જૂનાં મોબાઇલ, લૅપટૉપ 50 લાખ લોકોને નોકરી કેવી રીતે આપી શકે?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તમારી પાસે એકથી વધુ મોબાઇલ ફોન છે? તમારી પાસે લૅપટૉપ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગૅજેટ પણ છે?

તમે એમાંથી કદાચ કોઈ એકનો જ ઉપયોગ કરતા હશો અને બાકીનાં વણવપરાયેલાં પડ્યાં હશે. એ પૈકીનાં કેટલાંકની હાલત સારી હોય અને કેટલાંક ખરાબ થઈ ગયાં હોય તે પણ શક્ય છે.

ઇન્ડિયન સેલ્યુલર ઍન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશન (આઈસીઈએ) અને આઈટી કંપની એસેન્ચરના એક તાજા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય ઘરોમાં મોબાઇલ અને લૅપટૉપ સહિતની 20.60 કરોડ ડિવાઇસ નકામી પડી છે.

તેને ભંગાર સમજવાની ભૂલ કરશો નહીં. તે દેશ માટે “મોટો ખજાનો” સાબિત થઈ શકે છે.

આ ઇલેક્ટ્રોનિક કચરો વાસ્તવમાં સર્ક્યુલર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ મૉડલનો પાયો છે. એ બિઝનેસનો વ્યાપ 2035 સુધીમાં વધીને 20 અબજ ડૉલરનો થવાની શક્યતા છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે “સરક્યુલર ડિઝાઈન, રિપૅર અને રી-સેલ સહિતના કુલ છ બિઝનેસ મૉડલથી દેશમાં 2035 સુધીમાં અબજો ડૉલરની કમાણી કરી શકાય તેમ છે. પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપ મૉડલ મારફત આ માર્કેટ 20 અબજ ડૉલરનું થઈ શકે છે.”

નિષ્ણાતોનું કહેવું છે કે ભારત લૅપટૉપ, મોબાઇલ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ સામાનના રી-યૂઝ, રિપૅર, રિકવરી તથા રી-મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસનું મોટું માર્કેટ બની શકે છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી મંત્રાલયના સચિવ અખિલેશકુમાર શર્માએ જણાવ્યું છે કે ભારત માટે રિપૅરિંગ, રી-સાયકલિંગ અને રી-યૂઝ ઇકૉનૉમી અત્યંત મહત્ત્વની છે, કારણ કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ સતત વધી રહ્યું છે.

રોજગારની 50 લાખ તક સર્જવાની ક્ષમતા

આગામી વર્ષોમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ રિપૅરિંગનું સૌથી મોટું અને ઝડપભેર વિકસતું ક્ષેત્ર બની શકે છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના જણાવ્યા મુજબ, આ સેક્ટર રોજગારની 50 લાખ તક સર્જી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી એન્જિનિયરોની કમી નથી એટલે તે વિશ્વનું ‘ઇલેક્ટ્રોનિક્સ રિપૅરિંગ ડેસ્ટિનેશન’ પણ બની શકે છે.

વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં રિપૅરિંગનો ખર્ચ ઓછો છે એટલે તે વિશ્વનું ઇલેક્ટ્રોનિક્સ રિપૅરિંગનું મનપસંદ માર્કેટ બની શકે છે. આ સેક્ટરમા 50 લાખ રોજગાર પેદા કરવાની ક્ષમતા છે.

એચસીએલના સ્થાપકો પૈકીના એક અજય ચૌધરી કહે છે, “તે ભારત માટે નિકાસનું એક મોટું માર્કેટ પણ ખોલી શકે છે. આખા વિશ્વમાંથી ઇલેક્ટ્રોનિક ગૅજેટ્સ રિપૅરિંગ માટે ભારત આવી શકે છે. ભારત આ કામમાં નિષ્ણાત છે. તે વિદેશી હૂંડિયામણની કમાણીનો સારો સ્રોત બની શકે છે.”

અર્થતંત્રને મળશે મજબૂતી

સત્યા ગુપ્તાએ થોડા સમય પહેલાં લિંક્ડઇન પર એક મર્યાદિત સર્વેક્ષણ કરાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તે સર્વેક્ષણમાં આવરી લેવાયેલા લોકો પાસે સરેરાશ ચાર મોબાઇલ ફોન હતા, જે કાર્યરત હતા, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાનું સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું.

એપિક ફાઉન્ડેશન અને વીએલએસઆઈ સોસાયટી ઑફ ઇન્ડિયાના પ્રમુખ સત્યા ગુપ્તા કહે છે, “આપણે આપણા બગડેલાં ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટનું રિપૅરિંગ કરાવીને તેનો ઉપયોગ કરીએ તો અર્થતંત્રમાં 30 ટકા વેલ્યૂ ઉમેરીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે ત્રણ વર્ષ વાપરેલા કોઈ પણ મોબાઇલ ફોનને રિપૅરિંગ પછી વધુ એક વર્ષ વાપરીએ તો આપણે લગભગ 30 ટકા વિદેશી હૂંડિયામણ બચાવી શકીએ, કારણ કે આપણે ત્યાં મોટા ભાગના મોબાઇલ ફોન અને તેના પાર્ટ્સ આયાતી હોય છે. તેનાથી ઇલેક્ટ્રોનિક કચરામાં પણ 33 ટકા ઘટાડો થશે.”

ડૉલરની બચત

દેશમાં પેટ્રોલ અને ગોલ્ડ પછી સૌથી વધુ આયાત ઇલેક્ટ્રોનિક્સની થાય છે. ફેબ્રુઆરી, 2021થી એપ્રિલ, 2022 વચ્ચે કરવામાં આવેલી 550 અબજ ડૉલરની આયાતમાં માત્ર ઇલેક્ટ્રોનિક આઈટમ્સનો હિસ્સો જ 62.7 અબજ ડૉલરનો હતો.

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર માટે તે એક મોટો બોજ છે. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઑઇલ તથા ગૅસના વધતા ભાવને કારણે પહેલેથી જ દબાણ હેઠળ છે. ભારતમાં મોબાઇલ, લૅપટૉપનું રિપૅરિંગ માર્કેટ વધશે તો ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની આયાત ઘટશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે.

મોબાઇલ જેવી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાં 14 ઘાતુ હોય છે. તેમાં અનેક કિંમતી તથા દુર્લભ મેટલ્સ હોય છે. એ 14 પૈકીના આઠ માટે ભારતે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર રહેવું પડે છે. રિપૅરિંગ ક્ષમતા અને માર્કેટ વધવાથી આવા મેટલ્સ પરની નિર્ભરતા પણ ઓછી થશે તે દેખીતું છે.

યૂઝ ઍન્ડ થ્રો વિરુદ્ધ રિપૅરિંગ કલ્ચર

ભારતમાં પશ્ચિમની માફક યૂઝ ઍન્ડ થ્રો એટલે કે ચાલે ત્યાં સુધી વાપરો અને પછી ફેંકી દો એવું કલ્ચર નથી. આપણે ભારતીયો એક ચીજનો અનેક રીતે ઉપયોગ કરીએ છીએ.

સત્યા ગુપ્તા કહે છે, “ભારતમાં ટૂથ બ્રશનો ચાર વખત ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં દાંત સાફ કરવા, પછી વાળને રંગવા, બાથરૂમમાં સફાઈ માટે અને છેલ્લે લેંઘા, ચણિયામાં નાડી નાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ચીજોનો મહત્તમ ઉપયોગ કરવાની પરંપરા છે. આજે ઘણા લોકોના ઘરમાં ચાર-પાંચ લૅપટૉપ કે મોબાઇલ હોય છે. તેને રિપૅર કરાવીને આપણે વિદ્યાર્થીઓ કે ઓછી આવક ધરાવતા લોકોને આપી શકીએ. આજે ભારતમાં રિપૅરિંગ કલ્ચરને પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે.”

અજય ચૌધરી પણ આ વાતના સમર્થક છે. રિપૅરિંગ કલ્ચરને પ્રોત્સાહિત કરવાના બીબીસીના સવાલનો જવાબ આપતાં તેઓ કહે છે, “આપણે ઉપભોગની પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહીને ભારતીય પરંપરાના હિસાબે આગળ વધવું પડશે. તેમાં રી-યૂઝ અને રી-સાયકલિંગ પર વિશેષ ભાર મૂકવો જોઈએ.”

અજય ચૌધરી ઉમેરે છે, “અત્યારે જે મોબાઇલ બની રહ્યા છે તેનું રિપૅરિંગ શક્ય નથી. અનેક મોબાઇલ એવા છે, જેની બૅટરી પણ બદલી શકાતી નથી. અનેક પ્રોડક્ટ્સ તો ખોલી શકાય એવી સુધ્ધાં નથી. આપણે એવી પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવી પડશે, તેને રિપૅર અને અપગ્રેડ કરી શકાય તેમજ જે વધુ સમય સુધી કામ કરી શકે.”

ભારત શું કરી રહ્યું છે?

એપિક ફાઉન્ડેશને ભારતમાં રાઈટ ટુ રિપૅર વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

અજય ચૌધરી કહે છે, “ગ્રાહક બાબતોનું મંત્રાલય આ વિશે કામ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં નિકાસની વ્યાપક તક હોવાથી સરકાર હાર્ડવેર સંગઠન એમએઆઈટીના રિપોર્ટ સંદર્ભે પણ કામ કરી રહી છે. તેના પર પાછલા ત્રણ મહિનાથી બેંગલુરુમાં કામ ચાલી રહ્યું છે. સરકારનો આયાત-નિકાસ વિભાગ અને એક્સાઇઝ વિભાગ તેના પર કામ કરી રહ્યો છે. ભારતમાં ગૅજેટ્સનું રિપૅરિંગ કરીને નિકાસ કરી શકાય એટલા માટે નવા નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે.”

તેમના કહેવા મુજબ, “ભારત સરકાર માને છે કે અહીં રિપૅરિંગનું કામ બહુ સારી રીતે કરી શકે તેવા અનેક એન્જિનિયર અને ટેકનિશિયનો છે. તેનાથી બે ફાયદા થશે. રોજગારની તક પણ સર્જાશે અને ભારત માટે નિકાસની નવી માર્કેટ પણ તૈયાર થશે. ભારત માટે આ ફાયદાનો સોદો છે.”

સંગઠિત રિપૅરિંગ સેક્ટરની જરૂર

સત્યા ગુપ્તા કહે છે, “આપણે ત્યાં મોબાઇલ તથા લૅપટૉપ રિપૅરિંગનું કામ અસંગઠિત સેક્ટર કરી રહ્યું છે. તેને સંગઠિત ઉદ્યોગ બનાવી દેવામાં આવે તો તેનાથી ઘણો લાભ થશે.”

ભારતમાં સંગઠિત રિપૅરિંગ સેક્ટરમાં બે કે ત્રણ કંપની કાર્યરત છે. તેમાં પણ એક-બે તો ઇ-કૉમર્સ કંપની છે, જે આ કામ વેન્ડર્સ પાસે કરાવે છે. તેથી અહીં સંગઠિત રિપૅરિંગ ઇન્ડસ્ટ્રીના ગ્રોથની મોટી સંભાવના છે. ભારતમાં રિપૅરિંગ કંપની ઊભી કરીને તેનું બ્રાન્ડિંગ કરી શકાય, સ્ટાર્ટ-અપ્સ શરૂ કરી શકાય.

કૉન્ટ્રેક્ટ મૅન્યુફૅક્ચરિંગની જેમ રિપૅરિંગ કંપની પણ શરૂ કરી શકાય. ભારત અહીંના અસંગઠિત રિપૅરિંગ સેક્ટરને સંગઠિત સેક્ટરમાં પરિવર્તિત કરી શકે તો તે રિપૅરિંગ તથા રિફર્બિશમૅન્ટનું વૈશ્વિક કેન્દ્ર બની શકે.

રાઈટ ટુ રિપૅર

ભારતમાં ગ્રાહક બાબતોના મંત્રાલયે રાઈટ ટુ રિપૅર પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલ વૉરંટીના કાર્યકાળ દરમિયાન ગૅજેટ્સ તથા મોટરકારોના રિપૅરિંગની સુવિધા આપે છે.

પોર્ટલ કાર્યરત છે અને હાલ કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઇલેક્ટ્રોનિક ડિવાઈસ, મોટરકાર તથા કૃષિ ઉપકરણોના ગૅરન્ટી પિરિયડમાં રિપૅરિંગનો અધિકાર આપે છે. આ પોર્ટલ પર પ્રોડક્ટની સર્વિસ, વૉરંટી, શરતો અને નિયમો સંબંધી જાણકારી ઉપલબ્ધ હોય છે.

હાલ 17 બ્રાન્ડ્ઝ રાઈટ ટુ રિપૅર પોર્ટલ પર રજિસ્ટર્ડ છે. તેમાં ઑટોમોટિવ, સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ ઉદ્યોગની કંપનીઓ સાથે જોડાયેલી બ્રાન્ડ્ઝનો સમાવેશ થાય છે. તેમાં ઍપલ, સેમસંગ, રિયલમી, ઓપ્પો, એચપી, બોટ, પેનાસોનિક, એલજી, કેન્ટ, હેવેલ્સ, માઇક્રોટેક, લ્યૂમિનસ તેમજ ઑટો ક્ષેત્રની હીરો મોટોકોર્પ તથા હોન્ડા મોટરસાયકલનો સમાવિષ્ટ છે.