You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળક ગર્ભમાં જ ગીતાના શ્લોક અને રામાયણના પાઠ શીખી શકે?
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલી સંસ્થા સંવર્ધિની ન્યાસે ગર્ભવતી મહિલાઓ માટે 'ગર્ભસંસ્કાર' અભિયાન શરૂ કર્યું છે.
રાષ્ટ્ર સેવિકા સમિતિ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આએએસએસ)નું મહિલા સંગઠન છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંવર્ધિની ન્યાસના રાષ્ટ્રીય સંગઠન સચિવ માધુરી મરાઠેએ કહ્યું, "ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભસંસ્કાર નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી બાળકને ગર્ભમાં જ સંસ્કાર અને મૂલ્યો શીખવી શકાય."
"ગાયનેકોલૉજિસ્ટ, આયુર્વેદના ડૉકટરો અને યોગ પ્રશિક્ષકોની મદદથી ન્યાસ એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે જેમાં ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં સંસ્કાર કેળવવા માટે ગર્ભાવસ્થા દરમિયાન ગીતા અને રામાયણના પાઠ કરવા અને યોગ કરવાનું સામેલ કરવામાં આવ્યું છે."
તેમના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હીમાં જવાહરલાલ યુનિવર્સિટીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 રાજ્યોના 80 ગાયનેકોલૉજિસ્ટોએ પણ ભાગ લીધો હતો.
માધુરી મરાઠેએ પીટીઆઈને જણાવ્યું કે, "આ કાર્યક્રમ ગર્ભવતી મહિલા અને બાળક બે વર્ષની વયનું થાય ત્યાં સુધી ચાલશે અને તેમાં ગીતાના શ્લોકો, રામાયણની ચોપાઈનો પાઠ કરવામાં આવશે. ગર્ભમાં ઉછરી રહેલું બાળક 500 શબ્દો સુધી શીખી શકે છે."
પરંતુ શું ગર્ભમાં ઉછરી રહેલું બાળક ખરેખર શબ્દો કે કોઈ ભાષા સમજી શકે છે?
વિજ્ઞાનની દુનિયા આ મુદ્દે વિભાજિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈસ્થિત મહિલા કાર્યકર અને ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુચિત્રા દેલવી કહે છે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક અવાજ તો સાંભળી શકે છે પરંતુ કોઈ પણ ભાષા સમજી શકતું નથી.
તેઓ કહે છે, “જેમ ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું શરીર વિકાસ પામે છે તેમ તેના કાન પણ વિકાસ પામે છે. આવી સ્થિતિમાં ધ્વનિતરંગો પણ તેના સુધી પહોંચે છે. પરંતુ બાળક તે અવાજોનો અર્થ સમજી શકતું નથી. આવી સ્થિતિમાં માતા સંસ્કૃત કે કોઈ પણ શ્લોકનો પાઠ કરે તો બાળક તેને કેવી રીતે સમજશે?”
અલગ-અલગ મંતવ્યો
ડૉ. સુચિત્રા માને છે કે આ એક મિથક છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
ડૉ. સુચિત્રા કહે છે કે આવી બાબતો વિશે વિચારવાને બદલે એવાં બાળકો વિશે વિચારવું જોઈએ જેઓ આ દુનિયામાં આવ્યાં છે, પરંતુ ખોરાક, શિક્ષણ જેવી પ્રાથમિક બાબતોથી વંચિત છે. બાળકોને સારા નાગરિક બનાવવાની અને સંસ્કાર આપવાની વાત થવી જોઈએ.
બીજી તરફ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. એસ.એન. બાસુ કહે છે કે સંશોધન દર્શાવે છે કે ગર્ભમાં ઉછરી રહેલું ભ્રૂણ સપનું જોઈ શકે છે અને તે અહેસાસ પણ કરી શકે છે.
અમેરિકન વેબસાઇટ સાયકૉલોજી ટુડે પર પ્રકાશિત ફીટલ સાયકૉલૉજીનો ઉલ્લેખ કરતાં ડૉ. બાસુ કહે છે, "તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે નવ અઠવાડિયાંના ગર્ભને હેડકી આવે છે અને ઉઊંચા અવાજો પર પ્રતિક્રિયા પણ આપે છે અને 13મા અઠવાડિયે તે સાંભળી પણ શકે છે. તે માતાના અવાજ અને અજાણી વ્યક્તિના અવાજ વચ્ચેનો ભેદ પણ પારખી જાય છે.”
તેઓ કહે છે, "આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ગર્ભાશયમાં ઉછરી રહેલા ભ્રૂણને એક જ કહાણી વારંવાર કહેવામાં આવે તો તે તેના પર પ્રતિક્રિયા પણ આપે છે."
તેઓ આગળ કહે છે, "આ સંશોધનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ગર્ભમાં અનુભવવાની, જોવાની અને સાંભળવાની ક્ષમતા સાથે શીખવાની અને યાદ રાખવાની ક્ષમતા પણ વિકસિત થાય છે. આ પ્રવૃત્તિઓ મૌલિક, સ્વચાલિત અને જીવરસાયણશાસ્ત્ર સાથે સંબંધિત હોઈ શકે છે. જેમ કે ગર્ભ પહેલા અવાજથી ચોંકી જાય છે પરંતુ પછી સમય સાથે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે."
તેઓ કહે છે, “બાળક ગર્ભાશયમાં વિકસી રહ્યું હોય તે સમયગાળા દરમિયાન જો માતા સકારાત્મક કાર્યો કરે છે તો તેની અસર બાળક પર પણ પડે છે.”
હૉર્મોન અને બાળક પર અસરો
ડૉ. સુચિત્રા દેલવી કહે છે, "જો ગર્ભવતી મહિલા તણાવમાં હોય અને રામાયણ, ગીતાના શ્લોકો વાંચીને, ગીત સાંભળીને શાંતિ મેળવે તો આ સમયે શરીરમાં ઉત્પન્ન થતા હોર્મોન્સ ગર્ભ પર પણ અસર કરે છે."
ડૉ. સુચિત્રા દેલવી સમજાવે છે, "તે સમયે થતા હોર્મોન્સ કે કેમિકલ બૅલેન્સની અસર માતા દ્વારા બાળક સુધી પહોંચે છે. એટલે કે સ્ટ્રેસ હોર્મોન કે હેપ્પી હોર્મોન પણ બાળક પર અસર કરે છે અને તેનો વૈજ્ઞાનિક આધાર છે.”
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર મુક્તા દાભોલકર સગર્ભા સ્ત્રી માટે પૌષ્ટિક આહાર, સારા વિચારો, મનને શાંત રાખવાની વાતોને ગર્ભસંસ્કાર સાથે જોડવા પર સંમત થાય છે.
તેઓ કહે છે, "જ્યારે ગર્ભમાં રહેલું બાળક ભાષા જ સમજી શકતું નથી, તો તેને કેવી રીતે ખબર પડશે કે માતા મંત્રનો પાઠ કરી રહી છે."
તેઓ માને છે કે આવી ધાર્મિક વિધિઓ વિશે વાત કરવી એ છદ્મવિજ્ઞાન છે.
તેમના મતે, "માતા માટે ખુશ રહેવું મહત્ત્વપૂર્ણ છે અને તેને ખુશ રાખવી પરિવારની જવાબદારી હોવી જોઈએ અને તેના આહાર પર ધ્યાન રાખે."
વિચારધારા વિસ્તારવાનો પ્રયાસ
ઉત્તર પ્રદેશની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક સંશોધન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એ જાણવામાં આવી રહ્યું છે કે અવાજ અને સંગીતની ગર્ભમાં રહેલા ભ્રૂણ પર શી અસર થાય છે.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ ઍન્ડ ગાયનેકોલૉજીના ફેકલ્ટી ઑફ આયુર્વેદ ડૉ. સુનીતા સુમન કહે છે, "ગર્ભસંસ્કાર થૅરપી નામનું આ સંશોધન હમણાં જ શરૂ થયું છે. તેમાં વધુ માહિતી મેળવવામાં સમય લાગશે. આનો હેતુ એ પણ છે કે જો માતા તણાવમાં હોય તો તેના પર આ પ્રકારની થૅરપીની કેવી અસર થાય છે તેના વિશે પણ સંશોધન ચાલી રહ્યું છે.”
કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આ એક વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરવાનો પ્રયાસ છે.
વિશ્લેષક રાજેશ સિન્હાનું કહેવું છે કે હિંદુઓની ભાવનાઓને ઉભારવા માટે આવી વાતો કરવામાં આવે છે, જેનો કોઈ તાર્કિક આધાર નથી. ભારતમાં લોકો અંધશ્રદ્ધાથી ભરેલા છે જ્યાં તેઓ પંચાંગ અને વાસ્તુમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. આવી બાબતો તેમનો રાજકીય અને સાંસ્કૃતિક આધાર વધારે છે.
આ પહેલાં પણ આરએસએસની આરોગ્ય શાખા આરોગ્ય ભારતી દ્વારા ગર્ભવિજ્ઞાન સંસ્કાર શરૂ કરવાના સમાચાર આવ્યા હતા.
તેની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી અને વર્ષ 2015માં તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી હતી. તેમજ તેને આરએસએસની વિદ્યાભારતી શાખાના સહયોગથી અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી રહી છે.