You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં અજિત પવાર શિંદે સરકારમાં નાયબ CM બન્યા, કહ્યું- 'મોદીને સમર્થન આપશું, NCPના ચિહ્ન પર ચૂંટણી લડશું'
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ફેરફાર થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભમાં વિપક્ષના નેતા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના લીડર અજિત પવારે મુખ્ય મંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનમાં નાયબ મુખ્ય મંત્રીપદના શપથ લીધા છે. રાજ્યભવનમાં આયોજિત કાર્યક્રમમાં અજિત પવારે નાયબ મુખ્ય મંત્રીના પદના શપથ લીધા છે.
અજિત પવાર સહિત એનસીપીના કુલ 9 ધારાસભ્યોએ મંત્રીના શપથ લીધા છે. આમાં છગન ભૂજબળ, દિલીપ વલસે-પાટીલ, હસન મુશ્રીફ, ધનંજન મુંડે, ધર્મરાવબાબા મત્રામ, અદિતી તટકર, સંજય બનસોડે અને અનિલ પાટીલનો સમાવેશ થાય છે.
ત્યાર બાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં અજિત પવારે કહ્યું, 'અમે ભાજપની સાથે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડીશું માટે અમે આ નિર્ણય લીધો છે.'
તેમણે જણાવ્યું કે અમે એનસીપીના પાર્ટી ચિહ્ન પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
અજિત પવાર સાથે છગન ભૂજબળ અને પ્રફુલ્લ પટેલ જોડાયા હતા. પ્રફુલ્લ પટેલને શરદ પવારે થોડા દિવસો પહેલાં જ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.
શરદ પવારે આ નાટકીય ઘટનાક્રમ બાદ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, ''બે દિવસ પહેલાં વડા પ્રધાને એનસીપીને લઈને બે વાતો કહી હતી. પહેલી એ કે એનસીપી એ ખતમ થયેલી પાર્ટી છે અને બીજી તેમણે સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારના આરોપનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા છે. તેમના સરકારમાં સામેલ થવાથી સ્પષ્ટ છે કે તેઓ આરોપોમાંથી મુક્ત થઈ ગયા છે.''
તેમણે કહ્યું કે 'પાંચ સભ્યો સાથે પાર્ટી શરૂ કરી હતી અને હવે ફરીથી ઊભી કરીશ.'
અગાઉ રવિવાર બપોરે શરદ પવારના ભત્રીજા અજિત પવાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. એ વખતે રાજ્યના મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા હતા. એ સાથે જ રાજ્યમાં કોઈ મોટી રાજકીય ઘટના ઘટે એવા અનુમાન શરૂ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં તેમણે રવિવારે સવારે પોતાના આવાસ ખાતે ધારાસભ્યોની બેઠક યોજી હતી.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં પ્રદેશ અધ્યક્ષનું પદ ના મળતાં અજિત પવાર નારાજ હોવાની વાતો થઈ રહી હતી. અગાઉ તેમણે વિપક્ષના નેતાના પદેથી રાજીનામું આપવાની તૈયારી પણ બતાવી હતી.
આ દરમિયાન અજિત પવારે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમને વિપક્ષના નેતા બનવામાં કોઈ રસ નથી. કાર્યકરોની હઠને વશ થઈને તેઓ વિપક્ષના નેતા બન્યા હતા.
બીજુ, તરફ એનસીપીના અધ્યક્ષ શરદ પવારનું કહેવું છે કે તેમને આ મુલાકાતનો કોઈ અંદાજો નહોતો.
અજિત પવાર રાજભવન રવાના થયા એ પહેલાં જ એનસીપી અધ્યક્ષ શરદ પવારે એક પત્રકારપરિષદ યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું, "મને મુંબઈની બેઠક અંગે કોઈ જાણકારી નથી. વિપક્ષી દળોના નેતાના રૂપે તેમને (અજિત પવાર) ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે. મેં પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનમાં ફેરફાર માટે 6 જુલાઈએ બેઠક બોલાવી છે. "
અજિત પવાર કેટલી વખત નાયબ મુખ્ય મંત્રી બન્યા
10 નવેમ્બર 2010થી 25 સપ્ટેમ્બર 2012
(વચ્ચે એક મહિનો નારાજ રહ્યા)
25 ઑક્ટોબર 2012થી 26 સપ્ટેમ્બર 2014 સુધી
23થી 26 નવેમ્બર 2019
30 ડિસેમ્બર 2019થી 29 જૂન 2022
2 જુલાઈ 2023
2019 જેવું જ ફરીથી કર્યું
વાત વર્ષ 2019ની છે જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ 22 નવેમ્બરની રાત સુધી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવાની વાત ચાલી રહી હતી અને અચાનક 23 નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે તેમજ NCPના નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ થયા બાદ એનસીપીના તત્કાલીન અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા અજિત પવારનું પગલું સત્તા સંઘર્ષના હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક મહત્ત્વનો વળાંક હતો. આ ઘટનાક્રમ સાથે રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને કોઈ સમજી ન શક્યું હતું કે આખરે રાતોરાત એવું શું થઈ ગયું કે NCP નેતા અજિત પવારે ભાજપને સમર્થન આપી દીધું.
આ આખા ઘટનાક્રમમાં અજિત પવાર સૌથી મોટા ખેલાડી મનાઈ રહ્યા હતા. શપથવિધિ બાદ શરદ પવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભાજપમાં જવાનો અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે અને અજિત પવારના આ નિર્ણયને પાર્ટીનું સમર્થન નથી.
જોકે આ બધું થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક ભૂકંપ આવ્યા. સરકારો બદલાઈ, મુખ્ય મંત્રી બદલાયા પરંતુ અજિત પવાર એ વ્યક્તિ છે જેણે રવિવારે ત્રીજી વખત નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
2019માં નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓ પોતાના પક્ષ એનસીપીમાં પરત ફર્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસના ગઠબંધનની સરકારમાં તેમણે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
ત્યાર બાદ શિવસેનાના એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે બળવો કર્યો અને ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી. તેઓ મુખ્ય મંત્રી બન્યા અને મહારાષ્ટ્રમાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
હવે કૅબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો જેમાં અજિત પવારે ફરીથી બધાને ચોંકાવી દીધા.
કોણ છે અજિત પવાર?
લોકો વચ્ચે 'દાદા' તરીકે જાણીતા અજિત પવારનું આખું નામ અજિત અનંતરાવ પવાર છે અને તેઓ મહારાષ્ટ્રના બારામતી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. 63 વર્ષીય અજિત પવાર NCP પ્રમુખ શરદ પવારના ભત્રીજા છે.
વર્ષ 1991માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ છ મહિના બાદ તેમણે કાકા શરદ પવાર માટે પોતાની બેઠક છોડી દીધી હતી. તે સમયે નરસિમ્હા રાવની સરકારમાં શરદ પવારની સંરક્ષણમંત્રી તરીકે નિમણૂક થઈ હતી.
અજિત પવાર આ સાથે મહારાષ્ટ્રમાં પરત ફર્યા હતા અને બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે શરદ પવાર કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે તેમણે પોતાના ભત્રીજાને રાજ્યનાં ઘણાં ખાતાં સોંપ્યાં હતાં.
જોકે, 1999માં શરદ પવારે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રીયવાદી કૉંગ્રેસ પાર્ટી(NCP)નું નિર્માણ કર્યું હતું. અજિત પવારે પણ પોતાના કાકાનો સાથ આપ્યો અને NCPમાં જોડાયા.
40 વર્ષની વયે અજિત પવાર કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં સૌથી યુવાન કૅબિનેટ મંત્રી બન્યા હતા અને સિંચાઈ મંત્રાલય સંભાળ્યું હતું. અજિત પવારની ઇચ્છા હતી કે તેઓ એક દિવસ ઉપમુખ્ય મંત્રીનું પદ સંભાળે. તેમની આ ઇચ્છા વર્ષ 2010માં પૂર્ણ થઈ હતી. પરંતુ સિંચાઈ યોજના કૌભાંડમાં અજિત પવારનું નામ સામે આવ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
શરદ પવારના મોટા ભાઈએ અને અજિત પવારના પિતાએ કરી મદદ
પવાર પરિવારનો રાજકીય વારસો શેતકરી કામગાર પક્ષથી ચાલતો આવ્યો છે. શરદ પવારનાં માતા શારદાબાઈ પવાર શેકપથી પુણેમાં સ્થાનિક બોર્ડનાં સભ્ય હતા. જોકે તેમના પુત્ર શરદ પવારે કૉંગ્રેસનો હાથ પકડ્યો અને બારામતીમાંથી 1967માં રાજકારણમાં ઝંપલાવ્યું.
શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારે પોતાના નાના ભાઈની જીત માટે ઘણી મહેનત કરી હતી. અનંતરાવે શરદ પવાર માટે ચૂંટણીપ્રચાર પણ કર્યો. શરદ પવાર પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા અને મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા.
પ્રથમ વખત 1967માં ધારાસભ્ય બનનાર શરદ પવાર આગળ જતાં રાજ્યસ્તરના મંત્રી બન્યા અને પછી રાજ્યની કૅબિનેટ મંત્રી તરીરે સરકારમાં સામેલ થયા, 1978માં તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા.
જોકે શરદ પવારના પરિવારમાંથી તેમની પેઢીના કોઈ પણ સભ્ય રાજકારણમાં નહોતા આવ્યા. શરદ પવાર પછી, પવાર પરિવારમાંથી રાજકારણમાં જો કોઈએ પ્રવેશ કર્યો તો તે હતા અજિત પવાર.
અજિત પવાર બારામતીથી 1991માં સીધા લોકસભા માટે ચૂંટાયા હતા. બારામતી પવાર પરિવારનો ગઢ માનવામાં આવે છે. અજિત પવારના પિતા અનંત પવારે એક સમયે બારામતી વિધાનસભા બેઠક પરથી શરદ પવાર માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો જે આ જ નામની લોકસભા બેઠકનો એક ભાગ હતી.
આ રીતે બારામતી વિધાનસભા બેઠકથી કાકા શરદ પવારની શરૂ થયેલી સફર ભત્રીજા અજિત પવારના બારામતી લોકસભા બેઠક પરથી સાંસદ બનવા સુધી પહોંચી હતી.
લોકસભાથી શરૂ થઈ રાજકારણની સફર
લોકસભાથી અજિત પવારે રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. પરંતુ ત્યાર પહેલાં 1982માં જ તેમણે રાજકારણના વર્તુળોમાં પોતાની હાજરી પૂરાવાનું શરૂ કર્યું હતું. જેમકે, શુગર મિલ્સના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં સામેલ થવું, કારણ કે અહીં પણ રાજકારણ થતું હોય છે. ભલે તે મુખ્ય ધારાનું રાજકારણ ન હોય પરંતુ 1991માં તેમના ચૂંટણી લડવાનો પાયો અહીંથી નખાયો હતો.
1991માં અજિત પવારે પોતે લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળવા પાછળની કહાણી મરાઠી અખબાર દૈનિક સકાળમાં સંભળાવી હતી. એનસીપીનો ત્યારે જન્મ નહોતો થયો. પવાર પણ પોતે સમાજવાદી કૉંગ્રેસમાંથી વાસ્તવિક કૉંગ્રેસમાં પરત ફર્યા હતા. રાજીવ ગાંધીએ ત્યારે કૉંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. અને લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી ચાલી રહી હતી.
મહારાષ્ટ્રમાં બે બેઠકો છોડીને બધી જ બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા હતા. બારામતી અને કરાડ (સતારા) માટે પાછળથી ઉમેદવારો પસંદ કરાયા જે હતા બારામતીથી અજિત પવાર અને કરાડથી પૃથ્વીરાજ ચવ્હાણ.
બંને ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા. બંને એકસાથે સાંસદ તરીકે સફરની શરૂઆત કરી. લગભગ 20 વર્ષ પછી પવાર-ચવ્હાણ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે સરકારમાં આવ્યા. 1991માં દેશના રાજકીય માહોલ ધ્યાનમાં રાખીએ તો અજિત પવારની રાજકીય સફરને વધારે સારી રીતે સમજી શકાય.
શરદ પવાર માટે લોકસભા બેઠકનો ત્યાગ
તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ પાંચ વર્ષ માટે વડા પ્રધાનની જવાબદારી રાજીવ ગાંધી પાસે આવી જેઓ રાજકારણમાં સ્થિર થવાના પ્રયાસ કરી રહ્યા હતા.
1978માં કૉંગ્રેસ છોડી ચૂકેલા શરદ પવાર રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસમાં પરત ફર્યા અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા.
ત્યાર બાદ 1990ના વર્ષથી દેશના રાજકારણમાં ભારે ઊથલપાથલનો સમય હતો.
કેન્દ્રમાં વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારો એક પછી એક પડી ગઈ. આ દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને પછી કૉંગ્રેસની સરકારનું સુકાન પી.વી.નરસિંહા રાવના હાથમાં આવ્યું. નરસિંહા રાવે શરદ પવારને આમંત્રણ આપ્યું અને તેમને સંરક્ષણ મંત્રાલય સોંપ્યું.
કેન્દ્ર સરકારમાં મંત્રી બનવા માટે લોકસભામાં સાંસદ હોવું જરૂરી હતું. શરદ પવાર માટે સુરક્ષિત લોકસભા બેઠક બારામતી હતી જ્યાંથી અજિત પવાર ત્રણ ચાર મહિના પહેલાં જ ચૂંટાયા હતા. જોકે પોતાના કાકા શરદ પવાર માટે અજિત પવારે રાજીનામું આપીને બેઠક ખાલી કરી હતી.
દિલ્હી રહેવા ગયેલા અજિત પવાર ત્રણ -ચાર મહિનામાં જ પરત ફર્યા અને બારામતીથી 1991માં જ મહારાષ્ટ્ર વિધાનસભામાં પહોંચ્યા. અજિત પવાર 1991થી અત્યાર સુધી એટલે કે 32 વર્ષથી બારામતીથી ધારાસભ્ય છે. તેઓ સાત વખત અહીંથી ધારાસભ્ય ચૂંટાયા છે.
વરિષ્ઠ પત્રકાર ઉદ્ધવ ભડસરકરે અજિત પવારને શરૂઆતના દિવસોથી નજીકથી જોયા છે. અજિત પવારની કામગિરીની સ્ટાઇલ વિશે તેઓ કહે છે, ધારાસભ્ય બન્યા બાદ પણ, તેઓ પિંપરી ચિંચવાડ વિસ્તારની મુલાકાત રહેતા હતા.. તે સમયે આ વિસ્તાર બારામતી લોકસભા સંસદીય બેઠકનો ભાગ હતો. કૉંગ્રેસ નેતા રામકૃષ્ણ મોરેનો ત્યાં પ્રભાવ હતો. અને અજિત પવારે આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું.
"એ સમયે કૉંગ્રેસમાં અનેક ટોપીવાળા નેતાઓ હતા. ટોપીવાળા એટલે કૉંગ્રેસના જૂના નેતાઓ અને કાર્યકરો. અજિત પવાર યુવાનોને મહત્ત્વ આપવા લાગ્યા. જગતાપના જૂથને મહત્ત્વ આપવામાં આવ્યું. અજિત પવારે પિંપરી ચિંચવાડ અને બારામતીમાં યુવા નેતાઓને હોદ્દેદાર બનાવવાનું શરૂ કર્યું.
"અત્યારે જે ગતિએ અજિત પવાર કામ કરે છે ત્યારે પણ તેઓ આવી જ રીતે કામ કરતા. તેઓ નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી આપતા. તેમના ભાઈ શ્રીનિવાસ પવાર તેમની સાથે રહેતા."
પવારના રાજકારણની સ્ટાઇલ શીખી
શરદ પવાર માટે લોકસભા બેઠક ખોલી કર્યા બાદ અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થયા. તેમની સફર બારામતી વિધાનસભા બેઠકથી શરૂ કરી.
એ સમયે મહારાષ્ટ્રમાં સુધાકર રાવ નાઇક મુખ્ય મંત્રી હતા. અજિત પવાર ધારાસભ્ય બન્યા અને તેમને સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા. તેમને કૃષિ મંત્રાલયમાં પદભાર સોંપવામાં આવ્યો હતો.
થોડા જ સમયમાં રાજકીય ઊથલપાથલ થવા પામી, કારણ હતું બાબરી મસ્જિદ વિધ્વંસ.
બાબરી મસ્જિદના વિધ્વંસ, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલાં રમખાણો અને શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટે મહારાષ્ટ્ર અને મુંબઈને હચમચાવી નાખ્યા હતા. તત્કાલીન ડા પ્રધાન પી.વી. નરસિંહા રાવે ફરીથી અનુભવી નેતા શરદ પવારને મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બનાવ્યા. જોકે શરદ પવારે આ વખતે વિધાન પરિષદનો રસ્તો અપનાવ્યો.
શરદ પવારે શપથ લીધા અને નવા કૅબિનેટની જાહેરાત કરી હતી, અજિત પવારને ઊર્જામંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા.
1995માં કૉંગ્રેસ મહારાષ્ટ્રમાંથી સત્તા હારી ગઈ અને શિવસેના-ભાજપ ગઠબંધન સત્તામાં આવ્યું. ત્યાર બાદ શરદ પવાર સાંસદ બન્યા અને પાછા દિલ્હી ગયા. અજિત પવારે રાજ્યનું રાજકારણ પસંદ કર્યું અને મહારાષ્ટ્રમાં જ રહ્યા.
વરિષ્ઠ પત્રકાર કિરણ તારે એક લેખ લખ્યો 'નારાજ અજિત પવાર કેમ પક્ષ પલટો કરે છે'. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત આ લેખમાં તેમણે લખ્યું છે કે 'શરદ પવાર દિલ્હી ગયા બાદ અજિત પવારે બારામતી સંભાળ્યું અને કૉંગ્રેસનું અહીંયા પ્રભુત્વ વધતું ગયું. તેમણે પુણેના ગ્રામ્ય વિસ્તાર પર ભાર મૂક્યો. પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી અને અપ્રત્યક્ષ રીતે દર્શાવી દીધું કે તેઓ જ શરદ પવારના વારસદાર છે.'
તો શું 2004માં અજિત પવાર મુખ્ય મંત્રી બનતા રહી ગયા...
2004માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને એનસીપીએ સાથે ઝંપલાવ્યું હતું. કૉંગ્રેસને 69 બેઠકો મળી હતી અને એનસીપીને 71 બેઠકો મળી હતી. એનસીપીને મુખ્ય મંત્રીપદ મળવાની આશા હતી પરંતુ મુખ્ય મંત્રી બન્યા કૉંગ્રેસ નેતા વિલાસરાવ દેખમુખ બન્યા.
એનસીપીને મુખ્ય મંત્રીપદ મળ્યું હોત તો છગન ભૂજબળ, આર.આર.પાટીલ, વિજયસિંહ મોહિતે પાટીલ અને સૌથી વધુ જેમના મુખ્ય મંત્રી બનવાની સંભાવના હતી તે અજિત પવાર હતા. પરંતુ શરદ પવારના રાજકીય ગણિતને કારણે એનસીપીને મુખ્ય મંત્રીપદ નહોતું મળ્યું. પરંતુ અજિત પવારે અપ્રત્યક્ષ રીતે આની પર નારાજગી વ્યક્ત કરી હતી.
લોકમત અખબારના વિદર્ભ એડિશનના ઍક્ઝેક્યુટિવ એડિટર શ્રીમંત માનેએ કહ્યું, "અજિત પવાર 2004માં મુખ્ય મંત્રી બની શક્યા હોત. કારણ કે કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે નક્કી થયેલી ફૉર્મ્યુલા પ્રમાણે મુખ્ય મંત્રીનું પદ એનસીપીને મળવું જોઈતું હતું. જો ફૉર્મ્યુલા પ્રમાણે બધું થયું હોત તો અજિત પવાર મુખ્ય મંત્રી બન્યા હોત પરંતુ રાજકીય ગણિતને કારણે આવું ન થઈ શક્યું."
સુપ્રિયા સુલેની રાજકારણમાં એન્ટ્રી
2006માં પવાર પરિવારનાં વધુ એક સભ્યની રાજકારણમાં એન્ટ્રી થઈ, તે હતાં સુપ્રિયા સુલે. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેએ 2006માં રાજ્યસભાથી રાજકારણમાં પ્રવેશ કર્યો.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે કહે છે કે , "2004માં અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે વધુ પ્રતિસ્પર્ધા નહોતી. જોકે પછી સુપ્રિયા સુલેએ કામ શરૂ કર્યું અને તેઓ વધુ દેખાતાં થયાં. એજ સમયે અજિત પવારનું પણ પાર્ટીમાં પ્રભુત્વ વધતું રહ્યું. એટલે હવે તેમની વચ્ચે સ્પર્ધા વધે તે સ્વાભાવિક છે."
2006માં સુપ્રિયા સુલે અજિત પવારનાં પ્રતિસ્પર્ધી નહોતાં પરંતુ 2009માં લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુલેને એ વિસ્તારમાંથી ટિકિટ મળી જ્યાં અજિત પવાર કામ કરતા હતા. ત્યાર બાદ મીડિયામાં સુપ્રિયા સુલે અને અજિત પવાર વચ્ચે સ્પર્ધાની ચર્ચા થવા લાગી. જોકે પવાર પરિવારનાં આ બંને નેતાઓ એકાબીજા સાથે કોઈ પણ પ્રકારની સ્પર્ધાની વાતથી ઇનકાર કરતાં રહ્યાં છે.
તેઓ કહે છે કે, શરદ પવારના વારસની વાત થાય ત્યારે કેટલાક રાજકીય વિશ્લેષકો આ બંને નેતાઓમાંથી એકનું જ નામ લેતા હતા.
એટલે અજિત પવારની રાજકીય કારકિર્દીમાં સુપ્રિયા સુલેનું રાજકારણમાં આવવું એ મહત્ત્વનો વળાંક હતો.
સિંચાઈ યોજના કૌભાંડ
અજિત પવાર પર લાગેલા આરોપની વાત કરવામાં આવે તો, તેમના પર આરોપ હતો કે તેમણે સિંચાઈમંત્રી તરીકે પરિયોજનાઓને મંજૂરી આપવામાં અનિયમિતતા વર્તી હતી અને તેમણે 38 પરિયોજનાઓને ગેરકાયદેસર રીતે મંજૂરી આપી હતી.
તેમના પર એવો આરોપ પણ હતો કે તેમણે ગેરકાયદેસર રીતે મનમાની કરીને બજેટમાં વધારો કર્યો હતો.
પવાર પર સવાલ ઊઠ્યા કે વર્ષ 2009માં જાન્યુઆરીથી માંડીને ઑગસ્ટ દરમિયાન 20 હજાર કરોડની પરિયોજનાઓને ઉતાવળમાં કેમ મંજૂરી આપી.
આ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના રાજીનામાની માગ ઊઠવા લાગી હતી જ્યારબાદ તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. જોકે, ત્યારબાદ તેમને ફરીથી ઉપમુખ્ય મંત્રી પદ મળી પણ ગયું હતું.
વિવાદ અને અજિત પવાર
અજિત પવારનું નામ આવે ત્યારે ઘણા વિવાદ પણ સામે આવે છે જે એક સમયે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી તરીકે એક સમયે અજિત પવારે મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેની ખૂબ ટીકા થઈ હતી.
અજિત પવારે કહ્યું હતું કે 'એક વ્યક્તિ 55 દિવસથી ડૅમમાંથી પાણી છોડવાની વાત કરે છે. ઉપવાસ કરે છે, શું તેને પાણી મળી ગયું? જ્યારે પાણી જ નથી તો ક્યાંથી છોડીએ, શું પેશાબ કરી દઈએ?'
આ સિવાય વીજળી મામલે પણ એક વખત અજિત પવારે વિવાદીત નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, "રાત્રે બે વાગ્યે વીજળી કાપી નાખવામાં આવે છે. આજકાલ રાત્રે વધારે બાળકો જન્મ લઈ રહ્યાં છે. વીજળી નહીં હોય તો લોકો શું કરશે."
અજિત પવારના આ નિવેદનની ભાજપ અને શિવસેનાએ નિંદા કરી હતી.
રાજ ઠાકરેએ તો અજિત પવારની ટીકા કરતા કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.
વર્ષ 2014માં અજિત પવાર પોતાનાં પિતરાઈ બહેન સુપ્રિયા સુલે માટે બારામતીના એક ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
તેમણે ગ્રામજનોને ધમકી આપી હતી કે જો તેઓ સૂલેને મત નહીં આપે, તો તેમનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.