ભારતના આ રાજ્યમાં યુવતીઓ 'કુંવારી' રહેવા કેમ મજબૂર છે?

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
- લેેખક, સીટૂ તિવારી
- પદ, સુપૌલ અને કટિહારથી બીબીસી હિન્દી માટે
બિહારના સુપૌલનાં શમા જ્યારે પણ લગ્નનાં ગીતો સાંભળે છે, ત્યારે તેઓ હતાશ થઈ જાય છે.
27 વર્ષનાં શમાની નિરાશાનું કારણ એ છે કે તેઓ અવિવાહિત છે, પરંતુ આ નિર્ણય તેમણે લીધો નથી, અવિવાહિત રહેવું એ તેમની મજબૂરી છે.
શમાનાં બહેન સકીના ખાતૂન પણ અવિવાહિત છે, તેમની ઉંમર 26 વર્ષ છે.
જોકે આ કહાણી માત્ર શમા અને સકીનાની નથી, પરંતુ સુપૌલના કોચગામા પંચાયતના વોર્ડ દસમાં લગભગ એવી 15 યુવતીઓ છે, જે અવિવાહિત રહેવા માટે મજબૂર છે.
આ મહિલાઓ શેરશાહબાદી સમુદાયમાંથી આવે છે, જ્યાં છોકરીઓના નિકાહ માટે પેગામ અથવા અગુવાની વાટ જોવાય છે.
આ યુવતીઓ માટે કોઈ અગુવા (ભોમિયો) આવ્યા નથી. અગુવા એટલે એ વ્યક્તિ જે લગ્ન માટે બે પરિવાર વચ્ચે મધ્યસ્થી કરે છે.
વોર્ડના સભ્ય અબ્દુલ માલીએ બીબીસીને જણાવ્યું હતું કે, “અમારા ત્યાં સામાન્ય રીતે 15થી 20 વર્ષની ઉંમરે યુવતીઓનાં લગ્ન થઈ જાય છે. તેઓ 25 વર્ષની ઉંમર વટાવે તો તેમને વૃદ્ધ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમનાં લગ્ન કરવા મુશ્કેલ થઈ જાય છે.”
તેઓ કહે છે કે, “આ સાથે જ અમારા સમાજમાં યુવતીનાં લગ્ન માટે યુવકના પરિવાર દ્વારા પેગામ અથવા અગુવાની રાહ જોવામાં આવે છે. યુવતીના પરિવારમાંથી કોઈ માગું લઈને જતું નથી. જો યુવતીના પરિવાર તરફથી માગું મોકલવામાં આવે તો, એવું માનવામાં આવે છે કે યુવતીમાં કોઈ ખામી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અવિવાહિત મહિલાઓમાં 27 વર્ષનાં શમાથી લઈને 76 વર્ષનાં જમીલાખાતૂન સામેલ છે, તેઓ બધાં આ દુ:ખ વેઠી રહ્યાં છે.
સુપૌલમાં જન્મેલાં જમીલાખાતૂને પણ સપનું જોયું હતું કે તેમના માટે જાન આવશે અને તેમનાં લગ્ન થશે, પરંતુ આ સપનું અધૂરું રહી ગયું. જમીલા તેમનાં 57 વર્ષનાં બહેન શમસુન સાથે રહે છે.
બંને બહેનો અવિવાહિત છે અને પાંચ બકરીઓ સાથે તેમનું જીવન જીવી રહ્યાં છે.
જોકે આટલા સમય સુધી લગ્ન ન કરવાનું કારણ પૂછતાં બંનેએ કહ્યું હતું કે, “શું કરીએ પરિવાર પાસે કોઈ લગ્નનું માગું લાઈને આવ્યું જ નહીં.”
શમસુને બીબીસીને કહ્યું હતું કે, “મને કેટલું દુ:ખ થયું છે, તે કોને કહું અને શું કહું.”
પરંતુ બંને બહેનોનાં લગ્ન કેમ ન થઈ શક્યાં? આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે શેરશાહબાદી મુસલમાન હોવાના કારણે તેમનાં લગ્ન થયાં નથી.

શેરશાહબાદી મુસલમાનની ઓળખ

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
બિહારમાં રહેતા શેરશાહબાદી અતિ પછાત વર્ગમાં આવે છે. તેઓ બિહારના સુપૌલ, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, અરરિયા જિલ્લામાં મોટી સંખ્યામાં છે.
તેમના સમુદાયમાં એવી પરંપરા છે કે યુવતીઓનાં લગ્ન માટે છોકરાના પરિવાર તરફથી જ પેગામ કે અગવાને મોકલવામાં આવે છે.
આ પરંપરાનું પાલન એ હદે કરવામાં આવે છે કે જો કોઈ યુવતી માટે લગ્નનું માગું ન આવે તો તે અવિવાહિત રહી જાય છે.
બિહારમાં જ્યાં પણ શેરશાહબાદી સમુદાય હશે, ત્યાં આ જ કારણથી તમને અવિવાહિત મહિલાઓ અને યુવતીઓ મળી જશે.
શેરશાહબાદી મુસ્લિમની વસતી ધરાવતા કોચગામા પંચાયતના પ્રમુખ પતિ નુરુલ હોદા જણાવે છે કે, “અમે અમુક વર્ષ પહેલાં આવી અવિવાહિત મહિલાઓની યાદી બનાવી હતી. ત્યારે તેમની સંખ્યા 250 હતી, હવે તો તેમાં વધારો થયો હશે.”

શેરશાહ સૂરી સાથે સંબંધ હોવાનો દાવો

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
ઠેઠી બંગાળી (ઉર્દૂ અને બંગાળીનું મિશ્રણ) બોલનારા શેરશાહબાદી પોતાને બાદશાહ શેરશાહ સૂરી સાથે જોડે છે.
આ લોકોનો દાવો છે કે આ લોકો શેરશાહની સેનામાં સૈનિકો તરીકે સામેલ થયા હતા. શેરશાહ સૂરી વંશના સંસ્થાપક હતા અને તેમણે મુગલ બાદશાહ હુમાયુને હરાવીને પોતાની સલ્તનત સ્થાપી હતી.
ઑલ બિહાર શેરશાહબાદી ઍસોસિયેશનના અધ્યક્ષ સૈય્યદુરહમાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ લોકોને શેરશાહે આબાદ કર્યા હતા. મજબૂત કદકાઠીના, મહેનતુ અને નદીકાંઠે વસતા આ લોકો બિહાર સિવાય બંગાળ, ઝારખંડ અને નેપાળની સીમા પર વસે છે.”
“બિહારમાં તેમની વસતી અંદાજે 40 લાખ છે અને સીમાંચલની 20 વિધાનસભા બેઠકો પર તેઓ ગેમ ચેન્જર ગણાય છે. બિહારમાં આ લોકો શૈક્ષણિક અને આર્થિક રીતે ઘણા પછાત છે.”

બાળકીઓમાં લગ્ન ન થવાનો ડર

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
સુપૌલના કોચગામા પંચાયતમાંથી અંદાજે 200 કિલોમીટર દૂર કટિહારના કોઢા વિસ્તારના ખૈરિયા પંચાયતમાં પણ શેરશાહબાદીઓની વસતી છે.
ધીમનગર ગામમાં હાથમાં બાળક લઈને ઊભેલાં રેફુલખાતૂન કહે છે કે, “હું એક શેરશાહબાદી મહિલા છું અને મારાં લગ્ન માટે પિતાએ અગવાને દસ હજાર રૂપિયા આપ્યા હતા.” રેફુલના પતિ બંગાળમાં મજૂરી કરે છે.
તેઓ કહે છે કે, “અમારા ત્યાં આ જ નિયમ છે. યુવકના પરિવાર તરફથી જ માગું આવશે. તે વગર લગ્ન થતાં નથી. યુવતી ઘરે બેસી રહેશે, અહીં અમારા ગામમાં ઘણી યુવતીઓ અવિવાહિત છે.”
“લગ્નનો ડર એટલો બધો છે કે 14 વર્ષની સગીરાને પણ લગ્ન ન થવાનો ડર રહે છે.”

પૈસા અને ભણતર ઉપરાંત છોકરીની ત્વચાનો રંગ મહત્ત્વનો

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજમાંથી આવનારા આ સમુદાયની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ સરેરાશ પાંચમા ધોરણ સુધીનું હોય છે.
મહિલાઓને ઘરની બહાર નીકળવાની આઝાદી હોતી નથી અને પુરુષો પણ મજૂરી કે દરજીકામ કરવા માટે સુરત, જયપુર, કોલકાતા જેવાં મોટાં શહેરોમાં જતા રહે છે.
આ સમાજમાં લગ્ન માટે પેગામ સિવાય સૌથી વધુ મહત્ત્વની બાબત છે છોકરીની ત્વચાનો રંગ.
શહનાઝબેગમ તેમનાં 12 ભાઈબહેનોમાં સૌથી મોટાં છે. તેમનાં બે નાનાં બહેનોનાં લગ્ન થઈ ગયાં છે, પરંતુ તેઓ અવિવાહિત છે.
શહનાઝ કહે છે કે, “મારી બહેનો ગોરી હતી, તેથી તેમનાં લગ્ન થઈ ગયાં. હું અશ્વેત છું, તો મારી સાથે લગ્ન કોણ કરશે?”
મારા આ સવાલ પર શહનાઝની બાજુમાં બેઠેલાં પાંચ ધોરણ ભણેલાં ખાતૂન થોડાં ચિડાઈને કહે છે કે, “અમે દુનિયા જોઈ છે. અહીં અશ્વેત લોકોનાં લગ્ન થતાં નથી. અમને પણ બાળપણથી ખબર હતી કે અમે ગરીબ છીએ અને અશ્વેત છીએ, તેથી લગ્ન થવા મુશ્કેલ છે.”
પ્રાઇવેટ શિક્ષક અબુ હિલાલ શેરશાહબાદી સમુદાયના અધિકારો માટે કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, “80ના દાયકામાં કોચગામામાં સમગ્ર બિહારમાં શેરશાહબાદીની મિટિંગ થઈ હતી. તેમાં નક્કી થયું હતું કે છોકરીવાળા પણ છોકરાવાળાને ત્યાં માગું લઈને જશે, પરંતુ કોઈ ફેરફાર થયો નહીં.”
“હવે યુવતીની ત્વચાનો રંગ ખૂબ મહત્ત્વનો થતો જઈ રહ્યો છે. યુવતીના પિતા ‘ગુપ્ત રીતે’ (સમાજમાં જાહેર કર્યા વગર) દહેજ પણ આપી દે, પરંતુ યુવતીની ત્વચાનો રંગ ગોરો ન હોય તો લગ્ન મુશ્કેલ છે.”
કોચગામા પંચાયતના વોર્ડના સભ્ય અબ્દુલ માલી તેનું ઉદાહરણ છે.
તેઓ કહે છે કે, “મારી દીકરી ભણેલીગણેલી છે. તેનાં લગ્ન માટે પૈસાની તકલીફ નથી, પરંતુ ઘણા પ્રયાસ છતાં મોટી દીકરીનાં લગ્ન થઈ શક્યાં નહીં. મારી નાની દીકરી ગોરી છે, તેનાં લગ્નમાં કોઈ સમસ્યા નહીં આવે.”
આ જ વિસ્તારના ફરહાન કહે છે કે, “જે છોકરો અશ્વેત હોય, તે પણ ગોરી છોકરી શોધે છે. તે પણ તેનું ભવિષ્ય જુએ છે. બાળકો ગોરા હોવા જોઈએ.”

અસંગત લગ્નો

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
અહીં અસંગત લગ્ન પણ સામાન્ય છે અને આ મેળ વગરનાં લગ્ન માટે પણ છોકરીના પરિવારના લોકો પેગામ અથવા અગવાની રાહ જુએ છે.
11 બાળકોનાં માતા આરફાખાતૂનની મોટી દીકરીનાં લગ્ન થઈ ન શક્યાં, ત્યારે તેમને તેમની નાની દીકરી રુખસાનાનાં લગ્ન 50 વર્ષના રેયાઝુલ્લાહ સાથે કર્યાં હતાં.
રુખસાના 18 વર્ષનાં છે અને તેમના શૌહર રેયાઝુલ્લાહનાં પહેલાંથી પાંચ બાળકો છે. તેમના મોટા દીકરાની ઉંમર 23 વર્ષ છે.
આરફા રડતાં-રડતાં કહે છે કે, “શું કરીએ જેવું માગું આવે છે, તેની સાથે જ દીકરીઓનાં લગ્ન કરવા પડે છે.”

અપરિણીત મહિલાઓ જીવન કેવી રીતે ગુજારે છે?

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
શેરશાહબાદી સમાજમાં મહિલાઓને ઘરમાંથી બહાર નીકળીને કામ કરવાની પણ પરવાનગી મળવી મશ્કેલ છે. એવામાં સવાલ એ થાય છે કે આ અવિવાહિત મહિલાઓ શું કરે છે અને તેમનો ખર્ચો કેવી રીતે કાઢે છે?
આર્થિક રીતે આવી મહિલાઓ તેમનાં માતાપિતા અને ભાઈ પર નિર્ભર રહે છે.
સંપત્તિમાં તેમનો થોડો ભાગ અને ગ્રામજનોની અનાજ તરીકે કરવામાં આવેલી સામૂહિક મદદના સહારે જ તેઓ તેમનું જીવન ગુજારે છે.
લગ્ન ન થવાનો ટ્રૉમા સહન કરતી આ મહિલાઓને પોતાના જ પરિવારમાં જે સભ્યોનાં લગ્ન થઈ ગયાં છે, તેમનાં મહેણાં સાંભળવાં પડે છે.
પોતાનાં લગ્નને લઈને નિરાશ થયેલાં તસ્કરાખાતૂન કહે છે કે, “મારા ભાઈનાં છ બાળકો છે. હું ભાઈ-ભાભીનાં મહેણાં સહન કરીને બાળકો સાથે આખું ઘર પણ સંભાળું છુ.”

નાના-મોટા ફેરફારો પણ થયા

ઇમેજ સ્રોત, SEETU TEWARI/BBC
આ સમાજની પરેશાનીઓ છતાં પાછલાં કેટલાંક વર્ષોમાં કેટલાક બદલાવો પણ જોવા મળ્યા છે.
કેટલીક મહિલાઓએ આંગણવાડી કેન્દ્રો અને સરકારી સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન રાંધવાનું કામ શરૂ કર્યું છે.
45 વર્ષનાં હમીદાખાતૂન મધ્યાહ્ન ભોજન રાંધવાનું કામ કરે છે. લગ્ન વિશે વાત કરતાં હમીદા કહે છે કે, “1500 રૂપિયા કમાવવા લાગી, ત્યારથી ભાઈથી અલગ જઈને એક ઝૂંપડી બનાવી લીધી. જો કોઈ દહેજ વગર લગ્ન કરવા તૈયાર હશે તો હું લગ્ન માટે તૈયાર છું.”
મુસલમાનોનાં લગ્ન અન્ય જ્ઞાતિમાં પણ થવા લાગ્યાં છે. તે સિવાય બિહારથી બહાર હવે ઉત્તર પ્રદેશથી લઈને કાશ્મીર સુધી તેમનાં લગ્ન થવા લાગ્યાં છે. માત્ર કોચગામામાં તાજેતરનાં વર્ષોમાં આવાં 100થી વધુ લગ્ન થયાં છે.
ઉત્તર પ્રદેશની દીકરીઓનાં લગ્ન કાશ્મીરમાં થાય છે અને એ માટે પણ છોકરીના પરિવાર પાસે લગ્નનું માગું આવે છે.
દસ બાળકોનાં માતા નસ્તારાખાતૂને પણ તેમની 12મું પાસ દીકરીનાં લગ્ન કશ્મીરમાં કર્યાં હતાં.
નસ્તારા કહે છે કે, “મારી દીકરીઓ ભણેલીગણેલી હતી, પરંતુ તેઓ શ્યામવર્ણી હતી. અહીં કોઈ માગું લાવ્યું જ નહીં. એ બાદ કાશ્મીરથી એક 30 વર્ષનાં યુવકનું માગું આવ્યું તો તેનાં લગ્ન કરાવી દીધાં.”














