મહારાષ્ટ્રમાં ભાજપનો દાવ ઊંધો પડી શકે છે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

મહારાષ્ટ્રની રાજનીતિમાં સત્તાનું ગૂંચવાયેલું કોકડું સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે અને શનિવારની સવારથી દેશ એ રાજનીતિ જોઈ રહ્યો છે જે કદાચ અગાઉ નથી જોવા મળી.

શુક્રવારે સાંજે એનસીપી શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવશે એવી વાત થઈ રહી હતી અને એ પછી શનિવારે સવારે અજિત પવારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉપમુખ્ય મંત્રી પદના શપથ લઈ લીધા.

અજિત પવારની આ રાજકીય ચાલે મહારાષ્ટ્રને ચોંકાવી દીધું. જે લોકો અજિત પવારને ઓળખે છે તે લોકો પણ આ ઘટનાથી ચોંકી ગયા.

જોકે, જેમજેમ શનિવારનો દિવસ આગળ વધતો ગયો તેમ બાજી અજિત પવારથી ફરી શરદ પવાર તરફ ઢળતી જોવા મળી અને સાંજ સુધી મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો.

શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત પિટિશન પર સુપ્રીમ કોર્ટે રવિવારે સુનાવણી કરી અને સરકાર રચવાના દાવા સહિતના દસ્તાવેજોની માગણી કરી.

રવિવારે અજિત પવારે અનેક ટ્વીટ કરીને ભાજપ-એનસીપી સરકારનો દાવો કર્યો અને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓનો આભાર માન્યો.

સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલાની આગળ સુનાવણી કરવાની છે.

હજી એ અટકળો લગાવવામાં આવી રહી છે કે કોણ ફાયદામાં છે અને કોને નુકસાન છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર પ્રમોદ ચાંચુવારને લાગે છે કે આ સ્થિતિમાં સૌથી વધારે નુકસાન દેવેન્દ્ર ફડણવીસને થશે.

શું અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ હારશે?

ચાંચુવાર કહે છે કે અત્યાર સુધીનાં સમીકરણોને જોતા એવું લાગે છે કે સૌથી મોટા લૂઝર દેવેન્દ્ર ફડણવીસ સાબિત થશે. શિવસેના, એનસીપી અને કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને પોતાની પાસે રાખ્યા છે એટલે બહુમત સાબિત કરવો મુશ્કેલ હશે.

ચાંચુવાર કહે છે, "અજિત પવાર બીજા લૂઝર સાબિત થશે. એમણે કાકા શરદ પવાર સામે બળવો કરીને એનસીપીને ઠેસ પહોંચાડી છે. આનાથી એમની શાખને મોટું નુકસાન થયું છે."

"એમને શરદ પવારના વારસ તરીકે પણ જોવામાં આવતા હતા, શરદ પવાર સાથે એમણે ગદ્દારી કરી છે."

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના આશિષથી શપથ તો લઈ લીધા છે, પરંતુ હજી અનેક પરીક્ષા બાકી છે.

વરિષ્ઠ પત્રકાર સમર ખડસે માને છે ભાજપ નિષ્ફળ જાય તેવી શક્યતા વધારે છે.

શું ભાજપનો દાવ ઊંઘો પડશે?

સમર ખડસે કહે છે કે 25 નવેમ્બરથી ધારાસભ્યોએ શપથ લેવાના છે. એ પછી વિધાનસભા અધ્યક્ષનો મુદ્દો ઉપસ્થિત થશે.

"જો ભાજપને લાગશે કે તે પોતાના વિધાનસભા અધ્યક્ષ નહીં બનાવી શકે તો તે વિધાનસભામાં ગરબડ કરી શકે છે. આ ગરબડમાં ગૃહ સ્થગિત થઈ શકે છે અને ફરી રાષ્ટ્રપતિશાસન લદાઈ શકે છે."

ખડસે કહે છે કે રાજ્યપાલ સરકારની રચનાના તમામ વિકલ્પો નિષ્ફળ ગયા હોવાની વાત સાથે ફરીથી ચૂંટણી પણ કરાવી શકે છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌને ચોંકાવી દેનારી પહેલી ચાલ ભાજપે ખેલી છે પરંતુ શું આ ચાલ ઊંઘી પડી શકે છે?

આ સવાલના જવાબમાં સમર ખડસે કહે છે કે આ ખેલ ભાજપે ખેલ્યો છે પણ મને લાગે છે આમાં સૌથી મોટી લૂઝર તો ન તો એનસીપી છે, ન તો કૉંગ્રેસ કે ન તો શિવસેના. સૌથી મોટી લૂઝર ભારતીય જનતા પાર્ટી છે કેમ કે એમની પાસે હજી સંખ્યાબળ નથી.

જોકે, પ્રમોદ ચાંચુવાર કહે છે કે રાજકીય ખેલ હજી પૂરો નથી થયો. આગામી દિવસોમાં કયો ધારાસભ્ય કોની પાસે રહેશે એની કોઈ ગૅરંટી ન આપી શકાય.

કંઈ પણ થઈ શકે છે...

ચાંચુવાર કહે છે, "રાજનીતિનો આ ખેલ ક્રિકેટ જેવો છે અને તેમાં છેલ્લા બૉલ સુધી કંઈ કહી ન શકાય, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. આજની રાજનીતિ બદલાઈ ગઈ છે."

"રાજનીતિ હવે નૈતિકતા કે વિચારધારાને આધારે નથી થતી પણ કમાણી અને ભાગને આધારે થાય છે અને આ સંજોગોમાં કોઈ ગૅરંટી ન લઈ શકે કે પાર્ટીના ધારાસભ્યો પોતાનું હિત સાધવા કઈ બાજુ ઢળશે."

જો અજિત પવાર જેવા પાર્ટીના મોટા નેતા જો એનસીપીમાં બળવો કરી શકે છે તો આવનાર સમયમાં કયો ધારાસભ્ય કોની સાથે રહેશે એની ગૅરંટી કોઈ આપી શકે?

જોકે ચૂંટાયેલા ધારાસભ્યો પર તે ભાજપમાં ન જાય એવું જનતાનું દબાણ જરૂર હશે.

જો દેવેન્દ્ર ફડણવીસ બહુમત સાબિત ન કરી શકે અને ફરી ચૂંટણી કરવાની થાય તો કોને નુકસાન થશે?

સમર ખડસે કહે છે કે જો ભાજપ વિશ્વાસમત ન મેળવી શકે તો તે તેના માટે મોટું નુકસાન હશે. જો આગામી ચૂંટણી એનસીપી-કૉંગ્રેસ-શિવસેના સાથે મળીને લડે તો ભાજપ માટે પડકારજનક સ્થિતિ થાય અને 100 બેઠકો પણ મુશ્કેલીથી મળે.

પરંતુ પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી કૉંગ્રેસ સાર્વજનિક રીતે હિંદુવાદી પાર્ટી ગણાતી શિવસેના સાથે મળીને ચૂંટણી લડી શકે છે?

આના જવાબમાં ખડસે કહે છે, "કૉંગ્રેસ ધર્મનિરપેક્ષતાને મામલે સમાધાન ન કરતી હોવાનો દાવો તો કરે છે, પરંતુ તે ખરેખર કેટલી સેક્યુલર પાર્ટી છે તેના પર સવાલ થઈ શકે છે."

"કૉંગ્રેસની કથની અને કરણીમાં તફાવત રહ્યો છે એટલે તે કેટલી સાથે આવશે તે કહી ન શકાય, પરંતુ જો એનસીપી-શિવસેના પણ સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપ માટે મોટો પડકાર હશે."

ખડસે કહે છે કે ભાજપ આજે આર્થિક અને રાજકીય રીતે ભલે શક્તિશાળી હોય પરંતુ જો ફરી ચૂંટણી થઈ તો શિવસેના-એનસીપી ગઠબંધન સામે એને રાજકીય નુકસાન વેઠવું પડશે.

રાજકીય વિશ્લેષકોના પોતપોતાના દૃષ્ટિકોણ છે, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિના આ સત્તાસંઘર્ષમાં જેટલાં પત્તાં હજી ખુલ્લાં છે એનાથી વધારે તો બંધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો