જી-20 સંમેલનમાં સામેલ ન થવા પાછળ શી જિનપિંગની વ્યૂહરચના શી છે?

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ જી-20 શિખર સંમેલનમાં ભાગ નહીં લે.

જિનપિંગના સ્થાને ચાઇનીઝ પ્રીમિયર લી ચિયાંગ સંમેલનમાં સામેલ થશે. ભારતમાં જી-20નું શિખર સંમેલન 9-10 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરાશે.

ચીનના આ પગલા અંગે અમેરિકાએ નિરાશા વ્યક્ત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ચીનના આ પગલાને કારણે તેઓ નિરાશ છે.

તેમણે કહ્યું કે તેઓ પોતાના ચાઇનીઝ સમકક્ષ શી જિનપિંગને મળવા જઈ રહ્યા છે. પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે જિનપિંગ સાથે તેમની મુલાકાત ક્યારે થશે.

શી જિનપિંગ અને જો બાઇડનની અંતિમ મુલાકાત ગત વર્ષે ઇન્ડોનેશિયામાં જી-20 શિખર સંમેલનમાં થઈ હતી.

ચીન અને અમેરિકા વચ્ચે કેવા છે સંબંધ?

અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધમાં હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે. જેને સામાન્ય બનાવવા માટે આ વર્ષે અત્યાર સુધી ઘણા અમેરિકન રાજદ્વારી ચીનની મુલાકાત લઈ ચૂક્યા છે.

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર એસડી મુનિ આને અણધાર્યું પગલું નથી માનતા.

તેઓ કહે છે કે, “અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. તેમનો ભારત આવવાનો હેતુ સંમેલનમાં ભાગ લેવા સિવાય ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની આશા પણ હતો.”

પ્રોફેસર મુનિ કહે છે કે, “આપણે પાછલા ઘણા મહિનાથી અમેરિકાના અધિકારી ચીનની મુલાકાત લઈ રહ્યા હોય એ જોઈ રહ્યા છીએ. અમેરિકાની કોશિશ ચીન સાથે સંકટ ટાળવાની છે. જો ભારતમાં બાઇડન અને શી જિનપિંગની મુલાકાત થઈ હોત તો, આથી અમેરિકન જનતાને સારો સંદેશ ગયો હોત.”

ભારત અને ચીનના સંબંધ કેવા છે?

રાષ્ટ્રપતિ જિનપિંગના ભારત ન આવવાના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ભારત અને ચીનના સંબંધ સામાન્ય નથી જણાઈ રહ્યા. બંને બૉર્ડર વિવાદને લઈને સામસામે છે.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની પાછલી મુલાકાત 24 ઑગસ્ટના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સની બેઠક બાદ થઈ હતી. આ દરમિયાને બંને નેતાઓએ બૉર્ડર વિવાદ પર પણ ચર્ચા કરી હતી. આ મુલાકાતને લઈને ભારત અને ચીને અલગ-અલગ દાવા કર્યા હતા.

ભારતનું કહેવું હતું કે આ મુલાકાત માટે ચીન તરફથી પ્રસ્તાવ આવ્યો હતો. તેમજ ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું હતું કે મુલાકાત માટેની વિનંતી ભારતીય પક્ષ તરફથી કરાઈ હતી.

પ્રોફેસર મુનિ કહે છે કે ખરેખર બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લાગ્યું કે શી જિનપિંગ સાથે મુલાકાત થઈ છે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ એવું નથી વિચારી રહ્યા. ખાસ કરીને બૉર્ડર વિવાદ ઉકેલવાને લઈને.

દક્ષિણ આફ્રિકામાં થયેલી આ મુલાકાત બાદ ચીને અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાની સીમામાં દેખાડતો નકશો જાહેર કર્યો હતો. આનાથી બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ચીનનું ઘરેલુ રાજકારણ

જિનપિંગના ભારત ન આવવાના સવાલને લઈને પ્રોફેસર મુનિ કહે છે કે, “તેમના દેશમાં તેમની પોતાના અર્થતંત્રની ભારે સમસ્યા છે. તેમની ઘરેલુ રાજકીય સમસ્યાઓ પણ છે. આના કારણે તેઓ ઇન્ડોનેશિયામાં થઈ રહેલા ઇસ્ટ એશિયા સમિટમાં પણ નથી જઈ રહ્યા. તેઓ ભારતમાં થઈ રહેલા જી-20 શિખર સંમેલનમાં પણ નથી આવી રહ્યા.”

તેઓ કહે છે કે, “ઘરેલુ આર્થિક સમસ્યા સિવાય અન્ય બે વાતો છે. ખરેખર તેઓ એક તીરથી બે નિશાન તાકવા માગે છે. જી-20માં ભાગ ન લઈને તેઓ એક તરફ અમેરિકા સામે અક્કડપણું બતાવવા માગે છે તો બીજી તરફ ભારત સામે.”

જિનપિંગ અને બાઇડનની મુલાકાત આ વર્ષે નવેમ્બર માસમાં થઈ શકે છે.

બંને નેતાઓને સાનફ્રાન્સિસ્કોમાં થનારી એશિયા પ્રશાંત આર્થિક સહયોગ સંગઠનની બેઠકમાં મુલાકાતની તક મળી શકે છે.

ભારતમાં જી-20 સંમેલન અને ચીનનું વલણ

ભારતમાં થઈ રહેલા જી-20 શિખર સંમેલનમાં ચીનના વલણના સવાલ પર પ્રોફેસર મુનિ કહે છે કે, “જી-20માં ભારતના પ્રસ્તાવો પર ચીન સતત કોઈ ને કોઈ પ્રકારે અવરોધ પેદા કરી રહ્યું છે. સંમેલનના આયોજન બાદ ભારત આ વાતને પોતાની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી સફળતા સ્વરૂપે રજૂ કરશે. ચીનનો પ્રયાસ ભારતની આ સફળતામાં અવરોધ પેદા કરવાનો છે.”

તેઓ કહે છે કે, “ખરેખર, ચીન એવું દેખાડવા માગે છે કે તેઓ પોતાની શરત પર ચાલવા તૈયાર છે, અન્ય કોઈની શરતે નહીં. આને એવી રીતે પણ સમજી શકીએ કે સંબંધ સુધારવા માટે અમેરિકા પોતાના અધિકારી તો ચીન મોકલી રહ્યું છે, પરંતુ ચીન તરફથી કોઈ અધિકારી અમેરિકા નથી ગયા. આ પરથી સ્પષ્ટ છે કે ચીન પોતાની શરતો પર પોતાની વાત મનાવવા ઇચ્છે છે.”

પ્રોફેસર મુનિ કહે છે કે, “ચીન એ વાતથી નારાજ છે કે ભારત અમેરિકાની નિકટ જવાની કોશિશ કરી રહ્યું છે. તેને અલગ પાડવાની કોશિશ કરાઈ રહી છે. બીજી વાત એ કે ચીન એકલા ભારતને કોઈ મોટો પડકાર નથી માનતું.”

તેઓ કહે છે કે, “તેમનું માનવું છે કે ભારત અમેરિકાની મદદથી એને રોકવા માગે છે. એ વાત ચીનને પસંદ નથી. તેથી ભારત-ચીનનો વિવાદ એ માત્ર સીમાનો વિવાદ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણની ગૂંચવણ છે.”