બનાસકાંઠા: પ્રચારના અંતિમ દિવસે વાવ વિધાનસભા પેટાચૂંટણીનો કેવો માહોલ છે?

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ઇમેજ કૅપ્શન, વાવમાં એક ચૂંટણીસભા દરમિયાન મતદારો વાતચીત કરતા નજરે પડે છે
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠાના વાવથી

સફેદ ધોતી અને કેડિયું, કોઇકના માથે સફેદ તો કોઇકના માથે રંગબેરંગી સાફો, કોઇકે શાલનો સાફા તરીકે ઉપયોગ કર્યો છે, તો કોઇકે તેને ખભા પર રાખી છે. ટ્રાન્સપૉર્ટનાં વાહનોમાં ભરીને ચૂંટણીસભાઓમાં હાજરી આપતા આવા અનેક લોકો આજકાલ વાવમાં જોવા મળે છે. ગામડાની નાની સભાઓ હોય, કે ખાટલા-બેઠકો હોય, પેટાચૂંટણીના માહોલમાં વાવ તાલુકાના લગભગ દરેક ગામડાં રંગાઇ ગયાં છે.

શહેરી ચૂંટણીના માહોલથી સાવ અલગ વાવમાં આ પ્રકારનો રંગ જામ્યો છે. કૉંગ્રેસ અને ભાજપના લગભગ તમામ મોટા નેતાઓ અહીં લોકોની વચ્ચે જોવા મળે છે.

શહેરની ચૂંટણીથી અલગ અહીંના લોકો મુખ્યત્વે ઉમેદવારની છબી અને ઉમેદવારોના કામ કરવાની તત્પરતા પર નજર રાખે છે. બનાસકાંઠા જિલ્લાના બીજા મુદ્દાઓની જેમ, અહીં પણ પાણી, રોડ-રસ્તા, શિક્ષણ, રોજગારી જેવી સમસ્યાઓ ટોચ પર છે, પરંતુ સૌથી મોખરે છે એક જ સવાલ – શું આ ઉમેદવાર મારું કામ કરી શકશે?

કદાચ એટલા માટે જ એકસમયે ભાજપના વરિષ્ઠ નેતા રહેલા માવજીભાઇ પટેલનો દાવો છે કે તેઓ આ પેટાચૂંટણીમાં વિજેતા સાબિત થવાના છે.

કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તથા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ પોતપોતાની જીતના દાવા સાથે જબરદસ્ત ચૂંટણીપ્રચાર કર્યો છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં લોકોના મુદ્દાઓ શું છે? વાવ વિધાનસભામાં અસલી ફૅક્ટર કોણ છે? અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપનો ખેલ બગાડશે કે કૉંગ્રેસનો? આ તમામ વાતોને સમજવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો.

‘માવજીભાઈ પટેલ- સૌથી વધુ ચર્ચાતું નામ’

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ઇમેજ કૅપ્શન, માવજીભાઇ પટેલ

1990માં જનતાદળથી ચૂંટણી લડીને તે સમયના કૉંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ પટેલને હરાવીને વાવના ધારાસભ્ય બનેલા માવજીભાઇ પટેલ ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા અને લગભગ 30 વર્ષ બાદ ફરીથી ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે.

માવજીભાઈ અને તેમની સાથે બીજા ચાર ભાજપના નેતાઓને હાલમાં જ ભાજપે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ બરતરફ કરી દીધા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, “મેં પક્ષમાં આટલાં વર્ષો સુધી કામ કર્યું છે, તો બીજા તમામ ઉમેદવારોની જેમ, મેં પણ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ જ્યારે તમામ લોકોનો આગ્રહ હતો, મારા સમાજનો મને ટેકો હતો, તેમ છતાંય મને ટિકિટ ન આપી તો મારા સમાજના કહેવા પ્રમાણે મેં આ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.”

કૉંગ્રેસ અને ભાજપથી અલગ તેમણે પીળા રંગનો ખેસ ધારણ કર્યો છે, અને ગામડે-ગામડે તેઓ નાની નાની સભાઓ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લગભગ 10થી 12 ગાડીઓનો કાફલો, તેમાં સૌથી આગળ ડીજે સાઉન્ડ સાથેની ગાડી, તેની આજુબાજુ એસયુવી કારનો કાફલો, અને વચ્ચોવચ એક સનરૂફવાળી કારમાં માવજીભાઈ લોકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં એક ગામડેથી બીજા ગામડે ફરી રહ્યા હોય તેવાં દૃશ્યો અહીંના લોકો માટે હવે સામાન્ય થઈ ગયાં છે.

ચૌધરી સમાજના પીઢ નેતા એવા માવજીભાઇની ઉમેદવારીથી ચૌધરી સમાજના મતોમાં પણ ઘણું પરિવર્તન થશે, તેવું ઘણા લોકો માની રહ્યા છે.

માવજીભાઈ કહે છે કે, “હું પોતે આ સમાજથી છું, લોકો માને છે કે તેમનું કામ કરી શકે તેવા માણસની તેમને જરૂર છે. એટલા માટે 30 વર્ષના વનવાસ બાદ મારે આ પ્રકારે સક્રિય રાજકારણમાં આવવું પડ્યું છે.”

ભાજપના ઉમેદવારનો ઠાકોર મતદારો પર મદાર

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ઇમેજ કૅપ્શન, ચુંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર

જાણકારોના મતે માવજીભાઇની ઉમેદવારીથી ચૌધરી મતો વિભાજિત થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.

રાજકીય વિશ્લેષકો પ્રમાણે વાવ બેઠક પર ચૌધરી અને ઠાકોર મતદારોની સંખ્યા વધારે છે. ગેનીબહેનને કારણે ઠાકોર સમાજ કૉંગ્રેસ તરફ વધુ છે, જ્યારે ચૌધરી સમાજ વર્ષોથી ભાજપ તરફી વલણ ધરાવે છે. તેવામાં અનેક લોકો માની માની રહ્યા છે કે, ચૌધરી સમાજના ભાજપ તરફના જે મતો છે, તે હવે માવજીભાઇ લઈ જશે, અને ઠાકોર મતો ભાજપને મોટી સંખ્યામાં નહીં મળે.

એટલા માટે ભાજપ માટે આ ચૂંટણી જીતવી, ગુજરાતની બીજી કોઇપણ બેઠક કરતાં અઘરી હોવાનું મનાઈ રહ્યું છે.

જોકે, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આ વાતથી સહમત નથી.

પોતાના પ્રચાર વચ્ચે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, “આ વાત ખોટી છે. ચૌધરી મતદારો વિકાસને વળગેલા છે, નહીં કે કોઈ ઉમેદવારને, અહીંના મતદાતાઓ જાણે છે કે ભાજપ જ વિકાસના કામો કરી શકે છે, માટે આ ચૂંટણીમાં ભાજપની જ જીત થવાની છે.”

તેઓ વધુમાં કહે છે કે, “સમાજના તમામ વર્ણના લોકોને સાથે રાખીને મેં હંમેશાથી અહીં કામ કર્યું છે. હું પોતે ઠાકોર સમાજમાંથી આવું છું, અને ચૌધરી ઉપરાંત ઠાકોર મતો પણ મને મળશે, તે ઉપરાંત બીજા સમાજના લોકો પણ ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસ કરે છે, માટે મારી જીત નિશ્ચિત છે.”

કૉંગ્રેસની સ્થિતિ કેટલી મજબૂત છે?

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત

જોકે, બીજીબાજુ રાજ્યની પરિસ્થિતિથી વિપરિત, કૉંગ્રેસની પરિસ્થિતિ વાવમાં જુદી છે.

અહીં દરેક ગામમાં કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા જોવા મળે છે, તેઓ ખુલીને કૉંગ્રેસને સમર્થન કરે છે, પંજો જ જીતશે – તેવા નારા લગાવે છે, કાર્યકર્તાઓને મળવા માટે નેતાઓ હંમેશા તત્પર હોય છે, કાર્યકર્તાઓને પોતાના નેતા પર પૂરો ભરોસો જોવા મળે છે. બનાસકાંઠાના કૉંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ પણ ઓછી પ્રતીત થાય છે.

જોકે, કૉંગ્રેસની આ મજબૂત સ્થિતિ માટે અહીંના કૉંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરને શ્રેય આપે છે. બીબીસી ગુજરાતીએ અનેક લોકો સાથે વાત કરી હતી. જેમાં સ્પષ્ટપણે ઠાકોર સમાજ ઉપરાંત પણ અનેક લોકો તેમને પોતાના નેતા તરીકે પસંદ કરે છે.

કૉંગ્રેસે અહીં ગેનીબહેનના વિશ્વાસુ એવા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે.

દેવકાપડી ગામના રહેવાસી, મહાદેવભાઈ દેસાઈ કહે છે કે, “રાજ્યની સરકારનો કોઈ પણ સહકાર ન હોવા ઉપરાંત અમારા ગામમાં પાણી, રોડ-રસ્તાની સગવડ માત્ર કૉંગ્રેસને કારણે થઈ છે. જો ભાજપનો ધારાસભ્ય હોત, તો આ રોડ-રસ્તા ન બન્યા હોત, માત્ર શહેરોમાં મોટા મોટા પુલો જ બન્યા હોત.”

ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારા દાદાજી હેમાજી રાજપૂતે કરેલા કામો હજી સુધી લોકોને યાદ છે. તેમની કામગીરીને કારણે આજે લોકોને પાણી મળ્યું છે, સારી શાળાઓ મળી છે. તેમના બાદ ગેનીબહેને આવું જ કામ કરીને બતાવ્યું છે, હવે હું તે કામ આગળ વધારવા માટે લોકોની વચ્ચે આવ્યો છું.”

ક્યા મુદ્દે લડાઈ રહી છે ચૂંટણી?

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal/BBC

ઇમેજ કૅપ્શન, વાવના મતદારો

શહેરોની ચૂંટણીથી અલગ વાવની ચૂંટણીમાં મંદિર-મસ્જિદના રાજકારણની બાદબાકી છે.

મુખ્યત્વે લોકોના મુદ્દાઓમાં પાણીની સમસ્યા, વધતી જતી ખારાશવાળી જમીનની સમસ્યા, સિંચાઈની સમસ્યા, ગામડાંઓ જોડી શકે તેવા રોડ-રસ્તાની સમસ્યા, શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીની સમસ્યા, દવાખાનાઓમાં ડૉક્ટરની ગેરહાજરીની સમસ્યા, તેમ જ જમીનના રિ-સર્વેના કામમાં થયેલી ભૂલને કારણે જમીનની માલિકીની સમસ્યા મોખરે છે.

ગણેશ રાજપૂત નામના વાવના એક રહેવાસીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે અમારી મદદ કરે, અમને સારી રીતે જવાબ આપે, અમને મળીને અમારું કામ થઈ જાય તેવી સાંત્ત્વના આપે તેવા નેતાની અમારે જરૂર છે.”

જોકે, ભાજપનો પણ કંઈ ઓછો પ્રભાવ મતદારો પર નથી. નારણ પટેલ નામના વાવ તાલુકાના એક મતદાર કહે છે કે, “નર્મદાની કૅનાલ પછી અમને પાણી મળ્યું છે, તે કૅનાલ નરેન્દ્ર મોદી અને તેમની ભાજપ સરકારને કારણે અમને મળી છે, માટે અમારા માટે તો ભાજપ જ છે, જેને અમને પીવાનું અને ખેતીનું પાણી કૅનાલ મારફતે પૂરું પાડ્યું છે.”

ભાજપ નેતા અમરત દવે કહે છે કે, “તમામ જ્ઞાતિના લોકો ભાજપને પસંદ કરે છે, તે વાત તદ્દન ખોટી છે કે, ઠાકોર મતદારો માત્ર કૉંગ્રેસને પસંદ કરે છે. તમામ વર્ગના લોકો માત્ર વિકાસ જ પસંદ કરે છે, અને ભાજપ જ વિકાસ કરી શકે છે, માટે ભાજપ જ જીતશે.”

ગેનીબહેન ઠાકોરનો પ્રભાવ

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ચુંટણીપ્રચાર દરમિયાન લોકોને મળતાં ગેનીબહેન ઠાકોર અને ગુલાબસીંહ રાજપુત

વાવની ચૂંટણીમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ગેનીબહેન ઠાકોરની છે. અઢાર વર્ષની વયથી સક્રિય રાજકારણમાં રહેલાં ગેનીબહેન ઠાકોરે અહીંના ધારાસભ્ય તરીકે લોકો વચ્ચે પોતાની અલગ છબી બનાવી છે.

જાણકારોના મતે તેઓ એક ‘નો-નોનસેન્સ’ નેતા, લોકોના કામ કરનારાં, અને દરેક કાર્યકર્તાને તેમના નામથી બોલાવી શકે તેવા નેતા છે.

માર્કેટીંગ યાર્ડના એક વેપારી ધનજી કોહેટી પ્રમાણે, “ગામડાઓમાં શિક્ષણનું સ્તર કંઇક અંશે સુધર્યું છે. કારણ કે ગેનીબહેને અહીં શિક્ષકોની ભરતી માટે ખૂબ પ્રયાસો કર્યા છે, અને ગરીબ માણસોનાં બાળકો શાળામાં સારું શિક્ષણ મેળવી શકે છે.”

આવી જ રીતે બેણપ ગામના વતની રાજુ ચૌધરી કહે છે કે, “જો ભાજપે કામ કર્યું હોત તો તેમની આખી કૅબિનેટ અને મુખ્ય મંત્રીએ અહીં કેમ ઉતરવું પડ્યું છે. તેમના ઉમેદવારે માત્ર કામ જ બતાવવાની જરૂર છે, નેતાઓને બોલાવવાની ક્યાં જરૂર છે. શું ગાંધીનગરથી આવેલા આ નેતાઓ અમારું કામ કરી આપશે?”

બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીત દરમિયાન ગેનીબહેને કહ્યું કે, “સામેની તરફ ઠાકોર ઉમેદવાર હોવાને કારણે, ઠાકોર મતોમાં કદાચ ભાગલા પડી શકે છે, પરંતુ મને વિશ્વાસ છે કે લોકો કૉંગ્રેસની ફરીથી પસંદ કરશે, કારણ કે લોકોના કામ કરવા માટે અમે તમામ લોકો વચ્ચે હરહંમેશ રહેલા છીએ. અમારી કામગીરી ચૂંટણી પૂરતી જ સીમિત નથી, અમે ચૂંટણી સિવાય પણ લોકોની વચ્ચે તેમનું કામ કરવા માટે તત્પર હોઇએ છીએ.”

તેઓ વધુમાં કહે છે કે, “ભાજપ પક્ષમાં અંદરોઅંદર ખેંચતાણ છે, તે હવે સામે આવી ગયું છે. કૉંગ્રેસ પક્ષમાં આ પ્રકારની ખેંચતાણ નથી, અમારી વચ્ચે મતભેદો થાય પરંતુ તેનો નિરાકરણ સારી રીતે આવી જાય છે. અમારું લક્ષ્ય માત્ર એક જ છે, લોકોનું કામ કરવું.”

કૉંગ્રેસ ઉમેદવાર તરીકે કોઇ ઠાકોર ચહેરો ન હોવાના સવાલ સંદર્ભે તેઓ વાત કરતા કહે છે કે, “આ બેઠક પર હું જીતતી આવી છું. એટલે સ્વાભાવિક છે કે, કોઇ ઠાકોર ઉમેદવાર જ આવે તેવી સમાજની લાગણી હોય, પરંતુ અમે લોકોને સમજાવ્યા છે કે, આવનારી 2027ની ચૂંટણીમાં ફરીથી નવા ઉમેદવારની નિમણૂક કરવામાં આવશે. એ સમયે ગુલાબસિંહ ધારાસભ્ય હશે તો માત્ર તેના આધારે જ તેમને ટિકિટ નહીં મળી જાય. અને તે વાતને તમામ ઠાકોર સમાજના લોકોએ સમર્થન આપ્યું છે.”

વાવ વિધાનસભાનો ઇતિહાસ

વાવ વિધાનસભા, વાવ પેટાચૂંટણી, માવજી પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કૉંગ્રેસ, અપક્ષ, બનાસકાંઠા, વાવ, ભાભર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KALPESH THAKOR

ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર સાથે પ્રચાર કરી રહેલા શંકર ચૌધરી પણ આ ચૂંટણીમાં અગત્યનો રોલ ભજવી રહ્યા છે

વાવ વિધાનસભાના ઇતિહાસથી જાણવા મળે છે કે, આ બેઠક પર કૉંગ્રેસ હંમેશાથી મજબૂત રહી છે.

1990માં બિન-કૉંગ્રેસી ધારાસભ્ય ચૂંટાયા હતા, જે માવજીભાઈ પટેલ હતા. તેઓ હાલમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

તેઓ જનતાદળથી 1990ની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આખા ગુજરાતમાં ‘મોદી-વેવ’ હતું ત્યારે પણ વાવ વિધાનસભાએ કૉંગ્રેસના હેમાજી રાજપૂતને જીતાડીને ગાંધીનગર મોકલ્યા હતા.

હેમાજી રાજપૂતના જ પૌત્ર ગુલાબસિંહ રાજપૂત હાલમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

જોકે 2007માં પ્રથમ વખત અને ત્યારબાદ 2012માં બીજી વખત ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ અને શંકરભાઇ ચૌધરીની જીત થઈ હતી.

જોકે ત્યારબાદ 2017 અને 2022માં અહીંથી ગેનીબહેન ઠાકોરનો કૉંગ્રેસના નેતા તરીકે ઉદય થયો હતો.

2022ની છેલ્લી વિધાનસભામાં ગેનીબહેન ઠાકોરને લગભગ 45 ટકા, જ્યારે બીજા નંબરના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને લગભગ 38 ટકા મતો મળ્યા હતા. ગેનીબહેનની સરસાઈ આશરે 13 હજાર મતોની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.