ટી. રાજા : મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકનારા આ હિંદુવાદી નેતાને કાયદાનો ભય કેમ નથી?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

રામનવમીએ ભારતનાં કેટલાંક રાજ્યોમાં હિંસા થઈ. અમુક વિસ્તારોમાં આ સિલસિલો હજુ ચાલુ છે.

આ રાજ્યોમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યો સામેલ છે.

પાછલાં કેટલાંક વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે માત્ર રામનવમીની શોભાયાત્રામાં જ નહીં, પરંતુ બીજા ધાર્મિક તહેવારો દરમિયાન પણ સાંપ્રદાયિક ઘર્ષણના બનાવો વધ્યા છે.

શું આવા બનાવોને માત્ર એક ઘટના કહેવી એ ઉચિત છે? શું આ બધું એક સમજી-વિચારીને કરાયેલા કાવતરાનો એક ભાગ છે?

આ તમામ ઘટનાઓમાં કેટલીક બાબતો, ચોક્કસ પ્રકારનાં સૂત્રોચ્ચાર અને કેટલાક ચહેરા એક જેવા હોવાનું નજરે પડે છે, જે ગંભીર સવાલ પેદા કરે છે.

આ જ ચહેરા પૈકી એક છે હૈદરાબાદની ગોશામહલ બેઠકના ધારાસભ્ય ટી. રાજાસિંહ.

ઑગસ્ટ 2022માં ટી. રાજાસિંહને પયગંબર મહમદ પર વિવાદિત નિવેદન આપ્યા બાદ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

આ મામલે તેમણે બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. કોર્ટની સલાહ છતાં તેઓ માત્ર દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને નફરતભર્યાં ભાષણો જ નથી આપી રહ્યા, બલકે ઘણી વાર અપશબ્દો પણ કહી રહ્યા છે.

તેઓ મુસ્લિમો વિરુદ્ધ ખુલ્લેઆમ હિંસા અને બહિષ્કારની વાત કરે છે અને આવા આરોપ તેમના પર પાછલા બે દાયકાથી લાગી રહ્યા છે.

આખરે ટી. રાજાસિંહ કોણ છે? તેમને કયા પ્રકારનું રાજકીય સંરક્ષણ હાંસલ છે?

એ કોણ લોકો છે, જે તેમને હિંદુ હૃદયસમ્રાટ માને છે અને તેમના ઇશારે રસ્તા પર નીકળી પડે છે?

શું ટી. રાજાસિંહ નફરતભર્યાં ભાષણ, સાંપ્રદાયિક તોફાનો માટે પાયો ઘડે છે?

નફરત ફેલાવતાં ભાષણો બાદ તોફાન

પાછલા ચાર માસમાં મહારાષ્ટ્રનાં અલગ-અલગ શહેરોમાં સકલ હિંદુ સમાજે મોટા પાયે હિંદુ જનાક્રોશ રેલીઓ કરી છે.

આમાંથી અમુક રેલીઓમાં ટી. રાજાસિંહ પ્રમુખ વક્તા તરીકે જોવા મળ્યા.

19 માર્ચ, 2023ના રોજ મહારાષ્ટ્રના સંભાજીનગરમાં હિંદુ જનજાગરણ રેલી થઈ. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો.

રેલીમાં ધારાસભ્ય ટી. રાજા સાથે સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર-ઇન-ચીફ સુરેશ ચવ્હાણ સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રી પણ જોવા મળ્યા.

આ રેલી યોજાયાના માત્ર દસ દિવસ બાદ એટલે કે રામનવમીના દિવસે 29 માર્ચના રોજ રાત્રે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

આ બોલાચાલી થોડી વારમાં જ પથ્થરમારા અને પછી આગચંપીમાં ફેરવાઈ ગઈ.

એક તરફથી ‘જય શ્રીરામ’ અને બીજી તરફથી ‘અલ્લા હૂ અકબર’ના નારા સંભળાવા લાગ્યા અને જોતજોતામાં મામલો વિકરાળ બની ગયો.

ટોળાએ પોલીસનાં દસ કરતાં વધુ વાહનોને આગને હવાલે કરી દીધાં.

સંભાજીનગરની રેલીમાં ટી. રાજાએ શું કહ્યું હતું?

19 માર્ચના રોજ થયેલી રેલીમાં ધારાસભ્ય ટી. રાજાસિંહે મુસ્લિમો પર બેફામ શાબ્દિક હુમલા કર્યા.

છત્રપતિ સંભાજીનગરના સ્થાને ઔરંગાબાદ બોલનારાના બહિષ્કારની માગ સાથે તેઓ બીજું પણ ઘણું બધું કહ્યું.

  • જો આપણે હિંદુઓ જેહાદ કરશું, તો તમને વિવાહ કરવા માટે છોકરીઓ જ નહીં મળે
  • ઔરંગાબાદથી ઔરંગઝેબની કબરનાં નામનિશાન મિટાવી દઈશું
  • આ નપુંસકોને એવો પાઠ ભણાવવાનો છે જેવો છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનને ભણાવ્યો હતો
  • જે બોર્ડ પર ઔરંગાબાદ લખેલું હોય તેનાં નામનિશાન મિટાવી દેવાં જોઈએ, આ ગદ્દારો પાસેથી એક રૂપિયાની વસ્તુ પણ ન ખરીદશો
  • ઠોકોગે?... ઠોકોગે?... ઠોકના હૈ યા નહીં
  • મહારાષ્ટ્રમાં લૅન્ડ જેહાદના નામે સરકારી જમીનો પર લીલું કપડું નાખીને દરગાહનું નામ લે છે. જ્યાં-જ્યાં ગેરકાયદેસર રીતે દરગાહ બની છે... તેનાં નામનિશાન મિટાવવાનાં છે
  • જહાં-જહાં હિંદુ બંટા, વહાં-વહાં હિંદુ કટા, આ વાત યાદ રાખજો

હિંદુ જાગરણ રેલીમાં નરફતભર્યું ભાષણ આપવા મામલે સંભાજીનગર પોલીસે ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનમાં એ દિવસે ટી. રાજાસિંહ અને સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

બંને વિરુદ્ધ પોલીસે આઇપીસીની કલમ 153, 153એ, 34, 505 અંતર્ગત મામલો નોંધ્યો છે.

શ્રીરામપુરની હિંદુ જનજાગરણ રેલી

10 માર્ચ 2023ના રોજ મહારાષ્ટ્રના અહમદનગરના શ્રીરામપુરમાં સકલ હિંદુ એકત્રીકરણ સમિતિએ હિંદુ જનજાગરણ રેલીનું આયોજન કર્યું હતું.

તેમાં પણ પ્રમુખ વક્તા તરીકે ધારાસભ્ય ટી. રાજા સામેલ થયા હતા.

શ્રીરામપુરની રેલીમાં ધારાસભ્ય ટી. રાજાસિંહે લવ જેહાદ, લૅંડ જેહાદ અને મુસ્લિમોનો બહિષ્કાર કરવા સહિતની માગણીઓ કરી.

“જૈન સમાજની છોકરી માટે ત્રણ લાખ, ગુજરાતી સમાજની દીકરી માટે છ લાખ રૂપિયા, શીખ માટે સાત લાખ રૂપિયા અને મરાઠી સમાજની છોકરી માટે છ લાખ રૂપિયા અપાઈ રહ્યા છે.”

  • જે દરગાહ પર જઈને મન્નત માગે છે, એના ઘરે શિવાજી નહીં પરંતુ અફઝલ ખાન જ પેદા થાય છે
  • ભલે કોઈ રોકે-ટોકે વર્ષ 2025-26માં ભારત દેશ અખંડ હિંદુ રાષ્ટ્ર જાહેર થવાનો છે
  • અમારા હિંદુ રાષ્ટ્રનું પાટનગર દિલ્હી નહીં, કાશી, મથુરા કે અયોધ્યામાંથી કોઈ એક હશે
  • જે વ્યક્તિ હિંદુ વિરુદ્ધ બોલશે, તેને અમે નહીં છોડીએ

આ રેલીના ત્રણ દિવસ બાદ એટલે કે 13 માર્ચના રોજ અહમદનગરના શ્રીરામપુર પોલીસ સ્ટેશનમાં રાજાસિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઈ. તેમના વિરુદ્ધ આઇપીસીની કલમ 295એ, 504, 506 અંતર્ગત મામલો નોંધાયો.

લાતૂરમાં શિવજયંતી નિમિત્તે રેલી

19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના લાતૂરમાં શિવજંયતી નિમિત્તે રેલી થઈ.

રેલીમાં ધારાસભ્ય ટી. રાજાસિંહે ફરી એક વાર ભારતને અખંડ હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી.

  • આપણે બધા સાથે મળીને ભારતને અખંડ હિંદુ રાષ્ટ્ર બનાવીશું
  • આ અફઝલની જેટલી અવૈધ ઓલાદોને પાઠ ભણાવવાનો છે
  • શિવાજીના સમયે એક અફઝલ હતો. આજે દરેક ચાર રસ્તે, દરેક ગલીમાં, દરેક વિધાનસભામાં અફઝલ ખાનની અવૈધ ઓલાદો છે. જો પાઠ ભણાવવો હોય તો તૈયાર થઈ જાઓ.
  • તમે વિચારો કે લવ જેહાદીઓને ઠોકનારા હિંદુ બનશો? કે મંદિરમાં ઘંટ વગાડનારા?
  • મેં ધર્મ માટે મારી ખુરશીને લાત મારી દીધી છે
  • બે વખત ધારાસભ્ય બની ચૂક્યો છું, હવે ધર્મ માટે જ જીવીશ અને એના માટે જ મરીશ

27 ફેબ્રુઆરીના રોજ લાતૂરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ધાર્મિક ભાવનાઓ ભડકાવાના, સમાજને વિભાજિત કરવાના, જાણીજોઈને ખાસ સમુદાયનું અપમાન કરવાના, સમાજમાં ભયનો માહોલ પેદા કરવાના આરોપમાં એફઆઇઆર નોંધાઈ છે.

રાજાસિંહ વિરુદ્ધ આઇપીસીની કલમ 153એ, 153બી, 295એ અને 505 અંતર્ગત મામલો નોંધાયો છે.

મુંબઈની જનાક્રોશ રેલી

29 જાન્યુઆરી 2023ના રોજ સકલ હિંદુ સમાજે મુંબઈમાં હિંદુ જનાક્રોશ રેલી આયોજિત કરી હતી. આ રેલીમાં ઉશ્કેરનારા ભાષણ આપવાના આરોપમાં મુંબઈ પોલીસે લગભગ બે મહિના બાદ ટી. રાજાસિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.

આ એફઆઇઆર દાદર પોલીસ સ્ટેશન દ્વારા આઇપીસીની કલમ 153એ અંતર્ગત દાખલ કરાઈ હતી.

એફઆઇઆરમાં થયેલ વિલંબના પ્રશ્ન અંગે દાદર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ નારાયણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “રેલીના ફૂટેજને સારી રીતે જોયા બાદ આ એફઆઇઆર દાખલ કરાઈ છે.”

“આ કારણે વિલંબ થયો છે. ટી. રાજાસિંહને નોટિસ આપીને બોલાવાશે અને તેમનું નિવેદન લેવાશે.”

આ રેલીઓ સિવાય ટી. રાજાસિંહે આ વર્ષે 22 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના પુણેમાં, 26 ફેબ્રુઆરીના રોજ સોલાપુરમાં, 5 માર્ચ અને 30 માર્ચના રોજ હૈદરાબાદના ધુલપેટમાં રામનવમીની શોભાયાત્રા સિવાય ઘણી રેલીઓમાં ભાષણ આપ્યાં.

ભડકાઉ ભાષણ માટે કેટલી સજાની જોગવાઈ?

ટી. રાજાસિંહ સભામંચો પર જે ભાષાનો ઉપયોગ કરે છે એને મામલે તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં તેમના વિરુદ્ધ ઓછામાં ઓછી ચાર એફઆઇઆર નોંધાઈ છે.

જેમાં પોલીસે આઇપીસીની કલમ 153, 153એ, 153બી, 295એ, 504, 505, 505, 506 અને 34 અંતર્ગત કેસ કર્યા છે.

153 – તોફાન કરવાના ઇરાદે જાણીજોઈને ઉશ્કેરણી કરવી, એક વર્ષની સજા

153એ – ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરે આધેર વિભિન્ન સમૂહો વચ્ચે શત્રુતા પ્રોત્સાહિત કરવા અને સદ્ભાવ બગડાવા મામલે લગાડવામાં આવે છે. તેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

153બી – રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ પ્રભાવિત કરનાર ભાષણ આપવું, ત્રણ વર્ષ સુધીની સજા

295એ- જાણીજોઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી કે આવું કરવાનો પ્રયત્ન કરવો, ત્રણ વર્ષ સુધીની સજા

504 – જાણીજોઈને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને સાર્વજનિક શાંતિ ભંગ કરવી, બે વર્ષ સુધીની સજા

506 – ગુનાહિત ધમકી આપવી, બે વર્ષ સુધીની સજા

હેટ સ્પીચ મામલે ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો તેમને કોઈ પણ મામલામાં બે વર્ષ સુધીની સજા થાય, તો તેમનું ધારાસભ્યપદ તેઓ ગુમાવી શકે છે. આ સાથે જ જો આવું થાય તો સજા ખતમ થયા બાદ છ વર્ષ સુધી તેઓ ચૂંટણી નહીં લડી શકે.

બોલવાની સ્વતંત્રતા ક્યારે હેટ સ્પીચમાં પરિવર્તિત થઈ શકે છે, આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટના ઍડ્વોકેટ નીતિન મેશ્રામ એક ઉદાહરણ આપે છે, તેઓ કહે છે કે, "ધારો કે એક ખાસ સમાજ કોવિડ સમયે લાભ કમાઈ રહ્યો છે, ગમે તેવી મંદી ત્રાટકે છતાં તેમને ફાયદો થાય છે."

નીતિન કહે છે કે, "આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ વ્યવસ્થામાં બદલાવ માટે એ સમાજ વિરુદ્ધ જરૂરથી વાત કરી શકે. પરંતુ તેનો ઇરાદો બદલાવનો હોવો જોઈએ. જો તે એવું કહે કે અમુક સમાજના લોકોને ફાંસીના આપી દો, કે મારી નાખો, તો આવી સ્થિતિમાં એ વાત હેટ સ્પીચ ગણાશે."

તેઓ કહે છે, "આપણે અમુક વ્યક્તિના આહ્વાન બાદ થનારી ઘટનાઓ જોવી જોઈએ. જો આ ઘટનાઓ ગુનાની વ્યાખ્યામાં આવતી હોય તો એ આહ્વાન બોલવાની આઝાદીને પાર કરીને ઉશ્કેરણીજનક ભાષણ બની જશે. હેટ સ્પીચને રોકવા માટે કડક જોગવાઈઓ અપનાવવાની જરૂરિયાત છે."

હિંદુત્વના પોસ્ટરબૉય કેવી રીતે બન્યા?

ધારાસભ્ય ટી. રાજાના એક જૂના ભાષણ પ્રમાણે તેમણે વર્ષ 2000માં હિંદુઓ સામે થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ લડત ચાલુ કરી હતી.

એ સમયે તેઓ હિંદુવાહિની સંગઠનમાં રહીને કામ કરી રહ્યા હતા. તેમના અનુસાર એ સમયે તેઓ હિંદુઓને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરાવનારા વિરુદ્ધ કામ કરતા હતા.

તે બાદ તેમણે ગોમાતાની સેવા કરવાનું કામ પણ શરૂ કર્યું. તેઓ પોતાની સાથે યુવાનોને જોડતા અને તેમને હિંદુ હોવાનો અર્થ સમજાવતા.

આમ કરતા કરતા તેમણે વર્ષ 2004 સુધી પોતાની સાથે 500 કાર્યકર્તાને તૈયાર કરી લીધા.

ટી. રાજા કહે છે કે, “2004 સુધી અમારા 500 કાર્યકર્તા ન લડવાથી ગભરાતા કે ન મરવાથી. તેઓ અલગ અલગ મંચો પર જઈને હિંદુઓની વાત કરતા.”

વર્ષ 2010માં મિલાદ-ઉન-નબીના જવાબમાં ટી. રાજાસિંહે પહેલી વખત હૈદરાબાદમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢી.

આ શોભાયાત્રા વિશે ટી. રાજા કહે છે કે, “અમને રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવાની પોલીસે મંજૂરી નહોતી આપી, તેમ છતાં અમે શોભાયાત્રા કાઢી. અમારો અંદાજો હતો કે 500-1000 લોકો જોડાશે, પરંતુ એક લાખ કરતાં વધુ કાર્યકર્તા આવ્યા. આટલા બધા લોકો જોઈને પોલીસ પણ ગભરાઈ ગયેલી કે આ લોકો ક્યાંથી આવી ગયા.”

“કાર્યક્રમમાં આચાર્ય ધર્મેન્દ્રજી પ્રમુખ વક્તા તરીકે આવ્યા હતા. શોભાયાત્રા બાદ મારા પર ફરિયાદ થઈ. એ સમયે મેં 45 દિવસ સુધી જેલ કાપી.”

હૈદરાબાદના અફઝલગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆર નંબર 324/2010 પ્રમાણે અમજદુલ્લાહ ખાને ફરિયાદ દાખલ કરાવી હતી કે રામનવમી શોભાયાત્રા કાઢવામાં આવી છે, જેમાં મુસ્લિમો વિરુદ્ધ હેટ સ્પીચ આપવામાં આવી છે.

એફઆઇઆરમાં ધર્મેન્દ્ર આચાર્યને ચીફ ગેસ્ટ તરીકે બતાવવામાં આવ્યા હતા. પોલીસે આઇપીસીની કલમ 153એ, 143, 147 અને અન્ય કલમો અંતર્ગત મામલો દાખલ કર્યો હતો.

ટી. રાજાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં તેલુગુદેશમ પાર્ટીથી કૉર્પોરેટર તરીકે કરી હતી.

વર્ષ 2014માં ટી. રાજા તેલંગાણામાં ગોશામહલ બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા.

વર્ષ 2018માં તેમણે બીજી વખત આ જ બેઠક પરથી વિજય હાંસલ કર્યો.

કેટલા પ્રભાવશાળી છે ટી રાજા?

હૈદરાબાદના વરિષ્ઠ પત્રકાર અજય શુક્લા કહે છે કે, “ટી. રાજાનો બૅઝ તેલંગાણાના હિંદુ યુવાનો છે. તેમની તાકત એ જ છે. આ જૂથ જ તેમના માટે સંજીવનીનું કામ કરે છે. રાજાસિંહના એક ઇશારે લાખોની સંખ્યામાં લોકો જમા થઈ જાય છે.”

હૈદરાબાદ પાસેના ધૂલપેટ વિસ્તારમાં શરૂઆતથી જ રાજાસિંહનું વર્ચસ્વ રહ્યું છે. વરિષ્ઠ પત્રકાર અજય શુક્લા પ્રમાણે ત્યાં ભારે સંખ્યામાં હિંદુઓની વસતી છે.

અજય શુક્લા કહે છે કે, “ધૂલપેટના હિંદુઓ ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ ધરાવે છે. મુગલકાળમાં ઉત્તર પ્રદેશથી ભારે સંખ્યામાં હિંદુઓ ધૂલપેટ આવીને વસ્યા હતા.”

પત્રકાર અજય શુક્લા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના માત્ર બે ધારાસભ્ય તેલંગાણામાં છે. આટલા પ્રયાસ બાદ ભાજપ પોતાના આંકડાને આગળ નથી વધારી શકી રહ્યો. જો અસરની વાત કરીએ તો ટી. રાજાસિંહ એક-બે સીટ પર કંઈક જોર કરી શકે, પરંતુ તેનાથી ઝાઝું નહીં.

તેઓ કહે છે કે, “ટી. રાજાને રોકવા એ તેલંગાણા સરકાર માટે મુશ્કેલ કામ નથી, પરંતુ તેમની સાથે જે લાખો હિંદુ રેલીમાં સામેલ થાય છે, તેમાં તમામ પાર્ટીના કાર્યકર્તા હોય છે. તેમના પર ના ગોળી ચલાવી શકાય કે ના લાઠી. વોટ બૅંક માટે બંને તરફથી રાજ્યમાં આ પ્રકારની રેલીઓ થાય છે.”

ટી. રાજા પર જૂના કેસ

વિધાનસભા ચૂંટણી 2018ના સમયે દાખલ કરાયેલા સોગંદનામા પ્રમાણે તેમના પર 43 કેસ છે, જે પૈકી 16 મામલામાં ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યા છે.

આ મામલાઓમાં મસ્જિદો પર હુમલો કરવો, પોલીસવાહનોમાં આગચંપી, મુસ્લિમો વિરુદ્ધ હેટ સ્પીચ, પથ્થરમારો, તોડફોડ, પરવાનગી વગર રેલી કરવા જેવા મામલા સામેલ છે.

ઑગસ્ટ 2022 – પયગંબર મહમદ પર કથિત આપત્તિજનક નિવેદન આપ્યું હતું. તેમના વિરુદ્ધ તેલંગણા પોલીસે આઇપીસીની કલમ 295એ અને 153એ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આ કેસમાં તેમને લગભગ બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હાલ તેલંગણા હાઇકોર્ટે તેમને ઉશ્કેરણીજનક ભાષણ ન આપવાની શરતે જામીન આપ્યા હતા.

આ મામલે કાર્યવાહી કરતા ભારતીય જનતા પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

ઑગસ્ટ 2022 – ચર્ચિત સ્ટેન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીના શોના સેટ પર આગચંપી કરવાની ધમકી અને આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

2018 – મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હેટ સ્પીચ આપવાના આરોપમાં એફઆઇઆર દાખલ

2017 – રામનવમી પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં એફઆઇઆર દાખલ

2016 – પરવાનગી વગર રામનવમી શોભાયાત્રા કાઢવાના આરોપમાં એફઆઇઆર

2015- રામનવમી શોભાયાત્રા રોકવા પર પોલીસ વિરુદ્ધ ઍક્શન લેવાની જાહેરાત કરવાના આરોપમા, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હેટ સ્પીચના આરોપમાં એફઆઇઆર દાખલ

2014 – ગેરકાયદેસર રીતે ગણેશમંદિરની દીવાલ બનાવવાના આરોપમાં એફઆઇઆર દાખલ

2012 – બકરીદ વખતે ગોરક્ષા ઍક્શન ટીમ બનાવવાની કોશિશના આરોપમાં, પોલીસ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં એફઆઇઆર દાખલ

2010 – હનુમાન જયંતીના દિવસે હંગામો, તોડફોડ અને પથ્થરમારો કરવાના આરોપમાં એફઆઇઆર દાખલ

તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ નથી થતી?

એક તરફ હેટ સ્પીચ આપવા મામલે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનનું સભ્યપદ રદ થઈ ચૂક્યું છે.

એક ભાષણ આપ્યા બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનું લોકસભા સભ્યપદ ગુમાવી શકે છે, તો પછી ટી. રાજાસિંહ જેવા નેતાઓ પર કાર્યવાહી કરવામાં આટલું મોડું કેમ થાય છે?

ભાજપે ટી. રાજાસિંહને સસ્પેન્ડ કરી દીધા છે, પાર્ટીએ તેમને બરતરફ જ કેમ નથી કર્યા, આ પ્રશ્નના જવાબમાં તેલંગણા ભાજપના ઉપાધ્યક્ષ યેનમ શ્રીનિવાસ રેડ્ડીનું કહેવું છે કે તેમને બરતરફ કરવાનો નિર્ણય રાજ્યની નેતાગીરી ન લઈ શકે. એ નિર્ણય મોવડીમંડળે લેવાનો છે.

રેડ્ડી કહે છે કે, “ભાજપની કોઈ પણ અધિકૃત મિટિંગ કે રેલીમાં ટી. રાજાને આમંત્રિત નથી કરાતા. તેઓ જે કાર્યક્રમ કરે છે, એને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.”

ટી. રાજા વિરુદ્ધ ભાજપની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં ભારત રાષ્ટ્ર સમિતિના પ્રવક્તા એમ. કૃશાંક કહે છે કે, "સસ્પેન્શન છતાં ટી. રાજા, તેલંગણામાં ભાજપનાં પોસ્ટરોમાં દેખાય છે."

તેઓ કહે છે કે, “તેલંગણામાં બીઆરએસની સરકાર જરૂર છે, પરંતુ તેઓ ઝેર ઓકવા માટે તહેવારોનો ઉપયોગ કરે છે. જેમાં હજારો લોકો ભાગ લે છે. આવી પરિસ્થિતિમાં આ કાર્યક્રમોને રોકવા એ સરકાર માટે મુશ્કેલ છે.”

સુપ્રીમ કોર્ટનાં ઍડ્વોકેટ કામિની જાયસ્વાલ કહે છે કે, “જો આટલાં વર્ષોથી કોઈ એફઆઇઆર પર કાર્યવાહી ન થતી હોય તો ફરિયાદી વ્યક્તિએ મૅજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવી જોઈએ અને માગ કરવી જોઈએ કે પોલીસ યોગ્ય રીતે તપાસ નથી કરી રહી.”

“સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે જો કોઈ વ્યક્તિ અપરાધ વિશે પોલીસમાં ફરિયાદ કરે તો પોલીસે એફઆઇઆર કરવાની રહેશે. આવી સ્થિતિમાં પોલીસ ખાનાપૂર્તિ માટે પણ એફઆઇઆર દાખલ કરશે. આવા કેસ પોલીસની ફાઇલોમાં પડ્યા રહે છે અને ફૉલોઅપ નથી થતું.”

કામિની જાયસ્વાલ કહે છે કે, “પોલીસ ઘણી વાર સ્વતંત્રપણે કામ નથી કરી શકતી. જે સરકાર સત્તા પર હોય તે પોતાના હિસાબે પોલીસનો ઉપયોગ કરે છે.”

રાજ્ય સરકાર આ નેતાઓને કેવી રીતે જુએ છે, એ અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અજય શુક્લા કહે છે કે, “જ્યારે આવા નેતા એક ખાસ સમુદાયના વિરોધમાં નફરત ફેલાવનારાં ભાષણો આપે છે તો તેનાથી ન માત્ર તેના લોકો જ ઘેરાતા નથી, પરંતુ બીજા સમૂહના લોકો પણ સંગઠિત થાય છે. આવી રીતે બે સમૂહ બની જાય છે અને તેમનો ઉપયોગ સરકારોની વોટ બૅન્ક માટે કરે છે.”

તેઓ કહે છે કે, “તેલંગણા સરકાર ટી. રાજાસિંહ પર કડક કાર્યવાહી કરીને એવો મૅસેજ નથી આપવા માગતા કે તેઓ હિંદુઓ વિરુદ્ધ છે, કારણ કે તેમની પાર્ટીને પણ હિંદુઓના મત જોઈએ.”