ચીનની અર્થવ્યવસ્થા મંદ પડતા લોકો પૈસા બચાવવા શું નુસખા અપનાવી રહ્યા છે?

    • લેેખક, સિલ્વિયા ચાંગ
    • પદ, બીબીસી ચાઈનીઝ, હૉંગકૉંગ

દક્ષિણી ચીનના શિયામેન શહેરમાં રહેતા શિયાઓ ઝુઓ કહે છે, “દરેક વર્ષના અંતે અમારી પાસે માંડ થોડા ઘણા પૈસા બચે છે, મને ચિંતા થતી હતી પણ ખબર નહોતી પડતી કે હું શું કરું?”

36 વર્ષીય શિયાઓ, બે બાળકોનાં માતા છે.

કોરોના મહામારી દરમિયાન શિયાઓ ઝુઓ અને તેમના પતિનો પગાર કાપીને અડધો કરી દેવામાં આવ્યો હતો, આ તેમના પરિવાર માટે મોટો ઝટકો હતો, કારણ કે શિયાઓને તેમના માતાનો ખર્ચ પણ ઉઠાવવો પડતો હતો, જેમને પાંચ વર્ષ પહેલાં કૅન્સર છે એવું બહાર આવ્યું હતું.

ચીનના યુવાઓમાં હાલમાં ‘દા જી’ની તલાશ કરીને તેમને મળવાનું ચલણ વધતું જાય છે. તેનો મતલબ એવો પાર્ટનર થાય છે જેમાં ઇન્ટરનેટમાં સમાન રસ હોય અને પછી તેઓ ગ્રૂપમાં પૈસા બચાવવાની ટ્રિક્સ શૅર કરે છે.

પરંતુ એક સાથે સફર કરવાને બદલે શિયાઓ ઝુઓને એવી વ્યક્તિની તલાશ હતી કે જે પૈસા બચાવવા માગતી હતી.

ચીનમાં વધ્યું ઘરમાં બચત કરવાનું ચલણ

ચીનમાં આવી શોધ કરનાર શિયાઓ એકલાં નથી. ફેબ્રુઆરી, 2023માં શિયાંગોહોંગશુ પર 'સેવિંગ દા જી' નામનો હૅશટેગ પહેલી વાર ટ્રૅન્ડમાં જોવા મળ્યો હતો. આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને ‘ઇન્સ્ટાગ્રામ ઑફ ચાઈના’ કહેવામાં આવે છે.

ડેટા એનાલિસીસ કંપની ન્યૂઝરેન્ક અનુસાર છેલ્લા 13 મહિનામાં આ હૅશટેગને 17 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.

તેવી જ રીતે ચીનના અન્ય સોશિયલ મીડિયા ‘વીબો’ પર આવા વિષયોને લાખો વખત જોવામાં આવ્યા છે. આ અંગે કોઈ ચોક્કસ ડેટા મેળવવો મુશ્કેલ છે પરંતુ સોશિયલ મીડિયાની તપાસ દર્શાવે છે કે ચીનમાં ઓછામાં ઓછા હજારો લોકોએ તો ઑનલાઇન જૂથોમાં બચત માટે આ રીતે ભાગીદારો શોધ્યા છે.

આમાંના મોટા ભાગની 20થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ છે. તેમાંથી ઘણી માતા પણ બની છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ મહિલાઓ તેમનાં બાળકોના ભણતર માટે પૈસા બચાવવા માગે છે, કારણ કે ચીનમાં શિક્ષણ દિવસેને દિવસે મોંઘું થતું જાય છે.

તો કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ શૅરબજારમાં અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી ઓછો નફો મળવાને કારણે લોકો રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા છે.

તેમાંના ઘણા લોકો કહે છે કે તેઓ પૈસા એટલા માટે બચાવી રહ્યા છે કે જો તેઓ તેમની નોકરી ગુમાવે અથવા તેમનો પગાર કાપવામાં આવે તો તેમની પાસે ટકી રહેવા માટે પૂરતા પૈસા બચે. સુસ્ત અર્થવ્યવસ્થાના કારણે તેની આશંકા વધી રહી છે.

સ્થાનિક બચતદરના સંદર્ભમાં ચીન પહેલેથી જ વિશ્વમાં ટોચ પર છે. પરંતુ સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં પબ્લિક પૉલિસીના પ્રોફેસર લુ ઝી કહે છે કે, “બચતમાં તાજેતરનો વધારો દર્શાવે છે કે લોકો અર્થતંત્રના ભવિષ્યને લઈને ચિંતિત છે અને તેમનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે."

વર્ષ 2023 સુધીમાં ચાઇનીઝ પરિવારો પાસે બૅન્ક ખાતાંમાં આશરે 138 ટ્રિલિયન યુઆન (19.1 અબજ અમેરિકી ડૉલર) હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ અગાઉના વર્ષ કરતાં 14 ટકા વધુ કરવામાં આવેલી બચત હતી.

કેવી છે ચીની અર્થવ્યવસ્થાની હાલત?

વર્ષોથી લાગુ કરવામાં આવેલી અત્યંત કડક ઝીરો કોવિડ નીતિને કારણે ચીનની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ટૂંકા સમય માટે પુનઃસ્થાપિત થઈ શકે છે. હવે ચીનમાં પ્રોપર્ટી માર્કેટમાં કટોકટી પણ વધી રહી છે. મોંઘવારીનો દર અને વિદેશી રોકાણ ઘટી રહ્યું છે અને સ્થાનિક સરકારો પર દેવાનો બોજ વધી રહ્યો છે.

ચીનમાં ઘરના રોજિંદા ખર્ચાઓનું સંચાલન કરવાની જવાબદારી સામાન્ય રીતે મહિલાઓના હાથમાં હોય છે. ડૉ. લૂ કહે છે કે જો આજે વધુને વધુ મહિલાઓ બચત કરી રહી છે તો એ વાસ્તવિકતા દર્શાવે છે કે ચીનમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે.

તેની અસર માત્ર યુવા પેઢી સુધી મર્યાદિત નથી. તાજેતરના સત્તાવાર આંકડા અનુસાર, ચીનમાં છેલ્લા ત્રણ મહિનાથી બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે.

બચત વધારવાની ચીનના લોકોની વધતી ઇચ્છા એ દર્શાવે છે કે ચીન માટે તેની અર્થવ્યવસ્થાને ફરીથી સંતુલિત કરવાનું વધુ મુશ્કેલ બનશે.

છેલ્લા કેટલાક દાયકામાં ચીનના અર્થતંત્રનો ઝડપી વિકાસ દર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ‘ઓછા ખર્ચે ઉત્પાદન ક્ષેત્રે ભારે રોકાણ’ દ્વારા પ્રેરિત હતો. પરંતુ નિષ્ણાતોની દલીલ છે કે ચીનની અર્થવ્યવસ્થા પરિપક્વ બની રહી હોવાથી તેણે વિકાસદર જાળવી રાખવા માટે સ્થાનિક ખપતને પ્રોત્સાહન આપવું પડશે.

ડૉ. લૂ કહે છે કે સ્થાનિક બચતમાં વધારાને કારણે ચીનમાં મૂડીની અછત થઈ શકે છે. આવું 1990ના દાયકામાં જાપાનમાં જોવા મળ્યું હતું.

આનો અર્થ એ થશે કે લોકો તેમની પાસે રોકડ વધુ રાખશે અને ખર્ચ અથવા રોકાણ કરવાથી દૂર રહેશે. વ્યાજદરો ખૂબ ઓછા હોય તો પણ લોકો આવું કરશે તેવી સંભાવના છે. આવી પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લાગુ કરવામાં આવી રહેલી નાણાકીય નીતિઓ બિનઅસરકારક બની જશે.

ધન બચાવવાની ચિંતા અને દોસ્તી

શિયાઓ ઝુઓ પોતાને ભાગ્યશાળી માને છે, કારણ કે તેઓ સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ગયા વર્ષે ચીનના વિકાસમાં આ ક્ષેત્રનું યોગદાન લગભગ 40 ટકા હતું.

જોકે, તેમને લાગે છે કે તેમણે ‘કોઈ પણ જોખમનો સામનો કરવા માટે તૈયાર’ રહેવું જોઈએ, કારણ કે તેમના ઘણા મિત્રો અને પરિવારજનોએ તેમની નોકરી ગુમાવી દીધી છે.

તેમાંથી ઘણા લોકો હૉસ્પિટલો અને શાળાઓમાં સરકારી નોકરી કરતા હતા.

ફેબ્રુઆરીમાં શિયાઓ ઝુઓ ઘણાં બચત જૂથોમાં જોડાયા. આ જૂથોના સભ્યોએ દરરોજ તેમના ખર્ચ અને બજેટનો હિસાબ રાખવો પડે છે.

તેઓ એકબીજાને અચાનક કંઈ પણ ખરીદવાથી પણ રોકે છે. ઉદાહરણ તરીકે એક સભ્ય લક્ઝરી બેગ ખરીદવા માગતો હતો, જેની કિંમત પાંચ હજાર યુઆન હતી. અન્ય મહિલાઓ સાથે વાત કર્યા પછી તેમણે ફરીથી સેકન્ડહેન્ડ બેગ ખરીદી હતી, જેની કિંમત એક હજાર યુઆન કરતાં ઓછી હતી.

શિયાઓ ઝુઓ પૈસા બચાવવા માટે કેટલાક નુસખા પણ શીખ્યા છે. ઉદાહરણ તરીકે તેમને એક મોબાઇલ ઍપ વિશે જાણવા મળ્યું હતું જેમાં હૃદયના આકારની સ્પ્રેડશીટ હોય છે. તેમાં 365 બૉક્સ હોય છે જે 1થી લઈને 183 યુઆન સુધીની દૈનિક બચત વિશે માહિતી આપે છે.

એક વર્ષ પછી શિયાઓ તેના મારફતે લગભગ 34 હજાર યુઆન બચાવી શકશે.

ચીની મહિલાઓ કઈ રીતે પૈસા બચાવી રહી છે?

શિયાઓ એ હકીકતથી આશ્ચર્યચકિત છે કે તેમના જેવા ઘણા લોકો છે જે પૈસા બચાવવા માગે છે તેઓ અન્ય બચત કરનારા લોકો સાથે ભાઈચારાનો સંબંધ હોય તેવું અનુભવે છે.

તેઓ કહે છે, "મારા માટે પોતાની રીતે જ સતત બચત કરવી મુશ્કેલ હતી."

શિયાઓ ઝુઓ આવા જ એક "દા જી" સાથે સારાં મિત્ર બની ગયાં છે. તેઓ એક શિક્ષિકા છે જેને પોતાનું પહેલું બાળક થવાનું છે. જ્યારે શિયાઓએ તેમના બચત લક્ષ્યાંકને પૂર્ણ કર્યો ત્યારે તેમણે ગુલાબનો ગુલદસ્તો ઑનલાઇન ઑર્ડર કર્યો હતો અને તેને તેમણે બે હજાર કિલોમીટર દૂર ગાંસુ મોકલાવ્યો હતો.

શિયાઓ ઝુઓની અચાનક ખરીદીની ટેવ ઘણી ઓછી થઈ ગઈ છે. અગાઉ જ્યારે તેઓ સુપરમાર્કેટમાં જતાં ત્યારે તેમને જે ગમે તે તેઓ પોતાની ટ્રૉલીમાં મૂકી દેતાં હતાં. પરંતુ હવે તેઓ ખરીદવાની વસ્તુઓની યાદી બનાવે છે અને તે જ ખરીદે છે.

સેવિંગ્સ પાર્ટનર્સ સાથે ભાગીદારી કર્યાના એક મહિનાની અંદર શિયાઓ તેમના ખર્ચમાં 40 ટકાનો ઘટાડો કરવામાં સફળ થયાં છે.

શિયાઓને આશા છે કે એક વર્ષ પછી તેઓ એક લાખ યુઆન બચાવી શકશે અને તે તેમની અગાઉની બચત કરતાં દસ ગણી વધારે હશે.

અન્ય મહિલાઓ પણ કહે છે કે "દા જી" એ તેમને પૈસા બચાવવામાં મદદ કરી છે. એક સભ્યનું કહેવું છે કે હવે તેઓ જાતે રસોઈ બનાવે છે અને બિનજરૂરી ખર્ચ પણ બંધ કરી દીધો છે.

અન્ય એક મહિલાએ કહ્યું કે તેઓ પોતાને કામમાં વ્યસ્ત રાખીને વધુ પૈસા બચાવે છે અને હવે તેઓ એવા જ શોખને અનુસરશે જેમાં વધુ પૈસા ખર્ચ ન થાય.

રોકડા પૈસા જ જાણે કે છેલ્લો આશરો

ઘણી સ્ત્રીઓએ પૈસા બચાવવાની જૂની પદ્ધતિઓ અપનાવી છે, જેમ કે પૈસા ઘરમાં રાખવા. આ ખૂબ જ અસામાન્ય વાત છે, કારણ કે ચીનમાં મોટા ભાગના વ્યવહારો હવે કૅશલેસ ઢબે થાય છે. સ્ટેટિસ્ટા અનુસાર, આજે ચીનની લગભગ 70 ટકા વસ્તી મોબાઇલ પેમેન્ટ કરે છે.

32 વર્ષીય ચેન મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં બ્યુટી પાર્લર ચલાવે છે. તેઓ કહે છે, "જ્યારે ઘરમાં રાખેલી નોટોનાં બંડલ જાડાં થઈ જાય છે, ત્યારે મને ખૂબ સંતોષ થાય છે. હું પોતાને સુરક્ષિત અનુભવું છું.”

ચેન દર મહિને બૅન્કમાંથી તેની મોટા ભાગની આવક ઉપાડે છે અને રોકડ એક બૉક્સમાં રાખે છે. જ્યારે આ રકમ 50 હજાર યુઆન સુધી પહોંચે છે ત્યારે તે તેને ફિક્સ ડિપૉઝિટ તરીકે બૅન્કમાં જમા કરે છે.

હવે ચેન માત્ર ખરીદી કરવા માટે પણ રોકડનો જ ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે આ થોડું અસુવિધાજનક છે પરંતુ તેનાથી તેમના ખર્ચમાં ઘટાડો થાય છે અને તેઓ 'શોખ' માટે ખરીદીને મુલતવી રાખવામાં પણ સક્ષમ બન્યાં છે.

આર્થિક મંદી વચ્ચે ચેનના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમને ત્યાં નિયમિત આવતા લોકોએ પણ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે.

ચેન અને તેમના પતિ બંને તેમનાં માતાપિતાનાં એકમાત્ર સંતાન છે. આનો અર્થ એ થયો કે બંનેએ મળીને તેમના ચાર વડીલો એટલે કે તેમનાં માતાપિતાનું ધ્યાન રાખવું પડશે.

ચેન તેમનાં બે બાળકો માટે ઓછામાં ઓછા દસ મિલિયન યુઆન બચાવવા માગે છે. ચીનમાં પુરુષો જ્યારે લગ્ન કરે છે ત્યારે તેમની પાસે ઘરની માલિકીની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી માતાપિતા દ્વારા તેમના પુત્રો માટે મકાનો ખરીદવાનું વલણ અહીં સામાન્ય છે.

ચેનની પોતાની ગણતરી છે કે તેના પરિવારે ઓછામાં ઓછા 50 લાખ યુઆન બચાવવા પડશે અને શક્ય છે કે આ રકમ હજુ પણ ઓછી પડી શકે, કારણ કે ચેન ફરી એક વાર માતા બનવા જઈ રહ્યાં છે.

તેઓ કહે છે, "અગાઉ મારી પાસે કોઈ બચત યોજના ન હતી. તેમ છતાં હું થોડા ઘણા પૈસા બચાવતી હતી. પરંતુ હવે બચત કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે. આવી સ્થિતિમાં રોકડા પૈસા હોવાને કારણે મને ઓછી ચિંતા થાય છે.”