જમીનને કારણે જોશીમઠ સહિત હિમાલયની જમીન પર ચાલી રહેલાં નિર્માણકાર્યો અંગે ચિંતા સર્જાઈ હતી
  • સ્થાનિકોનો પણ દાવો હતો કે જોશીમઠ પાસે ચાલી રહેલા વિકાસકાર્યને લીધે સમસ્યા સર્જાઈ છે
  • હવે વૈજ્ઞાનિકો ચેતવી રહ્યા છે કે ચીન અને ભારત દ્વારા હિમાલયના ક્ષેત્રમાં નવા હાઇવે, ટ્રેનના પાટા પાથરવાની પ્રવૃત્તિ, નવી સુરંગો ખોદવાની પ્રવૃત્તિ અને અન્ય વિકાસકાર્યોને લીધે વધુ પ્રાકૃતિક આપત્તિઓનો ખતરો સર્જાઈ રહ્યો છે

જોશીમઠ અને આસપાસની જમીનો પર નવી-નવી તિરાડો જોવા મળી રહી છે જેના કારણે હિમાલયનું આ શહેર સમાચારોમાં છવાયેલું છે.

આ શહેર કેમ જમીનમાં ધસતું જઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હિમાલયમાં આના કરતાં પણ વધુ પરેશાન કરનારી તસવીરો સામે આવી રહી છે.

તેમનું કહેવું છે કે જે ગતિએ ચીન અને ભારત હિમાલય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યાં છે, તેનાથી પ્રાકૃતિક આપત્તિઓનો ખતરો વધી શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વૉર્મિંગ, નાજુક ક્ષેત્રોને વધુ અસ્થિર બનાવી રહી છે કારણ કે તાપમાનમાં વધારાથી ગ્લેશિયર અને પર્માફ્રૉસ્ટ (કાયમીપણે થીજી ગયેલ જમીન) ઓગળી રહ્યાં છે.

આ એ સ્થળો છે જ્યાં નવા હાઇવે, ટ્રેનના પાટા પાથરવામાં આવી રહ્યા છે. સુરંગો ખોદાઈ રહી છે. આટલું જ નહીં, હિમાલયની બંને તરફ બંધ અને ઍર સ્ટ્રીપનું નિર્માણ ચાલુ છે.

ઓસ્લો યુનિવર્સિટીમાં ભૌતિક ભૂગોળ અને જળવિજ્ઞાનના પ્રોફેસર એન્ડ્રિયાસ કાબનું કહેવું છે કે, “મૂળ સ્વરૂપે તમે ખુદ ખતરાને વધુ નજીક લાવી રહ્યા છો.”

અધ્યયનોએ વ્યક્તિગત ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ જ્યારે આ ઘટનાઓને એક સાથે જોડીને સમજવામાં આવે છે ત્યારે સમગ્ર ક્ષેત્રમાં ખતરા અને જોખમો વધતાં જોવા મળી રહ્યાં છે.

3500 કિલોમિટરમાં ફેલાયેલું આ ક્ષેત્ર ભારત અને ચીનમાં પથરાયેલું છે. બંને દેશો વચ્ચે આ ક્ષેત્રમાં બૉર્ડર પણ પડે છે જેને વાસ્તિવક નિયંત્રણ રેખા (એલએસી) કહેવામાં આવે છે.

‘દરેક કિલોમિટરે ભૂસ્ખલન’

નેચરલ હેઝાર્ડ ઍન્ડ અર્થ સિસ્ટમ સાયન્સ જર્નલમાં પાછલા મહિને પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં કહેવાયું છે કે સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2022 દરમિયાન ઉત્તરાખંડ રાજ્યમાં એનએચ-7 રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે દર કિલોમિટરે એક આંશિક કે સમગ્રપણે સડકને બંધ કરવી પડે તેવું ભૂસ્ખલન થયું હતું.

અન્ય અધ્યયનોએ પણ આ પ્રકારના ખતરા તરફ ઇશારો કર્યો છે.

યુરોપિયન જિયો સાયન્સ યુનિયન તરફથી પ્રકાશિત એક અધ્યયનમાં કહેવાયું છે કે, “પર્યાવરણની સ્થિતિ સિવાય, નવી સડકોને પહોળી કરવાના પ્રયત્નોએ ભૂસ્ખલન લાવવામાં યોગદાન કર્યું છે, જે ઘણી વાર તીવ્રતાની દૃષ્ટિએ નાનાં હોય છે, પરંતુ તેમ છતાં તે ઘણાં વિનાશકારી હોય છે. આવાં ભૂસ્ખલન માળખાગત સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડે છે.”

હાલનાં વર્ષોમાં ભૂસ્ખલન અને બીજી પ્રાકૃતિક આપત્તિઓ ખૂબ ઝડપથી એક સામાન્ય બાબત બની રહી છે. ઉત્તરાખંડમાં હાલમાં બનેલા નવા ચાર ધામ હાઇવેના અમુક ભાગ ગત વર્ષે ચોમાસાના વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.

ચમોલી હિમસ્ખલન દરમિયાન 200 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને બે નિર્માણાધીન હાઇડ્રોઇલેક્ટ્રિક સ્ટેશનને ગંભીર નુકસાન થયું હતું.

આ ઘટના પર એક રિપોર્ટ તૈયાર કરતી વખતે ભારતીય રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઑથૉરિટીને જાણવા મળ્યું કે અધિકારીઓએ ભવિષ્યની આપત્તિઓનો સામનો કરવા માટેની યોજના બનાવતી વખતે જળવાયુ અને માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલ મોટાં જોખમોને ધ્યાનમાં નહોતાં રાખ્યાં.

કેટલો મોટો ખતરો છે?

ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે હિમાલયના ક્ષેત્ર માટે ખતરો પેદા કરનારી માળખાગત સુવિધાઓના પ્રોજેકેટ વિશે અમારા પ્રશ્નોનો જવાબ નહોતો આપ્યો.

વિશેષજ્ઞો અનુસાર હિમાલય ક્ષેત્રમાં ચીનની તરફથી પણ પ્રાકૃતિક આપત્તિઓનું જોખમ ભારતની જેમ અત્યંત વધુ છે. પર્માફ્રૉસ્ટના ઓગળવાથી આ ક્ષેત્રમાં બનેલ માળખાગત સુવિધા માટે પણ ભારે ખતરો પેદા થઈ ગયો છે.

કૉમ્યુનિકેશન્સ અર્થ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ જર્નલમાં પાછલા ઑક્ટોબર માસમાં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું કે કિંગહાઈ તિબેટમાં લગભગ 9,400 કિલોમીટર રોડ, 580 કિલોમીટર રેલવે, 2,600 કિલોમીટરથી વધુ વીજળીની લાઇનો અને હજારો ઇમારતો પર્માફ્રૉસ્ટ ક્ષેત્રમાં છે.

જર્નલમાં કહેવાયું છે કે, “2050 સુધી, 38.14 ટકા સડકો, 38.76 ટકા રેલવે, 39.41 ટકા વીજળી લાઇનો અને 20.94 ટકા ઇમારતો વધુ જોખમી ક્ષેત્રોમાં પર્માફ્રૉસ્ટના ઘટાડાથી ખતરો હોઈ શકે છે.”

ભારતના પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ રાજ્યમાં ઉત્તર ભાગમાં ભૂભાગ મુશ્કેલ બની ગયો હતો. નદીઓ પોતાના પ્રાકૃતિક રસ્તાને તોડીને બહાર આવી જાય એ વાતનો ખતરો હજુ છે.

ધ ક્રાયોસ્ફીયર જર્નલમાં ગત વર્ષે પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે, “આ ક્ષેત્રે હાલના દાયકામાં ઉચ્ચ તીવ્રતાવાળાં બરફ-રૉક ભૂસ્ખલન, ગ્લેશિયરોનું તૂટવું અને હિમનદી તળાવ ફાટવાથી પૂરનો અનુભવ કર્યો છે.”

ચીન કરી રહ્યું છે ઝડપથી નિર્માણ

આ મહિનાની શરૂઆતમાં તિબેટમાં મેડોગ કાઉન્ટીમાં એક સુરંગની બહાર નીકળવા માટેનો રસ્તો હિમસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું, જેમાં 28 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વર્ષ 2020માં એક ખૂબ મોટા ભૂસ્ખલને તિબેટના બોમી કાઉન્ટીમાં પાછલા દાયકામાં બનેલા તમામ પુલો, સડકો અને દૂરસંચાર સુવિધાઓને તબાહ કરી દીધી હતી.

ધ ક્રાયોસ્ફીયરમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે, “આ ક્ષેત્રમાં ચીનની સરકારે ભારે રોકાણ કર્યું છે, જેમાં હાઇસ્પીડ સિચુઆન-તિબેટ રેલવેનું નિર્માણ પણ સામેલ છે.”

ચીનના અધિકારીઓનું કહેવું છે કે રેલવે બરફથી ઢંકાઈ ગયેલા 21 પહાડો (સમુદ્ર તળથી ચાર હજાર મીટરથી વધુ) અને 14 મોટી નદીઓને ઓળંગશે.

ચાઇનીઝ ઍકેડમી ઑફ સાયન્સિઝની ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેન હેઝાર્ડ્સ ઍન્ડ ઍન્વાયરમૅન્ટના ચીફ ઇજનેર યૂ યોંગે ચીનની સરકારી એજન્સી સિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “દૂરગામી વિસ્તારો સિવાય, રેલવેને ભૂસ્ખલન અને ભૂકંપ જેવા અન્ય ખતરાનો પણ સામનો કરવો પડશે.”

વિશેષજ્ઞોનું કહેવું છે કે ન્યિંગચી અને શિગાત્સે જેવી જગ્યાઓએ વસતી વધવાનો અર્થ છે કે ત્યાં સડકો અને દૂરસંચાર સહિત માળખાગત સુવિધાના વિકાસમાં પણ ઝડપથી વધારો થયો છે.

લંડનમાં સ્કૂલ ઑફ ઑરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝના પ્રોફેશનલ રિસર્ચ ઍસોસિયેટ રૉબી બાર્નેટે ચીનનાં મીડિયાના સમાચારોનો હવાલો આપીને કહ્યું કે, “તેમણે બૉર્ડરે 624 નવી વસતીઓનું નિર્માણ કર્યું છે.”

તેમનું કહેવું છે કે, “આ પ્રકારની વસતીઓમાં મોટા પાયે માળખાગત સુવિધા જેમ કે સડકો, વીજળી અને પાણીના સપ્લાય જેવી સુવિધાઓ હોવી જોઈએ.”

“ઘણા લોકો ચાર હજાર મીટરથી વધુ અસાધારણ ઊંચાઈએ છે, જ્યાં ક્યારે માનવવસતી નહોતી. આવી જગ્યાઓએ મોટા પાયે નિર્માણ, પુરવઠા વગર લોકોનું રહેવું અસંભવ તો નહીં પરંતુ અવ્યવહારિક હોય તેવું લાગે છે.”

ચીનના પર્યાવરણ મંત્રાલય સાથે પણ વાત નથી થઈ શકી.

ફાટી શકે છે ગ્લેશિયલ તળાવ

ચીનનાં ક્ષેત્રોના દક્ષિણે જ્યાં આવી વસતીઓ જોવા મળી છે, ત્યાં ભારતની તરફ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવાં રાજ્યોમાં જળવિદ્યુત પ્રોજેક્ટોનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે.

પરંતુ એવાં રાજ્યો પણ છે જેમની ઓળખ ભારતના કેન્દ્રીય જળ કમિશને કરી છે જ્યાં ગ્લેશિયરો ઓગળવાથી વર્ષ 2009થી 2020 વચ્ચે તળાવો અને જળનિકાસોનો વિસ્તાર જોવા મળ્યો છે.

અમેરિકન જિયોફિઝિકલ યુનિયને વર્ષ 2020માં એક અધ્યયન રજૂ કર્યું હતું, જેમાં જોવા મળ્યું હતું કે ભારતનાં 23 ગ્લેશિયલ લેકમાંથી 17 સિક્કિમ રાજ્યમાં છે.

જ્યારે ગ્લેશિયર ઓગળે છે ત્યારે આ પ્રકારનાં તળાવ ભરાઈ જાય છે અને તેમના ફાટવાનો ખતરો વધી જાય છે.

દોસ્ત પણ અને દુશ્મન પણ

ચીન અને ભારતે અવારનવાર પોતાનાં હિતોની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય જળવાયુ વાર્તા દરમિયાન એક સાથે મળીને કામ કર્યું છે અને અવારનવાર પશ્ચિમના દેશોનો મુકાબલો કર્યો છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે જ્યારે હિમાલયમાં જળવાયુ પરિવર્તન કે બીજા પર્યાવરણીય ઘટાડાના પડકારોનો સામનો કરવાની વાત આવે છે ત્યારે બંને દેશોની ભાગીદારી પ્રભાવશાળી નથી રહેતી.

આ સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે ભૂ-રાજકીય પ્રતિસ્પર્ધા અને દુશ્મનાવટના કારણે બંને દેશોએ આ ખતરનાક ક્ષેત્રમાં સૈન્ય પ્રવૃત્તિઓને ઝડપથી વધારવાનું કામ કર્યું છે.

હિમાલય પર ઘણાં અધ્યયન કરનારા અમેરિકન ભૂવૈજ્ઞાનિક જેફરી કારગેલ કહે છે કે, “આ એક આંતરરાષ્ટ્રીય બાયોસ્ફીયર રિઝર્વ હોવો જોઈતો હતો, જ્યાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી પ્રવૃત્તિની મંજૂરી નહોતી અપાવી જોઈતી.”

તેમનું કહેવું છે કે આજે આપણે હિમાલયમાં વધી રહેલા જોખમને જોઈ રહ્યા છીએ.

તેઓ કહે છે કે, “આપણે અહીં ઘણી આપત્તિઓ જોવા જઈ રહ્યા છીએ.”