'ઇન્ડિયા' ગઠબંધનમાં કૉંગ્રેસ અને 'આપ' વચ્ચે ખેંચતાણ શેની થઈ રહી છે?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં બુધવારે થયેલી કૉંગ્રેસની બેઠક પછી એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. હાલમાં કૉંગ્રેસના ટોચના નેતાઓ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે દરેક રાજ્યના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.

તબક્કાવાર આ જ શ્રેણીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, પક્ષના મહાસચિવ કેસી વેણુગોપાલ અને દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી દીપક બાબરિયા સહિત દિલ્હીના અનેક કૉંગ્રેસી નેતાઓની પણ બુધવારે બેઠક થઈ હતી.

આ બેઠક પછી કૉંગ્રેસ નેતા અલકા લાંબાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીના નેતાઓને રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવાનું કહેવામાં આવ્યું છે અને કૉંગ્રેસે દિલ્હીની સાતેય સીટો પર લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર રહેવાનું છે.

એક સવાલના જવાબમાં અલકા લાંબાએ એ પણ કહ્યું હતું કે “એ વાત પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો કે અમે બે બેઠકો પર લડીશું કે ચાર સીટો પર.”

અલકા લાંબાએ એ પણ કહ્યું કે કૉંગ્રેસ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત બેઠકો પર બીજા સ્થાને રહી હતી. તેમના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ગુસ્સે થયા હતા અને વિપક્ષી ગઠબંધનમાંથી બહાર નીકળી જવાની વાત પણ કરી હતી.

આમ આદમી પાર્ટી કેમ ભડકી?

આપ નેતા દિલીપ પાંડેએ કહ્યું કે જો કૉંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં કોઈ ગઠબંધન કરવામાં રસ ન ધરાવતી હોય, તો તેમને લાગે છે કે લોકશાહી અને બંધારણને બચાવવાના નામે રચાયેલા આ કથિત ગઠબંધનનો ભાગ બનવાનો કોઈ મતલબ નથી.

બીજી તરફ સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે નાના નેતાઓના નિવેદનનો કોઈ અર્થ નથી. આ બધું વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની બેઠકમાં જ નક્કી કરવામાં આવશે.

આપ નેતાઓની તીખી પ્રતિક્રિયા બાદ કૉંગ્રેસે અલકા લાંબાના નિવેદન પર તરત જ સ્પષ્ટતા કરી છે. કૉંગ્રેસના દિલ્હી પ્રદેશ પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું કે અલકા લાંબા આવાં નિવેદનો કરવા માટે અધિકૃત વ્યક્તિ નથી.

તેઓ કહે છે, “મને સમજાતું નથી કે આમ આદમી પાર્ટીની સમજણ પર શું કહેવું. આમ આદમી પાર્ટીએ સમજવું જોઈએ કે સમગ્ર મીડિયા ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માગે છે અને તે તમને ઉશ્કેરે છે.”

દીપક બાબરિયાના કહેવા પ્રમાણે બેઠકમાં ગઠબંધન અંગે કોઈ ચર્ચા થઈ નથી, મીડિયા ભાજપને મદદ કરે છે અને જો કોઈએ આવા સમાચાર આપ્યા હોય તો તેઓ તેનું ખંડન કરું છું.

આ પહેલી વાર થયેલી તકરાર નથી

એવું નથી કે વિપક્ષી એકતાના અભિયાન વચ્ચે આપ અને કૉંગ્રેસ વચ્ચે આ પહેલી તકરાર છે. આ પહેલા જૂનમાં બિહારની રાજધાની પટણામાં યોજાયેલી બેઠકમાં આપે દિલ્હી સર્વિસ બિલ સામે કૉંગ્રેસ તરફથી જાહેરમાં સમર્થન ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને ગઠબંધનથી અલગ થવાની ધમકી આપી હતી.

સવાલ એ પણ છે કે આ બંને પક્ષો વચ્ચે વિશ્વાસની ભાવના કેમ નથી અને કોઈ પણ મુદ્દા પર વાત કરતાં પહેલાં જ શા માટે બયાનબાજી શરૂ થઈ જાય છે? વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈ માને છે કે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'માં સંકલન અથવા બેઠકોની વહેંચણીની કવાયતનો જ આ એક ભાગ છે.

તેમના મતે, “આ તો રાજકીય દાવપેચ છે. 2019ની લોકસભા ચૂંટણીને લઈને આપ અને કૉંગ્રેસ વચ્ચે ગંભીર વાટાઘાટો થઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટી પોતે પાંચ બેઠકો પર લડવા અને કૉંગ્રેસને બે સીટો આપવા તૈયાર હતી.”

રાશિદ કિદવઈના જણાવ્યા અનુસાર, કૉંગ્રેસે આગ્રહ કર્યો હતો કે આપ 4 બેઠકો પર ચૂંટણી લડે અને કૉંગ્રેસને 3 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળે, પરંતુ આ વાત આગળ વધી નહીં અને ભાજપે તમામ સાત બેઠકો જીતી લીધી.

ખાસ વાત એ છે કે વર્ષ 2019માં કૉંગ્રેસને લગભગ 23 ટકા મતો મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 18 ટકા મતો મળ્યા હતા. રાજ્યમાં આપની બહુમતી સાથે સરકાર હોવા છતાં આમ બન્યું હતું.

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોષીનું માનવું છે, "અત્યારે કૉંગ્રેસના કોઈ પણ વરિષ્ઠ નેતા કોઈ પણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતા. પરંતુ કૉંગ્રેસને લાગ્યું હશે કે આપને એક અનૌપચારિક સંદેશ તો આપવો જોઈએ એટલે આ વિધાન આવ્યું હોઈ શકે. કારણ કે રાજકારણમાં જે દેખાય છે તે થતું નથી."

કૉંગ્રેસને ડર લાગે છે

અલકા લાંબા કૉંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં અને બાદમાં ફરી કૉંગ્રેસમાં જોડાયાં હતાં. ત્યારથી અલકા લાંબા અને આપ નેતાઓ વચ્ચે બોલાચાલી થતી રહે છે.

હકીકતમાં દિલ્હીમાં કૉંગ્રેસના ઘણા નેતાઓ સતત કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે. તેઓ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'નો હિસ્સો હોવા છતાં કેજરીવાલ વિરુદ્ધ સતત નિવેદનો આપી રહ્યા છે.

આ જ મહિનામાં કૉંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી સર્વિસ બિલ પર રાજ્યસભામાં આપ સરકારને સમર્થન આપ્યું હતું. બદલામાં કેજરીવાલે કૉંગ્રેસનો આભાર પણ માન્યો હતો, પરંતુ પૂર્વ દિલ્હીના કૉંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે કેજરીવાલને વધુ સારું કામ કરવાની સલાહ આપી હતી.

એક તરફ કૉંગ્રેસ હાઈકમાન્ડ મહાગઠબંધનમાં તિરાડ ન પડે તેવો પ્રયાસ કરી રહી હતી અને બીજી તરફ બુધવારે દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ દારૂ અંગેની નીતિને લઈને અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

હકીકતમાં આવાં નિવેદનો પાછળનું કારણ આપને કારણે કૉંગ્રેસને થયેલું નુકસાન છે. દિલ્હીમાં ભાજપ પોતાના દમ પર કૉંગ્રેસને હરાવવામાં નિષ્ફળ રહી હતી પરંતુ આપે તેની પાસેથી રાજ્ય છીનવી લીધું હતું.

1998થી 2013 સુધી દિલ્હીમાં કૉંગ્રેસનું શાસન હતું. પરંતુ હવે રાજ્યમાં કૉંગ્રેસની હાલત એવી છે કે છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ દિલ્હીમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2009માં કૉંગ્રેસે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો જીતી હતી, પરંતુ આપ સત્તામાં આવ્યા બાદ વર્ષ 2014 અને 2019માં આ તમામ બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી.

દિલ્હી બાદ આપે પંજાબમાં પણ કૉંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. આમ આદમી પાર્ટીએ વર્ષ 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને હરાવીને પોતાની સરકાર બનાવી હતી.

જો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં આપને પંજાબમાં લગભગ આઠ ટકા મતો અને એક બેઠક મળી હતી. બીજી તરફ, કૉંગ્રેસે 40 ટકાથી વધુ મતો સાથે પંજાબમાં 13માંથી 8 લોકસભા બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ બંને એકબીજા પર દબાણ લાવવાની રાજનીતિનો આશરો લઈ શકે છે, જેથી તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકોનો દાવો કરી શકે.

‘ઇન્ડિયા’ નું ભવિષ્ય

આપે માત્ર દિલ્હી અને પંજાબમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ કૉંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને રાજ્યમાં લગભગ 43 ટકા મતો અને 77 બેઠકો મળી હતી. જ્યારે ગત વર્ષની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 28 ટકા મતો અને 17 બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં આપને લગભગ 13 ટકા મતો સાથે 5 બેઠકો મળી હતી.

રાશિદ કિદવઈનું માનવું છે કે, "આ એક સીધું સમીકરણ છે કે જો આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દિલ્હી, પંજાબ અને ગુજરાતની 46 બેઠકો પર એક થઈને નહીં લડે તો તેઓ માત્ર પંજાબમાં 5-6 સીટો જીતી શકે છે."

તેમના મતે, જો બંને પક્ષો વચ્ચે તાલમેલ રહેશે તો પંજાબની 13 અને દિલ્હીની 7 બેઠકોમાંથી ઓછામાં ઓછી 10-12 બેઠકો પર તેમનો મજબૂત દાવો હશે. આ ઉપરાંત ગુજરાતમાં પણ એકાદ બેઠક મળવાની શક્યતા છે.

હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. આ સિવાય આપે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. જ્યારે આ રાજ્યોમાં ભાજપ અને કૉંગ્રેસ પછી કોઈ ત્રીજો મોટો પક્ષ નથી.

પ્રમોદ જોશી કહે છે, “દિલ્હી કરતાં જોરદાર ચૂંટણી ગુજરાતમાં થશે અને તેનાથી પણ વધુ પંજાબમાં થશે. આપ મધ્યપ્રદેશમાં પણ કેટલીક બેઠકો લેવા માંગે છે. કારણ કે અત્યારે તે ભાજપ અને કૉંગ્રેસ પછી ત્રીજા પક્ષ તરીકે ઊભરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.”

આગળ રસ્તો શું છે?

ગુરુવારે વિપક્ષી એકતા માટે અભિયાન શરૂ કરનાર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે દાવો કર્યો છે કે ભાજપે વિપક્ષની તાકાત જોઈને જ એનડીએની બેઠક શરૂ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે 'ઇન્ડિયા' ગઠબંધન 2024ની ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કરશે.

રાશિદ કિદવઈ સ્વીકારે છે કે, “આ ગઠબંધનમાં વિરોધાભાસી રાજકીય પક્ષો એક સાથે આવ્યા છે અને તેમનો એક માત્ર ઈરાદો નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવાનો છે. દરેક પક્ષો કોઈને કોઈ મજબૂરીનો શિકાર છે પણ મને લાગે છે કે આવનારા સમયમાં આ નિવેદનોને બદલે વાસ્તવિકતાના આધારે નિર્ણય લેવામાં આવશે.”

એવું નથી કે આ અણબનાવ માત્ર કૉંગ્રેસ અને આપ નેતાઓ વચ્ચે જ જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં પણ કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાજ્યની મમતા સરકાર વિરુદ્ધ અવારનવાર નિવેદનો આપ્યાં છે.

પ્રમોદ જોશીના કહેવા પ્રમાણે અલકા લાંબાના નિવેદન બાદ વિપક્ષી ગઠબંધનમાં એક નાનકડો તણખો જરૂર થયો છે. પરંતુ રાહુલ ગાંધી આમ આદમી પાર્ટીને પસંદ કરે છે કારણ કે તેના નેતાઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખુલ્લેઆમ અને ડર્યા વગર બોલે છે.

હાલમાં કૉંગ્રેસના મોટા નેતાઓ વિપક્ષની એકતાને લઈને ઘણી કાળજી રાખી રહ્યા છે, પરંતુ એ વાત પણ સાચી છે કે તાજેતરની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર જીત બાદ કૉંગ્રેસના નેતાઓ વધુ આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા છે.

આ વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ ચૂંટણીઓમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ની ભૂમિકા અને આમ આદમી પાર્ટીના નિર્ણયો નક્કી કરશે કે તે ફરી એકવાર કૉંગ્રેસને નુકસાન પહોંચાડે છે કે ' ઇન્ડિયા' ગઠબંધન વિપક્ષી એકતામાં પડેલા આ તણખાને શાંત પાડવામાં સફળ થાય છે.