રાજસ્થાનના રાજપૂતો શું મરાઠાઓને કર ચૂકવતા, 'જેસલમેર રાજ્ય'ને મરાઠા સામ્રાજ્યનો ભાગ કહેવા પર વિવાદ, ઇતિહાસકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, X/CHAITNYA RAJ SINGH & RAJE MUDHOJI BHOSLE
- લેેખક, વિનાયક હોગડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
હાલમાં જ મરાઠા સામ્રાજ્યના ઇતિહાસને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે.
આ વિવાદ એટલા માટે ઊભો થયો કારણ કે NCERT ના ધોરણ 8 ના પુસ્તકમાં છપાયેલા નકશામાં જેસલમેર રાજ્યને મરાઠા સામ્રાજ્યનો ભાગ દર્શાવવામાં આવ્યું હતું.
આ નકશા અંગે જેસલમેર રજવાડાના વંશજો અને નાગપુરના ભોંસલે પરિવારના વંશજોએ વિરોધાભાસી દાવા કર્યા છે.
હવે NCERT એ આ મામલે એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.
NCERT એ કહ્યું છે કે, "આવા કિસ્સાઓમાં જો અમને સૂચનો મળે ત્યારે અમે નિષ્ણાતોની સમિતિ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીએ છીએ."
જેસલમેર મરાઠાઓ હેઠળ હતું કે કેમ તે અંગે પણ ઇતિહાસકારોમાં મતભેદ છે. ચાલો જોઈએ કે તેમના મતે વાસ્તવિક પરિસ્થિતિ શું હતી.
વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
NCERT ના આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાન પુસ્તકના ત્રીજા પ્રકરણમાં એક નકશો છાપવામાં આવ્યો છે. તે 1759માં મરાઠા સામ્રાજ્યની સીમાઓ દર્શાવે છે.
આ નકશા પ્રમાણે મરાઠા સામ્રાજ્ય મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોથી ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. તેમાં પાકિસ્તાનમાં અટોક અને પેશાવર સુધીનો વિસ્તાર પણ સામેલ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેસલમેરના રાજવી પરિવારના વંશજ ચૈતન્ય રાજ સિંહે આ નકશા સામે વાંધો ઉઠાવ્યો છે. ચોથી ઑગસ્ટના રોજ આ નકશાની તસવીર શૅર કરતા તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું :
"ધોરણ 8 NCERT સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક (યુનિટ 3, પાનું નં. 71) માં દર્શાવેલ નકશો જેસલમેરને ભૂતપૂર્વ મરાઠા સામ્રાજ્યનો ભાગ દર્શાવે છે. જે ઐતિહાસિક રીતે ભ્રામક, તથ્યહીન અને ગંભીર રીતે વાંધાજનક છે."
ચૈતન્ય રાજ સિંહે વધુમાં કહ્યું, "આ પ્રકારની અપ્રમાણિત અને ઐતિહાસિક પુરાવા વગરની માહિતી માત્ર NCERT જેવી સંસ્થાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવતી નથી, પરંતુ આપણા ગૌરવશાળી ઇતિહાસ અને જાહેર લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે."
"આ ફક્ત પાઠ્યપુસ્તકની ભૂલ નથી, પરંતુ આપણા પૂર્વજોના બલિદાન, સાર્વભૌમત્વ અને બહાદુરીને કલંકિત કરવાનો પ્રયાસ હોય તેવું લાગે છે."
તેમણે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તક્ષેપની માંગ કરી.
આ પછી નવમી ઑગસ્ટના રોજ નાગપુરના ભોંસલે પરિવારના વંશજ રાજે મુધોજી ભોંસલેએ આ નકશાના સમર્થનમાં ટ્વિટ કર્યું.
મુધોજી ભોંસલેએ લખ્યું, "રાજસ્થાનના કેટલાક રાજવી પરિવારો મરાઠા સામ્રાજ્યના આ નકશાને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે. આ ક્યારેય સહન કરવામાં આવશે નહીં."
"મહારાષ્ટ્રના બહાદુર મરાઠાઓએ પોતાનું લોહી વહાવીને ઇતિહાસ રચ્યો છે. અમે મરાઠા સામ્રાજ્યનો વિરોધ કરનારાઓની નિંદા કરીએ છીએ."
મુધોજી ભોંસલેએ વધુમાં દાવો કર્યો, "મરાઠા સામ્રાજ્ય અટોકથી કટક સુધી વિસ્તરેલું હતું."
NCERTએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, X/NCERT
NCERT એ સાતમી ઑગસ્ટના રોજ આ વિવાદ બાબતે એક નિવેદન બહાર પાડ્યું હતું. જોકે આ નિવેદનમાં વિવાદનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ તેમાં કેટલાંક પાઠ્યપુસ્તકોના પાઠોની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
NCERT એ જણાવ્યું હતું, "આ અભ્યાસક્રમો અંગેના સૂચનો વિવિધ સ્રોત તરફથી નિયમિતપણે પ્રાપ્ત થાય છે."
સંસ્થાએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં અભ્યાસક્રમ વિભાગના વડા હેઠળ એક સમીક્ષા સમિતિની રચના કરવામાં આવે છે. જેમાં સંબંધિત વિષયના વરિષ્ઠ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે.
NCERT એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ સમિતિ પ્રાપ્ત સૂચનોની તપાસ કરશે અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે ભલામણો કરશે."
મરાઠા સામ્રાજ્ય ક્યાં સુધી વિસ્તરેલું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
આ નકશાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે શું રાજસ્થાનના રાજપૂત રાજાઓ મરાઠા શાસકોના આધીન હતા? આનો જવાબ આપવા માટે મરાઠા સામ્રાજ્યની વાસ્તવિક સ્થિતિને સમજવી પડશે.
જે રાજપૂત રાજાઓ અને મરાઠાઓ વચ્ચેના રાજકીય અને આર્થિક સંબંધોને પણ દર્શાવે છે.
આ વિષય પર બીબીસીએ સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર રાહુલ મગર સાથે વાત કરી .
તેમણે કહ્યું, "18મી સદીમાં મરાઠા સામ્રાજ્ય બે વહીવટી પ્રદેશોમાં વહેંચાયેલું હતું. 'કામવિશી' અને 'સરંજામ'. શિવાજી મહારાજનું મૂળ સ્વરાજ્ય 'કામવિશી' પ્રદેશ હેઠળ આવતું હતું. તેમાં પુણે, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો એક નાનો ભાગ સામેલ હતો."
પ્રો. રાહુલ મગર ઉમેરે છે, "બીજો ભાગ 'સરંજામ' (સામંતશાહી) વિસ્તાર હતો. જેમાં શિંદે, હોલકર, ગાયકવાડ, ભોંસલે જેવા સરદારો દ્વારા નિયંત્રિત વિસ્તારોનો સમાવેશ થતો હતો."
"આ વિસ્તારો પેશ્વાના અધિકારક્ષેત્રમાં આવતા હતા. આમાંથી કોઈ પણ વહીવટી વિસ્તારમાં રાજપૂતો સંપૂર્ણ રીતે વસતા ન હતા."
તેમણે એમ પણ કહ્યું, "જોકે એ હકીકત છે કે આ સમયગાળા દરમિયાન મરાઠાઓ જેટલી મોટી બીજી કોઈ રાજકીય અને લશ્કરી શક્તિ નહોતી."
અમે આ વિષય પર દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે સાથે પણ વાત કરી.
પ્રો. અનિરુદ્ધ દેશપાંડેએ કહ્યું, "મરાઠાઓ ચોથ અને સરદેશમુખી નામના કર વસૂલતા હતા. પુણે, ઇન્દોર, ગ્વાલિયર, બરોડા અને નાગપુરથી વિપરીત, મરાઠાઓએ ક્યારેય રાજસ્થાન પર શાસન કર્યું ન હતું."
દેશપાંડે સમજાવે છે, "ઉપલબ્ધ માહિતીમાં એનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે મલ્હારરાવ હોલકર અને તેમના જેવા અન્ય મરાઠા સરદારોને મારવાડના રાજપૂતો દ્વારા તેમના આંતરિક વિવાદોમાં દખલ કરવા માટે ભાડૂતી સૈનિકો તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
બીજી બાજુ વરિષ્ઠ ઇતિહાસકાર જયસિંહરાવ પવાર અલગ મત ધરાવે છે.
જયસિંહરાવ પવાર કહે છે, "મરાઠાઓ પાસે ભલે એક કે બે રજવાડા નહીં હોય, પરંતુ તેઓ રાજપૂતો પર શાસન કરતા હતા. તે સમયે મરાઠાઓ પાસે ખૂબ શક્તિ હતી. પેશ્વા સરદારો હોલકર અને શિંદેએ રાજસ્થાન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. તેઓ મુઘલ સમ્રાટ સાથેના કરાર હેઠળ આમ કરી રહ્યા હતા."
જયસિંહરાવ પવાર ઉમેરે છે, "એવા ઘણા દસ્તાવેજો ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે મરાઠાઓએ રાજસ્થાન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું અને 'ટ્રિબ્યૂટ' (એક પ્રકારનો કર) વસૂલ્યો હતો."
"શિંદે અને હોલકરોએ રાજસ્થાન પર ઘણી વખત હુમલો કર્યો. કાગળ પર આ બધા રાજપૂત રાજાઓ મુઘલોના તાબામાં હતા, પરંતુ વાસ્તવમાં મરાઠાઓ મુઘલો વતી શાસન કરતા હતા."
રાજપૂત રાજાઓ અને મરાઠાઓ વચ્ચે કેવા સંબંધો હતા?

ઇમેજ સ્રોત, Getty Images
રાજપૂત રાજાઓ અને મરાઠા શાસકો વચ્ચેના આર્થિક સંબંધોનું સ્વરૂપ 1752માં મુઘલો અને મરાઠાઓ વચ્ચે થયેલા 'અહમદનામા' સંધિ પર આધારિત હતું. ચોથ અને સરદેશમુખી જેવા કરને મરાઠાઓના રાજકીય વર્ચસ્વનો પુરાવો માનવામાં આવે છે.
પ્રોફેસર રાહુલ મગર કહે છે, "આ રાજપૂત રાજાઓ પોતાને સ્વતંત્ર અને સ્વાયત્ત માનતા હતા. તેમાંથી કેટલાક મરાઠાઓને ચોથ અને સરદેશમુખીના રૂપમાં પૈસા અથવા માલ આપતા હતા."
જયસિંહરાવ પવાર કહે છે, "ઘણી વખત તેઓ (રાજપૂત રાજાઓ) સર્વોપરિતા સ્વીકારતા, કર ચૂકવતા અને પછી બળવો કરતા. આ બધું ચાલતું રહ્યું. તેથી એ કહેવું મુશ્કેલ છે કે કેટલાં રાજ્યો કેટલાં વર્ષો સુધી મરાઠાઓ હેઠળ રહ્યા."
તેઓ આગળ કહે છે, "જો આપણે દસ્તાવેજો જોઈએ તો આખું રાજસ્થાન મુઘલ સમ્રાટના શાસન હેઠળ હતું. મરાઠાઓએ મુઘલ સમ્રાટના શાસનની જવાબદારી સ્વીકારી હતી."
"તેથી તેઓએ રાજસ્થાન પર હુમલો કર્યો અને કર વસૂલ્યો. ઘણી વખત તેમને તે વસૂલવા માટે હુમલો કરવો પડ્યો."
અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "ખરેખર 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલોની શક્તિ ઝડપથી ઘટી રહી હતી. તેમણે મરાઠાઓને 'ટ્રિબ્યૂટ' વસૂલવાનો અધિકાર આપ્યો હતો."
જેસલમેર રાજ્યએ 'ચોથ' ચૂકવ્યો હતો કે નહીં ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "જેસલમેર અને બિકાનેર ક્યારેય કહેવાતા મરાઠા સામ્રાજ્યનો ભાગ નહોતા."
તેઓ વધુમાં ઉમેરે છે, "અન્ય રાજપૂત રાજ્યો સ્વતંત્ર હતાં, પરંતુ ક્યારેક મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ મરાઠા સરદારોને 'રક્ષણ નાણાં' તરીકે માંગવામાં આવતા પૈસા ચૂકવતા હતા."
આ સંબંધો વિશે બોલતા જયસિંહરાવ પવારે કહ્યું કે, "રાજપૂત રાજાઓ ચોથ ચૂકવતા હતા, જેનો અર્થ એ થયો કે તેઓ મરાઠાઓની સર્વોપરિતા સ્વીકારતા હતા. ઉદાહરણ તરીકે બ્રિટિશ શાસન દરમિયાન પણ આ રજવાડા સ્વતંત્ર હતા, પરંતુ તેમની સ્વતંત્રતા ફક્ત નામની હતી."
તેઓ આગળ કહે છે કે રાજપૂતાનાનાં કયાં રજવાડા કર ચૂકવતાં ન હતાં તે સંશોધનનો વિષય છે.
રાહુલ મગર કહે છે, "શું જેસલમેરે ક્યારેય મરાઠાઓને ચોથ કે સરદેશમુખી આપી હતી? જવાબ છે - ના."
રાહુલ મગર કહે છે, "અહમદનામા મુજબ મુઘલોએ રાજપૂતો વતી સંમતિ આપી હતી કે અમે ભાગનો ચોથો ભાગ આપીશું. પરંતુ સંમતિ મુઘલો દ્વારા આપવામાં આવી હતી, રાજપૂતો દ્વારા નહીં. બધા રાજપૂતો આ માટે સંમત ન હતા."
"કેટલાક આપતા હતા, કેટલાક ન હતા આપતા. જેસલમેરે ક્યારેય ચોથ આપી નથી. તેથી તે રાજવંશ જે કહી રહ્યો છે તે હકીકતમાં સાચું છે. બાકીના રાજપૂતોએ આપી છે, પરંતુ તે પણ હંમેશાં સરળતાથી આપવામાં આવતી ન હતી."
"ઘણીવાર શિંદે અને હોલકરોએ તેમની સેના સાથે જવું પડતું હતું અને પછી ચોથ એકત્રિત કરવી પડતી હતી."
શું NCERT પુસ્તકમાં આપેલો નકશો ગેરમાર્ગે દોરનારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિવાદ NCERT પુસ્તકમાં આપેલા નકશાને લઈને શરૂ થયો હતો. આ નકશામાં મરાઠાઓ હેઠળ દર્શાવવામાં આવેલા વિસ્તારો તેમના રાજાઓ વચ્ચેના વહીવટી અને આર્થિક સંબંધોના સ્વરૂપને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરતા નથી.
નકશામાં આ વિસ્તારોને 'મરાઠા સામ્રાજ્ય (સહાયક રાજ્યો સહિત)' તરીકે વર્ણવવામાં આવ્યા છે.
ઇતિહાસકારો કહે છે કે આ નકશો તે વિસ્તારો દર્શાવે છે, જ્યાંથી કર ઉઘરાવવામાં આવતો હતો. આ ઉપરાંત નકશાની નીચે લખ્યું છે - '1759માં મરાઠા સામ્રાજ્યનું વિસ્તરણ'.
પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 માં થયું હતું, જેમાં અહમદ શાહ અબ્દાલીએ મરાઠાઓને હરાવ્યા હતા. તેથી એવું માની શકાય છે કે આ યુદ્ધ પહેલાંનો સમયગાળો ખૂબ જ જટિલ અને ગતિશીલ રહ્યો હશે.
રાહુલ મગર કહે છે, "ઘણા રાજકીય આંદોલનો ચાલી રહ્યાં હતાં. જો એ બતાવવું શક્ય હોત કે મરાઠાઓનું સીધું શાસન ક્યાં હતું, તેમનો પ્રભાવ કેવો હતો અને તેઓ ક્યાંથી કર મેળવતા હતા, તો આ વાંધા ઊભા ન થયા હોત. જો આ વિગતો બતાવવામાં આવી હોત, તો કોઈ વિવાદ ન થયો હોત."
અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "NCERT દ્વારા તૈયાર કરાયેલો નકશો ગેરમાર્ગે દોરનારો લાગે છે. તે મરાઠાઓ હેઠળ ખરેખર કેટલો વિસ્તાર હતો તેનો સ્પષ્ટ ખ્યાલ આપતો નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












