You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDVSBAN : ભારતની કોલકાતા ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે જીત, બન્યા આ રેકૉર્ડ
કોલકાતાના ઇડનગાર્ડનમાં રમાયેલી ટેસ્ટ મૅચમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ અને 46 રનથી પરાજય આપ્યો છે. આ પિંક બૉલ પર રમાયેલી ભારતની પહેલી ટેસ્ટ મૅચ હતી.
બે ટેસ્ટ મૅચની સિરીઝ જીતવાની સાથે જ ભારતીય ટીમ સતત ચાર ટેસ્ટ મૅચ ઇનિંગના અંતરથી જીતનારી દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે.
ભારતે આ અગાઉ દક્ષિણ આફ્રિકાને પૂણેમાં રમાયેલી મૅચમાં ઇનિંગ અને 137 રને હરાવ્યું હતું.
રાંચીમાં રમાયેલી ટેસ્ટ મૅચમાં પણ દક્ષિણ આફ્રિકાને ઇનિંગ અને 202 રને હરાવ્યું.
એ પછી બાંગ્લાદેશને ઇન્દોરમાં ઇનિંગ અને 130 રને હરાવી દીધું અને હવે કોલકાતામાં ફરી બાંગ્લાદેશને ઇનિંગ અને 46 રનથી પરાજ્ય આપ્યો છે.
ફાસ્ટ બૉલરોને નામે રહી પિંક બૉલ ટેસ્ટ
પિંક બૉલ પર રમાયેલી ભારતની પહેલી ટેસ્ટ મૅચ ફાસ્ટ બૉલરોને નામ રહી હતી.
આ મૅચમાં સ્પિન બૉલરોને એક પણ વિકેટ મળી નહોતી, પરંતુ તેની સામે ફાસ્ટ બૉલરો ઘાતક પુરવાર થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના ફાસ્ટ બૉલરોએ આ મૅચમાં 19 વિકેટ ઝડપી હતી.
ઇશાંત શર્માએ પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
એ જ રીતે ઉમેશ યાદવે પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશની ટીમની બીજા દાવની શરૂઆતમાં નબળી શરૂઆત થઈ હતી.
એક સમયે 13 રન પર જ બાંગ્લાદેશના ચાર બૅટ્સમૅન પૅવેલિયન ભેગા થઈ ગયા હતા.
જોકે મુશફિકૂર રહીમે બાજી સંભાળી હતી અને મૅચના ત્રીજા દિવસ સુધી લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
તેઓએ બાંગ્લાદેશની ટીમ માટે સૌથી વધુ 74 રન કર્યા હતા. આ સિવાય બાંગ્લાદેશના કોઈ બૅટ્સમૅન અર્ધસદી બનાવી શક્યા નહોતા.
ત્રીજા દિવસે જ મૅચ પૂરી થઈ ગઈ
ભારતે ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ બાંગ્લાદેશની આખી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી.
આ અગાઉ બીજા દિવસની રમત બંધ થઈ ત્યાં સુધીમાં બાંગ્લાદેશની ટીમે 6 વિકેટ ગુમાવીને 152 રન કર્યા હતા.
ઇનિંગના અંતરથી હાર ન મળે તે માટે બાંગ્લાદેશે 89 રન કરવાના હતા પરંતુ ભારતીય બૉલરોએ અંતિમ 4 વિકેટ ખૂબ ઝડપથી ઝડપી લીધી.
ઇડન ગાર્ડનમાં રમાયેલી આ ડે-નાઇટ ટેસ્ટ મૅચમાં બીજા દિવસે બીજા સેશનમાં 9 વિકેટ ગુમાવીને 347 રન કર્યા હતા.
ભારતની આ લીડમાં વિરાટ કોહલીની સદી અને ચેતેશ્વર પૂજારા તેમજ અજિંકય રહાણેનું શાનદાર યોગદાન રહ્યું.
કૅપ્ટન વિરાટ કોહલીએ 194 બૉલમાં 136 રન કર્યા હતા તો અજિંક્ય રહાણે અને 51 અને ચેતેશ્વર પુજારાએ 55 રન કર્યા હતા.
આમ ભારતે 241 રનની લીડ સાથે દાવ ડિકલૅર જાહેર કર્યો હતો.
કૅપ્ટન વિરાટ કોહલીનો રેકૉર્ડ
બાંગ્લાદેશ સામે ઇડન ગાર્ડન ગ્રાઉન્ડમાં પિંક બૉલ વડે રમાયેલી રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં કૅપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સદી ફટકારી હતી.
કૅપ્ટન વિરાટ કોહલીએ ભારતની પ્રથમ ઇનિંગમાં 194 બૉલમાં 136 રન કર્યા હતા.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં વિરાટ કોહલીએ 32 રન પૂરા કરતાં તેઓ કૅપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન કરનારા ખેલાડી બની ગયા છે.
વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ લૉયડ, ઑસ્ટ્રેલિયાના એલન બૉર્ડર અને રિકી પોન્ટિંગ, ન્યૂઝીલૅન્ડના સ્ટીફન ફ્લેમિંગ અને સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ બાદ આ સિદ્ધિ હાંસલ કરનારા કોહલી છઠા કૅપ્ટન છે.
ભારતની આ પહેલી પિંક બૉલ ટેસ્ટ મૅચ હતી અને તેમાં સદી કરનારા તેઓ ભારતના પહેલા કૅપ્ટન બની ગયા છે.
કૅપ્ટન તરીકે 5000 કે વધુ રન બનાવનાર ખેલાડી
- ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા) - 8659 રન (109 ટેસ્ટ)
- એલન બૉર્ડર (ઑસ્ટ્રેલિયા) - 6623 રન (93 ટેસ્ટ)
- રિકી પોન્ટિંગ (ઑસ્ટ્રેલિયા) - 6542 રન (77 ટેસ્ટ)
- ક્લાઇવ લૉયડ (વેસ્ટ ઇન્ડીઝ) - 5233 રન (73 ટેસ્ટ)
- સ્ટીફન ફ્લેમિંગ (ન્યૂઝીલૅન્ડ) - 5156 રન (80 ટેસ્ટ)
- વિરાટ કોહલી (ભારત) - 5000+રન (53 ટેસ્ટ)
વિરાટ કોહલીએ આ સિદ્ધિ સૌથી ઓછી ઇનિંગ રમીને મેળવી છે. તેઓએ માત્ર 53 ટેસ્ટની 86 ઇનિંગમાં કૅપ્ટન તરીકે 5000 રન પૂરા કર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો