You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકમાં જીત બાદ શું કૉંગ્રેસ વિપક્ષની એકતાની ધરી બની શકશે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
નાચતાં-ગાતાં કૉંગ્રેસી કાર્યકર્તા, મીડિયાના કૅમેરા સામે હસીને વાત કરતાં નેતા અને જીતનો જુસ્સો. કૉંગ્રેસ ઑફિસ પર ઘણાં વર્ષ બાદ આ નજારો દેખાયો છે.
કર્ણાટકમાં પ્રચંડ જીત તરફ આગળ વધઝ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના દાવેદાર સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમને આશા છે કે વર્ષ 2024માં રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બનશે.
કૉંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા થકી રાહુલ ગાંધીને કર્ણાટકમાં જીતનો શ્રેય આપ્યો છે. કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તા પણ રાહુલ ગાંધીનું નામ લેતા દેખાયા.
દક્ષિણ ભારતના દ્વાર કહેવાતા કર્ણાટકમાં ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરીને કૉંગ્રેસ નિશ્ચતિપણે મજબૂત સ્થિતિમાં સ્થાપિત થઈ છે. કોઈ રાજ્યની ચૂંટણીમાં ઘણા સમય બાદ કૉંગ્રેસને જીત હાંસલ થઈ છે.
કૉંગ્રેસના વિજય બાદ દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું, “કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે. મહોબતની દુકાનો ખૂલી છે. આ સૌની જીત છે, સૌથી પહેલા આ કર્ણાટકની જનતાની જીત છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ધૂંઆધાર ચૂંટણીપ્રચાર અને આક્રમક અભિયાન છતાં કૉંગ્રેસ કર્ણાટકમાં પોતાના મુદ્દા પર અડગ રહી અને એક મોટી જીત હાંસલ કરી.
વિશ્લેષકોનું માનવું છે કે આ જીત બાદ નિશ્ચિતપણે કૉંગ્રેસનું મનોબળ વધશે. કેન્દ્રમાં સત્તાધારી ભાજપ રાજકીય સ્વરૂપે અત્યંત મજબૂત છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથેની ટક્કર માટે વિપક્ષને એક કરવા માટેના અવાજો ઊઠતા રહ્યા છે.
વિપક્ષની એકતા વિશે તો વારંવાર વાત થાય છે પરંતુ ભાજપના નરેન્દ્ર મોદી જેવા તાકતવર નેતા સામે વિપક્ષનો ચહેરો કોણ હશે એ વાતને લઈને સંશય જળવાઈ રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસનો દાવો થશે મજબૂત?
વિશ્લેષકો માને છે કે કર્ણાટકમાં જીત બાદ હવે વિપક્ષના ગઠબંધનનું નેતૃત્વ કરવાનો કૉંગ્રેસનો દાવો વધુ મજબૂત થશે.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તા કહે છે કે, “અત્યાર સુધીનાં ચૂંટણીપરિણામોમાં કૉંગ્રેસ બૅકફૂટ પર જ રહી હતી, પરંતુ આ જીત સાથે કૉંગ્રેસનો વિપક્ષના ગઠબંધનનું નેતૃત્વ કરવાનો દાવો મજબૂત થશે, કારણ કે આ જીત એક મોટા રાજ્યમાં અને ભારે અંતર સાથે મળી છે.”
જોકે, પહેલાંથી ઘણાં રાજ્યોમાં વિપક્ષનાં દળો એક છે. બિહારમાં કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડનું મહાગઠબંધન સત્તામાં છે. ઝારખંડમાં પણ ઝારખંડ મુક્તિ મોરચા, કૉંગ્રેસ અને રાજદનું ગઠબંધન સત્તામાં છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષે સત્તા પરિવર્તન થયું એ અગાઉ શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું મહાવિકાસ અઘાડી ગઠબંધન સત્તામાં હતું.
રાષ્ટ્રીય સ્તરે વિપક્ષનું ગઠબંધન બનાવવાની કોશિશો તો થતી રહી છે પરંતુ હજુ સુધી આ પ્રયાસને કોઈ સ્પષ્ટ સ્વરૂપ નથી આપી શકાયો.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશ માને છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જુદાં જુદાં રાજ્યોમાં પહેલાંથી જ ગઠબંધન મોજૂદ છે અને જ્યાં અન્ય પ્રાદેશિક પાર્ટીઓ નથી ત્યાં સીધી ટક્કર કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.
કર્ણાટકની જીતથી વિપક્ષના ગઠબંધનમાં કૉંગ્રેસનો દાવો વધુ મજબૂત બનશે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં ઉર્મિલેશ કહે છે, “કૉંગ્રેસ જો કર્ણાટકમાં ન જીતી હોતો તો પણ એ ઘણી પ્રાદેશિક પાર્ટીઓની સરખામણીએ મજબૂત જ રહી હોત. કૉંગ્રેસ કર્ણાટકની જીત પહેલાં પણ વિપક્ષની સૌથી મોટી પાર્ટી હતી.”
“હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસનો સીધો મુકાબલો જોવા મળે છે. જો આ રાજ્યોમાં પણ કૉંગ્રેસનું સારું પ્રદર્શન રહે તો એ વાત કૉંગ્રેસને વધુ મજબૂત બનાવશે. વિપક્ષના ગઠબંધનની ધરી કૉંગ્રેસ જ રહેશે, તેમાં કોઈ બેમત નથી.”
ઉર્મિલેશ કહે છે કે, “એવું કહેવાય છે કે ભાજપ વિરુદ્ધ વિપક્ષ પહેલાંથી જ રાજ્યસ્તરે એક છે, તેને રાષ્ટ્રીય સ્તરે લાવવાની જરૂરિયાત છે. પરંતુ સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષનો એક જ ઉમેદવાર હોય, એ વાત ભારત જેવા વૈવિધ્યસભર રાષ્ટ્રમાં વ્યવહારિક નથી.”
જોકે ઉર્મિલેશ જણાવે છે કે અત્યાર સુધી વિપક્ષના કોઈ નેતાએ એવું નથી કહ્યું કે તે ગઠબંધનનો ચહેરો હશે, બધા એકતા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે વિપક્ષની એકતાને ઘણી વખત એવી રીતે રજૂ કરાય છે જેમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિપક્ષનો ભાજપ વિરુદ્ધ એક જ ઉમેદવાર હોય.
‘બૉસ બનવાની કોશિશ ન કરે કૉંગ્રેસ’
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી માને છે કે કર્ણાટકમાં આ જીતથી કૉંગ્રેસને સંજીવની મળી છે પરંતુ કૉંગ્રેસે વિપક્ષના બૉસ બનાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
ત્રિવેદીનું કહે છે કે, “હાલ વિપક્ષના ગઠબંધનનું નેતૃત્વ કરવાનો કૉંગ્રેસનો દાવો મજબૂત થશે એવું કહેવું ઉતાવળભર્યું હશે. કૉંગ્રેસ વિપક્ષની એકતાને મજબૂત કરવાની ભૂમિકામાં જરૂર આવી શકે છે. એવું કહેવાઈ શકે છે કે આ પરિણામોથી કૉંગ્રેસને એક સંજીવની મળી છે.”
વિજય ત્રિવેદી કહે છે કે, “પરંતુ હવે કૉંગ્રેસે એવું ન વિચારવું જોઈએ કે તે હવે વિપક્ષના ગઠબંધનની બૉસ બની જશે.”
જીત બાદ કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને વિજયનો શ્રેય આપ્યો. જોકે, વિશ્લેષક માને છે કે કર્ણાટકની જીતનો સંપૂર્ણ શ્રેય રાહુલને આપવો એ યોગ્ય નથી.
સ્મિતા ગુપ્તા કહે છે કે, “કર્ણાટકની જીતનો શ્રેય સ્થાનિક નેતૃત્વને વધુ અપાવો જોઈએ. ડી. કે. શિવકુમાર અને સિદ્ધારમૈયાના હાથમાં નેતૃત્વ હતું. મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના છે અને આ વર્ષે જ પાર્ટીના અધ્યક્ષ બન્યા. કર્ણાટકમાં જે પરિણામો આવ્યાં છે તેના માટે સ્થાનિક નેતૃત્વની મહેનત જવાબદાર છે.”
“સ્થાનિક નેતૃત્વે સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડી અને મોટી જીત હાંસલ કરી. જોકે, કૉંગ્રેસ આ જીતનો શ્રેય ભારત જોડો યાત્રા અને રાહુલ ગાંધીને આપી રહી છે. પરંતુ તથ્યાત્મક સ્વરૂપે આ બાબત યોગ્ય નથી. કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને માત્ર સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ કરવાની વાત માટે શ્રેય અપાવવો જોઈએ.”
તેમજ ઉર્મિલેશ કહે છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં છત્તીસગઢમાં થયેલા અધિવેશન બાદ કૉંગ્રેસનો દૃષ્ટિકોણ બદલાયો છે અને કૉંગ્રેસ અને તેનું મૅનેજમૅન્ટ બંને બહેતર બન્યાં છે.
ઉર્મિલેશ કહે છે કે, “કૉંગ્રેસે સામાજિક ન્યાયના મુદ્દાને પોતાના એજન્ડામાં સામેલ કર્યો છે. છત્તીસગઢ અધિવેશનમાં કૉંગ્રેસે જે એજન્ડા બનાવ્યો હતો, તેને તે લાગુ કરી રહી છે અને આ વાત પણ તેના સારા પ્રદર્શનનું એક કારણ છે.”
- કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવી કૉંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવશે
- આ પરિણામો સ્પષ્ટ થતાં જ ભારતના રાજકારણમાં કૉંગ્રેસની ભવિષ્યની ભૂમિકાની ચર્ચા શરૂ થઈ છે
- નિષ્ણાતો આ પરિણામોને કૉંગ્રેસ માટે પ્રોત્સાહક અને રાષ્ટ્રીય રાજકારણમાં તેની છબિ માટે ઉત્સાહજનક ગણાવી રહ્યા છે
- પરંતુ શું કૉંગ્રેસ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના યુનાઇટેડ મોરચાની ધરી બની શકશે?
- શું આ જીત બાદ કૉંગ્રેસ ભાજપ સામે મોટો પડકાર બનીને સામે આવવામાં સફળ થઈ શકશે?
રાહુલ ગાંધીની છબિ મજબૂત બનશે?
તેમજ વિજય ત્રિવેદીનું માનવું છે કે કર્ણાટકમાં જીતથી રાહુલ ગાંધીની છબિ મજબૂત બનશે.
ત્રિવેદી જણાવે છે કે, “ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ જે છબિ ઘડી છે, આ જીતથી તેમાં ઇજાફો જ થશે. પરંતુ કર્ણાટકમાં રાહુલ ગાંધીનું સ્ટ્રાઇક રેટ 35 ટકા રહ્યો છે, એટલે કે જે બેઠકો પર તેમણે પ્રચાર કર્યો તે પૈકી 35 ટકા બેઠકો જ પાર્ટી જીતી શકી. તેમ છતાં એવું કહી શકાય કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કૉંગ્રેસ માટે મોમેન્ટમ બનાવ્યું.”
વિશ્લેષક માને છે કે કર્ણાટકમાં કૉંગ્રેસની આ જીત અણધારી નથી અને તેનું મોટું કારણે ભાજપ સરકાર રાજ્યમાં ખરાબ રીતે નિષ્ફળ નીવડી એ છે.
વિજય ત્રિવેદી કહે છે કે, “કૉંગ્રેસને ભારે બહુમત મળ્યો છે, આ દૃષ્ટિકોણથી જીત મોટી હોવાનું જરૂર કહી શકાય. કર્ણાટકમાં કૉંગ્રેસે એક થઈને કામ કર્યું. રાજ્યમાં કૉંગ્રેસમાં એકતા જળવાઈ રહી, પરંતુ જો આ બાબતનું ગહન વિશ્લેષણ કરાય તો એવું કહી શકાય કે પરિણામો માટે જવાબદાર મોટું કારણ બાસવરાજ બોમ્મઈની સરકારનું ખરાબ રીતે નાકામ થઈ જવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધૂંઆધાર પ્રચાર કર્યો અને કર્ણાટકના સમુદ્ર તટે આવેલા વિસ્તારોમાં સાંપ્રદાયિક મુદ્દાની અસર રહી. જો આવું ન થયું હોત તો ભાજપની હાલ વધુ ખરાબ થઈ હોત.”
તેમજ ઉર્મિલેશ માને છે કે કર્ણાટકમાં લોકોએ હિંદુત્વના રાજકારણને નકારી દીધું અને કૉંગ્રેસની જીતનું મોટું કારણ પણ એ જ છે.
ઉર્મિલેશ કહે છે કે, “દક્ષિણ ભારત હંમેશાં હિંદુત્વવાદી રાજકારણની વિરુદ્ધ રહ્યું છે. કર્ણાટક તેમાં અપવાદ રહ્યું છે. કર્ણાટકમાં પણ ભાજપે સરકારો જરૂર બનાવી છે પરંતુ સ્પષ્ટ બહુમત ક્યારેય હાંસલ નહોતો થયો. દક્ષિણમાં કર્ણાટકનું દ્વાર ભાજપ માટે હવે ધ્વસ્ત થઈ ગયું છે.”