મૂળભૂત આઠ સૅક્ટરમાં ઘટાડાની અર્થતંત્ર ઉપર શું અસર પડશે?

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશના અર્થતંત્રમાં પ્રવર્તમાન સુસ્તીની ઉપર પ્રકાશ પાડતાં કેટલાક આંકડા બહાર આવ્યા છે. અર્થતંત્રનાં આઠ મૂળભૂતક્ષેત્રમાં ભારે નબળાઈ જોવા મળી છે. ગત 14 વર્ષમાં આ સૌથી વધુ ઘટાડો હોવાનું કહેવાય છે.

આ આઠ સૅક્ટરમાં કોલસો, ક્રૂડઑઇલ, કુદરતી ગૅસ, રિફાઇનરી ઉત્પાદન, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે.

વેપાર અને વાણિજ્યમંત્રાલય દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, આ ક્ષેત્રોમાં ગત વર્ષના સપ્ટેમ્બર માસની સરખામણીએ 5.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ક્ષેત્રોમાં 4.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

સપ્ટેમ્બર-2019માં બહાર પાડવામાં આવેલા આંકડા ઉપર નજર કરીએ તો એક ક્ષેત્રને બાદ કરતા બાકીનાં સાત સૅક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જેમાં સૌથી વધુ ઘટાડો કોલસાક્ષેત્રમાં જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બર મહિનામાં કોલસાના ક્ષેત્રમાં (20.5 ટકા), રિફાઇનરી ઉદ્યોગમાં (6.7 ટકા), ક્રૂડઑઇલમાં (5.4 ટકા), કુદરતી ગૅસમાં (4.9 ટકા), વીજળીમાં (3.7 ટકા), સિમેન્ટમાં (2.1 ટકા) અને સ્ટીલના ક્ષેત્રમાં (0.3 ટકા)નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ આંકડા ભયસૂચક?

દેશના અર્થતંત્રમાં સુસ્તી પ્રવર્તી રહી છે, ત્યારે નવા આંકડા શું સૂચવે છે?

આ સવાલના જવાબમાં આર્થિક બાબતોના જાણકાર વિવેક કૌલ કહે છે કે, આ આંકડા સ્પષ્ટ રીતે સૂચવે છે કે દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ઘટી છે.

કૌલ કહે છે, "દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિ સૂચવતા ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં આ આઠ ક્ષેત્રનો ફાળો લગભગ 40 ટકા જેટલો છે."

"દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિ મંદ પડે, એટલે તેની સીધી અસર આ ક્ષેત્રો ઉપર જોવા મળે છે. ઔદ્યોગિક ઉત્પાદનની પ્રવૃત્તિમાં આ ક્ષેત્રોનો ફાળો રહેલો હોય છે."

"લોકો જ્યારે ખરીદી ઘટાડી દે ત્યારે તેની સીધી અસર આ ક્ષેત્રો ઉપર જોવા મળે છે."

આર્થિક બાબતોનાં અન્ય એક જાણકાર પૂજા મેહરા તેને લોકોની ખરીદશક્તિ સાથે જોડીને જુએ છે. તેમનાં કહેવા પ્રમાણે, લોકો ગાડી નથી ખરીદતા, જેની અસર ક્રૂડઑઇલ તથા રિફાઇનરી ઉત્પાદન ઉપર જોવા મળે છે.

આ સિવાય આપણી નિકાસો ઘટી છે, જેના કારણે ક્રૂડઑઇલ તથા રિફાઇનરી પેદાશોની નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મેહરા કહે છે, "ઔદ્યોગિક ઉત્પાદનનો દર શૂન્યની નજીક પહોંચી ગયો છે, એટલે વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે. વીજળીની માગ ન હોય એટલે તેમાં ઘટાડો થવો સ્વાભાવિક છે.

એવી જ રીતે નિર્માણકામોમાં ઘટાડો એ સિમેન્ટના વપરાશમાં ઘટાડાનું મુખ્ય કારણ છે, કારણ કે લોકો ઘર નથી ખરીદી રહ્યા."

"આનો મતલબ એ થયો કે ઔદ્યોગિકક્ષેત્ર ઘટી રહ્યું છે."

ઑક્ટોબર મહિનાના સત્તાવાર આંકડા પ્રમાણે, ઑગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર 1.1 ટકાનો રહ્યો હતો. જે ગત 26 મહિનાનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

આ આઠ ક્ષેત્રમાં ઘટાડાની શું અસર પડશે? તેના જવાબમાં કૌલ કહે છે, "જો ઔદ્યોગિક ઉત્પાદનનો દર સતત ઘટે તો તેની સીધી અસર રોજગાર ઉપર પડશે."

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન વૃદ્ધિ

જે આઠ ક્ષેત્રમાં ઘટાડો નોંધાયો છે, તેમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 1.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

કૌલ કહે છે કે એપ્રિલથી ઑગસ્ટ મહિના દરમિયાન આ આઠ ક્ષેત્રમાંથી કેટલાક ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ખાતરને બાદ કરતા તમામ ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો છે.

જૂનના ત્રિ-માસિક ગાળા દરમિયાન આર્થિક વિકાસનો દર પાંચ ટકા અંદાજવામાં આવ્યો હતો, જે પાંચ વર્ષનો સૌથી ઓછો દર છે.

ખાતરના ક્ષેત્રમાં વૃદ્ધિ કેમ?

આઠમાંથી એકમાત્ર ખાતરના ક્ષેત્રમાં 5.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

મેહરાના કહેવા પ્રમાણે, "જે ઉદ્યોગો ઉપર ચોમાસાંની અસર જોવા મળે છે, તેમાંથી એક ખાતરઉદ્યોગ પણ છે. ખેડૂતો રવિ પાક માટે વાવેતર કરી રહ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં વધારો જોવા મળ્યો છે."

"આગામી સમયમાં આ ઉદ્યોગમાં પણ વૃદ્ધિ યથાવત્ રહેશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે."

કોઈપણ ઉદ્યોગમાં ક્રૂડઑઇલ, વીજળી તથા રિફાઇનરી મહત્ત્વપૂર્ણ ઘટક હોય છે, આ ત્રણેય ક્ષેત્રમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

પૂજા મેહરા જણાવે છે, "ચોમાસાને કારણે સિમેન્ટક્ષેત્રે નરમાશ જોવા મળે, તે વાત માની શકાય, પરંતુ પેટ્રોલ, ડીઝલ તથા વીજળીનો વપરાશ ઘટ્યો હોય, તો એક વાત સ્પષ્ટ છે કે અર્થવ્યવસ્થામાં સુસ્તી પ્રવર્તમાન છે."

કેવી રીતે વૃદ્ધિ થશે?

ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે, તેને કઈ રીતે અટાવી શકાય? જેના જવાબમાં વિવેક કૌલ કહે છે કે આનો જવાબ થોડો મુશ્કેલ છે, કારણ કે ઉત્પાદનની સાથે-સાથે વપરાશમાં પણ વૃદ્ધિ થાય તે જરૂરી છે.

કૌલ કહે છે, "જ્યારે કોઈ કંપનીને રોકાણ ઉપર નફો મળશે, તેવી આશા હોય તો તેઓ રોકાણ કરે છે. હાલમાં કંપનીઓ નવું રોકાણ નથી કરી રહી."

"વપરાશ બિલકુલ જોવા નથી મળી રહી, જ્યાં સુધી લોકોનો વપરાશ નહીં વધે ત્યાર સુધી રોકાણ નહીં વધે, જેની સીધી અસર ઔદ્યોગિક પ્રવૃત્તિ ઉપર જોવા મળશે."

પૂજા મેહરા અનુસાર કેટલાક નીતિગત નિર્ણયો લેવાની જરૂર છે.

તેઓ કહે છે, "આને માટે અનેક માળખાકીય કારણો જવાબદાર છે. ગત સરકારોએ મજૂર કાયદા, ભૂમિ અધિગ્રહણ, ઇઝ ઑફ ડૂઇંગ વિઝનેસ અને ટૅક્સ જેવા મુદ્દા સામેલ છે."

"બીજી બાજુ, એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) ઉત્પાદનોનું વેચાણ નથી થઈ રહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં વેચાણ ઘટ્યું છે, એટલે તેમના હાથમાં પૈસા મૂકવાની જરૂર છે."

"ગ્રામ્ય વિસ્તારોમાં આવકનો મુખ્ય સ્રોત ખેતી છે. આ સિવાયના ઉપાયો પણ અપનાવવા જોઈએ. તાજેતરમાં મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરંટી ઍક્ટ) હેઠળ 18થી 30 વર્ષના રોજગાર મેળવનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો."

"આથી સરકાર વહેલામાં વહેલી તકે તેમની બાકી નીકળતી રકમ ચૂકવી દે તે ઇચ્છનીય છે. આ સિવાય 'પીએમ કિસાન યોજના' હેઠળની રકમ પણ વહેલી તકે ચૂકવવી જોઈએ."

"આ તમામ માધ્યમ દ્વારા ગ્રામીણોના હાથમાં પૈસા આપી શકાશે."

આઠ મૂળભૂતક્ષેત્રમાં વૃદ્ધિ લાવવા માટે સરકાર શું પગલાં લે છે, તે તો આવનારા દિવસોમાં માલૂમ પડશે, પરંતુ આગામી સપ્તાહમાં બહાર પાડવામાં આવશે.

એ આંકડા અર્થશાસ્ત્ર માટે કોઈ સારા સમાચાર લઈને આવશે, તેવી શક્યતા નહિવત્ જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો