You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતનું એ રાજ્ય જ્યાં લગ્ન બાદ પતિ પત્નીના ઘરે રહેવા જાય છે
- લેેખક, મયુરેશ કોણ્ણુર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
ઈશાન ભારતીય રાજ્ય મેઘાલયમાં જે જોવા મળે છે તે દેશમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. લગભગ એક સદી પહેલાં કેરળ જેવી દક્ષિણ ભારતીય રાજ્યમાં પણ આવું જ હતું, પણ તે શું છે? જવાબ છેઃ મૅટ્રિલિનિયલ સિસ્ટમ એટલે કે માતૃકુલીય વ્યવસ્થા.
વિશ્વમાં તેમજ ભારતમાં સમાજ બહુધા પિતૃસત્તાક છે. કુટુંબ તથા સમાજમાં નિર્ણય લેવાની બધી પ્રક્રિયા પુરુષોને આધીન છે. સત્તાનું કેન્દ્ર પુરુષ છે, પરંતુ વિશ્વના ઇતિહાસમાં કેટલાક સમાજ માતૃવંશીય અથવા માતૃસત્તાક હતા, પરંતુ સમય જતાં પરિસ્થિતિ બદલાઈ હતી.
અલબત, આજે સેંકડો વર્ષ પછી પણ કેટલાક સમાજમાં માતૃવંશીય પરંપરા જળવાઈ રહી છે. વિશ્વમાં આજે બહુ થોડા સમાજ માતૃવંશીય છે. તે પૈકીના બે મેઘાલયના આદિવાસી ખાસી અને ગારો સમાજ છે.
ઈશાન ભારતના રાજ્યોમાં લગભગ 300 મૂળ નિવાસી સમાજ પૈકીના ખાસી અને ગારો સમાજમાં આજે પણ માતૃવંશીય વ્યવસ્થા પ્રવર્તે છે. આધુનિક સમયમાં અને મોટાભાગના લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોવા છતાં મેઘાલયમાં બહુધા સમાજ માતૃવંશીય છે.
આ સમાજની વિશેષતા સાદા શબ્દોમાં સમજીએ તો અહીંના પુરુષો તેમની માતાની અટક અપનાવે છે. પરિવારની સંપત્તિ સૌથી નાની દીકરીને વારસામાં મળે છે. સંપત્તિ હંમેશાં માતાના ઘરમાં રહે છે અને લગ્ન પછી પત્ની ઘરે પતિ રહેવા જાય છે.
આધુનિક મેઘાલયના સામાજિક તથા સાંસ્કૃતિક માળખું પણ આ પ્રથા પર આધારિત છે. તેમાં કેટલીક મહત્ત્વની બાબતો છૂપાયેલી છે.
- મેઘાલયના આદિવાસી ખાસી અને ગારો સમાજમાં હજી પણ માતૃસત્તાક પરિવાર પરંપરા ચલણમાં છે
- માતૃસત્તાક વ્ચવસ્થામાં પુરુષો તેમની માતાની અટક અપનાવે છે.
- પરિવારની સંપત્તિ સૌથી નાની દીકરીને વારસામાં મળે છે.
- સંપત્તિ હંમેશાં માતાના ઘરમાં રહે છે અને લગ્ન પછી પત્ની ઘરે પતિ રહેવા જાય છે.
- માતૃવંશીય પ્રથા ક્યારથી શરૂ થઈ તેની કોઈ નોંધ આદિવાસી સમાજના લેખિત કે મૌખિક ઇતિહાસમાં મળતી નથી.
- માનવવંશશાસ્ત્ર ઉપરાંત ભાષાશાસ્ત્ર જેવી અન્ય શાખાઓમાં પણ આ પ્રથાનો અભ્યાસ થયો છે.
- માતૃસત્તાક પરિવાર પરંપરા હોવા છતાં મેઘાલયમાં સ્ત્રીઓ ક્યારેય સામાજિક માળખાનું શક્તિકેન્દ્ર બની નથી. આજે પણ નથી.
- માતૃસત્તાક પરિવારોમાં પુરુષો અસ્વીકારની લાગણી અનુભવે છે અને તેમને પરિવાર સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા થતી નથી.
- તેથી મેઘાલયમાં ઘણી સિંગર મધર છે, તેમના પતિ ક્યાંક ચાલ્યા ગયા છે.
- પુરુષો એવું માને છે કે તેમને પિતાના પરિવારની અટકના ઉપયોગનો અધિકાર અથવા તેમની મિલકતમાં થોડો અધિકાર મળશે તો તેમને પ્રતિષ્ઠા મળશે.
- માતૃવંશીય પરંપરાના કેટલાક નિયમ બદલવાની નવી હિલચાલ મેઘાલયમાં શરૂ થઈ છે.
શૅરિટી સૅમ પરંપરા અને પરિવર્તનનું પ્રતીક બની રહ્યાં છે
આ પરંપરા શું છે તે આ સમાજનાં એક બિઝનેસ વુમન શૅરિટી સૅમના ઉદાહરણ દ્વારા સમજી શકાય. તેમની સાથે અમારી મુલાકાત રાજધાની શિલોંગથી લગભગ 20 કિલોમિટર દૂર આવેલાં સોરિંગહામ નામના ગામમાં થઈ હતી.
અહીં તેમની પાસે લગભગ સાડા સાત એકરની મોટી પ્રૉપર્ટી છે અને એ પૈકીની મોટા ભાગની જમીનમાં ચાના બગીચા છે. અહીં બે જૂના બંગલા છે, જે બ્રિટિશકાળના હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શૅરિટી સૅમ કહે છે કે,“મારાં માતા-પિતાનાં લગ્ન થયાં ત્યારે મારા પિતા મારા માતાનાં શ્મિત ખાતેનાં અમારા ઘરે રહેવા આવી ગયા હતા. મારાં માતા તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતાં. મારા પતિ સાથે મારી મુલાકાત હું કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે થઈ હતી. અમે લગ્ન કર્યાં પછી તેઓ પણ મારા ઘરે રહેવા આવી ગયા હતા.”
આધુનિક, સુશિક્ષિત અને આપબળે ચાનો બિઝનેસ જમાવી ચૂકેલાં શૅરિટી માતૃવંશીય પરંપરાને અનુસર્યાં છે, છતાં તેઓ ઇચ્છે છે કે એ પરંપરામાં સમય અનુસાર કેટલાક ફેરફાર જરૂરી છે અને તેઓ જે કમાયા છે એ તેમના સંતાનોને મળવું જોઈએ.
શૅરિટીએ કહ્યું હતું કે “મારે ત્રણ સંતાન છે. બે દીકરા અને એક દીકરી. તેથી પારિવારિક ઘર અને આ ઘર પણ તેને વારસામાં મળશે, પરંતુ અમારી પાસે અહીં ઘણી જમીન હોવાથી તે અમે અમારા બન્ને દીકરાને વારસામાં આપીશું. જમીનનો એકાદ ટુકડો આપીશું તો પણ તેમને કશુંક જરૂર મળશે.”
તેઓ આવું શા માટે ઇચ્છે છે? માતૃવંશીય પ્રથાને અનુસરતાં હોવા છતાં તેમણે આવા ફેરફારનો નિર્ણય શા માટે કર્યો છે?
તેમણે કહ્યું હતું કે “મને દિલથી લાગે છે કે એવું કરવું જોઈએ. તેમાં સમાનતા હશે એવું નથી, કારણ કે વહેંચણી સમાન નહીં હોય, પરંતુ હું માનું છું કે આપણે સંતાનોને એકસરખો પ્રેમ કરતા હોઈએ તો તેમની સાથે પક્ષપાત ન કરવો જોઈએ. બદલાતા સમય સાથે માનસિકતા પણ બદલાવી જોઈએ.”
મેઘાલયના આધુનિક સમાજનું માનસ આવું છે. શૅરિટી તેમના પ્રતિનિધિ છે. તેમનો એક પગ સેંકડો વર્ષોની ઐતિહાસિક પરંપરામાં અને બીજો બદલાતા આધુનિક વર્તમાનમાં છે. બન્નેમાં તે અચળ છે.
આ પ્રથા ક્યારથી શરૂ થઈ?
આપણે આજે વર્ષો પછી પણ ટકી રહેલી ઐતિહાસિક પ્રથા વિશે વાત કરતા હોઈએ ત્યારે તે શા માટે અને કેવી રીતે શરૂ થઈ તે સમજવું જરૂરી બની જાય છે. તેનું વર્તમાન સ્વરૂપ અથવા વર્તમાન સામાજિક વ્યવહાર પર તેનો પ્રભાવ કેવો છે તે જાણવું પણ મહત્ત્વનું છે.
શિલોંગ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રી તરીકે કાર્યરત બેનરિડા લેંગસ્ટેહ આ પ્રથાનાં ઊંડા અભ્યાસી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ પોતે આ પ્રથાનું પાલન કરતા ખાસી સમાજના સભ્ય છે.
તેમના મતાનુસાર, માતૃવંશીય પ્રથા ક્યારથી શરૂ થઈ તેની કોઈ નોંધ આદિવાસી સમાજના લેખિત કે મૌખિક ઇતિહાસમાં મળતી નથી. તેનો વૈજ્ઞાનિક અભ્યાસ બ્રિટિશ કાળથી જ શરૂ થયો હતો.
શિલોંગ યુનિવર્સિટીના કેમ્પસમાં અમારી સાથે વાત કરતાં બેનરિડા લેંગસ્ટેહે કહ્યું હતું કે “હું તેની ચોક્કસ તારીખ કહી શકું તેમ નથી, પરંતુ બ્રિટિશ કાળમાં પી આર ગોલ્ડમૅન જેવા અભ્યાસુએ આ વિશે લખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રથા દેશના આ ભાગમાં અને માત્ર આ સમાજમાં જ જોવા મળે છે. તેનું અનાદિ કાળથી અનુસરણ કરવામાં આવે છે, પરંતુ કોઈ ચોક્કસ સમયની નોંધ મળતી નથી.”
આ માતૃવંશીય પ્રથા શા માટે શરૂ થઈ હશે તેનાં ચોક્કસ કારણ બેનરિડાએ જણાવ્યાં હતાં. તેનું મુખ્ય કારણ પુરુષોનું સતત ફરતા રહેવું હતું. પ્રાચીન કાળમાં યુદ્ધમાં જતો પુરુષ સતત ફરતો રહેતો હતો, જ્યારે સ્ત્રીઓ ઘરમાં જ રહેતી હતી. તેથી પરિવારની જવાબદારી સ્ત્રી પર હતી.
માનવવંશશાસ્ત્ર ઉપરાંત ભાષાશાસ્ત્ર જેવી અન્ય શાખાઓમાં પણ આ પ્રથાનો અભ્યાસ થયો છે. તેના પરથી એ સમજી શકાય કે આ પ્રથા મેઘાલયમાં ક્યાંથી અને કેવી રીતે આવી હતી.
બેનરિડાએ કહ્યું કે, “ભારતમાં આ પ્રથાનું પાલન માત્ર ખાસી અને ગારો સમાજ જ કરે છે. ગારો ‘તિબેટો-બર્મન’ ભાષાસમૂહનો સમાજ છે, જ્યારે ખાસી ‘ઓસ્ટ્રો-એશિયાટિક’ ભાષાસમૂહનો સમાજ છે. અમે ખાસીઓ તે ભાષા બોલીએ છીએ. આ ભાષા અગ્નિ એશિયામાં વધુ પ્રમાણમાં બોલાય છે.
“જે ભાષાશાસ્ત્રીઓએ અમારા વંશનું મૂળ શોધી કાઢ્યું હતું તેઓ માને છે કે અમે તે વિસ્તારમાંથી આવ્યા છીએ. ચોક્કસ રીતે કહીએ તો મ્યાનમાર અને કમ્બોડિયામાંથી,” એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે “તેથી ભાષા-ઇતિહાસ નિષ્ણાતો માને છે કે અમે અગ્નિ એશિયામાંથી જ માતૃવંશીય પ્રથા અહીં લાવ્યા છીએ. એ પ્રદેશના કેટલાક આદિવાસી સમાજ આજે પણ આ પ્રથાને અનુસરે છે. વિયેતનામ અને કમ્બોડિયામાં એવા આદિવાસી સમાજ છે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે “મોટાભાગના માતૃવંશીય સમાજ આફ્રિકામાં છે. અમારી સૌથી વધુ નજીક ગણાય તેવો એક સમાજ ચીનનો મુસુઆ સમાજ છે. તેમના વિશે મારી પાસે નક્કર માહિતી છે અને મને લાગે છે કે વિશ્વમાં આવા વીસથી ઓછા સમાજ છે.”
માતૃવંશીય પ્રથામાં સ્ત્રીને ખરેખર કેટલા અધિકાર?
એક વાત સ્પષ્ટ છે કે મોટાભાગની પિતૃસત્તાક પ્રણાલીમાં મહિલાઓને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે અને જ્યાં મહિલાઓને એવા અધિકાર મળ્યા છે ત્યાં પણ તેમણે એના માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો છે. તેની સરખામણીએ મેઘાલયમાં સ્ત્રીઓને પરંપરાગત રીતે જ આવા અધિકાર આપવામાં આવ્યા છે.
એ સિવાય અન્યત્ર વ્યક્તિના નામ પાછળ પિતાના કુટુંબની અટક લાગે છે, જ્યારે અહીં માતાના પરિવારની અટક લાગે છે. પરિવારના નામ સાથે જે પ્રતિષ્ઠા જોડવામાં આવે છે તે અહીં માતાની છે, પરંતુ વાસ્તવિક વ્યવહારમાં આ અધિકાર અને પ્રતિષ્ઠાથી શું લાભ થાય છે? આજે પણ જીવંત રાખવામાં આવેલી આ પ્રથાને લીધે સ્ત્રીઓને સમાજકારણમાં વધુ મહત્ત્વ, વધુ પ્રતિષ્ઠા સાંપડે છે? નોંધપાત્ર વાત એ છે કે મિલકતના અધિકાર પુત્રીને મળતા હોવા છતાં આ પ્રથા માતૃસત્તાક નથી.
બેનરિડા લેંગસ્ટેહે કહ્યું હતું કે “માતૃસત્તાક પદ્ધતિમાં સ્ત્રીઓને વધુ અધિકાર મળે છે. તેઓ સત્તાધીશ હોય છે અથવા તેમને સત્તાના તમામ સમાન અધિકાર છે, પરંતુ માતૃવંશીય પ્રથામાં માત્ર માતાના પરિવારનું નામ આગળ જાય છે. આ પ્રથા ખરેખર પિતૃસત્તાક પદ્ધતિ પ્રમાણે કામ કરે છે, પરંતુ વંશરેખા માતાના પક્ષે આગળ વધે છે.”
મુખ્ય ફરક આ જ છે. તેથી મેઘાલયમાં સ્ત્રીઓ ક્યારેય સામાજિક માળખાનું શક્તિકેન્દ્ર બની નથી. આજે પણ નથી.
પેટ્રિશિયા મુખિમ ‘ધ શિલોંગ ટાઈમ્સ’નાં તંત્રી તથા લેખિકા છે. અહીંના સમાજકારણમાં આપેલાં યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. તેમણે ઈશાન ભારતમાં લિંગભેદ બાબતે વિસ્તારપૂર્વક લખ્યું છે. તેઓ મેઘાલયના માતૃવંશીય સમાજનું સચોટ વર્ણન કરે છે.
માતૃવંશીય સમાજમાં પુરુષોની ચળવળ
મેઘાલય પરંપરાગત રીતે માતૃવંશીય સમાજ છે, પરંતુ સામાજિક વ્યવહારમાં તે પિતૃસત્તાક સમાજ છે. અહીં પિતૃસત્તાક વિચારોની ઘૂસણખોરી વર્ષોથી ચાલી રહી છે. અહીં પરંપરાગત રીતે આર્થિક અધિકાર સ્ત્રીની તરફ હોય છે અને બીજી બાજુ આવો સંઘર્ષ ચાલતો રહે છે. અહીં પુરુષો તેને પોતાની પ્રતિષ્ઠા સાથે જોડે છે.
એસઆરટી નામનું એક જૂથ 30થી વધુ વર્ષથી પુરુષો માટે અધિકારની માગણી કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે માતૃવંશીય પરંપરા પુરુષોને નબળા બનાવી રહી છે. પરિવારમાં પુરુષો પાસે કોઈ સત્તા ન હોવાથી પુરુષોને એવું લાગે છે કે અહીં તેમનું કશું જ નથી. તેથી પુરુષોને અધિકાર મળવા જોઈએ એવી સંંગઠનની માગણી છે.
આ સંગઠનના પ્રમુખ કિથ પેરિયટ સાથે અમારી મુલાકાત શિલોંગમાં થઈ હતી. તેમણે પણ જણાવ્યું હતું કે અહીં પુરુષના નામે કોઈ મિલકત નથી. તેથી તેમને કોઈ નાણાકીય સંસ્થા લોન આપતી નથી. તેઓ આ મુદ્દાને આર્થિક માળખા સાથે જોડે છે.
જોકે, તેમને પ્રત્યુતર આપતા લોકો સવાલ કરે છે કે માત્ર પેઢીગત સંપતિમાં હિસ્સો ન મળતો હોવાને કારણે જ આ સમસ્યા કેવી રીતે સર્જાય? બેનરિડા લેંગસ્ટેહે જણાવ્યું હતું કે આ પ્રથા માત્ર પેઢીગત વારસા માટેની છે અને માતા-પિતા તેમણે પ્રાપ્ત કરેલી સંપત્તિ તેમના સંતાનોને આપી શકે છે.
તેમણે કહ્યું હતું કે “મારા પિતા જે સંપત્તિ કમાયા છે એ મને આપવી કે મારા ભાઈને એ નક્કી કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. આજના માતા-પિતા કહી શકે કે બધો વારસો નાની દીકરીને આપવાની જરૂર નથી. એ વિશેનો નિર્ણય પરિવાર સાથે બેસીને કરી શકે છે.”
જોકે, પુરુષો એવું માને છે કે તેમને પિતાના પરિવારની અટકના ઉપયોગનો અધિકાર અથવા તેમની મિલકતમાં થોડો અધિકાર મળશે તો તેમને પ્રતિષ્ઠા મળશે.
કિથ પેરિયટે કહ્યું હતું કે “ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે પોતાના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી એવું પુરુષોને લાગે છે. ખાસ કરીને મિલકતને લગતી પારિવારિક બેઠક હોય ત્યારે તેમાં જમાઈનો સમાવેશ કરવામાં આવતો નથી. આવી અનેક નાની બાબતોમાંથી અળગા રાખવામાં આવતા હોવાને કારણે પુરુષો અસ્વીકારની લાગણી અનુભવે છે અને તેમને પરિવાર સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા થતી નથી. તેથી આજે અહીં ઘણી સિંગર મધર છે. તેમના પતિ ક્યાંક ચાલ્યા ગયા છે.”
મેઘાલયમાં સિંગર મધરની સમસ્યા
પુરુષોનો પક્ષ રજૂ કરતી વખતે કિથ પેરિયટે એક મહત્ત્વનો મુદ્દો માંડ્યો હતો અને એ છે મેઘાલયમાં સિંગલ મધરની સમસ્યા. છેલ્લા કેટલાંક વર્ષોમાં અહીં આ સમસ્યા ગંભીર બની છે.
લગ્નથી કે લગ્ન વિના સંતાન થયા બાદ પતિ દ્વારા તરછોડાયેલી સિંગલ માતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મેઘાલય રાજ્ય મહિલા પંચના 2022ના સર્વેક્ષણના તારણ અનુસાર, કુલ 12 પૈકીના સાત જિલ્લામાં 3078 સિંગલ મધર્સ છે.
કિથ પેરિયેટ તેને માતૃવંશીય પ્રથા સાથે જોડતાં એવી દલીલ કરે છે કે પુરુષોનો પરિવારની નિર્ણયપ્રક્રિયામાં, મિલકતમાં કોઈ હિસ્સો ન હોવાથી તેઓ પરિવાર પ્રત્યે આત્મીયતા અનુભવતા નથી અને પત્નીને ત્યજી દે છે.
જોકે, કિથ પેરિયેટની આ દલીલ સાથે ઘણા લોકો અસહમત છે. અનેક વિદ્વાન માને છે કે તેને માતૃવંશીય પ્રથા સાથે નહીં, પરંતુ અન્ય પરંપરા સાથે સંબંધ છે. મેઘાલયના આ આદિવાસી સમાજમાં લગ્ન વિના સહવાસની પરંપરાને કારણે એક રીતે પુરુષો પર જવાબદારીનું કોઈ બંધન હોતું નથી. તેથી સિંગલ મધરની સમસ્યા સર્જાઈ છે.
બેનરિડા લેંગસ્ટેહે કહ્યું હતું કે “અમારે ત્યાં આ પરંપરા એક પ્રકારની લિવ-ઇન રિલેશનશિપ છે અને પુરુષોએ બાળકના ઉછેરની જવાબદારી માત્ર માતા પર ઢોળી દીધી છે. કેટલાક કિસ્સામાં તે એક સામાજિક સમસ્યા બની ગઈ છે.”
તેમણે ઉમેર્યું હતું કે “છોકરીઓ બહુ નાની વયે સિંગલ મધર બની જાય છે. તેથી જીવનભર સહજીવન ઈચ્છતા હો તો તેની સત્તાવાર નોંધ થવી જોઈએ. તેની સાબિતી હોવી જોઈએ, એવા પ્રયાસ થઈ રહ્યા છે, જેથી પુરુષ અલગ થઈ જાય તો પણ તેના સંતાનને થોડો આર્થિક આધાર મળી શકે.”
“મેઘાલયમાં 45 ટકા પરિવારનું ગુજરાન આવી સિંગલ મધર્સ દ્વારા ચલાવવામાં આવે છે એ વાત તમે માની શકશો? તેઓ સિંગલ મધર છે, કારણ કે તેમના પતિઓએ તેમને તરછોડી દીધી છે. તેનું કારણ એ છે કે અમારા ખાસી સમાજમાં લગ્ન પહેલાંથી જ સ્ત્રી-પુરુષ સહવાસ કરે છે. તમે પરિણીત હો કે ન હો, પરંતુ સાથે રહેવાને લીધે સંતાન થાય તો તે સામાજિક રીતે સ્વીકાર્ય છે.”
“આવી માનસિકતાને લીધે જૂની પરંપરા છોડ્યા વિના અમે એકવીસમી સદીમાં પ્રવેશ્યા છીએ,” એવું પેટ્રિશિયા મુખિમે પરંપરાગત સહજીવન અને લગ્ન પદ્ધતિમાં જરૂરી ફેરફારોની વાત કરતાં કહ્યું હતું.
ખાસી વારસા અધિકાર ખરડો પસાર કરવાની કવાયત
મેઘાલયમાં આ પરંપરામાં જરૂરી ફેરફારો વિશે ચર્ચા અને વાદવિવાદ સતત ચાલતા રહે છે. વિવાહ-સહજીવનના નહીં, પરંતુ માતૃવંશીય પરંપરાના કેટલાક નિયમ બદલવાની નવી હિલચાલ મેઘાલયમાં શરૂ થઈ છે.
ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ અનુસાર, ઈશાન ભારતના આદિવાસી સમાજને તેમના રિવાજ પાળવાનો અધિકાર છે. તે મુજબ અહીં ખાસી તથા ગારો સ્વાયત્ત જિલ્લા પરિષદો છે.
અહીંની ખાસી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે માતૃવંશીય પરંપરામાં ફેરફારનું સૂચન કર્યું છે, જેની હાલ અહીં ચર્ચા ચાલી રહી છે. તેની શરૂઆત એક ખરડાથી થઈ હતી. ખાસી હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી સભાસદ ટિટોસ શાયને આ વારસા હક્ક ખરડો રજૂ કર્યો છે.
પોતે જે કારણસર આ ખરડો રજૂ કર્યો હોવાનું ટિટોસ શાયન જણાવે છે તે કારણ વ્યવહારુ અને પરિસ્થિતિજન્ય છે. મેઘાલયમાં તેની ચર્ચા છેલ્લા ઘણાં વર્ષથી થતી હતી. મિલકત સંબંધી નિયમોને કારણે ખાસી તથા ગારો સમાજમાં અનેક સમસ્યા સર્જાઈ રહી હતી.
દીકરી સમાજ બહાર લગ્ન કરીને પરદેશ જાય તો શું કરવાનું? કોઈ પરિવારમાં પુત્રીનો જન્મ જ ન થયો હોય તો શું કરવાનું? દીકરો તેના માતા-પિતાની સંભાળ રાખતો હોય તો તેને વારસો કેમ ન આપી શકાય? આવા સવાલોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત ખરડામાં, પોતાના પુત્રને વારસો આપવાનું વિલ કરવાનો અધિકાર માતા-પિતાને આપવાની દરખાસ્ત છે.
ટિટોસ શાયને કહ્યું હતું કે “પ્રથા ખંડિત નહીં થાય. અમે તેને સ્પર્શ સુદ્ધાં નહીં કરીએ. અમે માતા-પિતાને વિલ કરવાનો અધિકાર આપી રહ્યા છીએ.”
તેમ છતાં અહીં એક પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળતો નથી. અહીં પરંપરાગત રીતે સ્ત્રીને વારસો મેળવવાનો અધિકાર છે. તે ચાલુ રહેશે, પરંતુ જ્યાં આવી પરંપરા નથી ત્યાં, કાયદા હેઠળ સમાનતા હોવા છતાં, ઝુકાવ પુત્ર તરફ હોય છે ત્યારે ઉપરોક્ત વિકલ્પ મળવાથી મેઘાલયમાં પણ એવું નહીં થાય?
પરિવર્તનનો પવન
આ અને અન્ય ખરડા બાબતે હજુ પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેનાથી, પરિવર્તનનો પવન ફૂંકાતો અટકતો નથી. વધુ આધુનિકીકરણ થઈ રહ્યું છે, વધુ શહેરીકરણ થઈ રહ્યું છે, શિક્ષણ માટે નવી પેઢી રાજ્ય બહાર તથા પરદેશ જઈ રહી છે ત્યારે કેટલાક ફેરફાર અજાણપણે થઈ રહ્યા છે.
મેઘાલયમાં ઘણા લોકો આવા ફેરફાર કરવા લાગ્યા છે. શૅરિટી સૅમને કર્યા છે તેમ, તે વ્યક્તિગત સ્તરે થઈ રહ્યા છે. શૅરિટી માતૃવંશીય પરંપરાનું પાલન કરે છે, પરંતુ તેઓ એ તેમના સંતાનો પર લાદવા ઇચ્છતાં નથી. તેઓ તેમની મિલકતનો કેટલોક હિસ્સો તેમના પુત્રોને પણ આપવાનાં છે.
શૅરિટી સૅમ કહે છે કે, “અમે વૃદ્ધ થઈશું ત્યારે દીકરી અમારી સંભાળ રાખશે એવી આશા હું રાખતી નથી. તે શિક્ષણ માટે બહાર જશે. ત્યાં કોઈ છોકરાને મળશે. એ બાબત પર આપણે અંકુશ રાખી શકીએ નહીં. આપણે તૈયાર રહેવું પડશે. બદલાતા સમયમાં આપણે સંતાનોને જૂની પરંપરાનું પાલન કરવાની ફરજ પાડી શકીએ નહીં. તેમને મોકળાશ આપવાનો સમય આવી ગયો છે. તેઓ ક્યારેય અમને મળવા આવતા રહેશે, જેવી આશા રાખવાની.”
બેનરિડા લેંગસ્ટેહ માને છે કે સમાનતા સર્જાતી હોય તો આ પરિવર્તન સામે કોઈ વાંધો નથી. માત્ર વારસા હક્કનો વિચાર કરવાને બદલે છોકરા-છોકરીઓને સમાન શિક્ષણ આપીને તેમના પગ પર ઊભા કરવામાં આવશે તો ભવિષ્ય બહેતર બનશે.
તેમણે કહ્યું હતું કે “પુરુષ હોય કે સ્ત્રી, પોતપોતાના પગ પર ઊભા રહેવું બધા માટે સમજદારીભર્યું છે. દીકરા-દીકરીને સમાન વારસા હક્ક આપીએ, એકમેકને મદદ કરીએ તો આ અશક્ય નથી. મને લાગે છે કે એવું થવું જોઈએ. આપણે પ્રગતિશીલ બનવું જોઈએ.”
કોઈ પણ સંસ્કૃતિમાં બદલાતા સમય સાથે પરિવર્તન થતું હોય છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. મેઘાલયમાં પણ આવું થતું હોય એમ લાગે છે. પરંપરાથી અલગ થઈને નહીં, પરંતુ તેના કાળસંગત બનાવીને.