You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો લોકસભામાં રજૂ થયો : મોદી સરકાર માટે તેનો અમલ કેટલો મુશ્કેલ, કેટલો સરળ
કેન્દ્ર સરકાર વન નેશન વન ઇલેક્શન સાથે સંલગ્ન ખરડો લોકસભામાં રજૂ કર્યો છે. કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે બંધારણમાં 129મા સુધારા વિધેયક અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદો (સંશોધન) ખરડાને લોકસભામાં રજૂ કર્યો.
વડા પ્રધાન મોદી ની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કૅબિનેટે આ ખરડાને મંજૂરી આપી હતી. હવે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવાનની વન નેશન વન ઇલેક્શનના વિચારને અમલમાં મૂકવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે.
કૉંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ વન નૅશન વન ઇલેક્શનના ખરડાને પરત લેવાની માગણી કરી છે. વિરોધ પક્ષે આ ખરડાને બંધારણ પર હુમલો ગણાવ્યો છે.
કૉંગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય જયરામ રમેશે કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી વન નેશન વન ઇલેક્શન ખરડાને સદંતર વિરોધ કરે છે.
તેમણે કહ્યું, "અમે આ ખરડાને ગૃહમાં મૂકવાનો વિરોધ કરીશું અને તેને સયુંક્ત સંસદીય સમિતિને મોકલવાની માગણી કરીશું. અમે આ ખરડાને ગેરબંધારણીય માનીયે છીએ."
અમિત શાહે લોકસભાના ગૃહમાં શું નિવેદન આપ્યું?
વન નેશન વન ઇલેક્શન ખરડા વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં પોતાનું નિવેદન આપ્યું છે.
લોકસભામાં આ ખરડા પરની ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું, "જ્યારે આ બંધારણમાં સુધારાનો ખરડો કૅબિનેટ સમક્ષ ચર્ચા માટે આવ્યો ત્યારે જ વડા પ્રધાને પોતે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેને જેપીસી (જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી – સંયુક્ત સંસદીય સમિતિ)ને સોંપવી જોઈએ. તેના પર તમામ સ્તરે બહોળી ચર્ચા થવી જોઈએ."
અમિત શાહે વધુમાં જણાવ્યું, "એટલા માટે મને લાગે છે કે તેમાં ગૃહનો વધુ સમય બગાડ્યા વિના જો મંત્રીજી કહે છે કે તે આ ખરડાને જેપીસીને સોંપવા માટે તૈયાર છે, તો તેને જેપીસીમાં તમામ ચર્ચા થશે અને જેપીસીના અહેવાલના આધારે કૅબિનેટ એને પસાર કરશે ત્યારે પણ ફરીથી સમગ્ર ચર્ચા થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત શાહ બાદ આ ખરડા વિશે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું છે કે નિયમ 74 હેઠળ તેઓ આ ખરડાને જેપીસીની રચનાનો પ્રસ્તાવ રજૂ કરશે.
ગત વર્ષે 1 સપ્ટેમ્બર 2023ના રોજ જ્યારે મુંબઈમાં વિપક્ષી દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ ની ત્રીજી બેઠક થઈ રહી હતી બરાબર એ જ દિવસે કેન્દ્ર સરકારે ‘એક દેશ, એક ચૂંટણી’ ની સંભાવના તલાશવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાની જાહેરાત કરી હતી.
તેના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે જ 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. જોકે આ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તેના વિશે સરકારે કંઈ જણાવ્યું ન હતું.
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતો અને સરકારના આગામી પગલાને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ હતી અને વિપક્ષી પાર્ટીઓએ તેના પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા કમલનાથે કહ્યું હતું, "આ માત્ર બંધારણમાં જ સુધારો નથી. તેના માટે રાજ્યોની સહમતિની પણ જરૂર પડશે."
તેમના કહેવાનો અર્થ એ હતો કે, "ભાજપશાસિત રાજ્યો જેવાં કે હરિયાણા અને મહારાષ્ટ્રમાં તો વિધાનસભા ભંગ કરી દેવામાં આવશે પરંતુ બાકીનાં રાજ્યોમાં વિધાનસભાના કાર્યકાળને એ રીતે ઓછો કરી શકાશે નહીં."
સરકારનો ઇરાદો શું છે?
સંસદનું ચોમાસું સત્ર 11 ઑગસ્ટ, 2023ના રોજ જ સમાપ્ત થયું હતું. ત્યારે એ વાતથી લોકો હેરાન છે કે અચાનક સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવવામાં આવ્યું.
2023ના નવેમ્બર-ડિસેમ્બરમાં મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીયો યોજાઈ હતી અને 2024માં પણ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી.
શું પ્રજા આ બિલથી આકર્ષાશે?
હિન્દુસ્તાન ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માએ બીબીસી સંવાદદાતામાનસી દાશને કહ્યું હતું, "મોટા ધડાકા કરવાની આ રાજનીતિ જનતાને હિપ્નોટાઈઝ કરવા માટે કરવામાં આવે છે. બુલેટ ટ્રેન હોય કે બીજા મોટા પ્રૉજેક્ટ્સની જાહેરાત હોય કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવાની વાત હોય. એ મોટા કારનામા હોઈ શકે છે પરંતુ તેમના ઉદ્દેશ્યો ખૂબ મર્યાદિત હોય છે.”
તેમણે કહ્યું હતું કે, "એક દેશ, એક ચૂંટણી માટે, બંધારણમાં ઘણાં ફેરફારો કરવા પડશે. આ સિવાય, તે સંઘીય માળખા પર પ્રહાર છે અને એટલે જ આ મામલો કોર્ટમાં જશે. મને તેની પાછળ કોઈ મહાન કે જોરદાર હેતુ દેખાતો નથી."
'વન નેશન, વન ઈલેક્શન'ને લઈને ભાજપની વ્યૂહરચના અંગે વિનોદ શર્મા કહે છે, "જ્યારે ભાજપને એવું પ્રતીત થાય છે કે વિપક્ષ સમાચારમાં છે ત્યારે તે અસહજ થઈ જાય છે અને પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનો પ્રયાસ કરે છે."
"તેથી જ જ્યારે વિરોધ પક્ષો મુંબઈમાં હતા ત્યારે જ વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી હતી અને 'વન નેશન, વન ઇલેક્શન'ની વાત છેડવામાં આવી હતી. પરંતુ તે પછી પાછું મૌન સેવી લેવામાં આવ્યું છે. સ્પીકર પણ ચૂપ છે."
તેમનું કહેવું છે કે વર્તમાન સરકાર બંધારણીય પ્રક્રિયાઓને પોતાની રીતે વાપરવાની તરફેણમાં રહી છે અને જવાબદારીથી દૂર ભાગતી રહી છે. નહીંતર તેમણે જણાવ્યું હોત કે આ વિશેષ સત્રનો એજન્ડા શું છે.
પ્રક્રિયા શું છે?
વિનોદ શર્માનું કહેવું છે કે 'વન નેશન, વન ઈલેક્શન'ને લાગુ કરવું એટલું સરળ નથી. તેના માટે બંધારણમાં અનેક ફેરફારો કરવા પડશે. રાજ્યો પાસેથી પણ અનુમતિ લેવી પડશે અને રાજ્યોની વિધાનસભાઓને ભંગ કરવી પડશે.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે બીબીસીને કહ્યું હતું, "આ મુદ્દો પહેલા પણ ઉઠતો રહ્યો છે અને બંધારણમાં સંશોધન કર્યા પછી તેનો અમલ શક્ય છે."
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહનું માનવું છે કે 'વન નેશન, વન ઈલેક્શન' શક્ય છે અને એ જરૂરી નથી કે તેના માટે તમામ વિધાનસભાઓનું વિસર્જન કરવું પડે.
તેમના મતે, "બંધારણમાં સુધારો કરવા માટે, બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ. સરકાર પાસે લોકસભામાં બહુમતી છે અને સરકાર રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી જીએસટીની જેમ મેનેજ કરવાનો પ્રયાસ કરી શકે છે."
પરંતુ બંધારણીય સુધારા સિવાય આ બિલ ઓછામાં ઓછી અડધાં રાજ્યોની વિધાનસભાઓમાં પણ પસાર થવો જોઈએ.
સવાલો આ પણ છે...
પ્રદીપ સિંહ કહે છે, "14 રાજ્યોની મંજૂરીની આવશ્યકતા હોય છે અને એ મુશ્કેલ નથી. ભાજપ અને તેના સહયોગી પક્ષોની 12 રાજ્યોમાં સરકાર છે. બે-ત્રણ રાજ્યો તો તેઓ મૅનેજ કરી શકે છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે જ થાય છે. સૌથી મોટી સમસ્યા રાજ્યસભામાં થઈ શકે છે.”
તેમનું કહેવું છે કે, "જો કૉંગ્રેસ સમર્થન નહીં આપે તો તેને રાજ્યસભામાં પાસ કરાવવું મુશ્કેલ બનશે. પરંતુ કૉંગ્રેસ માટે આ બિલને સમર્થન નહીં આપીને ચૂંટણીમાં જવાનું મુશ્કેલ બનશે."
જો સરકાર આ શરતો પૂરી કરે તો પણ એક પ્રશ્ન હજુ પણ રહેશે કે શું બધાં રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવશે?
પ્રદીપ સિંહ કહે છે, "અગાઉ પણ આ અંગે બે પ્રસ્તાવ હતા. એક પ્રસ્તાવ એવો હતો કે ચૂંટણીઓ બે તબક્કામાં થાય. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં અને પછી આવતી વિધાનસભાની ચૂંટણીઓને સાથે કરવામાં આવે. બીજો પ્રસ્તાવ એ હોય કે ભાજપ અને તેના સહયોગીઓની જ્યાં સરકારો છે ત્યાંની વિધાનસભાઓને વિખેરી નાખવામાં આવે અને બાકીનાં રાજ્યોની સરકારોને બરખાસ્ત કરી દેવામાં આવે. પરંતુ આમાં ફરી પાછી કાયદાકીય ગૂંચવણ છે."
સવાલ એ પણ છે કે જો એકસાથે ચૂંટણી કરાવવા પર સર્વસંમતિ સધાય તો મોટા પાયા પર સંસાધનોને ભેગા કરવાના પડકારનો સામનો કેવી રીતે કરવામાં આવશે. તમામ સ્થળોએ એક જ સમયે ચૂંટણી કરાવવા માટે મોટા પ્રમાણમાં ઇવીએમ અને વીવીપીએટી મશીનોની જરૂર પડશે.
દેશના ઘણા ભાગો ખૂબ જ સંવેદનશીલ છે જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડશે. આગળ વધતા પહેલાં સરકારે આ સવાલોના જવાબ પણ શોધવા પડશે.
એકસાથે ચૂંટણીથી કોને ફાયદો?
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે કે 'વન નેશન, વન ઈલેક્શન' એ આજની વાત હોય એવું નથી. તેના પ્રયાસો 1983થી શરૂ થયા હતા પણ ત્યારે ઈન્દિરા ગાંધીએ તે માંગને ફગાવી દીધી હતી.
પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ મુદ્દો ઊઠી રહ્યો છે. ભાજપના 2014ના ઘોષણાપત્રમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રદીપ સિંહ કહે છે, "ચૂંટણીમાં કાળાં નાણાંનો મોટા પાયે ઉપયોગ થાય છે અને જો ચૂંટણી એકસાથે યોજાય તો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજું, ચૂંટણી ખર્ચનો બોજ ઓછો થશે, સમયનો વ્યય ઓછો થશે અને પક્ષો અને ઉમેદવારો પર ખર્ચનું દબાણ પણ ઓછું થશે."
તેઓ કહે છે, "પાર્ટીઓ પર સૌથી મોટો બોજ ચૂંટણી ફંડનો છે. આવી સ્થિતિમાં નાની પાર્ટીઓને તેનો ફાયદો મળી શકે છે કારણ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે અલગ-અલગ પ્રચાર કરવાની જરૂર નહીં પડે."
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સાથે ચૂંટણી કરાવવાથી ભાજપ અને કૉંગ્રેસ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષોને સૌથી વધુ ફાયદો થશે. નાના પક્ષો માટે એકસાથે અનેક રાજ્યોમાં સ્થાનિક અને લોકસભા ચૂંટણી પ્રચાર કરવાનું મુશ્કેલ બની શકે છે.
પ્રદીપ સિંહ કહે છે, "જો આમ થશે તો ભાજપ અને એનડીએને ફાયદો એ થશે કે વડા પ્રધાનને પ્રચાર માટે સમય મળશે અને તેઓ વધુ ફોકસ સાથે પ્રચાર ચલાવી શકશે. વડા પ્રધાન હજુ પણ સૌથી લોકપ્રિય ચહેરો છે. સૌથી મોટી વાત એ છે કે તેમને દર છ-આઠ મહિને પરસેવો નહીં પાડવો પડે."
કેટલી જૂની છે આ ચર્ચા?
આઝાદી પછી પહેલી ચૂંટણીઓ એકસાથે થઈ હતી. તેના પછી 1957,1962 અને 1967માં પણ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે થઈ હતી.
1983માં ભારતના ચૂંટણી પંચે એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ તત્કાલીન ઇંદિરા ગાંધી સરકારને આપ્યો હતો.
પ્રદીપ સિંહ કહે છે, "1999માં લૉ કમિશને એકસાથે ચૂંટણી કરાવવાનું સૂચન કર્યું હતું. 2014માં ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે તે કોઈ રસ્તો કાઢશે. આ પછી 2016માં પીએમ મોદીએ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો. પછીના વર્ષે જ નીતિ આયોગે તેના પર વર્કિંગ પેપર રજૂ કર્યું હતું."
"2018 લૉ કમિશને તમામ તૈયારીઓ કર્યા પછી કહ્યું હતું કે ‘વન નેશન,વન ઇલેક્શન’ માટે પાંચ બંધારણીય સુધારા કરવા પડશે. પરંતુ જ્યારે મોદી 2019માં ફરી વિજયી થયા, ત્યારે તેમણે સર્વપક્ષીય બેઠક બોલાવી જેનો કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો."
તેઓ કહે છે, "વર્ષ 2022માં ચૂંટણી પંચે કહ્યું હતું કે તે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે તૈયાર અને સક્ષમ છે. ડિસેમ્બર 2022માં કાયદા પંચે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને તેમનો અભિપ્રાય માંગ્યો હતો. વાસ્તવમાં સરકાર તેના માટે લાંબા સમયથી તૈયારી કરી રહી છે."
કયા દેશોમાં એકસાથે ચૂંટણી થાય છે?
વિશ્વમાં એવા બહુ ઓછા દેશો છે જ્યાં સામાન્ય ચૂંટણીઓ સાથે જ સ્થાનિક ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે.
યુરોપના બે દેશો કે જે એકસાથે ચૂંટણી યોજે છે તે બેલ્જિયમ અને સ્વીડન છે અને ત્રીજો દેશ દક્ષિણ આફ્રિકા છે. પરંતુ વસ્તીની દૃષ્ટિએ આ દેશો ભારત કરતા ઘણા નાના છે.
જો ભારત એકસાથે ચૂંટણી યોજવા તરફ આગળ વધે છે, તો તે આ ક્લબમાં જોડાનાર વિશ્વનો ચોથો દેશ હશે.
આ સિવાય ભારતના પાડોશી દેશ નેપાળને પણ એકસાથે ચૂંટણી યોજવાનો અનુભવ છે. ત્યાં જ્યારે 2015માં નવા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, ત્યારે ઑગસ્ટ 2017માં એકસાથે પ્રથમ ચૂંટણીઓ યોજાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન