You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહે દૂધની બ્રાન્ડ ‘અમૂલ’ અને ‘નંદિની’ વચ્ચે સહયોગની વાત કરી તો લોકો કેમ ભડક્યા?
- કર્ણાટકમાં કેટલાક લોકોનું કહેવું છે કે અમિત શાહ બ્રાન્ડ ‘અમૂલ’ના માધ્યમથી 'નંદિની' બ્રાન્ડને હડપ કરી લેવા માગે છે
- લોકો સોશિયલ મીડિયા પર 'બ્રાન્ડ નંદિની મિલ્ક' હૅશટૅગ દ્વારા શાહની અપીલનો વિરોધ કરી રહ્યાં છે
- અમિત શાહે કહ્યું હતું કે જો અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે તો ત્રણ વર્ષમાં દરેક ગામમાં પ્રાથમિક ડેરીઓ બની જશે
- શાહના આ નિવેદન બાદ કર્ણાટકમાં લોકોએ ટ્વિટર પર તેમના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું
કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ 'નંદિની મિલ્ક' અને ગુજરાતની 'અમૂલ' વચ્ચે સહયોગ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી અપીલની ઘણી ટીકા થઈ રહી છે.
કર્ણાટકમાં કેટલાક લોકોનું કહેવું છે કે અમિત શાહ ગુજરાતના આણંદ દૂધ સંઘની બ્રાન્ડ ‘અમૂલ’ના માધ્યમથી 'નંદિની' બ્રાન્ડને હડપ કરી લેવા માગે છે.
લોકો સોશિયલ મીડિયા પર 'બ્રાન્ડ નંદિની મિલ્ક' હૅશટૅગ દ્વારા શાહની અપીલનો વિરોધ કરી રહ્યાં છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, અમિત શાહે શુક્રવારે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં 260 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે તો ત્રણ વર્ષમાં દરેક ગામમાં પ્રાથમિક ડેરીઓ બની જશે.
અમિત શાહે કહ્યું હતું કે આ કામ માટે કર્ણાટક મિલ્ક ફેડરેશનને અમૂલ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જો નંદિની અને અમૂલ સાથે મળીને કામ કરશે તો સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે.
પરંતુ શાહના આ નિવેદન બાદ કર્ણાટકમાં લોકોએ ટ્વિટર પર તેમના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું.
'નંદિની માત્ર ડેરી નથી ઇમોશન છે'
કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ જીસી ચંદ્રશેખરે નંદિનીના કથિત અધિગ્રહણ અંગે વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકા અંગે ટ્વિટર પર લખ્યું, "પ્રિય બોમ્મઈજી અને સોમશેખરજી, થોડા મહિના પહેલાં તમે કહ્યું હતું કે તમને નંદિની બ્રાન્ડ વિશે કંઈ ખબર નથી જ્યારે તે દરમિયાન પણ તે અંગેના સમાચાર ફેલાયા હતા. હવે જુઓ તમારા નેતાએ કર્ણાટકના માંડ્યા પહોંચ્યા પછી આ નિવેદનને સમર્થન આપી દીધું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય યૂઝર અર્જુને લખ્યું કે, નંદિની માત્ર ડેરી નથી અને અમારા કન્નડ લોકો માટે એક ઇમોશન છે.
અન્ય એક યૂઝર ગુરુરાજ અંજાને લખ્યું, "પહેલાં હિન્દી થોપી અને પછી મૈસૂર બૅંકનું મર્જર કરી નાખ્યું અને હવે તેઓ નંદિની મિલ્ક માટે આવ્યા છે. કર્ણાટકના દરેક ગામમાં ડેરી છે. કર્ણાટક નંદિનીનું પ્રતિનિધિત્વ કરે છે. તે દરેક કન્નડવાસી માટે ગૌરવનું પ્રતીક છે. અહીંના લોકો કોઈ ગુજરાતી બ્રાન્ડ સાથે ભાગીદારી કરવા માગતા નથી."
પુરુષોત્તમ નામના યૂઝરે લખ્યું, "મૈસૂર સેન્ડલ શોપ, નંદિની, કેએસઆરટીસી, એસબીએમ દાયકાઓથી કન્નડ લોકોના જીવનનો અભિન્ન ભાગ છે. એસબીએમ તો નથી રહ્યું. તો હવે નંદિનીને બચાવવાનો સમય આવી ગયો છે."
નંદિની બ્રાન્ડ કેટલી મોટી છે?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ કર્ણાટક મિલ્ક ફેડરેશનના 24 લાખ સભ્યો છે. રાજ્યના 22 હજાર ગામોની 14 હજાર દૂધ ઉત્પાદક અને દૂધ સહકારી સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે. તેમની પાસેથી દરરોજ 84 લાખ લિટર દૂધ એકત્ર કરવામાં આવે છે.
કર્ણાટક મિલ્ક ફેડરેશન માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ દૂધ સપ્લાય કરે છે.
આ ઉપરાંત, તે સેનાને પણ તેમનાં ઉત્પાદનો વેચે છે અને મધ્ય-પૂર્વ સહિત ઘણા દેશોમાં દૂધ અને તેનાં ઉત્પાદનો સપ્લાય કરે છે.
કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું હતું કે અમિત શાહે આ નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતના કૉર્પોરેટ્સની નજર કર્ણાટક મિલ્ક ડેરી પર છે.
તેમણે કહ્યું, "કર્ણાટકના ખેડૂતો 20,000 કરોડ રૂપિયાના દૂધનું ઉત્પાદન કરે છે. જેનો લાભ લાખો ખેડૂત પરિવારોને મળ્યો છે. હવે આના પર કૉર્પોરેટ કંપનીઓની નજર પર પડી ગઈ છે અને અમિત શાહ લોકો સામે જુઠ્ઠાણાનું પોટલું તૈયાર કરીને સપ્લાય કરી રહ્યા છે.”