'તેઓ મારી પુત્રીને ઇચ્છામૃત્યુ અપાવવાનું કહેતા'-માનસિક વિકલાંગ પુત્રીને એકલા હાથે ઉછેરતાં માતાની કહાણી

- લેેખક, હેમા રાકેશ
- પદ, બીબીસી તામિલ માટે
"મેં બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેઓ મને મારી પુત્રીને ઇચ્છામૃત્યુ આપવા આગ્રહ કરતા હતા."
"મને ડર હતો કે રડીરડીને મારું જીવન સમાપ્ત થઈ જશે. છૂટાછેડા અને મારા બાળક વિશે લોકોની સમજણે મારું દુ:ખ વધારી દીધું."
"આ વચ્ચે મારા વિશ્વાસે જ મારો સાથ આપ્યો. તેણે મને અંધકારમાંથી ઉજાસ તરફ આગળ વધારી. એ નાનકડી આશાએ મને જીવવાની પ્રેરણા આપી."
ચેન્નાઈમાં રહેતાં ભાર્ગવી આત્મવિશ્વાસ સાથે આ વાત જણાવે છે. તેઓ ઑનલાઇન ઘરેણાં વેચનારાં એક ઉદ્યોગસાહસિક છે.
ભાર્ગવીને એક 14 વર્ષીય પુત્રી છે જેનું નામ છે લામિયા. તેઓ પ્રેમથી તેને લડ્ડુ કહીને બોલાવે છે.
ભાર્ગવી જ્યારે ગર્ભવતી હતાં ત્યારે ગર્ભમાં પાણી ભરાઈ જવાથી લડ્ડુનું માથું તેમાં ઢંકાઈ ગયું હતું.
જેના કારણે જન્મના સમયથી જ તેમણે બોલવાની અને સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી અને આ જ કારણથી જન્મના સમયે લડ્ડુનું માથું સામાન્ય કરતાં વધારે મોટું હતું.
ભાર્ગવીના સંબંધીઓ તેમને લડ્ડુને ઇચ્છામૃત્યુ અપાવવાની સલાહો આપી પરંતુ ભાર્ગવી પોતાની પુત્રીને ઉછેરવા માટે તૈયાર હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાર્ગવીનું કહેવું છે કે "ભગવાને તેમને આ બાળકીને ઉછેરવાની જવાબદારી સોંપી છે અને તેની સારસંભાળ લેવી તેમનું કર્તવ્ય છે અને તેઓ હાલ ખૂબ જ સારું જીવન જીવી રહ્યાં છે."
ભાર્ગવી જણાવે છે, "વર્ષ 2007માં 28 વર્ષે મારાં લગ્ન થયાં હતાં. મેં 2009માં લડ્ડુને જન્મ આપ્યો હતો."
"હું તે સમયે નોકરી કરી રહી હતી. પાંચમા મહિને હું સ્કૅન કરાવવાનું ભૂલી ગઈ હતી."
"ત્યાર પછી પણ યાદ ન રહ્યું એટલે અમે માંડી વાળ્યું. એટલા માટે જ અમને ગર્ભમાં પાણી ભરાઈ ગયાં વિશે અને લડ્ડુનું માથું તેમાં ઢંકાઈ ગયું હોવાની જાણ ન થઈ."
તેઓ આગળ જણાવે છે, "જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેનું માથું ઘણું મોટું હતું. એટલે ડૉક્ટરોએ સિઝેરિયન કરવાની સલાહ આપી હતી."
"બાદમાં ખબર પડી કે તેની માનસિક સ્થિતિ આવી હતી. જન્મ થયા બાદ લડ્ડુ 15 મિનિટ સુધી રડી નહોતી."
"ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે તેની સમસ્યાઓ વિશે જાણ થઈ."

પુત્રીના જન્મ બાદ પતિએ તરછોડ્યા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાર્ગવીએ કહ્યું, "ડૉક્ટરોએ કહ્યું કે તે વધારે દિવસ સુધી નહીં જીવે. એક મા તરીકે આ શબ્દો પ્રસવપીડા કરતાં પણ વધારે પીડાદાયક હતા."
સ્વાભાવિક રીતે એક મહિલાના જીવનમાં આવી કોઈ પરિસ્થિતિ આવે તો ઓછામાં ઓછા તેમના પતિ અને સાસરિયાઓ તેમના પક્ષે હોવા જોઈએ.
પરંતુ જ્યારે ભાર્ગવીના પતિ અને સાસરિયાઓને ખબર પડી કે તેમણે બાળકીને જન્મ આપ્યો છે અને તે પણ માનસિક રીતે વિકલાંગ, તો ત્યાં પણ સમસ્યા શરૂ થઈ.
સાસરિયાઓની સાથેસાથે ભાર્ગવીના કેટલાક મિત્રોએ પણ બાળકીને ઇચ્છામૃત્યુ આપવા આગ્રહ કર્યો, પરંતુ તેઓ પોતાની જીદ પર અડ્યાં રહ્યાં.
ભાર્ગવીએ સગાં-સંબંધીઓની વાત ન માનતાં કેટલાક કડવા અનુભવો સાથે તેમનું વૈવાહિકજીવન પણ સમાપ્ત થઈ ગયું.
તેઓ આત્મવિશ્વાસ સાથે કહે છે, "લામિયાના જન્મ બાદ મારા છૂટાછેડા થયા. હું સતત વિચારતી હતી કે શું મારે આવું જીવન જીવવું જોઈએ."
"કારણ કે કૉલેજના સમયથી મારું સપનું હતું કે મારે ખુશહાલ જીવન જીવવું છે પણ હકીકતમાં એવું કંઈ ન થયું."
"હું વિચારતી હતી કે હું એકલી જ હતી જે દુ:ખી થઈ રહી છું. એટલે અંતે કંટાળીને મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, એ પણ બે વખત. જોકે હું બચી ગઈ."
ભાર્ગવી આગળ કહે છે, "હવે જ્યારે હું એ સમય વિશે વિચારું છું તો મજાક જેવું લાગે છે."
"મને એમ લાગે છે કે મારે એવું નહોતું કરવા જેવું, પરંતુ હાલ મારી પાસે સ્પષ્ટતા છે. હું મારી પુત્રી માટે જીવી રહી છું અને તેની સંભાળ રાખવી એ જ મારું કર્તવ્ય છે."

'શારીરિક રીતે 14 વર્ષની અને માનસિક રીતે દોઢ વર્ષની'
લડ્ડુની સારસંભાળ રાખવાની હોવાથી ભાર્ગવી ફૂલટાઇમ નોકરી કરી શકતા નથી.
હાલ તેઓ ઑનલાઇન ઘરેણાં વેચવાનો વ્યવસાય કરે છે. લડ્ડુને સવારે ઊઠવાથી લઈને રાત્રે ઊંઘવા સુધીમાં લગભગ દરેક કામમાં મદદની જરૂર પડે છે. જેના માટે ભાર્ગવી ખડેપગે હાજર હોય છે.
તેઓ રોજ લડ્ડુને એક વિશેષ વર્ગમાં પણ લઈ જાય છે. જ્યાં તેના ફિઝિયોથૅરાપી સહિત વિવિધ ઉપચાર પણ કરવામાં આવે છે.
ભાર્ગવી કહે છે, "લડ્ડુ હાલ 14 વર્ષની છે, પણ માનસિક રીતે તે દોઢ વર્ષના બાળક જેટલી જ છે. હું રોજ તેમને ખવડાવવા, ન્હાવામાં, સ્કૂલે લઈ જવામાં મદદ કરું છું."
"સાથે જ રોજ વાર્તાઓ પણ કહું છું. સામાન્ય રીતે તે સમયસર ઊંઘી જાય છે, પણ ક્યારેક-ક્યારેક બે કલાક પણ નથી ઊંઘતી. એવામાં હું તેની સાથે જાગી જાઉં છું."
લડ્ડુની સારસંભાળ રાખવામાં તેમનાં માતાપિતાએ પણ ઘણી મદદ કરી હતી.
એ વિશે ભાર્ગવી જણાવે છે, "તેઓ ત્યારથી લઈને અત્યાર સુધી મારાં પડખે ઊભા રહ્યાં છે. હું જ્યારે પણ હતાશા અનુભવું છું તો એ લોકો જ મને આત્મવિશ્વાસ આપે છે."
આ સાથે જ ભાર્ગવી પોતાના મિત્ર સંગીતા સુંદરમને પણ પોતાના જીવનમાં આવેલા આ ફેરફાર માટે શ્રેય આપે છે.
તેમના વિશે વાત કરતાં ભાર્ગવીએ કહ્યું, "તેમણે મને જીવન પર પકડ બનાવી રાખવા, દૃઢ સંકલ્પ સાથે મારી સમસ્યાઓને દૂર કરવા અને પોતાની જીવનયાત્રામાં કેટલાક નિર્ણાયક નિર્ણયો લેવામાં મદદ કરી છે."
"મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલા ભરોસા સાથે અહીં સુધી પહોંચી શકીશ."

'જીવનની તમામ કઠણાઈઓને દૂર કરો'

ભાર્ગવી પોતાની પુત્રીની સારસંભાળમાં ઘણી સાવધાની રાખે છે. કારણ કે લડ્ડુને દિવસમાં ચાર વખત માનસિક રોગના હુમલા આવે છે.
એ સમયે તે દિવાલ સાથે માથું અથડાવે છે કારણ કે તે વજનદાર લાગે છે.
તે પોતાના વાળ પણ ખેંચે છે. જો વધારે દુખે તો જમીન પર સૂઈને જોરજોરથી રડે છે. એટલે જ ભાર્ગવી રોજ ચાર કલાકથી પણ ઓછું ઊંઘે છે.
તેમણે રોજ આ સમસ્યા સામે ઝઝૂમવું પડે છે કારણ કે આ સમસ્યાનું કોઈ પૂર્ણ સમાધાન નથી.
તેઓ જણાવે છે, "થોડા સમય પહેલાં સુધી હું રોજ રડતી હતી પણ હવે એમ લાગે છે કે આંસુ રોકાઈ ગયા છે."
"મને લાગે છે કે જીવનના તમામ આકરા પડકારો દૂર થઈ ગયા છે. મારી પુત્રીને કંઈ યાદ રહેતું નથી, પરંતુ તે કેટલાક શબ્દોને સમજે છે."
"હું ઘણાં વર્ષોથી તેને સામાન્ય પ્રશ્નો અને તેના જવાબ આપતા શીખવાડું છું. જ્યારે પણ તે કોઈ પ્રશ્નનો માત્ર કોઈ અવાજ કાઢીને પણ જવાબ આપે છે તો ઘણી ખુશી થાય છે."
ભાર્ગવી હસતાં-હસતાં કહે છે, "લડ્ડુ એક વિશેષ બાળક હોવાં છતાં મને વધારે પરેશાન કરતી નથી."
"હું જ્યારે તેને વ્હીલચૅર પર લઈને રસ્તા પર નીકળું છું ત્યારે તે આસપાસમાં લોકો અને પર્યાવરણ જોઈને ખૂબ ખુશ થાય છે."
"તેને અને મને લોકોની કહાણીઓ સાંભળવાનું પણ ખૂબ ગમે છે. અમે ક્યારેય તેનાથી કંટાળતા નથી."
જીવન તમામ લોકો માટે સમાન ધારાધોરણ નિર્ધારિત કરતું નથી. ભાર્ગવીની કહાણીથી જાણવા મળે છે કે જે કંઈ પણ છે, તેના સિવાય એક સુખી જીવન જીવવું એ પૂર્ણ જીવન છે.














