એ ત્રણ કારણો જેથી કર્ણાટકમાં ભાજપનો પરાજય થયો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 'બજરંગબલી'ને ચૂંટણીનો મુદ્દો બનાવનાર ભાજપને હિંદુઓની આસ્થા મુજબ આ આરાધ્ય સાથે જોડાયેલા દિવસ શનિવારે જ ભારે પરાજય સાંપડ્યો છે.

ભાજપ કરતાં કોંગ્રેસે લગભગ બમણી બેઠકો મેળવી છે. આ પરિણામો મોટાભાગના ઍક્ઝિટપોલ મુજબના અનુમાનો મુજબ જ રહ્યાં હતાં અને જનતા દળ સેક્યુલર ત્રીજા ક્રમે રહ્યો છે.

1985 પછી કર્ણાટકમાં કોઈ પણ એક જ પક્ષની સતત બીજી વખત સરકાર નથી બની અને એવું જ 2023ના ચૂંટણીપરિણામોમાં પણ થતું દેખાય છે.

મૂળ કર્ણાટકના ભાજપના નેતા બી.એલ. સંતોષની વ્યૂહરચના, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડશો અને ચૂંટણીસભા તથા ડબલ એંજિન સરકારનાં નારા છતાં કર્ણાટકવાસીઓએ સત્તારૂઢ પક્ષને જાકારો આપ્યો છે.

ચૂંટણીનાં વલણો (અને પરિણામ)માં કૉંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. વર્તમાન મુખ્ય મંત્રી બીએસ બોમ્માઈએ પરાજયનો સ્વીકાર કર્યો છે અને પાર્ટીને સંગઠિત કરીને પુનરાગમન કરવાની વાત કહી છે.

કર્ણાટક ચૂંટણીનું વિગતવાર પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો.

સ્થાનિક ચહેરાનો અભાવ

કર્ણાટકમાં ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ ચૂંટણી લડી હતી. મુખ્ય મંત્રી બીએસ બોમ્મઈને મુખ્ય મંત્રીપદે બેસાડવામાં આવ્યા. પરંતુ તેઓ યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ કે હેમંતા બિશ્વા શર્માની જેમ પોતાના રાજ્યમાં જનાધાર ધરાવતા નેતા માનવામાં નથી આવતા.

એક તબક્કે ભાજપ છોડી ગયેલા અને પાર્ટીમાં પુનરાગમન બાદ ફરી મુખ્ય મંત્રી બનેલા બી.એસ. યેદિયુરપ્પાને જનાધારવાળા નેતા માનવામાં આવે છે. તેઓ સંખ્યાબળની દૃષ્ટિએ નોંધપાત્ર સંખ્યા ધરાવતા લિંગાયત સમુદાયના છે, જેના ઉપર તેઓ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તેમને મુખ્ય મંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં નહોતા આવ્યા.

વધુમાં તેમની ઉંમર 80 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. તેમની પરંપરાગત શિકારીપુરા બેઠક પરથી તેમના દીકરા બીવાય વિજયેન્દ્રને ટિકિટ આપવામાં આવી છે. વલણમાં તેઓ નજીકના હરીફથી આગળ હતા.

જૂના મૈસુર તથા તેની આસપાસના વિસ્તારને જનતા દળ સેક્યુલરના પ્રભુત્વવાળા વિસ્તાર માનવામાં આવે છે. જ્યાં વોકાલિગ્ગા સમુદાયના મતદારોનું પ્રભુત્વ છે. પાર્ટીએ એચડી દેવેગૌડા, તેમના દીકરા એચડી કુમારસ્વામી તથા તેમના પુત્ર નિખિલને ચેહરો બનાવીને ચૂંટણી લડી હતી.

કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એંસી વર્ષ કરતાં વધુ ઉંમર છતાં પોતાના ગૃહરાજ્યમાં વ્યાપક ચૂંટણીઅભિયાન હાથ ધર્યું હતું અને દલિતોની બહુમતીવાળા વિસ્તારોમાં તેમની પોતાની ભાષામાં સંવાદ સાધ્યો હતો.

PayCM અને 40 ટકા

ડીકે શિવકુમારના નેતૃત્વમાં કર્ણાટક કૉંગ્રેસે ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલાંથી જ પ્રચાર માટે કમર કસી હતી. ચૂંટણીના લગભગ છ મહિના પહેલાં 'PayCM' અભિયાન ચલાવ્યું હતું અને રાજ્યભરમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા '40 ટકા કમિશન' વસૂલવામાં આવે છે.

સામાન્ય રીતે સોશિયલ મીડિયા ઉપર વાચાળ ગણાતું ભાજપનું સોશિયલ મીડિયા સેલ ઑનલાઇન પ્રચારઅભિયાનમાં તથા ધરાતલ પર તેનો પ્રતિકાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

ભાજપ દ્વારા તેના અનેક વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી. પૂર્વ મુખ્ય મંત્રી જગદીશ શેટ્ટાર સહિત અનેક ધારાસભ્યો પાર્ટી છોડી ગયા. જે મંત્રીઓને ટિકિટ આપવામાં આવી હતી તેમાંથી પણ અનેક પાછળ ચાલી રહ્યા છે. જે દેખાડે છે કે ભાજપ સત્તાવિરોધી વલણને ખાળવામાં નિષ્ફળ રહ્યો છે.

કૉંગ્રેસ દ્વારા નૅગેટિવ અને પૉઝિટિવ પ્રચારઅભિયાનનો સમન્વય કરવામાં આવ્યો હતો. પાર્ટીએ તેના ચૂંટણીઢંઢેરામાં મહિલાઓને મફત બસ પ્રવાસ, માસિક રૂ. બે હજારનું ભથ્થું, ગ્રૅજ્યુએટોને રૂ. ત્રણ હજાર, ડિપ્લોમાધારકોને રૂ. 1500નું બેરોજગારી ભથ્થું, 10 કિલો ચોખા અને 200 યુનિટ મફત વીજળી જેવાં વચન આપ્યાં છે. જેનો સ્વીકાર થતો જણાય છે.

નબળા વર્ગને આપવામાં આવતી સહાયને 'રેવડી' સાથે સરખાવનાર ભાજપે બીપીએલ પરિવારોને દૈનિક અડધો લિટર દૂધ, વર્ષમાં ત્રણ મફત ગૅસ સિલિન્ડર, પાંચ કિલો સિરિધાન્ય અને દરેક વોર્ડમાં 'અટલ આહાર કેન્દ્ર' ખોલવાની જાહેરાત કરી હતી.

સિદ્ધારમૈયા અને શિવકુમારની સંધિ

રાજકીય નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, કર્ણાટકમાં કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને તેમના પૂર્વ કૅબિનેટમંત્રી ડીકે શિવકુમારને બે વિરોધી ધ્રુવ માનવામાં આવે છે. જોકે, ચૂંટણી દરમિયાન બંને સાથે મળીને લડ્યા હતા.

'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી બંને નેતાને સાથે અને પાસે-પાસે લઈને ચાલ્યા હતા. તેમણે કોઈ એકને પ્રત્યે ઝુકાવનું વલણ દાખવ્યું ન હતું.

કેન્દ્રીય નેતૃત્વે સ્થાનિક નેતૃત્વને વ્યૂહરચના ઘડવાનો અને તેનો અમલ કરવા માટે છૂટો દોર આપ્યો હતો. કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના ગૃહરાજ્યમાં દરેક નેતાના બળાબળથી વાકેફ હતા એટલે તેમને નિર્ણય લેવામાં સરળતા રહી હોવાનું જણાય છે. હિમાચલ પ્રદેશ પછી તેમના નેતૃત્વમાં પાર્ટીને મળેલો આ બીજો નોંધપાત્ર વિજય છે.

મુસ્લિમ મતોનું વિભાજન નહોતું થયું અને સિદ્ધારમૈયાને કારણે દલિત મત અને ડીકે શિવકુમારને કારણે વોકાલિગ્ગા સમુદાયના મત કૉંગ્રેસ તરફ ઢળ્યા હોવાનું વિશ્લેષણ રાજકીય પંડિતો કરી રહ્યા છે.

ચૂંટણીપરિણામો બાદ ખડગેએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા નક્કી કરવામાં આવશે કે કર્ણાટકમાં આગામી મુખ્ય મંત્રી કોણ હશે. એમનો નિર્ણય જે કોઈ હશે આ બંને નેતાઓની અવગણના નહીં થઈ શકે. જો આ બંને નેતામાંથી કોઈ એકને સીએમ બનાવવામાં આવે અને બીજા નેતાને સન્માનજનક પદ અને મંત્રાલયો નહીં મળે તો શું થશે તેનો જવાબ ભાવિના ગર્ભમાં છૂપાયેલો છે.