RCEP: ડેરીઉદ્યોગમાં આ મામલે સૌથી વધુ નારાજગી કેમ છે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપનો સૌથી વધુ વિરોધ ડેરી ફાર્મર્સ કરે છે. ગુજરાતની મહિલા પશુપાલક અને ડેરીફાર્મર્સ તો RCEP વિરુદ્ધ જાહેર વિરોધ પ્રદર્શન યોજીને કોઈ પણ ભોગે એને દેશમાં ન લાવવા માટે વડા પ્રધાનને રજૂઆત પણ કરી છે. આની પાછળનાં કારણો પણ સમજવાં જેવાં છે.

2018-19માં અંદાજિત ઉત્પાદનના આંકડા જોઈએ તો દૂધ - 187 મિલિયન ટન, ચોખા - 174 મિલિયન ટન અને ઘઉં - 102 મિલિયન ટન હતું.

આમ વજનના હિસાબે દૂધ કૃષિ અથવા કૃષિ સાથે સંલગ્ન ઉત્પાદનનો સૌથી મોટો પાક છે.

આ પાકની વિશેષતા એ છે કે રોજબરોજ વેચીને રોકડી કરી આપે છે. ડેરીમાં દૂધ ભરનારને પણ અઠવાડિયે નાણાં ચૂકવાઇ જાય છે.

આમ દૂધ તેના ઉત્પાદક માટે રોજબરોજના ઘરખરચને પહોંચી વળવા માટે રોકડ આવક પૂરી પાડે છે.

આની સરખામણીમાં ખેતીની વાત કરીએ તો પાકની વાવણીને 'ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી જે વધે તે ખેડૂના ઘરમાં જાય' એ મુજબ જે કાંઈ વધ્યું હોય તેના પૈસા ખેડૂતના હાથમાં આવતા ચારથી છ મહિના લાગે છે.

ડેરીઉદ્યોગની સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ વિકસી

એ ખરું કે આ આવક એકસામટી આવે છે પણ ઘરખર્ચ માટે તેમજ નાનામોટા પ્રસંગો આટોપવા જે પૈસા જોઈએ તે દૂધના વેચાણમાંથી મળી રહે છે.

બીજું, ડેરીઉદ્યોગના વિકાસની સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ વિકસી છે.

આને કારણે કેટલાય કિસ્સા એવા છે કે જેમાં ખાસ કોઈ આવકનો આધાર ન હોય તેવી બહેનો મજબૂરીથી જીવન વિતાવવાને બદલે બે કે ત્રણ વધુ ઢોર રાખી પોતાનાં બાળકોને ઉછેરે છે, ભણાવે છે અને દીકરી હોય તો પરણાવીને સાસરે પણ વળાવે છે.

એક બીજો મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે આપણે ત્યાં મહદંશે પ્રવાહી સ્વરૂપે વેચાય છે.

આથી ઊલટું ડેરીઉત્પાદનનો વૈશ્વિક વેપાર દૂધ સ્વરૂપે નહીં પણ એમાંથી મેળવવામાં આવેલ ઘનપદાર્થ (Solid) તરીકે થાય છે.

આ સ્વરૂપે એટલે મુખ્યત્વે દૂધનો પાવડર, માખણ, બટર ઑઇલ અને ચીઝ. વિશ્વના દૂધના ઘનપદાર્થોની બજારમાં ભારત બહુ મોટું ખેલાડી નથી.

લગભગ 80ના દાયકા સુધી ભારત દર વર્ષે 60,000 સ્કીમ્ડ મિલ્ક પાઉડર અને 10,000 ટન બટર ઑઇલની આયાત કરતો હતો.

અગાઉ જણાવ્યું તેમ વિશ્વનો દૂધનો ધંધો એટલે કે Solids એટલે કે ઘન સ્વરૂપમાં છે. દૂધમાં 87 ટકા પાણી અને બાકીના 13 ટકા ચરબી, પ્રોટીન વગેરે હોય છે.

પ્રવાહી સ્વરૂપે દૂધને પેક કરીને ટ્રાન્સપૉર્ટ કરવું તેમજ લાંબા સમય સુધી સાચવવું મુશ્કેલ છે.

દૂધમાંથી 87 ટકા પાણીને ઉડાડી મૂકીએ તો બાકી રહેતો 13 ટકા ભાગ ઘણાં નાનાં પૅકેજમાં પૅક કરી શકાય. એનો ટ્રાન્સપૉર્ટ અને સ્ટોરેજ ખર્ચ પણ ઓછો આવે. અને લાંબા સમય સુધી જાળવી પણ શકાય.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપાર મિલ્ક સૉલિડનો વપરાશમાં ઘણો મોટો છે જ્યારે આપણે પ્રવાહી સ્વરૂપે વાપરવા ટેવાયેલા છીએ.

હરીફાઈ કરી શકીએ એટલું ઉત્પાદન નહીં

ડૉ. કુરિયર અને ત્રિભુવનદાસ પટેલ દ્વારા અમૂલની રચના થયા બાદ NDDBના માધ્યમ થકી આપણે ઑપરેશન ફ્લડ કાર્યક્રમો કર્યો તેના કારણે આજે આપણે દૂધમાં સ્વાવલંબી અને આંશિક સરપ્લસ પણ બન્યા છીએ.

પણ આપણે એટલું વધારે દૂધ ઉત્પાદિત નથી કરતાં કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ સામે આપણું ઉત્પાદન ઊભું રહી અને હરીફાઈ કરી શકે.

આમ છતાંય આપણે ત્યાં દૂધની આયાત સતત ઘટતી રહી છે અને નિકાસ વધતી રહી છે જે નીચેના કોષ્ટક પરથી જોઈ શકાય છે.

હવે ડેરીઉત્પાદનને રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ કરાર હેઠળ આવરી લેવામાં આવે તો આપણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશોમાંથી આયાત થતાં દૂધનાં ઉત્પાદનો પર વધુ ઉદાર ટેરિફ રેટ ક્વૉટા આપવો પડે.

આજે પણ મિલ્ક પાઉડરની આયાત કરવી હોય તો દસ હજાર ટન સુધી (દર વર્ષે) 15 ટકા કસ્ટમ્સ ડ્યૂટીથી આયાત કરી શકાય. જ્યારે એથી વધારે જથ્થા પર 60 ટકા ડ્યૂટી લાગે છે.

આમ TRQ એટલે કે નિર્ધારિત જથ્થા સુધીની આયાત રાહતદરની ડ્યૂટી થાય અને એથી વધારે જથ્થો હોય તો વધારે ડ્યૂટી લાગે.

આમ નિર્ધારિત ક્વૉટાથી વધારે આયાત સામે નકારાત્મક ડ્યૂટી છે જેના કારણે ઘરઆંગણાનાં દૂધઉત્પાદનોને આજે રક્ષણ મળે છે.

હવે જો ભારત RCEPનો અમલ કરે તો આ TRQ પ્રથા ખતમ કરવી પડે અને 60 ટકા ડ્યૂટીને ઘટાડીને 15, 20 કે 25 ટકા સુધી લાવવી પડે.

આ સંદર્ભમાં નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાને લઈએ

  • ભારત દૂધ અને દૂધનાં ઉત્પાદનો માટેનું વિશ્વનું સૌથી મોટું બજાર છે.
  • વધતી આવક સાથે દૂધ અને દૂધનાં ઉત્પાદનોની માગ વધશે.
  • RCEP ગ્રૂપમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ડેરી પ્રોડક્ટના મેજર પ્લેયર છે.
  • ભારતના બજારમાં પ્રવેશ મળે તો સરવાળે એ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના ડેરીઉદ્યોગને જ ફાયદો કરાવી આપે.

આ દેશામાં ડેરીનું ઉત્પાદન ઘણું છે પણ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની ભેગા થઈને કુલ વસ્તી અંદાજે ત્રણ કરોડ છે.

આમ ઘણી ઓછી વસ્તીને કારણે આ ઉત્પાદનોની ખપત માટે ઘર આંગણાનું બજાર નથી. આ કારણથી ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો એમની 85થી 90 ટકા જેટલી ડેરી પ્રોડક્ટની નિકાસ કરે છે.

સ્થાનિક બજાર સાવ ઓછું છે એટલે લગભગ બધું જ દૂધ મિલ્ક-સૉલિડ બનાવવામાં જાય છે જેની નિકાસ થાય છે.

આમ મિલ્ક પાવડર, ચીઝ, બટર જેવાં ઉત્પાદનોનું ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડની નિકાસ બહુ મોટી છે અને એમને ભારતનું તૈયાર બજાર મળી જાય એટલે ભારતીય ડેરીઉદ્યોગનો સફાયો કરી નાખે તેવી સ્થિતિનું નિર્માણ થાય.

આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તે ભયથી દૂધ ઉત્પાદક (ડેરી ફાર્મર્સ) RCEP સામે બાંયો ચડાવીને ઝનૂનપૂર્વક મેદાનમાં આવે તેવી સ્થિતિ ઊભી થશે.

આ પરિસ્થિતિમાં સરકાર શું કરી કરી શકે?

ઘરઆંગણાની પરિસ્થિતિથી સરકાર ચિંતિત નથી એવું એવું માનવાને કોઈ કારણ નથી. કોઈ પણ સરકાર દેશનું હિત લક્ષમાં રાખીને નિર્ણય લેતી હોય છે.

વિશ્વ સમુદાય પ્રત્યેની જવાબદારીઓ WTO સમયે પણ હતી. તે સમયે વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ આ દેશમાં આવી જશે, ફરી પાછો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો જમાનો જીવંત બનીને આર્થિક ગુલામી તરફ લઈ જશે તેવી વાતો સાથે સ્વદેશી જાગરણ મંચથી માંડીને અનેક સંસ્થાઓ આ જંગમાં કૂદી પડી હતી.

દેશના સદનસીબે એમની મોટા ભાગની દહેશત સાચી પડી નથી ત્યારે RCEP અંગે કોઈ પણ સ્ટેકહોલ્ડર્સ (Stake Holders) રસ ધરાવતા જૂથે એકદમ ઉગ્ર બની જવાની કે હતાશા અનુભવવાની જરૂર હાલના તબક્કે જણાતી નથી.

હા, તેમણે પોતાના હિત અંગે જાગૃત રહેવું જોઈએ અને ભારત સરકારને પણ એ મુદ્દે વિચારતી કરવા માટે વ્યવસ્થિત ચર્ચાઓનું આયોજન કરવું જોઈએ.

કમનસીબે ભારત સરકાર RCEP બાબતે શું કરવા માગે છે તે અંગે હજુ સુધી લોકસભામાં કે અન્ય કોઈ ફોરમમાં તેના તરફથી પોતાનો મત અથવા વલણ રજૂ કરવાનો ખાસ પ્રયત્ન થયો નથી.

ક્યારેક આ પ્રકારનું મૌન વિનાકારણ શંકાકુશંકા ઊભી કરવાનું કામ કરીને વાતાવરણ બગાડી શકે એટલે ભારત સરકારે આ દિશામાં પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરવો જોઈએ અને સંસદ કે બીજા અન્ય માધ્યમ થકી એની ચર્ચાને ઉત્તેજન આપવું જોઈએ.

જેથી જે જે જૂથો આમાં કોઈ પણ પ્રકારનું હિત ધરાવે છે તેમની વાજબી દહેશતોને ગણતરીમાં લઈને નિર્ણયની પ્રક્રિયા આગળ વધારી શકાય.

સરકાર પાસે એક શસ્ત્ર ઑટો ટ્રિગર મિકેનિઝમ છે. ઑટો ટ્રિગર મિકેનિઝમ એટલે સ્વયંભૂ રીતે અમલમાં આવતું આયાતવિરોધી વ્યવસ્થાપન.

દાખલા તરીકે ચીન દિવાળી સમયે કોઈ એક પ્રોડક્ટ જેવી એલઈડી ડૅકોરેટિવ લાઇટ્સથી ભારતના બજારને ફ્લડ કરવા માગે છે તો એમાં ભારત સરકાર ઑટો ટ્રિગર મિકેનિઝમ લગાવી એના ઉપર કાબૂ રાખી શકે.

દા.ત., જો દસ હજારના આંકડા ઉપરની આ લાઇટની આયાત પર ઑટો ટ્રિગર મિકેનિઝમ લાગે તો તેના થકી આગળની આયાત સંપૂર્ણ રોકવામાં આવે અથવા એના ઉપર ઊંચી ડ્યૂટી લાગે.

આ એક ઍન્ટિ ડમ્પિંગ હથિયાર છે પણ નિષ્ણાતોનો મત એવો છે કે આ ઑટો ટ્રિગર મિકેનિઝમ એક જોખમી ઉપાય છે (Risky Proportion) એ સફળ થાય કે નહીં તેની કોઈ ખાતરી નથી.

RCEPમાં ખામીઓ શું છે?

અત્યારે જે વિગતો ઉપલબ્ધ છે તેના ઉપર આધારે રહીને RCEPની આ દરખાસ્તમાં ઊડીને આંખે વળગે એવા કેટલાક મુદ્દાઓ ધ્યાન માગી લે છે.

(અ) પર્યાવરણને લગતો કોઈ માનક RCEPમાં નથી એટલે કે જંગલ કાપીને કોઈ ઉત્પાદન થાય તો એના ઉપર કોઈ રોક નથી એટલે કે મરજીમાં આવે તેટલાં જંગલ કાપો, મરજીમાં આવે તેટલી નદીઓ પ્રદૂષિત કરો. RCEPને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

(બ) પોતાના ઉત્પાદનને સ્પર્ધાત્મક બનાવવા માટે કામદારોનું શોષણ કરવામાં આવે તેવી પરિસ્થિતિ ચીન જેવા દેશમાં ઉદ્ભવી શકે. આવું કામદારોનું શોષણ રોકવામાં માટેની કોઈ જોગવાઈ RCEPમાં નથી.

(ક) પોતાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ મેળવવા માટે તેમજ લાંચ જેવાં પ્રલોભનો રોકવાં માટેની કોઈ જોગવાઈ નથી.

(ડ) ચીન અને ભારત જેવી મોટી અર્થવ્યવસ્થા બ્રુનેઈ અને ફિલિપિન્સ જેવા નાના દેશો સાથે એક જ બ્લૉકમાં છે એટલે ગ્લૉબલ ઇનઇક્વાલિટી અર્થાત વૈશ્વિક અસમતુલા વધશે. ગરીબ દેશો વધુ ગરીબ બનશે અને અમીર દેશો વધુ અમીર બનશે.

સરકારે આ RCEPના મુદ્દે શું કરવું જોઈએ?

અત્યાર સુધીના ભારત સરકારના વલણ પરથી લાગે છે કે સરકાર આ મુદ્દે ફૂંકીફૂંકીને છાશ પી રહી છે.

ઔદ્યોગિક ક્ષેત્રના નેતાઓ અને BMS જેવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન ટ્રૅડ યુનિયનને પણ સરકારે સાંભળ્યા હોવાનો અંદાજ છે.

પીયૂષ ગોયલના બૅંગકૉક જતાં પહેલાં સરકારે આ મુદ્દે સબંધિત સ્ટેક હૉલ્ડર્સનો મત લેવાનો પ્રયત્ન કર્યો હશે જ. આમ સરકાર કશું જાહેર નથી કરતી એટલે આ મુદ્દે કશું જ નથી કરતી એવું માનવાની ઉતાવળ કરવા જેવી નથી.

સરકાર પોતાની રીતે દેશના હિતમાં તેમજ દેશના ઉત્પાદકો અને વપરાશકારોના હિતમાં જે કોઈ હશે તેનું રક્ષણ કરવાનો પૂરતો પ્રયાસ કરશે અને એમાં શંકા રાખવાનું કોઈ કારણ નથી.

આમ છતાંય RCEP સંલગ્ન ઘણી બધી બાબતો એવી છે કે જેમાં 2019ના નવેમ્બર માસમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ કક્ષાની લીડરશિપ લેવલ સમિટમાં એને આખરી ઓપ અપાય તેવી જે અપેક્ષા છે તે અત્યારે તો ઘણી મહત્ત્વાકાંક્ષી લાગે છે.

આ માટે હજુ કેટલો સમય લાગશે અને RCEPની આખરી દરખાસ્ત કેવી હશે તે થોભો અને રાહ જુઓ તે તરફ અત્યારે તો જઈ રહ્યું હોય તેમ લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો