You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના 'ચંદ્રયાન-3નો ટુકડો' ઑસ્ટ્રેલિયાના દરિયાકાંઠે જઈને પડ્યો?
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના અંતરિક્ષ કાર્યક્રમના પ્રમુખે કહ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં સમુદ્રકાંઠે મળી આવેલ ગુંબદ આકારની ધાતુની વસ્તુને લઈ કોઈ રહસ્ય નથી.
જોકે, તેમણે એવું પણ કહ્યું કે એ ભારતીય હોઈ શકે તેમજ ન પણ હોઈ શકે.
બીબીસી સાથેની વાતચીતમાં એસ. સોમનાથે કહ્યું કે, “જ્યાં સુધી અમે એનું પરીક્ષણ ન કરીએ, અમે એ વાતની પુષ્ટિ કેવી રીતે કરી શકીએ કે આ વસ્તુ અમારી છે.”
ગત સપ્તાહના અંતે આ ધાતુની વસ્તુ પર્થથી 250 કિલોમીટર ઉત્તરમાં ગ્રીન હેડ સમુદ્રકાંઠે મળી આવી હતી. એ સમયથી જ જાતભાતનાં અનુમાન કરાઈ રહ્યાં છે.
કેટલાકનું એવું પણ અનુમાન છે કે આ વસ્તુ હાલમાં જ લૉન્ચ કરાયેલ ભારતના ચંદ્રયાન અભિયાન સાથે સંકળાયેલી પણ હોઈ શકે છે, પરંતુ આ સંભાવનાને તરત જ ખારિજ કરી દેવાઈ.
આ વસ્તુ લગભગ અઢી મીટર પહોળી અને ત્રણ મીટર લાંબી છે. જ્યારથી આ વસ્તુ સમુદ્રકાંઠે મળી આવી છે, ગ્રીન હેડ બીચના નિવાસી આની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે.
શરૂઆતમાં એવાં અનુમાન વ્યક્ત કરાઈ રહ્યાં હતા કે કદાચ આ ગુમ થયેલ વિમાન એમએચ 370ના કાટમાળનો એક ભાગ છે. આ વિમાન 239 મુસાફરોને લઈ જતી વખતે વર્ષ 2014માં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના તટ વિસ્તારથી દૂર ગુમ થયું હતું.
પરંતુ વિશેષજ્ઞોએ આ અંગે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે આ કૉમર્શિયલ વિમાનનો ભાગ નથી અને એ કોઈ રૉકેટનો ભાગ હોઈ શકે છે, જે ક્યારેક હિંદ મહાસાગરમાં પડ્યો હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે બાદ ઑસ્ટ્રેલિયન અંતરિક્ષ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે બની શકે કે આ અમુક વિદેશી સ્પેસ લૉન્ચ વિહિકલમાંથી પડ્યો હોય.
તે બાદ એવાં અનુમાન વ્યક્ત કરાયાં કે કદાચ આ પીએસએલવીની ઈંધણની ટાંકી હોઈ શકે છે.
ભારતની અંતરિક્ષ સંસ્થા ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) નિયમિતપણે પોલર સૅટેલાઇટ લૉન્ચ વિહિકલનો (પીએસએલવી)નો ઉપયોગ કરે છે.
હાલમાં જ શુક્રવારે ચંદ્રયાનની લૉન્ચિંગમાં પણ પીએસએલવી રૉક્ટનો ઉપયોગ કરાયો હતો.
તે બાદ એવી ચર્ચા થવા લાગી કે આ વસ્તુ ચંદ્રયાનના લૉન્ચ રૉકેટનો એક ભાગ હોઈ શકે છે.
જોકે, વિશેષજ્ઞોનું માનવું છે કે આ વસ્તુ ઘણા મહિના સુધી પાણીની અંતર રહી છે.
જે તસવીરો સામે આવી છે એ પણ આ તર્કનું જ સમર્થન કરે છે. આની સપાટી પર ઘણા શંખ લાગેલા દેખાઈ રહ્યા છે.
ઇસરોના પ્રમુખ એસ. સોમનાથે બીબીસીને કહ્યું કે આ વસ્તુને લઈને કોઈ રહસ્ય જેવી વાત નથી એ સ્પષ્ટ છે કે આ કોઈ રૉકેટનો ભાગ નથી.
“આ પીએસએલવીનો ભાગ હોઈ શકે કે અન્ય કોઈ રૉકેટનો. જ્યાં સુધી અમે આને જોઈને તેનું પરીક્ષણ ન કરીએ, આની પુષ્ટિ ન કરી શકાય.”
ઑસ્ટ્રેલિયાના પ્રશાસને હાલ આના વિશે વધુ જાણકારી જાહેર નથી કરી.
તેમણે કહ્યું, “અમને એ વાતની પણ ખબર પડી છે કે પીએસએલવીના અમુક ભાગો ઑસ્ટ્રેલિયાના ઍક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન બહારના સમુદ્રમાં પડ્યા છે.”
ઇસરો પ્રમુખે કહ્યું, “આ વસ્તુ ઘણા સમય સુધી સમુદ્રમાં તરી રહી હશે અને અંતે ઑસ્ટ્રેલિયાના સમુદ્રકાંઠે પહોંચી.”
તેમણે એવું પણ કહ્યું કે આ કાટમાળથી કોઈને કોઈ પ્રકારનો ખતરો નથી.
જોકે ઑસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે કે તેઓ વસ્તુને ખતરનાક માનીને જ આગળ વધી રહ્યા છે અને પોલીસે લોકોને આનાથી દૂર રહેવાનું કહ્યું છે.
અમુક વિશેષજ્ઞોએ એવું કહ્યું છે કે તેમાં ઝેરી પદાર્થ હોઈ શકે છે.