તામિલ સૌરાષ્ટ્ર સંગમમ્ યોજીને ભાજપ તામિલનાડુમાં રાજકીય રીતે મજબૂત થવા માગે છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના સોમનાથમાં આજકાલ સૌરાષ્ટ્ર-તામિલ સંગમમ્ ઉત્સવ ચાલી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ સંગમમ્ ઉત્સવમાં તામિલનાડુથી આવેલા સૌરાષ્ટ્રના નાગરિકોનાં સ્વાગત-અભિવાદન સાથે તેમને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળોએ ભ્રમણ કરાવાઈ રહ્યું છે.

આ સિવાય કલા-સંસ્કૃતિ, ખેલકૂદ, શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ સાથે જોડાયેલા કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાતી અને તમિલ ભાષા શીખવાનો વર્કશોપ પણ યોજાશે.

આ કાર્યક્રમનું 17મી એપ્રિલે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને સમાપન સમારોહ 26મી એપ્રિલના રોજ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવું આયોજન છે.

આજ પ્રકારનો સંગમમ્ ઉત્સવ કાશી એટલે કે વારાણસીમાં પણ યોજવામાં આવ્યો હતો.

વારાણસી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર છે.

જાણકારો માને છે કે સૌરાષ્ટ્ર-તામિલ સંગમમ્ ઉત્સવનું આયોજન કાશી-તામિલ સંગમમ્ ઉત્સવની મળેલી સફળતા બાદ આયોજિત કરવામાં આવ્યું છે.

સરકાર અને ભાજપ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ પ્રકારના સંગમમ્ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સંસ્કૃતિક મેળાપ મારફતે મજબૂત બનાવવાનો છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ આ પ્રકારના સંગમમ્ ઉત્સવનો ઉપયોગ કરીને તામિલનાડુમાં તેના રાજકીય અસ્તિત્વને મજબૂત કરવા માગે છે. જોકે ભાજપ આ આરોપને ફગાવે છે.

આ આયોજન સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. કમલેશ જોષીપુરા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “બંને રાજ્યોના સાંસ્કૃતિક એકાત્મકતાની પરિકલ્પનાનું બીજ વર્ષ 2006માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ વાવ્યું હતું. તે વખતે 1200 વર્ષ પહેલાં મહમદ ગઝનીના આક્રમણ બાદ સૌરાષ્ટ્રથી વાયા વિજયનગર થઈ મદૂરૈ પહોંચેલા સૌરાષ્ટ્રવાસીઓને ફરી તેમની ગર્ભનાળ સમાન ગુજરાતને જોડવાનો પ્રયાસ થયો. વર્ષ 2009માં તામિલનાડુમાં નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ભવ્ય આયોજન થયું. આજે ફરી તામિલ મિત્રો સાથે ભાષા, ભૂષા, રહન-સહનને સમજવાનો તથા તેમની સાથે સંવાદ સ્થાપિત કરવાનો આ અવસર છે.”

શું આ ભાજપનો તામિલનાડુમાં બેઝ બનાવવાનો ઍજન્ડા છે?

રાજકીય વિશ્લેષકો અને દ્રવિડ રાજકારણ પર સતત નજર રાખતા નિષ્ણાતો કહે છે કે ભાજપ આ પ્રકારના સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા કરીને તામિલનાડુ પર પોતાની પકડ મજબૂત કરવા માગે છે.

જોકે જાણકારો કહે છે કે ભાજપને દક્ષિણનાં રાજ્યોમાં પકડ મજબૂત કરવામાં સૌથી મોટો અવરોધ ભાષાના રાજકારણનો નડે છે.

તેમનું માનવું છે કે તામિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ પાર્ટી એટલે કે ડીએમકેનો પર્યાય બનવામાં હજુ લાંબી મજલ કાપવાની છે.

ધ હિન્દુ સમાચારપત્રના ઍસોસિયેટ ઍડિટર આર. કે. રાધાક્રિષ્ણન બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે કે, “ભાજપ તામિલનાડુમાં ભાષાકીય વિરોધનો સામનો કરી રહ્યો છે. અહીં હિન્દી વિરુદ્ધ તામિલનું રાજકારણ જોર પર છે. તેવા સંજોગોમાં વડા પ્રધાન મોદી વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર છોડીને તામિલનાડુ આવીને વસેલા લોકોને સૌરાષ્ટ્રની મુલાકાતે લઈને ઇમોશનલ કાર્ડ રમી રહ્યા છે.”

આર. કે. રાધાક્રિષ્ણન વધુમાં ઉમેરે છે કે, “ભાજપ તામિલનાડુમાં આ પ્રકારે સફળ નહીં થાય, કારણ કે તેને સૌથી મોટો પ્રશ્ન ભાષાના રાજકારણનો નડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ નવો ભાજપ છે. તે અહીં દરેક બૂથ પર પોતાના કાર્યકર્તા નિયુક્ત કરવા ઇચ્છે છે. તે અહીં તેમના સમર્થકો ઊભા કરવા માગે છે પરંતુ સૌથી મોટો અવરોધ એ છે કે અહીં તેમને તામિલવિરોધી તરીકે ઓળખવામાં આવે છે.”

આર. કે. રાધાક્રિષ્ણન એમ પણ કહે છે કે, “તામિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્રીયનોને ગુજરાત મુલાકાતે લઈ જઈને તેઓ ગુજરાતમાં કરાયેલાં વિકાસકાર્યોને દેખાડવા માગે છે, જેથી તેઓ તામિલનાડુ અને ગુજરાત વચ્ચે સરખામણી કરી શકે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમોશનલ બૉન્ડિંગ મારફતે તામિલનાડુમાં ભાજપનો બેઝ ઊભો કરવાનો જ છે.”

પરંતુ ભાજપ તેની સાથે સંમત નથી. ભાજપ કહે છે કે તે આ પ્રકારના સાંસ્કૃતિક મેળાવડા મારફતે તામિલ ભાષા, સંસ્કૃતિ અને તેની વિરાસત દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માગે છે.

તામિલનાડુ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નારાયણન થિરુપતિ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે, “આ ઉત્સવ બિનરાજકીય છે. આ પ્રકારના આરોપો વાહિયાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલ સંસ્કૃતિ અને તેની વિરાસતને આગળ ધપાવી રહ્યા છે. આ કોઈ રાજકીય એજન્ડા નથી.”

તામિલનાડુ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નારાયણન થિરુપતિને પૂછવામાં આવ્યું કે એક વર્ષ બાદ લોકસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે શું ભાજપ આવા કાર્યક્રમો દ્વારા તેની પકડ મજબૂત કરવા માગે છે?

તો જવાબમાં નારાયણન થિરુપતિએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “કર્ણાટકમાં હાલ ચૂંટણી છે પરંતુ શું અમે કર્ણાટકમાં કોઈ સંગમમ્ ઉત્સવ ઊજવ્યો? એટલે આ કોઈ રાજકીય પ્રવૃત્તિ નથી. આ પ્રકારના આરોપો અયોગ્ય છે. સૌરાષ્ટ્ર તામિલ સંગમમ્ ઉત્સવનો હેતુ માત્ર તામિલ સંસ્કૃતિ, વિરાસત અને ભાષા વિશે દેશભરમાં જાણકારી મળે તે જ છે.”

શું કહેવું છે તામિલનાડુમાં સત્તાસ્થાને રહેલી DMKનું અને ભાજપ સાથે સારા સંબંધો ધરાવતી AIADMKનું?

તામિલનાડુમાં સત્તાસ્થાને રહેલી DMKનું કહેવું છે કે સંગમમ્ ઉત્સવો એ ભાજપ દ્વારા કરવામાં આવતું નાટક છે.

DMK પ્રવક્તા કૉન્સ્ટેન્ટિન રવિન્દ્રન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, “રાજ્યમાં ચૂંટણી આવે છે એટલે ભાજપે આ પ્રકારનાં નાટક શરૂ કર્યાં છે. પણ તામિલનાડુની પ્રજા તેનાથી ભોળવાશે નહીં. ભાજપ તામિલનાડુમાં ક્યારેય મજબૂત નહીં થઈ શકે.”

કૉન્સ્ટેન્ટિન રવિન્દ્રન વધુમાં કહે છે કે, “તેઓ હિન્દી થોપવા માગે છે. 1949થી ડીએમકે તામિલ ભાષાના વિકાસ માટે અને સંવર્ધન માટે કામ કરે છે. ભાજપે તમિલ ભાષા માટે શું કર્યું? તેઓ સંગમમ્ ઉત્સવને ડીએમકે સામે હથિયાર તરીકે અજમાવવા માગે છે પણ તેઓ સફળ નહીં થાય.”

તો બીજી તરફ ભાજપ સાથે સારા સંબંધો ધરાવતી અને તામિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈડીએમકેને આ પ્રકારના કાર્યક્રમોમાં કોઈ વાંધો દેખાતો નથી.

એઆઈડીએમકેની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ડી. જયાકુમારનું કહેવું છે કે દરેક પાર્ટીનો પૉલિટિકલ એજન્ડા હોય છે તેમાં ખોટું શું છે.

ડી. જયાકુમાર વધુમાં કહે છે કે, “ભાજપનો પોતાનો જે પણ કોઈ ઍજન્ડા હોય, પૉલિસી હોય, સ્ટ્રેટજી હોય. તેને માન્યતા આપવી કે નહીં તેનો નિર્ણય જનતા કરે છે. ભાજપની આ નીતિ યોગ્ય છે કે નહીં તે ચૂંટણીમાં પ્રજા નક્કી કરશે. અમને આ પ્રકારના પ્રોગ્રામમાં કશું ખોટું લાગતું નથી.”

ગુજરાતના રાજકીય વિશ્લેષકો શું કહે છે?

ગુજરાતના રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “ઘણી વાર રાજકીય લાભ ખાટવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, પણ બે અલગ સંસ્કૃતિ ધરાવતા પ્રદેશોની પ્રજા આવા કાર્યક્રમમાં ભેગી થાય તો તેમાં કશું ખોટું નથી.”

દિલીપ ગોહિલ વધુમાં ઉમેરે છે કે, “ભાજપની દક્ષિણમાં કર્ણાટક સિવાય તામિલનાડુ, કેરળ કે પછી તેલંગણા અને આંધ્રપ્રદેશમાં વધારે પકડ નથી. આવા સંજોગોમાં રાજકીય પ્રચારના આરોપોનો ઇન્કાર ન કરી શકાય પણ છતાં તેનાથી અલગ થઈને આવા કાર્યક્રમોમાં જો સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું હોય તો કશું ખોટું નથી.”

તો વધુ એક રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે કે, “કેમ પશ્ચિમ બંગાળ માટે આવા કાર્યક્રમો થતા નથી? તામિલનાડુ માટે જ કેમ થાય છે? સાંસ્કૃતિક જોડાણની ભલે વાતો થતી હોય, પરંતુ મૂળ હેતુ તો તામિલનાડુમાં ભાજપનો પૉલિટિકલ બેઝ વધારવાનો છે.”

તામિલનાડુમાં ભાજપ ક્યાં છે?

જાણકારો કહે છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દક્ષિણમાં પગપેસારો કરવા તનતોડ મહેનત કરે છે. કર્ણાટક ભાજપ માટે દક્ષિણનો દરવાજો સાબિત થયું.

કર્ણાટકમાં ભાજપે સત્તા મેળવી ત્યારે લાગતું હતું કે ભાજપ માટે દક્ષિણ હવે બહુ દૂર નથી, પરંતુ કર્ણાટકમાં સત્તામાં આવ્યા બાદ તે કેરળ, તામિલનાડુ કે તેલંગણામાં બહુ સફળ થયો નથી.

જાણકારો એમ પણ કહે છે કે તામિલનાડુમાં ભાજપે જે નાની-મોટી સફળતા મેળવી છે તે ગઠબંધનને કારણે મેળવી છે. ક્યાંક ભાજપે ડીએમકે સાથે અથવા તો એઆઈડીએમકે સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે અથવા ક્યારેક તેણે તામિલનાડુની સ્થાનિક નાની-મોટી પાર્ટીઓ સાથે હાથ મિલાવ્યા છે.

વડા પ્રધાન તામિલનાડુમાં અનેક કાર્યક્રમો કરીને તમિલ પ્રજાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમણે સત્તાસ્થાને રહેલી ડીએમકેની કટ્ટર વિરોધી પાર્ટી એઆઈડીએમકે સાથે સંપર્કો વધાર્યા છે, સાથે જયલલિતાની ગેરહાજરીમાં તેમની પાર્ટીમાં ચાલતી ખટપટનો ભાજપ ફાયદો પણ ઉઠાવવા માગે છે.

વડા પ્રધાન મોદીએ તેમના તામિલનાડુના પ્રવાસો પણ વધાર્યા છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને પણ ત્યાં આમંત્રિત કર્યા હતા. જાણકારો એમ પણ કહે છે કે તામિલ સાહિત્યની પંક્તિઓ લલકારવી, તામિલ સાહિત્યકારો, કલાકારો અથવા સંતોના નામજોગ ઉલ્લેખો તેમના પ્રવચનમાં કરવા એ હવે વડા પ્રધાનની લાક્ષણિકતા બની ગઈ છે.

જોકે ધ હિન્દુના ઍસોસિયેટ ઍડિટર આર. કે. રાધાક્રિષ્ણન કહે છે કે વડા પ્રધાન દ્વારા થઈ રહેલા પ્રયાસોને સફળતા મળે એવું લાગતું નથી, કારણ કે અહીંના લોકોને વિકાસ જોઈએ છે.

તેઓ વધુમાં કહે છે કે, “ભલે વારાણસી સંગમમ્ હોય કે સૌરાષ્ટ્ર સંગમમ્. પ્રચાર ઘણો થયો છે. સરકારી મશીનરીનો બહુ ઉપયોગ થયો તેનો લાભ ખાટવા માટે પરંતુ તેની બહુ ચર્ચા તામિલનાડુમાં નથી.”

ત્યારે જોઈએ કે તામિલનાડુમાં ભાજપનો રાજકીય ઇતિહાસ કેવો રહ્યો.

તામિલનાડુમાં વર્ષ 1984માં પહેલી વાર સંઘ સમર્થિત હિન્દુ મુન્નાની તરફથી વી. બાલાચંન્દ્રન વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. જોકે વિધિવત્ રીતે ભાજપના ધારાસભ્ય પહેલી વાર 1996માં ચૂંટાયા હતા. તામિલનાડુમાં ભાજપના પહેલા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય હતા સી. વેલોત્તમ.

વર્ષ 2001માં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને ચાર થઈ. તે વખતે ભાજપે ડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું. વર્ષ 2021માં ભાજપે એઆઈડીએમકે સાથે ગઠબંધન કર્યું અને ફરી ચાર બેઠકો કબજે કરી.

લોકસભાની વાત કરીએ તો 1998માં ભાજપે એડીએમકે સાથે ગઠબંધન કર્યું હતું અને ત્રણ બેઠકો મેળવી હતી. જોકે જયલલિતાએ સમર્થન પરત લઈ લેતા પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સરકાર એક મતે પડી હતી.

ત્યારબાદ ભાજપે 1999માં ડીએમકે સાથે ગઠબંધન કર્યું અને લોકસભામાં ચાર બેઠકો મેળવી. ત્યારબાદ 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે લોકસભાની ચૂંટણી લડી ત્યારે ભાજપે એક બેઠક મેળવી હતી.

હાલમાં તામિલનાડુ વિધાનસભામાં ભાજપના ચાર ધારાસભ્યો છે. જ્યારે તામિલનાડુમાંથી એક પણ સાંસદ નથી.