You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓનલાઇન શિક્ષણમાં ટોચનું નામ ગણાતી ‘બાયજુસ’ કંપની સંકટમાં કેમ ફસાઈ ગઈ?
- લેેખક, અંશુલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વભરની કંપનીઓમાં રોકાણ કરનાર ગ્રૂપ 'પ્રોસસે' ભારતની ઍડટેક સ્ટાર્ટ-અપ કંપની બાયજુસનું 'વેલ્યૂએશન' (કંપનીનું મૂલ્ય) ઘટાડીને 5.1 બિલિયન ડૉલર કરી નાખ્યું છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના જણાવ્યા અનુસાર નૅધરલૅન્ડ્સમાં સૂચિબદ્ધ વિશ્વના સૌથી મોટા ટેકનૉ્લોજી રોકાણકાર પ્રોસસે બાયજુસનું 'વેલ્યૂએશન' 22 બિલિયન ડૉલરથી ઘટાડીને 5.1 બિલિયન ડૉલર કર્યું છે. આંકડાની દૃષ્ટિએ જોઇએ તો આ ઘટાડો 75 ટકાથી વધુનો છે.
'પ્રોસસ' ગ્રુપ બાયજુસમાં સૌથી મોટું રોકાણકાર છે. રૉઇટર્સ અહેવાલ આપે છે કે, 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, પ્રોસસે બાયજુસમાં તેના 9.6 ટકા હિસ્સાનું મૂલ્ય ઘટાડીને $493 મિલિયન ડૉલર્સ કર્યું છે.
બાયજુ રવીન્દ્રન દ્વારા 2011માં સ્થાપિત કંપની બાયજુસ માટે અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. કંપની ભારતમાં છટણી કરી રહી છે અને લૉનને લઈને વિદેશમાં કાયદાકીય લડાઈ લડી રહી છે.
‘બાયજુસ’માં શું ચાલી રહ્યું છે?
થોડા દિવસો પહેલાં જ 'ડૅલોઇટ હાસ્કિન્સ ઍન્ડ સૅલ્સ'એ બાયજુસના ઑડિટરના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે 2025 સુધી બાયજુસનું ઑડિટ કરવાનું હતું.
ડૅલોઈટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે કંપનીનું ઑડિટ કરવામાં સક્ષમ નથી કારણ કે તેમને વર્ષ 2021-22 માટેનાં નાણાકીય વિવરણો મળ્યાં ન હતાં.
બાયજુસને લખેલા પત્રમાં ડૅલોઈટ હાસ્કિન્સ ઍન્ડ સૅલ્સે જણાવ્યું હતું કે, "અમને આજ સુધી ઑડિટ પર કોઈ સૂચનાઓ મળી નથી. તેના કારણે ઑડિટ ધારાધોરણો અનુસાર ઑડિટનું આયોજન, ડિઝાઇન અને કામ કરવા તથા તેને પૂર્ણ કરવાની અમારી ક્ષમતા પર નોંધપાત્ર અસર પડશે. તેને ધ્યાનમાં રાખીને, અમે તાત્કાલિક કંપનીના સ્ટૅચ્યુટરી ઑડિટર તરીકે અમારું રાજીનામું આપીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉઇટર્સના જણાવ્યા અનુસાર ઑડિટરના ગયા પછી કંપનીએ રોકાણકારોને કહ્યું છે કે તે તેની 2022ની કમાણી આ વર્ષે સપ્ટેમ્બરમાં અને 2023ની કમાણી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરશે.
હાલમાં કંપનીને નવો ઑડિટર મળી ગયો છે. કંપનીએ બીડીઓ (એમએસકે ઍન્ડ ઍસોસિએટ્સ) ને પાંચ વર્ષ માટે ઑડિટર તરીકે નિયુક્ત કર્યા છે.
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ બિઝનેસ લાઇન'ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાયજુસના કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ કંપની પર EPF જમા ન કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે કંપની પગારમાંથી દર મહિને પીએફ કાપી લે છે, પરંતુ આ રકમ 'ઍમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ' (ઈપીએફ) ખાતામાં જમા કરાવી રહી નથી.
રિપોર્ટ સામે આવ્યા બાદ, બાયજુસની પૅરેન્ટ કંપની 'થિંક ઍન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડે' ઑગષ્ટ 2022થી મે 2023 સુધીના 10 મહિના માટે EPF ચૂકવ્યું છે.
આ ચૂકવણીમાં રૂ. 123.1 કરોડ જમા કરવામાં આવ્યા હતા જ્યારે કંપનીએ બાકીના રૂ. 3.43 કરોડ થોડા દિવસોમાં ચુકવવાનું કહ્યું છે.
ગયા અઠવાડિયે અંગ્રેજી અખબાર 'ધ ઇકૉનોમિક ટાઈમ્સ'ના અહેવાલમાં કંપનીના બોર્ડમાંથી ત્રણ ડિરેક્ટરોનાં રાજીનામાંની પુષ્ટિ થઈ હતી.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પીક ઍક્સવી પાર્ટનર્સના જીવી રવિશંકર, ચૅન ઝકરબર્ગના વિવિયન વુ અને પ્રોસસના રસેલ ડ્રૅસેનસ્ટૉકે બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
જોકે બાયજુસ દ્વારા આવા પ્રકારના તમામ અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે.
બાયજુસે કહ્યું છે કે, “તાજેતરના મીડિયા અહેવાલોમાં બાયજુસના બૉર્ડના સભ્યોનાં રાજીનામાંનો અહેવાલ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બાયજુસ આ દાવાઓને સખત રીતે નકારી કાઢે છે અને મીડિયાને અનવૅરીફાઇડ માહિતી ફેલાવવા અને પાયાવિહોણી અટકળોમાં સામેલ થવાથી દૂર રહેવાની વિનંતી કરે છે.”
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાયજુસના સ્થાપકો શૅરધારકોને જતાં અટકાવવા માટે રોકાણકારો પાસેથી ફંડ એકઠું કરવામાં લાગેલા છે.
અમેરિકન મીડિયા સંસ્થાન 'બ્લૂમબર્ગ'ના અહેવાલ અનુસાર, બાયજુસ એક અબજ ડૉલરનું ભંડોળ એકત્ર કરવાના પ્રયાસમાં નવા શૅરધારકો સાથે વાતચીતના છેલ્લા રાઉન્ડમાં છે.
કેટલાક રોકાણકારોના કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રનનું નિયંત્રણ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને કંપની રોકવાનો પ્રયાસ કરી રહી છે.
અંગ્રેજી અખબાર 'મિન્ટ'માં છપાયેલા અહેવાલ મુજબ આ વર્ષે જૂન મહિનામાં લગભગ એક હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અગાઉ બાયજુસે ગયા વર્ષે ત્રણ હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. હાલમાં કંપનીમાં લગભગ પચાસ હજાર લોકો કામ કરી રહ્યા છે.
આ સિવાય બાયજુસ અમેરિકી કોર્ટમાં કાયદાકીય લડાઈ પણ લડી રહી છે.
અમેરિકામાં બાયજુસે 1.2 બિલિયન ડૉલરની લૉન અંગે ન્યૂયૉર્ક સુપ્રીમ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. કંપનીએ આ લોનની ચુકવણી કરવાની હતી, પરંતુ કંપની હાલમાં ચૂકવણી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.
બાયજુ રવીન્દ્રન કહે છે કે તેમની ધિરાણકર્તા રેડવુડ કંપની દ્વારા ટર્મ લૉન B (TLB) ની ચૂકવણી ઝડપી બનાવવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે બાયજુસે ખૂબ પ્રગતિ કરી
માર્ચ 2020 માં કોરોનાને કારણે ભારતમાં દેશવ્યાપી લૉકડાઉન હતું. શાળા-કૉલેજથી લઈને દુકાનો અને ઓફિસો બધું જ બંધ હતું. આ સમય દરમિયાન લોકોની દુનિયા તેમના ઘર અને ઇન્ટરનેટ સુધી જ સીમિત હતી. જ્યારે આ મહામારીને કારણે શાળાઓ બંધ થઈ ગઈ, ત્યારે બાળકોએ ઑનલાઈન ઍડટેક કંપનીઓમાં પ્રવેશ લેવાનું શરૂ કર્યું અને પછી અચાનક બાયજુસની પ્રગતિ થવા લાગી.
કંપનીએ એક વર્ષમાં જ બજારમાંથી એક અબજ ડૉલરથી વધુ પૈસા એકત્ર કર્યા. આ પૈસાથી કંપનીએ તેના એક ડઝન પ્રતિસ્પર્ધીઓને હસ્તગત કરી લીધા અને તેમને બજારમાંથી દૂર કર્યા. તેમાં સ્પર્ધાત્મ પરીક્ષાઓ સહિતના કૉચિંગ ક્લાસ ચલાવતી કૉચિંગ ઇન્સ્ટિટ્યૂટ કંપની 'આકાશ' સહિત ગ્રૅટ લર્નિંગ પ્લૅટફૉર્મ અને વ્હાઇટ હૅટ જુનિયર જેવા અધિગ્રહણનો સમાવેશ પણ થાય છે.
આમ કરવાથી કંપની એક 'અમ્બ્રેલા હૉલ્ડિંગ કંપની' બની ગઈ છે જે બાળકોને કૉડિંગ ક્લાસથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સુધી બધું જ શીખવે છે.
જોકે, જાહેરાત પર ખર્ચ કરવામાં પણ કંપની પાછળ રહી નથી. એક સમયે બાયજુસ કદાચ ભારતમાં ટીવી ચૅનલો પર સૌથી વધુ જોવા મળતી બ્રાન્ડ હતી.
બોલીવૂડ ઍક્ટર શાહરૂખ ખાન કંપનીના બ્રાન્ડ ઍમ્બેસેડર છે. જ્યારે હૃતિક રોશન બાયજુસના કૉડિંગ પ્લૅટફોર્મ વ્હાઇટ હૅટ જુનિયરના બ્રાન્ડ ઍમ્બેસેડર હતા.
કંપની આટલેથી ન અટકી અને પછી નવેમ્બર 2022માં છટણીના માહોલમાં પણ બાયજુસે પ્રખ્યાત ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીને ગ્લૉબલ બ્રાન્ડ ઍમ્બેસેડર બનાવ્યા. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ (BCCI), આઇસીસી અને FIFA (ફૂટબૉલ સંસ્થા ફીફા) સાથે પણ બ્રાન્ડિંગ પાર્ટનરશિપ કરવામાં આવી હતી.
બાયજુસ લગભગ ત્રણ વર્ષ સુધી BCCIનું મુખ્ય સ્પૉન્સર હતું અને FIFA વર્લ્ડ કપ 2022ને સ્પૉન્સર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. હાલમાં, બાયજુસે ત્રણેય સંસ્થાઓ સાથે તેની બ્રાન્ડિંગ પાર્ટનરશિપ સમાપ્ત કરી દીધી છે.
મુશ્કેલીમાં કેમ મૂકાયું છે બાયજુસ?
બીબીસીએ બાયજુસ વિશે વધુ જાણવા માટે પત્રકાર અને રિસર્ચ કંપની 'મૉર્નિંગ કોન્ટેક્સ્ટ'ના સહ-સ્થાપક પ્રદીપ સાહા અને 'ઍન્જલ ઇન્વેસ્ટર બિઝનેસ મૉડલ'ના ટીકાકાર ડૉ. અનિરુદ્ધ માલપાણી સાથે વાત કરી, જે સતત સંઘર્ષ કરી રહી છે.
પ્રદીપ સાહા કહે છે કે બાયજુસમાં જે કંઈ થઈ રહ્યું છે તે અચાનક નથી બન્યું.
પ્રદીપ કહે છે, "એક સામાન્ય ધારણા છે કે બાયજુસ ઝડપથી વિકસ્યું અને તેણે સારું પ્રદર્શન કર્યું. આપણે ખાતરીપૂર્વક એ વાત જાણતા નથી કે આવું જ થયું છે. હા, આ સમય દરમિયાન કંપનીએ સબ્સ્ક્રિપ્શનની વધતી સંખ્યા બતાવીને ઘણું ભંડોળ ભેગું કર્યું. કંપનીએ કોરોના મહામારીમાં પણ સારો દેખાવ કર્યો હોવાનો એકત્ર કરેલાં નાણાં સિવાય કોઈ પુરાવો નથી.”
સાહા સમજાવે છે, “ઉદાહરણ તરીકે, જો આપણે નાણાકીય વર્ષ 2020-21ની કમાણી જોઈએ તો ખબર પડશે કે આવક સ્થિર રહી છે પણ ખાધ 19 ગણી વધી છે. બાયજુસમાં રોકડ પ્રવાહ (કૅશ ફ્લો)ની સમસ્યા છે."
સાહા કહે છે, "કંપની તેની 'ટર્મ લોન બી' ના ધિરાણકર્તાઓ સાથે કાયદાકીય લડાઈમાં ફસાયેલી છે અને બિઝનેસ ધીમો છે. જ્યાં સુધી કંપની તેના નાણાકીય વર્ષ 2022 અને 2023ના રિપોર્ટ ફાઇલ નહીં કરે ત્યાં સુધી આપણને તેની સ્થિતિનો તાગ નહીં મળે."
બીજી તરફ ડૉ.અનિરુદ્ધ માલપાણીનું કહેવું છે કે, ગ્રાહકો અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક એ કંપનીની ખરાબ થઇ રહેલી પરિસ્થિતિનું મુખ્ય કારણ છે.
ડૉ. અનિરુદ્ધ કહે છે, “બાયજુસ માટે શરૂઆતથી જ આવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હતું. તેણે બજારમાંથી સતત પૈસા એકઠા કર્યા. જો તેમની પાસે પૈસા ન હોત તો તેઓ પહેલાં જ ઍક્સપોઝ થઈ ગયા હોત. ઘણા કિસ્સાઓમાં ગ્રાહકોને પૈસા પરત કરવામાં આવ્યા ન હતા અને કર્મચારીઓને મશીન બનાવી દેવામાં આવ્યા હતા.”
તેઓ કહે છે, “મને લાગે છે કે આ ઘટનાનાં પરિણામો સારાં અને ખરાબ બંને છે. ખરાબ વાત એ છે કે તે એક મોટી ઍડટેક સ્ટાર્ટઅપની દુઃખદ વાર્તા બનીને રહી ગઈ છે. સારી વાત એ છે કે લોકો તેમાંથી બોધપાઠ લેશે અને વૅલ્યૂએશન પર ધ્યાન આપવાને બદલે વૅલ્યૂ પર ધ્યાન કરશે.”
બાયજુસ પાસે કયા વિકલ્પો છે?
ઉકેલના પ્રશ્ન પર પ્રદીપ સાહાનું માનવું છે કે જો કંપની નફો મેળવવામાં સફળ થશે, તો તે ચોક્કસપણે પુનરાગમન કરશે.
પ્રદીપ કહે છે, “બાયજુસ તેની મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશે કે નહીં તે વાત ઘણાં પરિબળો પર આધારિત છે. પ્રથમ તેઓ અમેરિકામાં ટર્મ લૉન બીની કટોકટી કેવી રીતે ઉકેલી શકે છે. બીજું, વૅન્ચર કેપિટલ (VC) ફંડ મારફતે તેઓ વધુ નાણાં એકત્ર કરી શકે છે કે નહીં. ત્રીજું, તેઓ કેટલી ઝડપથી નફો કરવાની સ્થિતિમાં પહોંચે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ આકાશનો IPO કેટલી જલદી લાવી શકે.”
ડૉ.અનિરુદ્ધ માલપાણી કહે છે કે બાયજુસ હોય કે અન્ય કોઈ ઍડટેક સ્ટાર્ટઅપ જો તેઓ તેમના રોકાણકારોને બદલે ગ્રાહકને પ્રાથમિકતા આપે તો ઍડટેક સ્ટાર્ટઅપ ચોક્કસપણે સફળ થશે.
ડૉ. અનિરુદ્ધ કહે છે, “જેમ કહેવાય છે તેમ ભવિષ્ય તો અણધાર્યું અને અનિશ્ચિત છે. બાયજુસ પાસે પોતાનો મૂળ વિચાર જ ન હતો. બાયજુસ પહેલાં અનઍકેડમી એક સ્થાપિત બ્રાન્ડ હતી.”
“હાલમાં ભારતમાં શિક્ષણ પ્રણાલી પૈસા કમાવવાનું મશીન બની ગઈ છે. તેથી જ હું આશા રાખું છું કે સૉશિયલ ઍડટેક આંત્રપ્રેન્યોરશિપમાં હજુ પણ આગળ વધવાની તકો છે અને જો અન્ય ઍડટેક કંપનીઓ આ દિશામાં વિચારે તો તે વધુ સારું રહેશે.”
બંને નિષ્ણાંતો પ્રદીપ સાહા અને અનિરુદ્ધ માલપાણી એક વાત પર સમાન અભિપ્રાય ધરાવે છે કે બાયજુસે આ કટોકટીમાંથી બહાર આવવા માટે રોકાણકારો તેમજ ગ્રાહકોનો પણ વિશ્વાસ જીતવો પડશે.