You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટક ચૂંટણી : બજરંગદળને ચૂંટણીઢંઢેરામાં લાવવાની કૉંગ્રેસની શું મજબૂરી હોઈ શકે?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી હિંદી માટે
કૉંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાની ચૂંટણીઢંઢેરા એટલે કે મૅનિફેસ્ટોમાં બજરંગદળ પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવમાં કોઈ ફેરફાર નહીં કરે.
જોકે, મૅનિફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદા વિશે તેઓ સ્પષ્ટ જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ વાયદાએ ભાજપને કૉંગ્રેસ પર ખૂલીને પ્રહાર કરવાની તક આપી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૉંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ભાજપે તાજેતરમાં કર્ણાટકનાં મંદિરો અને અન્ય જગ્યાઓ પર હનુમાનચાલીસના પાઠનું આયોજન કર્યું હતું.
કર્ણાટકની સતત મુલાકાતોમાં વડા પ્રધાન મોદી પોતાની સભાઓ પહેલાં અને બાદમાં સતત 'બજરંગબલી'નું નામ લે છે.
વડા પ્રધાન 29 એપ્રિલથી જ સમગ્ર કર્ણાટકમાં હેલિકૉપ્ટરમાં એકથી બીજા જિલ્લામાં મુસાફરી કરી રહ્યા છે અને રોજ ત્રણથી ચાર સભાઓ સંબોધી રહ્યા છે. સાથે જ રોડ-શો પણ યોજી રહ્યા છે. શનિવારે તેમણે 10 કિલોમીટર લાંબો અને રવિવારે 24 કિલોમીટર લાંબો રોડ-શો યોજ્યો હતો.
કૉંગ્રેસે પોતાના મૅનિફેસ્ટોમાં કહ્યું, "જાતિ અને ધર્મના આધારે સમુદાયોમાં નફરત ફેલાવનારા લોકો અને સંગઠનો વિરુદ્ધ આકરી અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પાર્ટી પ્રતિબદ્ધ છે."
મૅનિફેસ્ટો અનુસાર, "અમે જાણીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે અને બજરંગદળ, પીએફઆઈ કે પછી અન્ય સંગઠન બહુસંખ્યક કે અલ્પસંખ્યક સમુદાયોમાં નફરત ફેલાવીને તેનું ઉલ્લંઘન ન કરી શકે. અમે કાયદા અંતર્ગત તેમની સામે કડક કાર્યવાહી કરીશું. જેમાં પ્રતિબંધ પણ સામેલ છે."
કૉંગ્રેસ બૅકફૂટ પર
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા પ્રોફેસર ગૌરવ વલ્લભે બીબીસી હિંદીને કહ્યું, "મૅનિફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદાને પાછા લેવા કે પછી તેમાં સંશોધન કરવાનો કોઈ સવાલ નથી. અમે જે કહી રહ્યા છીએ તેનો અર્થ છે કે અમે એવા કોઈ પણ સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરીશું, જે સમાજમાં નફરત ફેલાવે છે. તેમાં પ્રતિબંધ સુધીની જોગવાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "કોઈ પણ ભોગે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે અમે જે કહી રહ્યા છે તે કાયદાથી ઉપર છે કે ગેરબંધારણીય છે."
પ્રોફેસર વલ્લભે કહ્યું, "જો અમે કહી રહ્યા છીએ કે અમે સંગઠન પર પ્રતિબંધ લગાવીશું તો એ ખોટો અર્થ નીકાળ્યો કહેવાય. અમે 40 ટકા કમિશન અને ચાર ગૅરન્ટીઓના પોતાના ચૂંટણી અભિયાન દ્વારા ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતા આગળ વધી રહ્યા છીએ."
હવે જ્યારે ભાજપે બજરંગદળનું નામ લેવાને લઈને કૉંગ્રેસ વિરુદ્ધ પોતાનો પ્રહાર વધાર્યો છે, તેને લઈને કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમિટી અધ્યક્ષ ડી. કે. શિવકુમારે પણ સ્પષ્ટતા કરી છે.
તેમણે પત્રકારોને કહ્યું, "અમે હંમેશાંથી જ ભગવાન હનુમાનના ભક્ત રહ્યા છીએ. પરંતુ અમે કોઈ ભગવાનના નામ પર સંગઠન બનાવીને કાયદાને પોતાના હાથમાં લેવાની પરવાનગી નહીં આપીએ અને એવી તાકતો વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અમે અમારા મૅનિફેસ્ટોમાં માત્ર એટલું જ કહ્યું છે, પરંતુ ભાજપ તેને એક ઇમોશનલ મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે."
તેમણે એ પણ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો સમગ્ર કર્ણાટકમાં આંજનેય (હનુમાન) મંદિર બનાવવા માટે તેઓ કટિબદ્ધ છે.
તેમણે કહ્યું, "અમે ભગવાન હનુમાનના નામ પર એક વિશેષ સ્કીમ લૉન્ચ કરીશું. માત્ર પોતાનું નૅરેટિવ સૅટ કરવા માટે મોદી આ મુદ્દાને એવી રીતે ઉછાળી રહ્યા છે કે અમે તો જાણે હનુમાન ભક્ત જ ન હોઈએ."
જોકે, પાર્ટીના નેતાઓએ અંગત વાતચીતમાં સ્વીકાર્યું હતું કે મૅનિફેસ્ટોને જે ભાગને લઈને હોબાળો થયો છે, તેને વધારે સારી રીતે લખી શકાય તેમ હતો.
બજરંગદળનું નામ એટલા માટે લેવું પડ્યું...
એક નેતાએ બીબીસીને કહ્યું, "એ ભાગમાં બજરંગદળ કે પીએફઆઈનું નામ ન લખ્યું હોત તો ચાલત, કારણ કે પીએફઆઈ પર ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો હતો. સાચું કહીએ તો અમારામાંથી કેટલાક લોકોને લાગે છે કે અમારે આ મુદ્દો ભાજપના હાથોમાં ન આપવો જોઈએ."
કૉંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓને લાગે છે કે મૅનિફેસ્ટોમાં આ લખવા પાછળ પણ કોઈ કારણ છે.
તેઓ કહે છે, "બજરંગદળ અને પીએફઆઈનો વિશેષ ઉલ્લેખ કરીને પાર્ટી મુસ્લિમો અને હિંદુઓ, બંનેને એ સંદેશો પાઠવવા માગે છે કે તેઓ સમાજના તમામ વર્ગો સાતે એકસમાન વર્તન કરી રહ્યા છે. પરંતુ તેનો બીજો પક્ષ એ છે કે બજરંગદળનો ઉલ્લેખ કરીને પાર્ટી એ સુનિશ્ચિત કરવા માગે છે કે મુસ્લિમ વોટ જનતા દળ સૅક્યુલર તરફ ન જાય."
પાર્ટીના નેતાનું કહેવું છે, "જ્યાં અમારી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે, જેડીએસ મુસ્લિમ મતોને મનાવવા માટે જાતભાતની કહાણીઓનો પ્રચાર કરી રહ્યું છે."
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર એ. નારાયણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ બિલકુલ સ્પષ્ટ છે કે કૉંગ્રેસ પાર્ટીએ જે કર્યું છે તેને ચૂંટણી સમયે નહોતું કરવું જોઈતું. તેમણે આખો ફકરો ચીવટતાથી લખવો જોઈતો હતો. જેમ કે, ચૂંટણી જીત્યા બાદ તેઓ એ દરેક વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે જે સમાજમાં દ્વેષ ફેલાવવાનો પ્રયત્ન કરે છે."
તેઓ આગળ કહે છે, "ભલે કૉંગ્રેસ વિરુદ્ધ અભિયાન ચલાવવા માટે ભાજપના હાથે હથિયાર લાગી ગયું હોય, પરંતુ એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે ચૂંટણીના લીધે આ તબક્કામાં એ પ્રકારની નિવેદનબાજીની મતદારોના એક મોટાં જૂથ પર વધારે કોઈ અસર નહીં પડે."
"બે-ત્રણ જિલ્લાના મતવિસ્તારોમાં મેં જોયું છે કે જે મુદ્દાથી લોકો વધારે પ્રભાવિત છે, તેમાં સત્તાવિરોધી લહેર અને મોંઘવારી જેવા મુદ્દા સામેલ છે. સાંપ્રદાયિક મુદ્દા હાલ તેમની ચિંતા નથી."