You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BRICS: ભારતના સભ્યપદવાળું સંગઠન અમેરિકા અને ડૉલરની સામે કઈ રીતે નવી વૈશ્વિક તાકાત બની રહ્યું છે?
- લેેખક, ક્રિસ્ટીના જે. ઑર્ગઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
વર્ષ 2021 પર નજર ફેરવીએ તો એવું ફલિત થાય છે કે જે દેશોએ સાથે મળીને બ્રિક્સ સંગઠન બનાવ્યું છે તે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ માત્ર એક મહત્ત્વાકાંક્ષી દેશોનું જૂથ બનવાનું બંધ કરી દીધું છે. હવે તે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક સંપૂર્ણ ભૂરાજકીય સમૂહ બની ગયું છે.
આ વર્ષમાં આ દેશોએ સૌને તેમની આર્થિક પ્રગતિથી ચોંકાવ્યા છે. વધુમાં ‘બ્રિક્સ’ દેશોની જીડીપી પણ પરચેઝિંગ પાવર પેરિટી (ખરીદ શક્તિની સમાનતાઓ)ના મામલે જી7 સમૂહના દેશોથી આગળ નીકળી ગઈ છે.
જી7 દેશોમાં યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. આ સંગઠનમાં વિશ્વના સૌથી અગ્રણી મનાતાં અર્થતંત્રોનો સમાવેશ થાય છે. આ દેશો વૈશ્વિક સ્તરે વેપાર અને નાણાકીય વ્યવસ્થાને પ્રભાવિત કરે છે.
બ્રિક્સ સંગઠનમાં ચીન અને રશિયા જેવી વૈશ્વિક તાકાતો તથા પોતપોતાના ખંડની સૌથી મોટી તાકાત ગણાતા બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
તેમ છતાં આ સંગઠનના દેશો એવી ફરિયાદ કરે છે કે પશ્ચિમી દેશોના હાથમાં જ વિશ્વની અગત્યની ગણાતી સંસ્થાઓ જેવી કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બૅન્કનું સંચાલન છે. પશ્ચિમી દેશોના આ સંગઠનો અનેક દેશોને ભંડોળ આપે છે.
એટલા માટે જ બ્રિક્સ દેશો ઊભરતાં અર્થતંત્ર તરીકે તેમના અવાજને મહત્ત્વ મળે તેના માટે પહેલી જાન્યુઆરી, 2024થી બ્રિક્સ સમૂહમાં બીજા દેશોને જોડી રહ્યા છે.
પહેલી તારીખથી ઈરાન, ઇજિપ્ત, ઇથિયોપિયા, સાઉદી અરેબિયા અને યુએઈ – આ પાંચ દેશો બ્રિક્સમાં જોડાશે. આ તમામ દેશો વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવ નક્કી કરવામાં અગત્યનો ફાળો આપે છે.
બીબીસી સાથે વાત કરતા માર્કેટ ઍનાલિસ્ટ માઇકલ લૅંગમ જણાવે છે કે, “બ્રિક્સના સભ્ય દેશોમાં વધારો થશે એ વાત ઘણા સમયથી અપેક્ષિત હતી. ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં આ સંગઠનનું ભૂરાજકીય મહત્ત્વ વધશે તેવું મનાય છે. કારણ કે આ જ ક્ષેત્રમાંથી મોટાભાગના દેશો આવે છે અને ચીને તેનો પ્રભાવ આ ક્ષેત્રમાં જ વધારવાનો પ્રયત્ન કર્યો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, “બ્રિક્સ દેશોનો આ વિસ્તાર એ સૂચવે છે કે હવે આ સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાજકીય ચર્ચામાં પોતાનો પ્રભાવ ઊભો કરશે. તેના આધારે તે જી7, જી20 અને યુએન જેવી સંસ્થાઓ ઊભી કરવા પણ આગળ વધશે.”
ગત વર્ષે ઑગસ્ટમાં યોજાયેલી સમિટમાં આર્જેન્ટિનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આર્જેન્ટિનાની ચૂંટણીમાં જૅવિયર મિલેઈના વિજયને કારણે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ સમૂહમાં નહીં જોડાય.
મિલેઈએ બ્રિક્સને સંબોધિત સત્તાવાર પત્રમાં જણાવ્યું હતું કે આ નવું ચૂંટાયેલું વહીવટીતંત્ર "આર્જેન્ટિનાને 1 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં સામેલ કરવાનું યોગ્ય માનતું નથી."
અમેરિકન સોસાયટી એનાલિસિસ સેન્ટરના વિશેષજ્ઞોના મત અનુસાર, આર્જેન્ટિનાનો આ નિર્ણય ચીન સાથે રાજકીય સંબંધો તોડી દેવાની તેની ઇચ્છાનું પ્રતિબિંબ છે અને સાથેસાથે જ અમેરિકી જમણેરી જૂથોના મોટા ચહેરાઓ સાથે તેના સંબંધો વધુ સુમેળભર્યા હોવાનું પ્રતીક છે.
બ્રિક્સ વર્ષમાં એકવાર નિર્ણયો લે છે અને જૂથના સભ્યો એક વર્ષ માટે પ્રમુખપદ વારાફરતી સંભાળે છે.
નવો વૈશ્વિક ક્રમ સ્થાપિત કરવાના પ્રયત્નો
ટ્રિનિટી કૉલેજ ડબ્લિનના પ્રૉફેસર પૅડરિગ કાર્મોડીના જણાવ્યા અનુસાર, “ચીનનું મુખ્ય લક્ષ્ય તેની તાકાત અને પ્રભાવ વધારવાનું છે. ખાસ કરીને તે આફ્રિકા ખંડમાં તેનો પ્રભાવ વધારવા માંગે છે. તે ‘ગ્લૉબલ સાઉથ’ તરીકે ઓળખાતા દેશોનો મુખ્ય અવાજ બનવા માંગે છે.”
પરંતુ સામે છેડે વિશ્વની એક તાકાત તરીકે રશિયાનો હેતુ કંઈક અલગ છે.
લંડનસ્થિત થિંક-ટૅન્ક ચેથમ હાઉસના ક્રિઓન બટલર કહે છે, “રશિયા તેને પોતાની પશ્ચિમી દેશો સામેની લડાઈ તરીકે જુએ છે. એવું મનાય છે કે તેને આ બ્રિક્સની મેમ્બરશિપનો ફાયદો યુક્રેન યુદ્ધ પછી પોતાની સામે લાગતાં પ્રતિબંધોને હળવા કરવા માટે થશે તેવું લાગે છે.”
“તો બીજે છેડે ઈરાનનું સભ્યપદ બ્રિક્સની પશ્ચિમી દેશો સામેની છબી વધુ મજબૂત કરશે.”
નવા દેશો જોડાયા પછી આ સંગઠનનું નવું નામ શું હશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેનું નામ ‘બ્રિક્સ+’ રાખવામાં આવશે તેવું મનાય છે.
બ્રિક્સ સંગઠન કેમ મહત્ત્વનું છે?
બૅન્ક ઑફ અમેરિકા મૅરિલ લીંચ, સિંગાપુરના વિશ્લેષક ક્લાઉડિઓ પિરોન કહે છે, “આઈએમએફના અનુમાન અનુસાર, બ્રિક્સ દેશો વિશ્વનાં ઉત્પાદન ક્ષેત્રમાં 33.6 ટકા જેટલો ફાળો આપશે.”
ગ્રૂપમાં નવા દેશો ઉમેરાતા બ્રિક્સ હવે વિશ્વની 3.5 અબજ વસ્તીનું પ્રતિનિધિત્ત્વ કરે છે અને તે વિશ્વની 45 ટકા વસ્તી છે.
આ તમામ દેશોનું અર્થતંત્ર મળીને 28.5 ટ્રિલિયન ડૉલર થશે જે વિશ્વના અર્થતંત્રના 28 ટકા છે. બ્રિક્સ દેશો સાથે મળીને વિશ્વના 44 ટકા કાચા તેલનું ઉત્પાદન કરે છે.
ક્લાઉડિઓ પિરોન કહે છે, “અમને લાગે છે કે બ્રાઝિલ જેવા નીતિગત કાચા માલના નિકાસકારોને તેનાથી ફાયદો થશે. ચીનને વેપાર અને રોકાણમાં પણ મહત્ત્વ મળી રહ્યું છે. જ્યારે પશ્ચિમી દેશો ઊભરતાં અર્થતંત્ર તરીકે મહત્ત્વના છે.”
ઘણીવાર એવું પણ બન્યું છે કે રશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોએ પણ તેલના ઉત્પાદનમાં કાપ મૂકીને તેમની તાકાત બતાવી છે.
વૉન્ટોબેલ મલ્ટી ઍસેટના મુખ્ય અર્થશાસ્ત્રી ડાન સ્કૉટ કહે છે કે, “આ પગલાંથી એવું સ્પષ્ટપણે દેખાય છે કે હાલના બ્રિક્સ દેશો અને તેમાં સામેલ થનારા દેશો વિશ્વમાં ઊર્જાના ભાવ નિયંત્રિત કરીને આ માધ્યમથી તેમનો અવાજ અન્ય દેશો સાંભળે તેમ ઇચ્છે છે. તેઓ આપણને એ વાતની યાદ અપાવવા ઇચ્છે છે કે વેપાર અને રાજકારણ વચ્ચે પાતળી ભેદરેખા છે.”
શું બ્રિક્સ સંગઠનમાં જટિલતાઓ વધશે?
પરંતુ આ સંગઠનમાં બધું સંયોગ છે તેવું જ નથી.
આ સંગઠનના અમુક સામૂહિક ઉદ્દેશો છે જેમ કે તેમનો ભૂરાજકીય પ્રભાવ વધારવો, હાલમાં રહેલી વૈશ્વિક સંસ્થાઓને પડકાર આપવો અને તેમાં બદલાવો થાય તેવા પ્રયત્નો કરવા, અમેરિકી ડૉલરનો ઉપયોગ ઘટાડવો વગેરે. જોકે, દરેક દેશોના ભૂરાજકીય ઉદ્દેશો એકસમાન નથી.
માર્કેટ ઍનાલિસ્ટ માઇકલ લૅંગમ અનુસાર, “બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકાએ આ સમૂહ પશ્ચિમી દેશો સામેનો સીધો પડકાર બને એ વાતનો વિરોધ કર્યો છે. ભારતના કિસ્સામાં તો આ સંગઠન ચીનનો પ્રભાવ વધારવાના એક વાહન તરીકે કામ કરે તેવું મનાય છે.
સંગઠનના સભ્યદેશોની સંખ્યા વધારવાને કારણે થોડી જટિલતાઓ વધશે તેવું લાગે છે. આ સિવાય આ સંગઠનમાંથી કોઈ મોટા પરિવર્તન થાય તેવી કોઈ યોજનાઓ બહાર આવશે તેવી શક્યતા પણ ઓછી છે.”
તેઓ કહે છે, “આ પરિસ્થિતિમાં આપણે આશા રાખવી જોઈએ કે સભ્યદેશોની પહેલી પ્રાથમિકતા તેમનો વેપાર અને નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની રહેશે.
તેઓ સ્થાનિક ચલણનો ઉપયોગ વધારવા પર કામ કરશે અને વિકસિત બજારોની તરફેણમાં રહેલી હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને બદલવાની કોશિશ કરશે.”
શું કોઈ ચલણ ડૉલરનું સ્થાન લઈ શકશે?
હાલમાં વિશ્વના મોટાભાગના દેશો ચલણમાં અમેરિકી ડૉલરનો ઉપયોગ કરી રહ્યા છે.
બ્રાઝિલ અને રશિયાના ટોચના રાજકારણીઓએ વારંવાર એ વાતનો ઉચ્ચાર કર્યો છે કે ડૉલરનો પ્રભાવ ઘટાડવા માટે એક વૈકલ્પિક ચલણ વિકસાવવું જોઈએ. જોકે, જોહાનિસબર્ગમાં યોજાયેલી બેઠકમાં આ વર્ષે કોઈ ચર્ચા થઈ ન હતી.
પ્રૉફેસર કાર્મોડી કહે છે કે, બ્રિક્સ દેશો તેમનું પોતાનું કૉમન ચલણ ઊભું કરે તે અતિશય અવ્યવહારૂ પગલું હશે કારણ કે તેમની અર્થવ્યવસ્થાઓ અતિશય અલગ છે.
બ્રિક્સ દેશોના નેતાઓ પ્રમાણે ડૉલર વૈશ્વિક બૅન્ચમાર્ક પ્રમાણે તેનો રોલ નિભાવી શકતો નથી અને વત્તેઓછે અંશે તે વૈશ્વિક આર્થિક અસ્થિરતા પાછળ પણ જવાબદાર છે.
લૅંગમ એમ પણ કહે છે કે, “આ સમૂહ સાથે મળીને ડૉલરના આધિપત્ય અને વર્ચસ્વને પડકારશે તેવી આશા રાખવી થોડી વધારે પડતી છે. કારણ કે સંગઠનમાં સામેલ સભ્યદેશોના પણ અનેક ભૂરાજકીય હેતુઓ છે અને તેઓ વિનિમય દર પરથી પણ તેમનું નિયંત્રણ ગુમાવવા ઇચ્છતા નથી.”
2024માં રશિયા તેના બ્રિક્સ પ્રમુખપદનો કઈ રીતે ઉપયોગ કરશે?
ઑક્ટોબર મહિનામાં રશિયા બ્રિક્સ દેશોની સમિટની કૈઝનમાં યજમાની કરશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ આ પ્રમુખપદનો ઉપયોગ...
- આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીમાં બ્રિક્સ દેશોનું મહત્ત્વ વધારવા માટે કરશે
- બૅન્કો વચ્ચેનો સહયોગ વધારવા માટે અને બ્રિક્સ દેશોના ચલણનો ઉપયોગ વધારવા માટે કરશે
- ટૅક્સ અને કસ્ટમ ઑથોરિટીઝ વચ્ચે સહયોગ વધારવા માટે કરશે
લંડનની થિન્ક ટૅન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજીક સ્ટડીઝનાં આઇરિન મિયા કહે છે, “બ્રિક્સના માધ્યમથી રશિયા પશ્ચિમી દેશોને એવું દેખાડવા ઇચ્છે છે કે તેને વિશ્વમાં અનેક મિત્રદેશો છે. યુક્રેન પર કરેલા હુમલા પછી પણ તેને મિત્રો છે એવું તે પ્રસ્થાપિત કરવા ઇચ્છે છે.”