કૉંગ્રેસે 'ઇન્ડિયા'માં પીએમ-પદની દાવેદારી છોડવાની વાત કેમ કરી?

    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા

બૅંગલુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં કૉંગ્રેસે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વડા પ્રધાનપદ મેળવવાને લઈને તેની કોઈ ઇચ્છા નથી. કૉંગ્રેસે આ વિચારધારા અને દેશને બચાવવાની લડાઈ ગણાવી છે. બેઠકમાંમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા નેશનલ ડેવલપમૅન્ટ ઇન્ક્લૂસિવ ઍલાયન્સ(ઇન્ડિયા)’ રાખવામાં આવ્યું છે. ‘ઇન્ડિયા’ની બીજી બેઠક મુંબઈમાં થશે.

કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે "ઘણાં રાજ્યોમાં અમારી વચ્ચે મતભેદ છે પરંતુ હાલ અમે એ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે અને અત્યારે અમારા માટે દેશને બચાવવો એ પ્રાથમિકતા છે. " આ સિવાય મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં એનડીએની મિટિંગ પર પણ નિવેદન આપ્યું છે. ખડગે મુજબ એનડીએના ટુકડે-ટુકડા થઈ ગયા છે અને હવે તેને એકજૂથ કરવામાં આવી રહ્યું છે અને તેમના નેતા રાજ્યોમાં જઈ રહ્યા છે.

કૉંગ્રેસ પોતાને સત્તાની સ્વાભાવિક ઉત્તરાધિકારી સમજી રહી છે, એવામાં એ સવાલ પણ ઊભો થાય છે કે કૉંગ્રેસ કઈ રણનીતિ અંતર્ગત ત્યાગના મૂડમાં દેખાઈ રહી છે અને પીએમપદને લઈને કોઈ દાવો કેમ નથી કરી રહી.

કૉંગ્રેસ કેમ નથી ઇચ્છતી પીએમ પદ?

કૉંગ્રેસની રણનીતિને નજીકથી ઓળખનાર વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ માને છે કે કૉંગ્રેસ વિપક્ષી એકતા માટે એક રીતે બલિદાન આપી રહી છે અને આ કોઈ આવેગમાં આવીને લીધેલો નિર્ણય નથી.

રશીદ કિદવઈ કહે છે, “આઝાદીની લડાઈ દરમિયાન જ કૉંગ્રેસના નેતા એટલા સમર્પિત રહ્યા છે કે કૉંગ્રેસના દ્રષ્ટિપત્રોમાં લખવામાં આવતું હતું ‘એ નેચરલ પાર્ટી ફૉર ગવર્નન્સ.’ પણ હવે રાહુલ ગાંધી ઘણી વખત કહે છે કે પહેલાં પોતાને એ લાયક બનાવો પછી ઇચ્છા કરો. કૉંગ્રેસ જ્યારે પણ લોકસભાની 100-150 બેઠક લાવવામાં સફળ થાય છે, તે એ જ દિવસે વડા પ્રધાન માટે દાવેદાર બની જશે.”

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે વિપક્ષે આવી ગંભીરતા વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં નહોતી દર્શાવી, પરંતુ હવે ઘણાં દળોને લાગે છે કે જો ભાજપ ત્રીજી વાર સત્તામાં આવી ગયો તો તેમનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે.

નારજા ચૌધરી પ્રમાણે, “આ કૉંગ્રેસની સમજીવિચારીને બનાવેલી રણનીતિ છે, જેથી અન્ય વિપક્ષી દળોના મનમાં કૉંગ્રેસને લઈને ડર ઓછો થઈ જાય. મને લાગે છે કે હાલમાં રાહુલ અને સોનિયા ગાંધી પરિસ્થિતિઓને સમજી રહ્યાં છે.”

તો વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશીનું માનવું છે કે કૉંગ્રેસનો પીએમપદમાં રસ ન દાખવવો એક રણનીતિનો ભાગ છે, એવું શક્ય જ નથી કે કૉંગ્રેસની આવી ઇચ્છા હોય.

પ્રમોદ જોશી કહે છે કે, “આનું એક કારણ એ છે કે કૉંગ્રેસ નથી ઇચ્છતી કે ચૂંટણી મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી હોય, કારણ કે તેમાં એ પાછા પડે છે. વ્યક્તિ કે વ્યક્તિત્વ સિવાય કૉંગ્રેસ ઇચ્છે છે કે તે આ ચૂંટણી મુદ્દાઓ પર લડે”

પ્રમોદ જોશીનું માનવું છે કે આ ગઠબંધનનું નામ પણ કૉંગ્રેસે જ આપેલું હોય એમ લાગે છે કારણ કે આનાં બે શરૂઆતી નામ ‘ઇન્ડિયન નેશનલ’ કૉંગ્રેસના નામ સાથે ભળે છે.

કૉંગ્રેસનું નરમ વલણ

બૅંગલુરુમાં સોમવારે અને મંગળવારે થયેલી વિપક્ષની બેઠકમાં 26 પાર્ટિઓએ ભાગ લીધો જ્યારે પટનામાં વિપક્ષની પહેલી મિટિંગમાં 15 દળોએ ભાગ લીધો હતો. આનો ઉદ્દેશ્ય છે વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં સંગઠિત થઈને ભાજપ અને નરેન્દ્ર મોદીને પડકાર આપવો.

બૅંગલુરુની મિટિંગમાં સીપીઆઈ(એમએલ)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય પણ હાજર હતા. દીપાંકરે બીબીસીને કહ્યું કે, “રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મૂળરૂપે વિચારધારાની લડાઈ છે. કૉંગ્રેસ આ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે પરંતુ તેમનું વલણ ખૂબ જ નરમ રહ્યું છે.”

રાજકીય બાબતોના જાણકાર અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પૂર્વ પ્રોફેસર પુષ્પેન્દ્ર કુમાર આમાં કૉંગ્રેસની એક રસપ્રદ રણનીતિ પણ જુએ છે.

પુષ્પેન્દ્ર કુમારનું કહેવું છે, “આ ગઠબંધનમાં ઘણાં અન્ય દળોના મહત્ત્વાકાંક્ષી નેતા છે અને તેમની સામે ગુજરાલ અને દેવેગૌડાવાળી પરિસ્તિથિ રાખવામાં આવી રહી છે, એટલે ચૂંટણી પછી કોઈ પણ વડા પ્રધાન બની શકે છે.”

લોકસભામાં કોઈ દળને બહુમત ન મળવાથી વર્ષ 1996થી 1998 વચ્ચે પહેલાં એચડી દેવેગોડા અને પછી ઇન્દ્રકુમાર ગુજરાલ ભારતના વડા પ્રધાન બન્યા હતા. એમની સરકાર કૉંગ્રેસના સમર્થનથી બની હતી.

જોકે, પુષ્પેન્દ્ર કુમાર માને છે કે ગુજરાલ અથવા દેવેગૌડાવાળો સમય ફરીથી આવશે એની સંભાવના ઓછી છે, પરંતુ આ પ્રલોભન વિપક્ષી નેતાઓને સાથે રાખી શકાય છે.

‘ઇન્ડિયા’ નામ પાછળ શું છે?

બૅંગલુરુની મિટિંગ પછી કૉંગ્રેસ પ્રમુખે કહ્યું કે મુંબઈ ખાતેની આગામી બેઠકમાં આ ગઠબંધનના અગિયાર સદસ્યોની સમન્વયસમિતિ બનાવવામાં આવશે અને મુંબઈમાં જ ગઠબંધનનો સંયોજક પણ બનાવવામાં આવશે.

માનવમાં આવી રહ્યું છે કે ‘ઇન્ડિયા’ની સમન્વયસમિતિમાં મોટાં દળોના સદસ્યોને સામેલ કરવામાં આવશે. જેમાં કૉંગ્રેસ, ટીએમસી, આપ, શિવસેના, એનસીપી, ડાબેરી પક્ષો અને સમાજવાદી પાર્ટી જેવાં દળોના સદસ્યો હોઈ શકે છે.

નીરજા ચૌધરી કહે છે કે વિપક્ષી ગઠબંધને પોતાનું નામ બહુ જ રોચક રાખ્યું છે, અત્યાર સુધી તેઓ જે વાત કરતા હતા બંધારણ અને લોકતંત્રની રક્ષાની તે જનતા સુધી પહોંચી નહોતી શકતી, પણ ‘ઇન્ડિયા’ સૌને સમજમાં આવે છે.

નીરજા ચૌધરી પ્રમાણે, “હવે વિપક્ષ કહેશે એનડીએ વિરુદ્ધ ઇન્ડિયા છે, નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઇન્ડિયા છે. આઇડિયા ઑફ ઇન્ડિયા અમારો છે. હવે તે સામાન્ય માણસને સમજમાં આવશે.”

પ્રમોદ જોશી કહે છે કે, “એ સ્પષ્ટ છે કે નવું ગઠબંધન યુપીએ નથી. આમાં આમ આદમી પાર્ટી પણ છે, તૃણમૂલ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ છે. આ નવું ગ્રૂપ છે. સંભવ છે કે સોનિયા ગાંધી આનાં પ્રમુખ બને અને નીતીશકુમાર સંયોજક.”

પ્રમોદ જોશી માને છે કે એક હોય છે ટેકનિક અને એક હોય છે સ્ટ્રેટેજી, આ સમયે કૉંગ્રેસ જો કશુંક સ્વીકાર કરી રહી છે તો એ તેની ઇચ્છા નહીં, પણ રણનીતિ છે અને આ ‘ઇન્ડિયા’ નામ પણ કૉંગ્રેસનું આપેલું લાગે છે.

પુષ્પેન્દ્ર કુમારનું માનવું છે કે કૉંગ્રેસ અન્ય દળોના નેતાઓને સંદેશ આપવા માગે છે કે નવા ગઠબંધનમાં સૌનું મહત્ત્વ છે, જે ભાજપ સાથેના ગઠબંધનમાં જોવા નથી મળતું.

તેઓ કહે છે કે, “ઉત્તર પૂર્વનાં રાજ્યોની અલગ પરિસ્થિતિના કારણે હિમંત બિસ્વા સરમાને જરૂર કશુંક મળી ગયું, નહિતર કૉંગ્રેસને છોડીને પણ જે લોકો ગયા તેઓને ભાજમાં કશું જ નથી મળ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાને જ જોઈ લઈએ.”

દૂરંદેશી રણનીતિ

વિપક્ષી દળોના ગઠબંધનનો સીધો ઉદ્દેશ્ય છે કે જે રાજ્યોમાં મતના વહેંચાઈ જવાના લીધે ભાજપે પાછલી ચૂંટણીમાં ફાયદો મળ્યો હતો, એ મતને વહેંચાતા રોકી શકાય.

તેમને લાગે છે કે આનાથી બિહાર(40 બેઠક), ઉત્તર પ્રદેશ(80) પશ્ચિમ બંગાળ(42), મહારાષ્ટ્ર(48), ઝારખંડ(14) અને દિલ્હી(7) જેવાં રાજ્યોમાં વિપક્ષી એકતાથી ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોની કુલ 231 બેઠકોમાં 142 લોકસભા બેઠકો પર ભાજપે જીત નોંધાવી હતી. ભાજપે એ ચૂંટણીમાં કુલ 303 બેઠકો પર જીત મેળવી હતી અને તેમને પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મળી હતી.

વિપક્ષની એકતા જો આ રાજ્યોમાં ભાજપને નુકસાન પહોંચાડે અને આના સિવાય કર્ણાટક અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં કૉંગ્રેસ પોતાના દમ ઉપર ભાજપ પાસેથી અમુક બેઠકો છીનવી શકે તો આ વિપક્ષી ગઠબંધનની મોટી સફળતા ગણાશે.

એટલે કૉંગ્રેસ હાલ સામે દેખાતા મુદ્દાઓનું સમાધાન કરી રહી છે અને આની દૂરંદેશી રણનીતિ અલગ હશે.

રશીદ કિદવઈ કહે છે કે કૉંગ્રેસને લાગે છે કે બિનકૉંગ્રેસી વિપક્ષી દળ એટલે 25 પાર્ટિઓ મળીને 200 સુદી બેઠકો લાવી શકે છે તો કૉંગ્રેસને જો 100 બેઠકોમાં જીત મળે છે તો તે જાતે જ સત્તાની દાવેદાર બની જશે.

પુષ્પેન્દ્ર કુમાર કહે છે કે, “કૉંગ્રેસ ઇચ્છશે કે તેને 100 બેઠકો મળી જાય તો તેઓ મોટા અંતર સાથે વિપક્ષની સૌથી મોટી પાર્ટી બની જશે, કારણ કે તેના પછી બીજા નંબર ઉપર કોઈ આસપાસ નહીં હોય. પરંતુ આના માટે હાલ વિપક્ષનું એકજૂથ રહેવું જરૂરી છે.”

એટલે ચૂંટણીપરિણામ આવ્યાં બાદ કૉંગ્રેસની પાસે નવેસરથી વાતચીત કરવાની ક્ષમતા હશે. એટલે હાલ તો તે વિપક્ષી ગઠબંધનને એકજૂથ અને શક્તિશાળી બનાવવા ઉપર જોર આપી રહી છે.