અજિત પવાર : એ નેતા જેમણે મહારાષ્ટ્રની રાજનીતિને એક રાતમાં પલટી નાખી

22 નવેમ્બરની રાત સુધી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવાની વાત ચાલી રહી હતી અને અચાનક 23 નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે તેમજ NCPના નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.

આ સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં વળાંક આવ્યો છે.

આ ઘટનાક્રમ સાથે રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને કોઈ સમજી ન શક્યું કે આખરે રાતોરાત એવું શું થઈ ગયું કે NCP નેતા અજિત પવારે ભાજપને સમર્થન આપી દીધું.

આ આખા ઘટનાક્રમમાં અજિત પવાર સૌથી મોટા ખેલાડી મનાઈ રહ્યા છે અને તેમને લઈને ચર્ચાઓ થવા લાગી છે.

શપથવિધિ બાદ શરદ પવારે ટ્વીટ કરીને માહિતી આપી કે ભાજપમાં જવાનો અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે અને અજિત પવારના આ નિર્ણયને પાર્ટીનું સમર્થન નથી.

તેવામાં એવી આશંકાઓ ઊભી થઈ છે કે હવે કેટલા ધારાસભ્યો અજિત પવારને સમર્થન આપશે?

કોણ છે અજિત પવાર?

લોકો વચ્ચે 'દાદા' તરીકે જાણીતા અજિત પવારનું આખું નામ અજિત અનંતરાવ પવાર છે અને તેઓ મહારાષ્ટ્રના બારામતી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.

60 વર્ષીય અજિત પવાર NCP પ્રમુખ શરદ પવારના ભત્રીજા છે.

વર્ષ 1991માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ છ મહિના બાદ તેમણે કાકા શરદ પવાર માટે પોતાની બેઠક છોડી દીધી હતી. તે સમયે નરસિમ્હા રાવની સરકારમાં શરદ પવારની સંરક્ષણમંત્રી તરીકે નિમણૂક થઈ હતી.

અજિત પવાર આ સાથે મહારાષ્ટ્રમાં પરત ફર્યા હતા અને બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.

જ્યારે શરદ પવાર કૉંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે તેમણે પોતાના ભત્રીજાને રાજ્યનાં ઘણાં ખાતાં સોંપ્યાં હતાં.

જોકે, 1999માં શરદ પવારે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમણે પોતાની પાર્ટી રાષ્ટ્રીયવાદી કૉંગ્રેસ પાર્ટી(NCP)નું નિર્માણ કર્યું હતું. અજિત પવારે પણ પોતાના કાકાનો સાથ આપ્યો અને NCPમાં જોડાયા.

40 વર્ષની વયે અજિત પવાર કૉંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં સૌથી યુવાન કેબિનેટ મંત્રી બન્યા હતા અને સિંચાઈ મંત્રાલય સંભાળ્યું હતું.

અજિત પવારની ઇચ્છા હતી કે તેઓ એક દિવસ ઉપમુખ્ય મંત્રીનું પદ સંભાળે. તેમની આ ઇચ્છા વર્ષ 2010માં પૂર્ણ થઈ હતી.

પરંતુ સિંચાઈ યોજના કૌભાંડમાં અજિત પવારનું નામ સામે આવ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પવારે સ્થિર સરકાર માટે સમર્થન આપ્યું કે સત્તા માટે?

હાલ અજિત પવાર ફરી રાજ્યના ઉપમુખ્ય મંત્રી બન્યા છે.

શપથવિધિ બાદ અજિત પવારે કહ્યું હતું, "મહારાષ્ટ્રમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેને ઘણા દિવસ થઈ ગયા હતા અને સરકાર ન બનવાના કારણે લોકોને સમસ્યા થઈ રહી હતી."

"રાજ્યમાં ઘણી સમસ્યાઓ છે. ખાસ કરીને ખેડૂતોની. જો મળીને સ્થાયી સરકાર બને છે તો તે મહારાષ્ટ્ર માટે સારું છે."

આ સમગ્ર મામલે બીબીસી મરાઠીના સંવાદદાતા શ્રીકાંત બંગાલેએ રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે અજિત પવારે આ પગલું સત્તા મેળવવા માટે ઉઠાવ્યું છે.

તેઓ કહે છે, "પહેલી વખત અજિત પવારે NCPને તોડી નાખી છે. તેમણે વિધાનસભા ચૂંટણી પહેલાં જ આના પર કામ ચાલુ કરી દીધું હતું."

"અજિત પવાર, સુનીલ તાત્કરે, ધનંજય મુંડે જેવા NCP નેતાઓને લાગ્યું કે જો તેમને રાજ્યમાં સત્તા જોઈએ છે, તો તેમણે ભાજપનું સમર્થન કરવું જોઈએ કેમ કે ભાજપનું કેન્દ્રમાં શાસન છે."

"અજિત પવાર અને તેમના સમર્થકોએ હંમેશાં સત્તા માટે રાજકારણ કર્યું છે અને આ જે નિર્ણય છે તે પણ માત્ર સત્તા માટે છે."

આ તરફ લોકમતના ઍસોસિએટ એડિટર સંદીપ પ્રધાને જણાવ્યું, "છેલ્લા એક મહિનાથી સરકારની રચના મામલે રાજ્યમાં ખેંચતાણ ચાલી રહી હતી. એ સ્પષ્ટ નહોતું કે કૉંગ્રેસ શિવસેનાને સમર્થન કરશે કે નહીં."

"ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે કે નહીં તે પણ સ્પષ્ટ નહોતું. આ દરમિયાન અજિત પવારે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. એવું લાગે છે કે તેમણે આ નિર્ણય સ્થિર સરકાર બનાવવા માટે લીધો છે."

વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમારેનું માનવું છે કે અજિત પવાર વિરુદ્ધ EDની તપાસના પગલે તેમણે આ પગલું ઉઠાવ્યું છે.

બીબીસી સંવાદદાતા શ્રીકાંત બંગાલે સાથેની વાતચીત દરમિયાન વિજય ચોરમારેએ કહ્યું, "સ્ટેટ કો-ઑપરેટીવ બૅન્ક વિવાદમાં અજિત પવારનું નામ સંડોવાયેલું છે. સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે."

"આ દરમિયાન ED અજિત પવાર વિરુદ્ધ તપાસ કરી રહી છે. એટલે અજિત પવારે ભાજપને સમર્થન આપવા પગલું ભર્યું છે."

"જોકે, અજિત પવારે હવે વિધાનસભામાં વિશ્વાસમત પ્રાપ્ત કરવો પડશે કે તેમની પાસે NCPનું સમર્થન છે."

"જ્યાં સુધી NCPના 2/3 ધારાસભ્યો તેમને સમર્થન નહીં આપે ત્યાં સુધી તેમનું પગલું કાયદેસર નહીં માનવામાં આવે. અજિત પવારને હાલ NCPના 54 ધારાસભ્યોમાંથી 36ના સમર્થનની જરૂર છે. આગળ હવે જોવું પડશે કે શું થાય છે."

સિંચાઈ યોજના કૌભાંડ

અજિત પવાર પર લાગેલા આરોપની વાત કરવામાં આવે તો, તેમના પર આરોપ હતો કે તેમણે સિંચાઈમંત્રી તરીકે પરિયોજનાઓને મંજૂરી આપવામાં અનિયમિતતા વર્તી હતી અને તેમણે 38 પરિયોજનાઓને ગેરકાયદેસર રીતે મંજૂરી આપી હતી.

તેમના પર એવો આરોપ પણ હતો કે તેમણે ગેરકાયદેસર રીતે મનમાની કરીને બજેટમાં વધારો કર્યો હતો.

પવાર પર સવાલ ઊઠ્યા કે વર્ષ 2009માં જાન્યુઆરીથી માંડીને ઑગસ્ટ દરમિયાન 20 હજાર કરોડની પરિયોજનાઓને ઉતાવળમાં કેમ મંજૂરી આપી.

આ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના રાજીનામાની માગ ઊઠવા લાગી હતી જ્યારબાદ તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. જોકે, ત્યારબાદ તેમને ફરીથી ઉપમુખ્ય મંત્રી પદ મળી પણ ગયું હતું.

વિવાદ અને અજિત પવાર

અજિત પવારનું નામ આવે ત્યારે ઘણા વિવાદ પણ સામે આવે છે જે એક સમયે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી તરીકે એક સમયે અજિત પવારે મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેની ખૂબ ટીકા થઈ હતી.

અજિત પવારે કહ્યું હતું કે 'એક વ્યક્તિ 55 દિવસથી ડૅમમાંથી પાણી છોડવાની વાત કરે છે. ઉપવાસ કરે છે, શું તેને પાણી મળી ગયું? જ્યારે પાણી જ નથી તો ક્યાંથી છોડીએ, શું પેશાબ કરી દઈએ?'

આ સિવાય વીજળી મામલે પણ એક વખત અજિત પવારે વિવાદીત નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "રાત્રે બે વાગ્યે વીજળી કાપી નાખવામાં આવે છે. આજકાલ રાત્રે વધારે બાળકો જન્મ લઈ રહ્યાં છે. વીજળી નહીં હોય તો લોકો શું કરશે."

અજિત પવારના આ નિવેદનની ભાજપ અને શિવસેનાએ નિંદા કરી હતી.

રાજ ઠાકરેએ તો અજિત પવારની ટીકા કરતા કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.

વર્ષ 2014માં અજિત પવાર પોતાનાં પિતરાઈ બહેન સુપ્રિયા સુલે માટે બારામતીના એક ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

તેમણે ગ્રામજનોને ધમકી આપી હતી કે જો તેઓ સૂલેને મત નહીં આપે, તો તેમનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો