મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : અજિત પવાર અને શરદ પવાર સામસામે, સત્તાનાં સમીકરણો કોને ફળશે?

મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું રવિવારે પણ ગૂંચવાયેલું રહ્યું છે. દિગ્ગજ એનસીપી નેતાઓ શરદ પવાર અને અજિત પવાર સામસામે આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર મામલે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જેની ઉપર સોમવારે ફરી સુનાવણી થવાની છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.

આ દરમિયાન અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની વાત કરી હતી.

જોકે શરદ પવારે અજિત પવારની એનસીપીના (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) ભાજપ સાથેના ગઠબંધનની વાતને ફગાવી દીધી છે.

એમણે અજિત પવારની વાતને લોકોમાં અસમંજસ ઊભું કરવા માટેની ગણાવી છે. શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું કે એનસીપીએ સર્વાનુમતે શિવસેના અને કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે.

શરદ પવારે કહ્યું કે ભાજપ સાથે જોડાણનો સવાલ જ નથી અને અજિત પવારનું ટ્વીટ લોકોમાં ખોટી ધારણા અને અસમંજસની સ્થિતિ ઊભી કરવા માટે છે.

જયંત પાટિલે કહ્યું 'અજિત પવાર પાછા આવો'

એનસીપીએ ધારાસભ્ય દળના નેતા તરીકે અજિત પવારને હઠાવી જેમને મુક્યા છે તે જયંત પાટિલે અજિત પવારને પક્ષમાં પાછા ફરવા અપીલ કરી છે.

એમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસ્થાપક સભ્ય છો. આદરણીય પવાર સાહેબે રાજ્યના હિત ખાતર ભાજપ સાથે ન જોડાવાનો નિર્ણય લીધો છે. સાહેબના આ નિર્ણયનો આદર કરીને તમે પરત આવો.'

આ દરમિયાન એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના ધારાસભ્યો હોટલોમાં પૂરાયા છે. કેટલાક ધારાસભ્યોએ જાસૂસી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

ભાજપના નેતા અને મુખ્ય મંત્રીપદના શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

અજિત પવારે કહ્યું કે એનસીપી ભાજપ સાથે

સુપ્રીમ કોર્ટ ફરી સોમવારે સુનાવણી કરવાની છે, ત્યારે અજિત પવારે એક પછી એક ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સમેત અનેક લોકોનો આભાર માન્યો છે.

એમણે કહ્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એનસીપીમાં જ છું અને શરદ પવાર આપણા નેતા છે. આપણું ભાજપ-એનસીપી ગઠબંધન આગામી 5 વર્ષ સુધી રાજ્ય માટે કામ કરશે.

તેમણે એમ પણ કહ્યું કે ધીરજ રાખવાની જરૂર છે, પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્ય મંત્રી પદની શપથ લેનાર એનસીપી નેતા અજિત પવારે મહારાષ્ટ્રની રાજકીય ચહલપહલમાં ફરી વધારો કર્યો છે.

શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લીધા તે પછી નરેન્દ્ર મોદી તથા અમિત શાહ સહિત અનેક લોકોએ તેમને ટાંકીને શુભેચ્છા તથા અભિનંદનનું ટ્વીટ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં શિવસેના, ભાજપ, કૉંગ્રેસ એમ તમામ પક્ષોની બેઠકો ચાલી રહી હતી, ત્યારે અજિત પવારે આભાર માની નરેન્દ્ર મોદીને સ્થિર સરકારની ખાતરી આપી છે.

અજિત પવારે ટ્વિટર પર આભાર માની તેમને મહારાષ્ટ્રના લોકોનાં કલ્યાણ માટે કામ કરે કરનારી સ્થિર સરકારનું આશ્વાસન આપ્યું હતું.

આ ઉપરાંત અજિત પવારે એમના ટ્વિટર હૅન્ડલમાં ફેરફાર કરીને ઉપમુખ્ય મંત્રી પણ લખ્યું છે. જોકે, તેમણે તેઓ એનસીપી નેતા છે, એમ હજીય લખેલું રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે એનસીપીએ અજિત પવારને પોતાના ધારાસભ્યોના દળના નેતા તરીકે હઠાવી દીધા અને તેમને સ્થાને જયંત પાટિલની નિમણૂક કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?

અગાઉ રવિવારે 11 વાગે જસ્ટિસ એન. વી. રમન, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ સુનાવણી કરી હતી.

આવતી કાલે સવારે સુનાવણી કરવાનું ખંડપીઠે જણાવ્યું છે.

જોકે આજની સુનાવણી દરમિયાન અનેક વખત શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી દ્વારા ફ્લોર-ટેસ્ટ કાલે કરવાના આદેશ આપવાની માગ કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને આપવામાં આવેલા ધારાસભ્યોના સમર્થનના દસ્તાવેજ વગેરેની માગણી કરી છે, જે કાલ રજૂ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલોએ ધારદાર દલીલો કરી હતી.

મુકુલ રોહતગી (ભાજપના પક્ષે) - કેટલાક અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે જેમાં કાયદાકીય દખલગીરીને પણ સ્થાન મળતું નથી.

મુકુલ રોહતગીએ કહ્યું, "કોર્ટે આજે કોઈ આદેશ આપવાની જરૂર જ નથી. ગવર્નરના નિર્ણયમાં કંઈ જ ગેરકાયદેસર ન હતું."

"કોર્ટે ફ્લોર-ટેસ્ટ માટે કોઈ ઑર્ડર ન આપવો જોઈએ. અહીં હાજર ત્રણેય પાર્ટીના કોઈ મૂળભૂત અધિકાર નથી."

અભિષેક મનુ સિંઘવી (કૉંગ્રેસ-એનસીપીના પક્ષે) - માત્ર 42-43 બેઠકોના સમર્થન સાથે અજિત પવાર ઉપમુખ્ય મંત્રી કેવી રીતે બની શકે છે? આ લોકતંત્રની હત્યા છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "7 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે અમે સરકાર રચવાનો દાવો કરી રહ્યા છીએ અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે. તો શું તે સમયે ગવર્નર રાહ ન જોઈ શક્યા?"

અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું, "ગઈ કાલે NCPએ ઘોષણા કરી હતી કે અજિત પવાર હવે પાર્ટીના વિધાયકદળના નેતા નથી. તો તેઓ ઉપમુખ્ય મંત્રી કેવી રીતે બની શકે છે જ્યારે તેમની પાસે તેમની જ પાર્ટીનો ટેકો નથી?"

તેમણે કહ્યું, "હંમેશાંથી સુપ્રીમ કોર્ટે તુરંત ફ્લોર-ટેસ્ટના આદેશ આપ્યા છે. પછી તે 1998માં ઉત્તર પ્રદેશમાં હોય કે વર્ષ 2018માં કર્ણાટકમાં હોય. જેનાથી શ્રેષ્ઠ વ્યક્તિ જીતી શકે. આ કેસમાં પણ આજે અથવા તો કાલે ફ્લોર-ટેસ્ટ થવો જોઈએ."

"એવુ કેવી રીતે બની શકે કે જે વ્યક્તિએ ગઈ કાલે શપથ લીધા અને બહુમતનો દાવો કરે છે, તેઓ આજે ફ્લોર-ટેસ્ટથી દૂર ભાગે છે?"

કપિલ સિબ્બલ (શિવસેનાના પક્ષે) - ગઈ કાલે સવારે 5.17 મિનિટે રાષ્ટ્રપતિશાસન હઠાવી દેવાયું, આઠ વાગ્યે બે લોકોએ મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રીના શપથ લીધા. પરંતુ દસ્તાવેજ શું અપાયા હતા?

કૉંગ્રેસ-NCP-શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી બદલ શિવસેનાના પક્ષમાં કપિલ સિબ્બલ કોર્ટમાં છે.

તેમણે કહ્યું, "કોર્ટે આજે જ ફ્લોર-ટેસ્ટના આદેશ આપવા જોઈએ. જો ભાજપ પાસે બહુમત છે, તો તેમને વિધાનસભામાં સાબિત કરવા દો. જો તેમની પાસે નથી તો અમને દાવો કરવા દો."

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું, "રાજ્યમાં બહુમતનો આંકડો 145 બેઠક છે. ચૂંટણી પહેલા જે ગઠબંધન થયું હોય તેને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ ચૂંટણી પહેલા બનેલું ગઠબંધન તૂટી ગયું છે. હવે ચૂંટણી પછી બનેલું ગઠબંધન જ આધાર છે."

"મહારાષ્ટ્રના લોકોને સરકારની જરૂર છે. જો તેઓ કહે છે તો તેમણે બહુમત સાબિત કરવો જોઈએ. અમે જ્યારે કહીએ છીએ કે અમારી પાસે બહુમત છે તો અમે તેને સાબિત કરવા તૈયાર છીએ. અમે કાલે જ બહુમત સાબિત કરી શકીએ છીએ."

સુનાવણી પહેલાં રાઉતે શું કહ્યું?

ANI સાથેની વાતચીતમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, "શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. જો ભાજપ સરકાર રચવાનો પ્રયાસ કરી રહ્યો હોય, તો એવું થશે જ નહીં."

"આ ભાજપ અને અજિત પવાર દ્વારા લેવામાં આવેલું ખોટું પગલું છે. કુલ 165 ધારાસભ્યો શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી સાથે છે."

તેમણે ઉમેર્યું, "અજિત પવારે આ ઉંમરે શરદ પવારની પીઠમાં ખંજર ભોંકીને જીવનનું સૌથી ખોટું કામ કર્યું છે."

"અજિત પવાર ખોટા દસ્તાવેજો સાથે ગઈ કાલે રાજભવન પહોંચ્યા હતા અને ગવર્નરે તે દસ્તાવેજ સ્વીકારી લીધા હતા. આજે પણ જો ગવર્નર અમને બહુમત સાબિત કરવાનું કહે, તો અમે તે કરી શકીએ છીએ. અમારી પાસે 49 ધારાસભ્યોનું સમર્થન છે."

તો NCP નેતા નવાબ મલિકનું નિવેદન આવ્યું કે "અજિત પવારે ભૂલ કરી છે. ગઈ કાલથી તેમને સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ તેમના તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. જો તેમને તેમની ભૂલ સમજાઈ જાય તો સારું રહેશે."

આ પહેલાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિર્ણય કૉંગ્રેસ પાર્ટીનો નહીં પણ અજિત પવારનો અંગત નિર્ણય છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં વળાંક આવ્યો

ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બનશે એવા સંકેત એનસીપી, શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે શુક્રવારે રાત્રે થયેલી બેઠક બાદ આપવામાં આવ્યા હતા.

જોકે શનિવારે સવારે અજિત પવારના સમર્થન સાથે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા.

બહુમત સાબિત કરવા માટે દેવેન્દ્ર ફડણવીસને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

શનિવારે દિવસભર ચાલેલા રાજકીય ડ્રામાની કેટલીક મહત્ત્વની બાબતો.

શપથવિધિ બાદ ફડણવીસે શું કહ્યું?

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડવણીસે રાજભવનમાં શપથ લીધા બાદ કહ્યું, "અમારી સાથે મળીને ચૂંટણી લડનારી પાર્ટી શિવસેનાએ જનાદેશનો નિરાદર કરતાં અન્ય પક્ષો સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો જેના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું."

"પરંતુ મહારાષ્ટ્રમાં ખીચડી સરકાર નહીં, સ્થાયી સરકારની જરૂર હતી. એટલે જ એનસીપીએ અમારો સાથ આપ્યો છે."

શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેને ઘણા દિવસ થઈ ગયા હતા અને સરકાર ન બનવાના કારણે લોકોને સમસ્યા થઈ રહી હતી.

તેમણે કહ્યું, "રાજ્યમાં ઘણી સમસ્યાઓ છે. ખાસ કરીને ખેડૂતોની. જો મળીને સ્થાયી સરકાર બને છે તો તે મહારાષ્ટ્ર માટે સારું છે."

અજિત પવારની હકાલપટ્ટી

દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લેનાર અજિત પવારને એનસીપીની આજે મળેલી બેઠકમાં વિધાનસભામાં પક્ષના નેતાના પદમાંથી હઠાવી દેવામાં આવ્યા છે.

તેમને પદ પરથી હઠાવવાનું કારણ ભાજપ સાથે સરકાર બનાવી તે ગણાવવામાં આવ્યું છે.

પદ પરથી હઠાવી દેવામાં આવતાં હવે અજિત પવાર વ્હિપ પણ બહાર નહીં પાડી શકે.

અજિત પવારને સ્થાને જયંત પાટિલને વિધાનસભાના પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.

આ દરમિયાન વરિષ્ઠ કૉંગ્રેસી નેતા અશોક ચવ્હાણે કહ્યું અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને છેતરી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા. તેઓ ધારાસભ્યો આગળ ખોટું બોલ્યા કે બહુમત છે.

અજિત પવાર સાથે 10-11 ધારાસભ્યો

મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે એનસીપી ચીફ શરદ પવારની ધારાસભ્યો સાથે બેઠક પછી શરદ પવાર અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારપરિષદ યોજી હતી.

આ પત્રકારપરિષદમાં શરદ પવારે કહ્યું કે અજિત પવાર પાસે 10-11 ધારાસભ્યો છે પરંતુ તેઓ ક્યાં છે તે વિશે જાણ નથી.

આગાઉ આ બેઠકમાં એનસીપીના 54માંથી 47 ધારાસભ્યો હાજર હતા એવું સમાચાર સંસ્થા એએનઆઈ સૂત્રોને ટાંકીને કહ્યું હતું. શરદ પવારની આ બેઠક માટે ધનંજય મુંડે પણ પહોંચ્યા હતા.

રાજ્યપાલની કામગીરી પર ઊઠ્યા સવાલ, હાર્દિક પટેલે શું કહ્યું?

મહારાષ્ટ્રમાં ભાજપે રાતોરાત સરકાર બનાવતાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની ભૂમિકાને પણ સવાલોમાં ઘેરવામાં આવી છે.

કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પર આ અંગે કટાક્ષ કર્યો છે.

હાર્દિક પટેલે કહ્યું કે "આપણા રાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલ ખૂબ પ્રામાણિક છે એથી જ તેઓ મધરાતે ભાજપને સત્તા પર લાવવા કામ કરે છે."

આ દરમિયાન રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે "આ ઘટના પછી દેશમાં ભાજપની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે."

"મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી."

"તેમણે ષડ્યંત્ર કરીને રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનાવી છે."

કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ "રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન ક્યારે હઠાવાયું? રાતોરાત દાવો ક્યારે રજૂ કરવામાં આવ્યો? ધારાસભ્યોની યાદી ક્યારે સોંપવામાં આવી? ક્યારે ધારાસભ્યો રાજ્યપાલ સમક્ષ હાજર થયા અને ચોરની જેમ શપથ કેમ અપાવ્યા?" એવા સવાલો કર્યા છે.

એમણે કહ્યું કે "હવે એ સાબિત થઈ ગયું છે કે ભાજપે દેશની લોકશાહીને ખતમ કરવાની સોપારી લીધી છે. રાજ્યપાલ ફરી એક વાર અમિત શાહના હિટમૅન સાબિત થયા છે."

શિવસેના અને NCPએ શું કહ્યું?

શપથવિધિ બાદ સવારે સાડા નવ વાગ્યે શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારપરિષદ યોજી હતી.

તેમણે કહ્યું, "અજિત પવારે મહારાષ્ટ્રની પીઠમાં ખંજર ભોક્યું છે, શરદ પવારને આ સાથે કંઈ લેવાદેવા નથી."

"ભાજપે રાજભવનનો દુરુપયોગ કર્યો છે જે લોકશાહીને શોભતું નથી. રાતના અંધારામાં પાપ, ચોરી અને લૂંટ થાય છે, ભાજપે રાતના અંધારામાં જ આ કૃત્ય કર્યું છે. રાજ્યની જનતા આ પાપને સાંખી નહીં લે."

આ અંગે શરદ પવારે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ભાજપ સાથે મળીને સરકાર રચવાનો અજિત પવારનો નિર્ણય છે અને NCP તેને સમર્થન આપતી નથી. અમે સત્તાવાર રીતે જણાવીએ છીએ અમે આ નિર્ણયને સમર્થન આપતા નથી.

'શિવસેનાના કારણે 30 વર્ષ જૂની મિત્રતા તૂટી'

આ મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ પત્રકારપરિષદને સંબોધી હતી.

મીડિયાને સંબોધતાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો તરફથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી બનવાનો જનાદેશ મળ્યો હતો.

વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે સરકાર બનાવવા માટે મૅચ ફિક્સિંગ કેમ થઈ?

તેમણે કહ્યું કે શિવસેનાના સ્વાર્થને કારણે 30 વર્ષ જૂની મિત્રતા તૂટી, તો શું એ લોકતંત્રની હત્યા નથી?

ભાજપ સરકાર વગર ન રહી શકે : હાર્દિક પટેલ

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે ફડણવીસે શપથ લીધા એ પછી કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું, "મહારાષ્ટ્રની રાજનીતિમાં જે થયું, એનાથી નક્કી થાય છે કે ભાજપ સરકાર વગર ન રહી શકે."

"જે રીતે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર અને ગેરબંધારણીય કાર્યો થયાં છે, એનાથી ભાજપને ડર હતો કે કદાચ એ સત્ય લોકો સમક્ષ ન આવી જાય."

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદન પાઠવ્યાં હતાં.

સંજય રાઉત પર નિશાન

ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે દગો ભાજપે નથી કર્યો શિવસેનાએ કર્યો છે.

તેમણે કહ્યું, "સંજય રાઉતે શિવસેના અને મહારાષ્ટ્રની વાટ લગાડી છે. પીઠમાં ખંજર ભોકવાનું કામ શિવસેનાએ કર્યું છે, ભાજપે નથી કર્યું."

મુંબઈના નહેરુ સેન્ટરમાં શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ટોચના નેતાઓની બેઠક થઈ હતી.

એનસીપીના શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનના નેતૃત્વને લઈને કોઈ ગેરસમજ નથી અને તે ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. જોકે શનિવારે સવારે કંઈક જુદું જ ઘટ્યું હતું.

બન્ને નેતાઓના શપથ ગ્રહણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદન પાઠવ્યાં હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બન્ને નેતા મળીને મહારાષ્ટ્રના ભવિષ્ય માટે હળીમળીને કામ કરશે.

આ તરફ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને અભિનંદન પાઠવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો