કૉંગ્રેસમાં પાછા કેમ આવી રહ્યા છે 'આપ'ના નેતા, આગામી ચૂંટણીમાં શું અસર થશે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ હજુ બે સપ્તાહ પહેલાં તો ગુજરાતમાં કૉંગ્રેસ સાથે ‘ગઠબંધન’ કરવાની વાત કરી હતી પરંતુ તેના થોડા દિવસો બાદ તેમના કેટલાક હોદ્દેદારો કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા.

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ખાતું ખોલાવીને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ત્રીજા રાજકીય પક્ષની એન્ટ્રીથી ચર્ચા જગાવી હતી. આપને કારણે વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ભયંકર નુકસાન થયું હતું.

હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે ફરી રાજકીય હિલચાલ શરૂ થઈ ગઈ છે.

આપ અને કૉંગ્રેસની ગઠબંધન વિશેની વહેતી વાતો વચ્ચે રાજ્યમાં નેતાઓ અને કાર્યકર્તાઓની એક પક્ષ છોડીને બીજાનો હાથ પકડવાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો છેલ્લા કેટલાક દિવસોમાં કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.

એટલું જ નહીં ભાજપ સિવાયના અન્ય પક્ષોના કેટલાક સભ્યોએ પણ કૉંગ્રેસનો હાથ પકડી લીધો છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી), બહુજન સમાજ પાર્ટી (બીએસપી) જેવી રાજકીય પાર્ટીઓના ગુજરાતના અનેક હોદ્દેદારો કૉંગ્રેસમાં સામેલ થયા છે.

કૉંગ્રેસના નેતાઓ માને છે કે ‘સવારનો ભૂલ્યો સાંજે પાછો આવી જાય તો ભૂલ્યો ન કહેવાય’. કૉંગ્રેસ નેતાઓ કહે છે કે, નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કારણે તેઓ ‘આપ’ છોડીને કૉંગ્રેસમાં આવ્યા છે.

વર્ષ 2012થી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે કામ કરનારા આપના ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી પોતાના કાર્યકરો સાથે રવિવારે પાર્ટી છોડીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, “આમ આદમી પાર્ટીને પાયાથી મજબૂત કરનારા અમુક લોકોમાં મારો સમાવેશ થાય છે. ઝાડુના ચિહ્ન સાથે હું વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો છું, પરંતુ પાર્ટીમાં જ્યારે કાર્યકર્તાઓનું જ કામ ન થાય અને દરેક કામ માટે જ્યારે દિલ્હી હૅડક્વાટર્સમાં જ વાત કરવામાં આવે, તો તે પક્ષમાં રહેવાથી કોઈને કોઈ જ ફાયદો થતો નથી.”

તેમનો દાવો છે કે આમ આદમી પાર્ટીનું કામ હવે માત્ર ચૂંટણીલક્ષી થઈ ગયું છે.

તેઓ કહે છે, “જ્યારે આપ પાર્ટીનો પ્રભારી બદલાય એટલે આખી નેતાગીરી બદલાય, જેથી અમે ક્યારેય સંગઠનને મજબૂત નહોતા કરી શક્યા.”

તો રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનું મનોબળ વિધાનસભાની ચૂંટણી વેળા જેટલું મજબૂત હતું તેટલું આજે નથી.

આપના કાર્યકર્તાઓ કેમ પસંદ કરી રહ્યા છે કૉંગ્રેસને?

રાજકોટથી આપમાંથી ચૂંટણી લડનારા અને આપના વરિષ્ઠ નેતા વશરામ સાગઠિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

આપ પાર્ટી માટે ચૈતર વસાવા પછી સૌથી વધુ વોટ તેમને મળ્યા હતા, જોકે તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા. ચૈતર વસાવા હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય છે.

2022માં આપમાંથી ચૂંટણી લડતા પહેલાં તેઓ 2017માં કૉંગ્રેસ તરફથી આ જ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા.

વશરામ સાગઠિયા કહે છે કે, “છેક હવે અમને સમજાયું છે કે આપ ખરેખર તો આડકતરી રીતે ભાજપને મદદ કરી રહી હતી. અમને એવા અનુભવો થયા છે કે ચૂંટણી માટેની તમામ તૈયારીઓ દિલ્હીની નેતાગીરી કરે અને છેલ્લા દિવસોમાં બધા ફિલ્ડમાંથી ગાયબ થઈ જાય, એટલે કે છેલ્લે અમારે જ બધું કરવાનું.”

તો આપ છોડીને કૉંગ્રેસમાં આવેલા હરેશ કોઠારીનું પણ કહેવું છે કે તેમણે 2012થી આપને ગુજરાતમાં મજબૂત કરવા માટે કામ કર્યું છે. તેઓ આપના અમદાવાદ શહેર પાર્ટી પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

હરેશ કોઠારીનો દાવો છે કે આપ માટે તેમણે 2014, 2017, 2019 અને 2022ની ચૂંટણીમાં ખૂબ ગ્રાઉન્ડવર્ક કર્યું હતું.

તેઓ કહે છે કે, “ચૂંટણીલક્ષી રાજનીતિ પહેલાં પણ લોકોના કામ કરવા માટે હું મારા વિસ્તારમાં સક્રિય હતો. આપની પારદર્શકતા અને નીતિનિયમોથી મોહિત થઈને હું તેમાં જોડાયો હતો. હું શિક્ષણ, આરોગ્ય વગેરે જેવાં ક્ષેત્રોમાં લોકો માટે કામ કરવા ઇચ્છતો હતો, પરંતુ આપની નેતાગીરી કાર્યકર્તાઓએ કામ ન કરવા દેતા હું ફરીથી કૉંગ્રેસમાં આવી ગયો છું.”

રાજકીય વિશ્લેષકો પણ કહે છે કે વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીની નેતાગીરી નિષ્ક્રિય થઈ હોય તેવું લાગે છે પરિણામે જે નેતાઓને કે કાર્યકર્તાઓને પાર્ટીમાં પોતાનું ભવિષ્ય ન દેખાતું હોય તેવા લોકો પાર્ટી છોડી રહ્યા છે.

સુરતથી પ્રકાશિત થતા ‘ધબકાર’ દૈનિકના તંત્રી નરેશ વરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “હાલ જે આપનું સંગઠન છે તે વિધાનસભાની ચૂંટણી વેળા જે હતું તેવું નથી. ક્યાંક લોકો પાર્ટી છોડી રહ્યા છે તો ક્યાંક નિષ્ક્રિય થઈ ગયા છે. સુરતમાં અલ્પેશ કથીરિયા ક્યાં છે, ગોપાલ ઇટાલિયાને કેમ મહારાષ્ટ્ર મોકલ્યા? હાલ જે સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી હતી તેમાં પણ આપ સાફ થઈ ગઈ હતી. કૉંગ્રેસની બેઠકો વધી હતી.”

શું કહેવું છે આમ આદમી પાર્ટીનું?

કૉંગ્રેસમાં જોડાયેલા આ લોકોના આરોપો સંદર્ભે બીબીસી ગુજરાતીએ આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે વાત કરી.

તમામ આરોપોનું ખંડન કરતા તેઓ કહે છે કે, “જે લોકો ચૂંટણીમાં પોતાનું યોગ્ય રીતે પ્રદર્શન ન કરી શક્યા તે લોકો હવે પાર્ટી સામે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. આપના બૅનર હેઠળ ચૂંટણી લડી ચૂકેલા અમુક લોકોએ ચૂંટણી હાર્યા બાદ જ્યારે પાર્ટીથી તેમને થયેલા નાણાકીય નુકસાનની ભરપાઈની વાત કરી તો પાર્ટીએ તેમને કોઈ પણ પ્રકારનાં નાણાં આપવાની ના પાડી દીધી હતી, એટલા માટે ઘણા એવા લોકો કે જે ચૂંટણી લડી ચૂક્યા છે, તેઓ હવે પાર્ટી છોડીને જઈ રહ્યા છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “તેમની પોતાની હારને વાજબી ઠેરવવા આ લોકો પાર્ટી પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ગુજરાતની નેતાગીરીને સંપૂર્ણ સત્તા છે કે તેઓ પોતાના નિર્ણયો પોતે લઈ શકે અને અમારે દરેક કાર્ય માટે દિલ્હીની પરવાનગી લેવી પડે છે, તેવા આરોપો તદ્દન ખોટા છે.”

તેમણે એ પણ કહ્યું કે, “આજે પણ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તરીકે કૉંગ્રેસથી વધુ આપની પ્રવૃત્તિઓ થતી હોય છે અને કૉંગ્રેસથી વધારે અમને સત્તાપક્ષ તરફથી હેરાન પરેશાન કરવામાં આવે છે.”

આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કૉંગ્રેસ તરફ આકર્ષણ હોવાનું કારણ જણાવતા નરેશ વરિયા કહે છે, “આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મૂળભૂત રીતે સરકારવિરોધી માનસિકતા ધરાવતા હતા તેથી તેમને કૉંગ્રેસ પાર્ટી માફક આવે છે. વળી હાલ શક્તિસિંહ ગોહિલને કૉંગ્રેસે ગુજરાતનું સુકાન સોંપ્યું છે અને તેઓ પણ સંગઠનાત્મક સુધાર તરફ ધ્યાન આપી રહ્યા છે. આ બધી તેની અસર છે.”

શું કહેવું છે કૉંગ્રેસનું?

આ વિશે બીબીસીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી.

તેઓ કહે છે કે, “મારી લાંબી રાજકીય કારકિર્દીમાં મેં અનેક લોકોને મિત્રો બનાવ્યા છે અને આ તમામ મિત્રો આજે મને અને મારી પાર્ટીને જોઈને, અમારી સાથે જોડાઈ રહ્યા છે તે ખૂબ ખુશીની વાત છે. માત્ર આપ જ નહીં પણ બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાથે અમૂલના ભૂતપૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ પણ કૉંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે.”

ગોહિલે કહ્યું કે આવનારા દિવસોમાં હજી મોટા ગજાના ઘણા નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થશે.”

આ બધાની અસર કેવી પડશે તેની વાત કરતા નરેશ વરિયા કહે છે, “વિધાનસભાની ચૂંટણીની વાત અલગ હતી અને હવે આવનારી લોકસભા ચૂંટણીમાં અલગ માહોલ હશે, મુદ્દા પણ અલગ હશે.”

“કેજરીવાલ I.N.D.I.A.માં રહેવાની વાત કરે છે. ઈસુદાન કૉંગ્રેસ સાથે ગઠબંધનની વાત કરે છે. આ બધા વચ્ચે આપ હાલ વિવિધ રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસની સામે છે. એટલે કાર્યકર્તા મૂંઝવણમાં છે. આપને અસર થશે, કૉંગ્રેસ થોડી મજબૂત થશે પણ ભાજપને બહુ અસર નહીં થાય.”

વિધાનસભાની ચૂંટણીમાં આપે કૉંગ્રેસને કેટલું નુકસાન કર્યું હતું?

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભાના પરિણામના આંકડાને તપાસીએ તો ખ્યાલ આવે છે કે ચૂંટણીમાં જે કૉંગ્રેસનો રકાસ થયો તેનું કારણ ત્રિપાંખિયો જંગ હતું.

ખુદ કૉંગ્રેસના નેતાઓએ સ્વીકાર્યું હતું કે ડિસેમ્બર 2022 વિધાનસભાની ચૂંટણીમાં થયેલો રકાસ આમ આદમી પાર્ટીને કારણે થયો હતો.

ડિસેમ્બર 2022 વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી હતી. આપે પણ માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

35 બેઠકો એવી હતી જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો બીજા સ્થાને રહ્યા હતા. કૉંગ્રેસના 44 ઉમેદવારોએ પોતાની ડિપૉઝિટ ગુમાવી હતી.

કૉંગ્રેસનો વોટશેર 2017માં 41.4 ટકા હતો તે 2022માં ઘટીને 27.3 ટકા થઈ ગયો. આપનો વોટશેર 13 ટકા હતો. જ્યારે ભાજપનો વોટશેર 2017માં 49.05 ટકાથી વધીને 2022માં 52.2 ટકા થઈ ગયો.

હવે જો આપના ઉમેદવારો અને કૉંગ્રેસના ઉમેદવારોને મળેલા વોટશેરને એક કરીએ તો પણ આ ટકાવારી 40 ટકાની આસપાસ થાય છે જે ભાજપના વોટશેર કરતાં ઘણી ઓછી છે.

કુલ 33 બેઠકો એવી છે જેમાં આપના ઉમેદવારના વોટ અને કૉંગ્રેસના ઉમેદવારના વોટનો સરવાળો કરીએ તો તે ભાજપના ઉમેદવારને મળેલા મત કરતાં વધારે છે.

એટલે જાણકારો કહે છે તે પ્રમાણે જો બંને પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તો પણ તેમની સામે ‘હિમાલય’ જેવો મોટો પડકાર હશે.

નરેશ વરિયા કહે છે, "વિધાનસભાની ચૂંટણીમાં આપ જેટલી ગાજી એટલી વરસી નથી. લોકસભાની વાત જુદી છે. હાલ ભાજપને ટક્કર આપે તેવું આપનું સંગઠન નથી. આપ-કૉંગ્રેસ વચ્ચેનું જોડાણ અંગેની ઈસુદાનની જાહેરાત પણ તુક્કા સમાન છે. હાલના તબક્કે આપ લોકસભાની ચૂંટણીમાં ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં નથી."