ગુજરાત : નાની ઉંમરે બાળકોને ચશ્માં કેમ આવી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
જો તમારું બાળક ટેલિવિઝન નજીકથી જોતું હોય અથવા શાળામાં બોર્ડ પર લખેલું વાંચીને પણ લખતા ન આવડતું હોય તો બની શકે કે તમારા બાળકને દૂરનું જોવામાં તકલીફ પડતી હોઈ શકે છે.
નિષ્ણાતોના અંદાજ અનુસાર, હાલ ભારત 5થી 15 વર્ષની વયજૂથનાં 21.15 ટકા કરતાં વધારે બાળકોમાં માયોપિયા જોવા મળે છે.
જો આ સ્થિતિમાં બદલાવ નહીં આવે તો નિષ્ણાતોના અંદાજ મુજબ વર્ષ 2050 સુધી દેશમાં 48.14 ટકા બાળકોમાં માયોપિયા જોવા મળી શકે છે.
માયોપિયા એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા છે.
જો બાળકોને જોવામાં તકલીફ પડતી હોય તો આવા કિસ્સામાં તરત જ આંખના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ અહેવાલમાં એ જાણીએ કે નાની ઉંમરમાં બાળકોને ચશ્માં કેમ આવી જાય છે અને માતાપિતાએ બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ.
માયોપિયા એટલે શું અને ચશ્માંના નંબર આવવાનાં શુ કારણો હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
5 વર્ષથી 15 વર્ષની ઉંમરનાં બાળકોને દૂરનું જોવામાં તકલીફ પડે તો તેને માયોપિયા (શૉર્ટ સાઇટ) કહેવામાં આવે છે. જો બાળકોને નજીકનું જોવામાં તકલીફ પડતી હોય તો તેને હાયપરમેટ્રોપિયા (ફાર સાઇટ) કહેવામાં આવે છે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ બંને સ્થિતિમાં ચશ્માં પહેરવાં પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત ઓપ્થલમૉલૉજિકલ સોસાયટીના પ્રમુખ ડૉ. દિલીપ અગ્રવાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે 5થી 15 વર્ષનાં બાળકોમાં હાયપરમેટ્રોપિયા કરતાં માયોપિયા વધારે જોવા મળે છે.
માયોપિયાનાં કારણો અંગે વાત કરતાં ડૉ. દિલીપ અગ્રવાલે જણાવ્યું હતું કે "માયોપિયા આનુંવશિક હોઈ શકે છે. માતા અથવા તો પિતા કોઈને પણ માયોપિયા હોય તો તે બાળકોમાં આવવાની શક્યતા વધારે હોય છે."
"અત્યારના સમયમાં બાળકો લૅપટૉપ ,મોબાઇલ, આઇપેડ વગેરે ઇલેક્ટ્રોનિકસ ગૅઝેટ્સનો ઉપયોગ વધારે કરે. કોરોના બાદ બાળકોનો સ્ક્રીન ટાઇમ પણ વધારો થયો છે. ગૅઝેટ્સનો વધુ પડતો ઉપયોગ પણ માયોપિયા માટે કારણભૂત છે. વધુ પડતા સ્ક્રીન ટાઇમથી હાયપરમેટ્રોપિયા પણ થવાની શક્યતા વધારે હોય છે."
ગૅઝેટ્સની સ્ક્રીનના વધુ પડતા ઉપયોગને કારણે આંખો ત્રાંસી થઈ જવાના કિસ્સાઓ પણ જોવા મળે છે.
તેમના મતે, "બાળકો બેલેન્સ ડાયટ ફૂડને બદલે ફાસ્ટ ફૂડ ખાય છે. જેથી તેમને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળતાં નથી. તેને કારણે તેમને આંખનાં ચશ્માંના નંબર આવવા તેમજ તે સિવાય અન્ય બીમારી પણ થવાની શક્યતા રહે છે."
સંશોધનપત્રમાં શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અમર પૂજારી અને તેમની ટીમે ક્લિન ઓપ્થલમૉલ જર્નલમાં 'માયોપિયા ઇન ઇન્ડિયા' વિષય પર સંશોધનપત્ર રજૂ કર્યું છે. જે મુજબ માયોપિયાના નિદાન માટે હૉસ્પિટલ આવનાર બાળકોમાં માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ હતું.
આ સંશોધનપત્રમાં આપેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 5થી 15 વર્ષનાં બાળકોમાં માયોપિયાનો વ્યાપ 13.9 ટકા જોવા મળ્યો છે.
હૉસ્પિટલમાં આવીને નિદાન કરવામાં આવ્યું હોય તેવાં બાળકોની સંખ્યા 16.5 ટકા છે. માયોપિયાનું નિદાન થયું હોય તેવાં બાળકોમાં 18.5 ટકા એવાં હતાં જેમના પરિવારમાં કોઈને કોઈને માયોપિયા હતો. એટલે કે આનુવંશિક સમસ્યા હતી.
માયોપિયાની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો બાળકોની શીખવાની ઉંમરે પણ તેમની ક્ષમતા પર અસર થઈ શકે છે, જેની અસર તેમના પર્ફૉર્મન્સ પર પણ દેખાઈ શકે છે. આ બાબત બાળકોના મનોસામાજિક વિકાસને પણ અસર કરે છે.
માયોપિયાને વહેલી તકે ઓળખી લેવા માટે વધારે સ્ક્રીનિંગ કરવું જોઈએ તેવું નિષ્ણાતોનું કહેવું છે.
સમયસર સારવાર લેવામાં ન આવે તો શું થાય અને શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. દિલીપ અગ્રવાલ જણાવે છે કે માયોપિયાનું સમયસર નિદાન ન કરવામાં આવે તો બાળકોમાં બ્લન્ટ વિઝન પણ જોવા મળે છે. જેમાં બાળકોને ચશ્માં પહેર્યાં બાદ પણ સ્પષ્ટ દેખાતું નથી.
ધૂંધળું કે ઝાંખું દેખાય તેને બ્લન્ટ વિઝન કહે છે.
"માયોપિયા અને હાપરમેટ્રોપિયા બન્ને સ્થિતિમાં બાળકોની આંખોનું સમયસર નિદાન થવું ખૂબ જ મહત્ત્વનું છે."
"કોઈ બાળક નજીક બેસીને ટેલિવિઝન જુએ તો માતાપિતા તેને દૂર બેસાડે છે. એવું માનવામાં આવે છે કે બાળક નજીક બેસે છે એટલે નંબર આવે છે. જોકે બાળક વારંવાર નજીક બેસીને ટીવી જોતું હોય તો એનો મતલબ છે કે બાળકને ચશ્માંના નંબર આવી ગયા છે, તેને દૂરથી જોવામાં તકલીફ પડે છે એટલે તે નજીક બેસીને ટેલિવિઝન જુએ છે."
ડૉ. દિલીપ અગ્રવાલના કહેવા અનુસાર, "માતાપિતા બન્નેને માયોપિયા હોય તેવા કિસ્સામાં બાળકના બે વર્ષ બાદ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. જોકે નાનાં બાળકો ચશ્માં પહેરાવી શકાય તેમ ન હોય. પરંતુ શક્ય હોય તો બાળકોને ભણવા જાય ત્યારે શરૂઆતથી જ ચશ્માં પહેરાવી શકાય."
- બાળકોને આઉટ ડોર શારીરિક પ્રવૃત્તિ વધુ કરાવવી જોઈએ
- બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવો જોઈએ
- બાળકોને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર બેલેન્સ ડાયટ આપવું જોઈએ
ડૉક્ટર દિલીપ અગ્રવાલ જણાવે છે કે "ચશ્માં (નજીક કે દૂરનાં) એક વાર આવી જાય તો જીવનભર રહે છે. કુદરતી રીતે ચશ્માં દૂર થતાં નથી.
સામાન્ય રીતે શરીરનો વિકાસ થાય તેની સાથે માયોપિયાનો પણ વિકાસ થાય છે."
"વ્યક્તિ પુખ્ત થાય ત્યાં સુધી તેનો વિકાસ થતો રહે છે. એટલે કે ચશ્માંના નંબરમાં વધારો થતો રહે છે. સામાન્ય રીતે વ્યકિત 18 વર્ષની પુખ્ત થાય એટલે તેનાં ચશ્માંના નંબર પણ સ્ટેબલ થઈ જાય છે."
તેઓ કહે છે, "જોકે પૅથૉલૉજિકલ માયોપિયામાં વ્યક્તિ પુખ્ત થયા બાદ પણ તેનાં ચશ્માંના નંબર સ્ટેબલ થતા નથી, પણ વધતા રહે છે.
ડૉક્ટર દિલીપ અગ્રવાલ કહે છે, "પૅથૉલૉજિકલ માયોપિયામાં નંબર વધવાના બંધ થતા નથી. આવા કિસ્સામાં લેસર સર્જરી કરાવવી પણ કારગર નીવડતી નથી, કારણ કે જો આવા કિસ્સામાં સર્જરી કરવામાં આવે અને બાદમાં પણ નંબર વધતા રહી શકે છે. વારંવાર સર્જરી કરાવી શકાય નહીં. તેથી સામાન્ય રીતે જે કિસ્સામાં પૅથૉલૉજિકલ માયોપિયા હોય તેવા કિસ્સામાં લેસર સર્જરી કરાવવાનું સૂચન કરતાં નથી. તેમ છતાં ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ."
ડૉક્ટરનું કહેવું છે કે અત્યારના સમયમાં માતાપિતા જાગૃત થયાં છે. જેથી ઝડપથી નિદાન થાય છે. પહેલાંની સરખામણીમાં નિદાન વધ્યું હોવાને કારણે પણ થોડાક આંકડામાં વધારો દેખાય તેવું હોઈ શકે છે.
બાળકોને નાની ઉંમરે ચશ્માં ન આવે તે માટે માતાપિતાએ શું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અલિશા દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે બાળકોને ચશ્માં ન આવે તે માટે સ્ક્રીન ટાઇમ ઘટાડવો એ સૌથી મહત્ત્વનું છે. બાળકો મોબાઇલ, લૅપટૉપ કે ટેબલેટમાં નજીકથી જુએ છે. એના કરતાં બાળકો ટીવી જુએ તે સારું છે.
"બાળકની ચાર વર્ષની ઉંમર થાય ત્યારે તેની આંખોનું ફરજિયાત ચેકઅપ કરાવવું જોઈએ જેથી શરૂઆતમાં જ તેની ટ્રીટમેન્ટ કરી શકાય. બાળકને આંખોના નંબર હોય પરંતુ મોડા ખબર પડે તો બાદમાં ચશ્માં પહેરીને પણ તેનું લાસ્ટ લાઇન વિઝન સ્પષ્ટ રહેતું નથી. બાળકોની આંખનો વિકાસ શરૂઆતના છ વર્ષમાં જ થાય છે."
તેમના મતે, બાળકોને રોજ ફરજિયાત બે કલાક આઉટડોર ઍક્ટિવિટી કરાવવી જોઈએ, જેનાથી ચશ્માંના નંબરની ગતિ ઘટી જાય.
20 વર્ષમાં માયોપિયાના પ્રમાણમાં 17 ટકા વધારો

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ઓપ્થલમૉલૉજિકલ ફિઝિયલ ઑપ્ટ જનરલમાં 'અ પ્રેડિક્શન મૉડલ ફૉર 2050' હેઠળ એક સંશોધન હાથ ધરાયું છે.
નિષ્ણાતોએ 20 વર્ષના આંકડાને આધારે અભ્યાસ કરવામાં આવ્યો છે.
વર્ષ 1999માં ભારતના શહેરી વિસ્તારમાં 5થી 15 વર્ષની ઉમંરનાં બાળકોમાં માયોપિયાનું પ્રમાણ 4.44 ટકા હતું. જેમાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે. 20 વર્ષ બાદ 2019માં બાળકોમાં માયાપિયાનું પ્રમાણ વધીને 21.15 ટકા થયું હતું.
20 વર્ષના આકડા જોતા માયોપિયાના પ્રમાણમાં દર વર્ષે 0.8 ટકાનો વધારો જોવા મળે છે. માયોપિયાના પ્રમાણ વધતા દરને આધારે નિષ્ણાતોએ આગામી ત્રીસ વર્ષના માયોપિયાના કેટલો વધી શકે છે તે અંગે અનુમાન કર્યું છે.
વર્ષ 1999થી 2019ના 20 વર્ષ દરમિયાન વધતા જતાં માયોપિયાના પ્રમાણને આધારે આકલન કરવામાં આવે તો વર્ષ 2030માં માયોપિયાનું પ્રમાણ 31.89 થશે. તેમજ 2040માં 40.01 અને 2050માં 48.14 થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












