અકબર, ઔરંગઝેબ અને બાબર પર એનસીઇઆરટીના પુસ્તકમાં શું બદલાયું જે વિવાદનું કારણ બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
નૅશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી)ની આઠમા ધોરણની સમાજશાસ્ત્રના નવા પુસ્તકમાં બાબરને બર્બર, હિંસક વિજેતા અને સમગ્ર વિશ્વની વસતીનો સફાયો કરનાર બતાવવામાં આવ્યા છે.
બીજી તરફ અકબરના શાસનને ક્રૂરતા અને સહિષ્ણુતાનું મિશ્ર સ્વરૂપ ગણાવાયું છે. આ સિવાય ઔરંગજેબને મંદિર અને ગુરુદ્વારા તોડનાર તરીકે બતાવવામાં આવ્યા છે.
એનસીઇઆરટી પ્રમાણે ઇતિહાસના કેટલાક અંધકારમય સમયગાળાને સમજવો જરૂરી છે. આ સાથે જ પુસ્તકના એક અધ્યાયમાં કહેવાયું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે હાલ કોઈને જવાબદાર ન ઠેરવી શકાય.
આઠમા ધોરણના સમાજશાસ્ત્રના પુસ્તકના ભાગ - એક 'એક્સપ્લોરિંગ સોસાયટી : ઇન્ડિયન ઍન્ડ બિયૉન્ડ' આ અઠવાડિયે જાહેર થયું હતું. એનસીઇઆરટીનાં નવાં પુસ્તકોમાંથી આ પ્રથમ પુસ્તક છે, જે વિદ્યાર્થીઓને દિલ્હી સલ્તનત અને મુઘલોનો પરિચય કરાવે છે.
એનસીઇઆરટીના નવા પુસ્તકમાં 13મીથી 17મી સદી સુધી ભારતીય ઇતિહાસને કવર કરાયો છે. આ પુસ્તકમાં સલ્તનતકાળને લૂંટફાટ અને મંદિરોને તોડનારા કાળ તરીકે બતાવવામાં આવ્યો છે. આ પહેલાંના પુસ્તકમાં સલ્તનતકાળને આ સ્વરૂપમાં રજૂ નહોતો કરાયો.
અંગ્રેજી અખબાર ધ હિંદુ પ્રમાણે, એનસીઇઆરટીના પુસ્તકમાં લખાયું છે કે ચિતોડના કિલ્લા પર કબજા દરમિયાન અકબરની ઉંમર 25 વર્ષ હતી અને તેમણે 30 હજાર નાગરિકોના જનસંહાર સાથે બાળકો અને મહિલાઓને ગુલામ બનાવવાનું ફરમાન જાહેર કર્યું હતું.
આ પુસ્તકમાં અકબરના હવાલાથી કહેવાયું છે કે, "અમે કાફિરોના ઘણા કિલ્લા અને કસબા પર કબજો કરી લીધો છે અને ઇસ્લામની સ્થાપના કરી છે. લોહી તરસી તલવારોની મદદથી આપણે તેમના મનથી કાફિરોનાં નિશાન મટાડી દીધાં છે. અમે ત્યાંનાં મંદિરોનેય નષ્ટ કરી દીધાં છે."
પુસ્તકમાં લખ્યું છે કે અકબર પોતાના બાદના શાસનમાં શાંતિ અને સદ્ભાવનાની વાત કરવા લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ હિંદુ પ્રમાણે પુસ્તકમાં એવું પણ લખાયું છે કે ઔરંગઝેબે સ્કૂલો અને મંદિરોને તોડવાનો આદેશ આપ્યો હતો. પુસ્તક પ્રમાણે બનારસ, મથુરા અને સોમનાથ સહિત જૈનોનાં મંદિર અને શીખોનાં ગુરુદ્વારા પણ નષ્ટ કરાયાં. તેમાં પારસીઓ અને સૂફીઓ પર પણ મુઘલોના કથિત અત્યાચારનો ઉલ્લેખ છે.
ઇતિહાસ સાથે ચેડાં?

ઇમેજ સ્રોત, @ncert
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એનસીઇઆરટીના આ બદલાવ પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર જાણીજોઈને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી રહી છે.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સંસ્થાપક સભ્ય પ્રોફેસર મોહમ્મદ સુલેમાને સમાચાર એજન્સી આઇએએનએસને કહ્યું, "હાલ જે સંગઠન અને વિચારધારા સત્તાધીશ છે, તેઓ ઇતિહાસ સાથે ચેડાં કરી રહ્યાં છે. કોઈ પણ વિકસિત સમાજ ત્યારે જ આગળ વધી શકે છે, જ્યારે ઇતિહાસને યથાર્થના સંદર્ભમાં લે. પરંતુ આપણી સરકાર ઇતિહાસને તોડી-મરોડીને લખાવી રહી છે. પરંતુ આનાથી દેશહિત નથી થઈ રહ્યું. એ અંધ ભક્તોને ગેરમાર્ગે દોરી શકે છે, પરંતુ વિશ્વમાં જ્યારે ઇતિહાસ વંચાશે તો લોકો સત્ય જ પસંદ કરશે. આ લોકો પોતાના સ્વાભિમાનની તુષ્ટિ માટે કંઈ પણ કરી રહ્યા છે."
સમગ્ર વિવાદ પર એનસીઇઆરટીએ પણ જવાબ આપ્યો છે.
એનસીઇઆરટીએ પોતાના જવાબમાં કહ્યું છે કે, "આઠમા ધોરણ માટે સમાજશાસ્ત્રના નવા પુસ્તક 'એક્સપ્લોરિંગ સોસાયટી, ઇન્ડિયા ઍન્ડ બિયૉન્ડ' હવે ઉપલબ્ધ છે. આ પુસ્તક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને શાળાકીય શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક 2023 અંતર્ગત લવાયું છે."
એનસીઇઆરટીએ કહ્યું, "આ પુસ્તકમાં ભારતીય ઇતિહાસની 13મી સદીથી 19મી સદીના મધ્ય સુધીના સમયગાળાને આવરી લેવાયો છે. અમે આ પુસ્તકમાં પહેલાં કહેવાયેલી વાતો ફરી કરવાને સ્થાને ટીકાત્મક વિચારને સામે મૂક્યો છે. વિશ્વસનીય સ્રોતો પ્રમાણે સંતુલિત વિવરણને સામેલ કરાયું છે. અમે એક વિશેષ અધ્યાય રાખ્યો છે, જેનું નામ છે - ઇતિહાસના અંધકારમય સમયગાળા પર એક ટિપ્પણી. આ પુસ્તક મારફતે વિદ્યાર્થીઓમાં ભૂતકાળ સાથે આધુનિક ભારત માટેની સમજ વિકસિત થશે."
એનસીઇઆરટીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, "ટેક્સ્ટબુકમાં તમામ તથ્ય વિશ્વસનીય ઍકેડેમિક સ્રોતોના આધારે છે. આપણી પેઢીઓ કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ અને ભ્રમથી બચે, તેથી 20 પાનાંમાં ઇતિહાસના અંધકારમય સમયગાળા નામથી એક ટિપ્પણી છે."
ધ હિંદુ સાથેની વાતચીતમાં એનસીઇઆરટીમાં સમાજશાસ્ત્ર અભ્યાસક્રમના એરિયા ગ્રૂપ હેડ માઇકલ ડેનિનોએ કહ્યું, "ભારતીય ઇતિહાસને સુખદ ન બનાવી શકાય. આપણે એવું ન બતાવી શકીએ કે બધું સારું જ હતું. ઘણી સારી બાબતો હતી, પરંતુ ખરાબ બાબતો પણ હતી. લોકો પર અત્યાચાર થયા હતા. તેથી અમે ઇતિહાસના એ અધ્યાયને પણ સામેલ કર્યો છે."
"સાથે જ અમે ચેતવણી પણ આપી છે કે ભૂતકાળમાં જે થયું છે, તેના માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય. તમે મુઘલ શાસકોને ત્યાં સુધી નહીં સમજી શકો, જ્યાં સુધી તેમના વ્યક્તિત્વની જટિલતામાં નહીં જાઓ. અકબરે જાતે સ્વીકાર્યું છે કે તે યુવાનીના દિવસોમાં ક્રૂર હતો. અમે અકબર કે ઔરંગઝેબને નીચું નથી દેખાડી રહ્યા બલકે અમે એ જણાવી રહ્યા છીએ કે આ શાસકોની પોતાની કેટલીક મર્યાદાઓ હતી અને તેમણે બર્બરતા આચરી હતી."
ઇતિહાસને કેવી રીતે જોવો?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર મામલામાં ઇતિહાસકાર સૈયદ ઇરફાન હબીબને બીબીસીએ પૂછ્યું કે તેઓ એનસીઇઆરટીના પુસ્તકમાં આ બદલાવને કેવી રીતે જુએ છે?
સૈયદ ઇરફાન હબીબ કહે છે કે, "ઇતિહાસ તથ્યોને આધારે લખાય છે. જ્યારે તમે ઇતિહાસને પોતાની કલ્પનાના આધારે લખવાના પ્રયાસ કરો છો ત્યારે એ ઇતિહાસ નથી રહેતો. પહેલાં જે કાંઈ પણ ભણાવાઈ રહ્યું હતું, તેનાથી તમે અસંમતિ વ્યક્ત કરી શકો પરંતુ એ તથ્યો પર આધારિત હતું. તથ્યોની વ્યાખ્યા સાથે તમે અસંમત હોઈ શકો. પરંતુ તમે માન્યતાઓને આધારે ઇતિહાસ લખશો તો એ ઇતિહાસ નથી."
ભારતના રાજકારણમાં મધ્યકાળ અંગે વિવાદ એ કોઈ નવી બાબત નથી. આ પહેલાં મહારાણા પ્રતાપ અને અકબર અંગે પણ વિવાદ થયો હતો.
વર્ષ 2019માં રાજસ્થાન યુનિવર્સિટીએ ભાજપના એક ધારાસભ્યના એ પ્રસ્તાવને સ્વીકારી લીધો, જેમાં તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એવું લખવામાં આવે કે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર નહોતી થઈ.
સૈયદ ઇરફાન હબીબ કહે છે કે, "તેમનું કહેવું છે કે હલ્દીઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપ જીત્યા હતા અને અકબરની હાર થઈ હતી. પરંતુ તેઓ તથ્યોના આધાર વિના ગમે એ કહી શકે છે. તથ્ય એ છે કે હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ અને માનસિંહની લડાઈ થઈ હતી. એ તો રાજપૂતો વચ્ચેનું યુદ્ધ હતું. એક અકબર માટે લડી રહ્યો હતો અને એક અકબર વિરુદ્ધ. મહારાણા પ્રતાપના સૈન્ય કમાન્ડર હકીમ ખાન સૂરી મુસલમાન હતા. એ ધર્મ આધારિત લડાઈ જ નહોતી. મધ્યકાલીન ભારતને ધર્મનાં ચશ્માંને આધારે તો આપણે આજે જોઈ રહ્યા છીએ. ધર્મનો ઉપયોગ તો તમે આધુનિક સમયમાં કરી રહ્યા છો."
શું મધ્યકાળને ઇતિહાસના અંધકારમય અધ્યય સ્વરૂપે જોવો જોઈએ?
સૈયદ ઇરફાન હબીબ કહે છે કે, "તમે જેને ઇતિહાસનો અંધકારમય અધ્યાય કહી રહ્યા છો, તેમાં જ રામચરિત માનસ લખાયું છે. તુલસીદાસ, કબીર, અબ્દુલ રહીમ ખાન-એ-ખાન અને મલિક મુહમ્મદ જાયસી જેવી હસ્તીઓ આ કાળમાં પોતાની શ્રેષ્ઠ રચનાઓ લખી રહી હતી. શું એ ઇતિહાસનો અંધકારમય અધ્યાય હતો?"
સૈયદ ઇરફાન હબીબ કહે છે કે, "બાબરનો ઇતિહાસ માંડ ચાર વર્ષનો છે. એ મધ્યકાલીન સમયના શાસક છે. ત્યારે શાસન બંધારણ નહીં, તલવારના બળે ચાલતું હતું. તેમાં ધર્મ આવતો જ નથી. આ સમયગાળા દરમિયાન યુરોપમાં પણ આવું જ થઈ રહ્યું હતું. ત્યારે તલવારથી જ નિર્ણય થતા. 400 વર્ષ જૂની વાત પર તમે ગમે એ કહી દો."
"તમે આખી પેઢીને પુસ્તકો આપી રહ્યા છો, જે ડિસકનેક્ટેડ ઇતિહાસ ભણશે. તેમાં ઘણા પ્રકારની ગૅપ્સ હશે. તેઓ ભલે ડિસ્ક્લેમર લગાવી રહ્યા છો કે ભૂતકાળ માટે આજે કોઈને જવાબદાર ન ઠેરવી શકાય, પરંતુ જમીન પર તો એવું જ થઈ રહ્યું છે. ખરેખર આ સરકાર નાગરિક નહીં, અનુયાયી તૈયાર કરવા માગે છે."
ભારત શું મધ્યકાળમાં પણ ગુલામ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનો દક્ષિણપંથી જૂથ ગુલામીનો સમયગાળો માત્ર અંગ્રેજોનાં 200 વર્ષના શાસનને જ નથી માનતું. પોતાના પ્રથમ ભાષણમાંજ મોદીએ કહ્યું હતું, "1200 વર્ષ જૂની ગુલામીની માનસિકતા પરેશાન કરી રહી છે. ઘણી વાર આપણાથી થોડી ઊંચી વ્યક્તિ મળે, તો માથું ઊંચકીને વાત કરવાની આપણી તાકત નથી થતી."
વડા પ્રધાનની આ વાતે એક સાથે ઘણા સવાલ ઊભા કરી દીધા. શું ભારત 1200 વર્ષ સુધી ગુલામ હતું? શું ભારત બ્રિટિશ શાસ પહેલાં પણ ગુલામ હતું?
વડા પ્રધાન મોદીએ જ્યારે 1200 વર્ષની ગુલામીની વાત કરી હતી, ત્યારે તેમણે આઠમી સદીમાં હિંદુ રાજા પર થયેલા મીર કાસિમના હુમલા (વર્ષ 712)થી માંડીને 1947 સુધીના ભારતને ગુલામ ગણાવ્યું.
ભારતમાં અંગ્રેજોનું શાસનકાળ મોટા ભાગે 1757થી 1947 સુધી માનવામાં આવે છે, જે 190 વર્ષ છે. આ હિસાબે ગુલામીનાં બીજાં લગભગ એક હજાર વર્ષ ભારતે મુસ્લિમ શાસકો હેઠળ પસાર કર્યાં હતાં.
ભારતમાં શાળાકીય પુસ્તકો પ્રમાણે 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ વિરુદ્ધ અંગ્રેજોની જીત બાદથી ભારતને ગુલામ માનવામાં આવે છે, પરંતુ હવે ભારતમાં ઇતિહાસ બદલવાની વાત થઈ રહી છે અને કહેવાઈ રહ્યું છે કે મધ્યકાળમાં મુસ્લિમ શાસક આક્રાંતા હતા અને તેમણે ભારતને ગુલામ બનાવીને રાખ્યું હતું.
મધ્યકાળના મુસ્લિમ શાસકોને દક્ષિણપંથી જૂથ આક્રાંતા કહે છે, ઇતિહાસના વિદ્યાર્થી અને જહાંગીર પર 'ઇન્ટિમેટ પૉટ્રેટ ઑફ અ ગ્રેટ મુઘલ' પુસ્તક લખી ચૂકેલાં પાર્વતી શર્મા કહે છે કે સત્તા માટે બીજા કોઈ રાજ્ય પર હુમલો કરવો એ કોઈ નવી વાત નહોતી.
પાર્વતી કહે છે કે, "મૌર્યોનું શાસન અફઘાનિસ્તાન સુધી હતું, આમ તો તેઓ પણ આક્રાંતા કહેવાય. સત્તાવિસ્તાર અને સત્તા મેળવવાની ઇચ્છાને આપણે ગમે એ સ્વરૂપે જોઈ શકીએ. આ ઇચ્છાનો કોઈ ખાસ ધર્મથી કોઈ સંબંધ નથી."
બાબર અને હુમાયુ મધ્ય એશિયાથી આવ્યા હતા. અકબર હિંદુસ્તાનની બહાર ક્યારેય ન ગયા. અકબર બાદ જેટલા મુઘલ શાસક થયા તેમનો બધાનો જન્મ ભારતમાં જ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












