You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એસ. જયશંકર : સ્ટીફન્સ અને જેએનયૂથી મોદી કૅબિનેટમાં વિદેશમંત્રી સુધી
30 મેની સાંજે જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડા પ્રધાનપદના શપથ લેતા હતા ત્યારે તેમની કૅબિનેટમાં નવા ચહેરાઓમાં સામેલ એક નામ જયશંકરનું પણ હતું. એસ. જયશંકરને મોદીની કૅબિનેટમાં વિદેશમંત્રીનું પદ મળ્યું છે.
આમ તો સુબ્રમણ્યમ જયશંકર સફળ રાજદૂત તરીકે જાણીતા છે. પરંતુ કૅબિનેટમાં મંત્રી તરીકે તેમની નિયુક્તિથી એક વાત નક્કી થઈ ગઈ કે સરકારના વિશ્વાસ અને જરૂરિયાત- બંને પર તેઓ ખરા ઊતર્યા છે.
એસ. જયશંકરને કૂટનીતિક આવડત પિતા સુબ્રમણ્યમ પાસેથી વારસામાં મળી છે. ભારતના મુખ્ય રાજનીતિજ્ઞ વિશ્લેષકોમાં તેમની ગણના થાય છે.
નોંધનીય છે કે અગાઉની મોદી સરકારમાં રહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે સ્વાસ્થ્યને લઈને આ ચૂંટણીમાં ભાગ નહોતો લીધો.
જયશંકરે લોકસભા ચૂંટણી લડી નથી તો સ્વાભાવિક છે કે મંત્રી બની રહેવા માટે તેઓએ રાજ્યસભાની આવનારી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાગ લેવો પડશે.
તમે આ વાંચ્યું કે નહીં?
વિદેશ સચિવ પદ પર નિમણૂક
સરકારમાં આવતાની સાથે આઠ મહિનામાં જ મોદી સરકારે વર્ષ 2015માં તત્કાલીન વિદેશ સચિવ સુજાતાસિંહને પદ પરથી દૂર કરીને એસ. જયશંકરની નિમણૂક કરી.
સુજાતાસિંહની નિમણૂક યૂપીએ સરકારમાં થઈ હતી અને તેમનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં તેમને પદ પરથી હઠાવતા એ સમયે વિવાદ પણ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ વર્ષ 2013માં જયશંકરની વિદેશ સચિવ તરીકે નિમણૂક કરવા માગતા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેઓએ સુજાતાસિંહને આ પદ સોંપ્યું હતું.
રાજદૂત જયશંકર
જયશંકરે દિલ્હીની સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં એમફીલ કર્યું છે અને જેએનયૂથી પીએચડી. તેમણે પરમાણુ કૂટનીતિમાં પણ વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં જયશંકરની કરિયર એક રાજદૂતના રૂપમાં રહી છે. વિદેશસેવાના તેઓ 1977 બેચના અધિકારી છે અને તેમની પહેલી પોસ્ટિંગ રશિયા ખાતે ભારતીય દૂતાવાસમાં થઈ હતી.
તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના પ્રેસ સચિવ પણ રહી ચૂક્યા છે.
બાદમાં તેઓ વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહ્યા. અમેરિકામાં ભારતના પ્રથમ સચિવ પણ રહ્યા. તેઓએ શ્રીલંકામાં ભારતીય સેનાના રાજનીતિજ્ઞ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે.
એ પછી તેમણે ટોક્યો અને ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂતનું પદ સંભાળ્યું. તેઓએ ચીનમાં પણ ભારતીય રાજદૂત રહી ચૂક્યા છે.
ચીન સાથે વાતચીતના માધ્યમથી ડોકલામ ગતિરોધને હલ કરવામાં જયશંકરની મોટી ભૂમિકા માનવામાં આવે છે.
જયશંકરે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર પર વાતચીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ વર્ષે જ પદ્મશ્રીથી સન્માનિત ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી જયશંકરે વિદેશ સચિવ તરીકે પણ સેવા આપી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મોદી સાથે નિકટતા
મંત્રીમંડળમાં જયશંકર એકમાત્ર બિનરાજકીય ચહેરો છે.
પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરની કૅબિનેટમાં ઍન્ટ્રીથી ઘણા લોકોને નવાઈ લાગી હશે. પણ તેઓને મોદીના નજીકના વહીવટી અધિકારી માનવામાં આવે છે.
એનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે વિદેશ સચિવ તરીકે વર્ષ 2017માં પૂર્ણ થઈ રહેલો તેમનો કાર્યકાળ વધારી દેવાયો હતો. તેઓ વર્ષ 2015થી 2018 સુધી વિદેશ સચિવ રહ્યા.
મોદીની વર્ષ 2018 સુધીની લગભગ બધી જ વિદેશયાત્રા દરમિયાન તેઓ તેમની સાથે હતા. વર્ષ 2018માં રિટાયર થયા બાદ તેઓએ ટાટા ગ્રૂપમાં વૈશ્વિક કૉર્પોરેટ મામલામાં અધ્યક્ષ તરીકે કામ કર્યું.
કેમ ખાસ છે જયશંકરનું કૅબિનેટમાં સામેલ થવું?
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કૅબિનેટમાં એસ. જયશંકરના સમાવેશને મોદીના મંત્રીમંડળની ખાસ વાત ગણાવે છે.
તેઓએ બીબીસીને કહ્યું કે આ એક સંદેશ છે કે શક્ય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં અન્ય આવા લોકોને કૅબિનેટમાં સામેલ કરે.
નીરજા કહે છે કે અમેરિકા અને ચીનની સાથે કામ કરવું આજના સમયની જરૂરિયાત છે. એ સંબંધ જયશંકરની નિમણૂકથી વધુ મજબૂત થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.