મહારાષ્ટ્ર : ભાજપનો સમય આવ્યો કે NCPનો સમય આવવાનો હજી બાકી - દૃષ્ટિકોણ

    • લેેખક, શિવમ વિજ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કોઈને અંદાજ નહોતો કે રાજનીતિના ખેલમાં શરદ પવારને માત આપી શકાય. પવારને ગ્રાંડ માસ્ટર ગણવામાં આવે છે. જોકે એ વાત જુદી છે કે ઘણી વાર શિકારી પણ પોતે શિકાર થઈ જતા હોય છે.

સિનિયર નેતાઓમાં એક શરદ પવાર તેમની પેઢીના સૌથી ચતુર અને શાણા રાજકારણી માનવામાં આવે છે. અહમદ પટેલ હોય કે મુલાયમસિંહ યાદવ આ બધા એવા નેતાઓ છે, જેમણે રાજકારણમાં ઘણા મોટા ઑપરેશન પાર પાડ્યા હોય.

શનિવારે સવારે સમાચાર મળ્યા કે દેવેન્દ્ર ફડણવીસે સવારે આઠ વાગ્યે જ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે.

શરદ પવારના ભત્રીજા અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. સૌએ પહેલાં એમ જ ધારી લીધું કે આ કામ શરદ પવારનું છે.

જોકે ધીમે-ધીમે સ્થિતિ સ્પષ્ટ થવા લાગી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શરદ પવારની મુલાકાત થઈ હતી ત્યારે જ આ બધું નક્કી થઈ ગયું હતું તેમ સૌએ માની લીધું.

શરદ પવારનાં જૂનાં નિવેદનોના વીડિયો પણ ફરી ફરતા થયા અને તેમાં અનેક જગ્યાએ ગર્ભિત વાત તેઓ કરી રહ્યા હોય તેવું લાગ્યું.

શું તમે આખરે ભાજપ સાથે જ જશો એવું વારંવાર પૂછવામાં આવ્યું અને શરદ પવારે ચોખ્ખા શબ્દોમાં તેનો ઇન્કાર કર્યો.

શરદ પવાર અને તેમની દીકરી સુપ્રિયા સુલેએ આ સમાચાર આવ્યા તે પછી તરત જ કહ્યું કે અજિત પવારે બળવો કર્યો છે.

તેમણે વૉટ્સઍપ પર સ્ટેટસ અપડેટ કરીને લખ્યું, "પક્ષ અને પરિવારનું વિભાજન."

તેમણે વધુમાં લખ્યું, "તમે જીવનમાં કોનો ભરોસો કરી શકો? જીવનમાં ક્યારેય દગાનો અનુભવ નહોતો કર્યો. બચાવ જ કર્યો અને પ્રેમ જ આપ્યો... જુઓ મને બદલામાં શું મળ્યું."

'સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહેલું નાટક'

દેખીતી રીતે જ તેઓ પોતાના પિતરાઈ ભાઈ અજિત પવારની વાત કરી રહ્યા હતા. એ વાત સૌ જાણે છે કે અજિત પવાર અને સુપ્રિયા સુલેને એકબીજા સાથે ક્યારેય બન્યું નથી. બંને એનસીપીનું નેતૃત્વ સંભાળવા માગે છે.

જોકે પ્રારંભમાં રાજકીય વિશ્લેષકોને આ વાત ગળે ઊતરતી નહોતી. સૌ કોઈ એમ જ માનતા હતા કે આ વખતે પણ શરદ પવારે પોતાની ચતુરાઈ અને ચાલાકી દેખાડી છે. લોકોએ વિચાર્યું કે આ એક સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહેલું નાટક છે.

એવી પણ અટળકો ચાલી કે શરદ પવારને ભારતના રાષ્ટ્રપતિ બનાવાશે અને સુપ્રિયા સુલેને મોદી સરકારમાં મંત્રીપદ મળશે.

કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ એક જાણીતા ગીતની પંક્તિઓ પોસ્ટ કરી કે, "वो जो कहते थे कि हम न होंगे जुदा, बेवफ़ा हो गए देखते देखते."

જોકે ત્યાં સુધીમાં શરદ પવાર તરફથી જાહેરાત થઈ હતી કે તેઓ શિવસેના અને કૉંગ્રેસના નેતાઓ સાથે મળીને પત્રકારપરિષદ કરશે.

સૌને સ્પષ્ટ થઈ ગયું કે ધારાસભ્યોની ખરીદી અને તોડફોડ શરૂ થઈ ગઈ છે. એનસીપીમાંથી કેટલા ધારાસભ્યો તૂટ્યા તેના જુદા-જુદા આંકડા આવવા લાગ્યા.

અજિત પવાર સાથે બળવો કરનારાની સંખ્યા 10થી આખેઆખો પક્ષ એટલે કે 54 સુધીની જણાવવામાં આવી.

હવે શરદ પવારને રાષ્ટ્રપતિ બનાવવાની વાત હવા થઈ ગઈ હતી. ઉસ્તાદ ખેલ હારી ગયા હતા. તેમના પોતાના ભત્રીજાએ જ તેમનો સાથ છોડી દીધો હતો. કહેવાય છેને કે શિકારી પણ શિકાર થઈ જતો હોય છે.

ત્રણ પક્ષોની ખીચડીમાં ભાજપે મારી બાજી

અમિત શાહે રાજકારણના ખેલમાં શરદ પવાર સાથે કૉંગ્રેસના નેતા અહદમ પટેલને પણ પરાસ્ત કરી દીધા.

પટેલના સાથી નેતા અભિષેક મનુ સિંઘવીએ એવું પણ ટ્વીટ કર્યું કે તેમણે કૉંગ્રેસ-એનસીપી-સેનાનું ગઠબંધન કરવામાં વધારે પડતું મોડું કરી દીધું.

મહારાષ્ટ્રમાં બે અઠવાડિયા પહેલાં 12 નવેમ્બરે રાષ્ટ્રપતિશાસન લાગ્યું હતું. તે વખતે ત્રણેય પક્ષો ભેગા મળીને ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે અને સરકાર બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા.

12 અને 23 નવેમ્બર વચ્ચે ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધનને આખરી ઓપ માટે એક પછી એક બેઠકો થતી રહી. ગઠબંધનનું નામ શું હશે, સમાન લઘુતમ કાર્યક્રમ શું હશે વગેરે તૈયાર થતા રહ્યા.

આ પક્ષોને એમ હતું કે ભાજપે હવે સરકારની રચના કરવા માટેનો વિચાર પડતો મૂક્યો છે. જોકે ભાજપ વારંવાર કહી રહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય મંત્રી હશે.

ત્રણેય પક્ષો વચ્ચે ખીચડી પાકીને બરાબર તૈયાર થઈ કે તરત જ ભાજપે અજિત પવારને સાધી લીધા.

અજિત પવાર અગાઉ પણ ઉપમુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. મુખ્ય મંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર બને તેમાં પણ તેમને ઉપમુખ્ય મંત્રી બનાવવાની શક્યતા હતી.

આવા સંજોગોમાં અજિત પવારે કાકા સામે બળવો કરીને આખરે શું હાંસલ કર્યું?

અજિત પવારને બળવો કરીને શું મળ્યું?

60 વર્ષના ભત્રીજા અજિત પવાર પાસે ભાજપની ઑફર સ્વીકારી લેવાના ઘણાં કારણો હતાં.

સૌથી મહત્ત્વની વાત એ કે તેઓ જેલમાં જવાથી બચી શકે તેમ હતા. તેમની સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો થયેલા છે.

આ કેસોને કારણે ભાજપની સ્વચ્છ કરનારી ગંગામાં ડૂબકી મારવી જરૂરી હતી. તમારે મીઠાઈ અથવા ભૂખમરોમાં બેમાંથી એક પસંદ કરવાનું આવે તો તમે શું પસંદ કરશો?

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક સાથે જોડાયેલા 25,000 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં અજિત પવારનું નામ સંડોવાયેલું છે.

આ વર્ષે ચૂંટણી પહેલાં જ ઑગસ્ટમાં ઈડીએ આ કથિત ભ્રષ્ટાચારના કેસની તપાસ અજિત પવાર સામે શરૂ કરી હતી.

બીજો એક જૂનો આરોપ પણ તેમની સામે છે. અજિત પવાર પ્રથમ વાર ઉપમુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમણે સિંચાઈ યોજનાઓમાં ગોટાળા કર્યા હતા તેવો આરોપ છે.

ભાજપની ઑફર અજિત પવારે સ્વીકારી લીધી તેની પાછળ આ કેસોના કારણે જેલમાં જવાના ભય ઉપરાંત બીજું પણ એક કારણ છે.

અજિત પવાર એનસીપીને તોડીને શરદ પવારના રાજકીય વારસદાર તરીકેનું સ્થાન પણ પાકું કરી શકે તેમ છે. તેઓ સુપ્રિયા સુલેની સામે પોતાને મુખ્ય મરાઠા નેતા તરીકે સ્થાપિત કરવા માટેની કોશિશ કરશે.

અજિત પવારની છાપ ભ્રષ્ટાચારી અને માથાભારે નેતાની રહી છે. ઉત્તર પ્રદેશમાં જેવી છાપ શિવપાલ યાદવની છે, એવી છાપ અજિત પવારની મહારાષ્ટ્રમાં છે.

તેઓ પોતાની છાપ બદલવા માટે પણ કોશિશ કરી શકે છે.

હવે આગળ શું?

જોકે વાતનો અંત હજી આવ્યો નથી. મોટા ભાગના એનસીપીના ધારાસભ્યો શરદ પવાર પાસે હાજર થઈ ગયા હતા અને સૌને એક હોટલ ખાતે લઈ જવાયા છે.

બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં શનિવારે સાંજે અરજી દાખલ કરવામાં આવી હતી. તે અરજી પર રવિવારે બપોરે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે અને રાજ્યપાલે પરોઢિયે રાષ્ટ્રપતિશાસન હટાવ્યું અને ચૂપચાપ શપથવિધિ કરાવી લીધી તે યોગ્ય છે કે કેમ તેનો નિર્ણય કરશે.

રાજ્યપાલે 30 નવેમ્બર સુધીમાં બહુમતી સાબિત કરવા માટેનો સમય દેવેન્દ્ર ફડણવીસને આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આટલી લાંબી મુદત સામે પણ વાંધો ઉઠાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે મામલો આગળ વધશે, પણ મહારાષ્ટ્રનું રાજકારણ અત્યાર સુધી જે રીતે ચાલ્યું છે તે જોતાં કંઈ પણ થઈ શકે છે.

પક્ષપલટાવિરોધી કાયદાની જોગવાઈથી બચવા માટે અજિત પવારે કમ સે કમ એક તૃતિયાંશ એટલે કે 18 વિધાનસભ્યો પોતાની તરફ કરવા પડે.

30 નવેમ્બરે અથવા સુપ્રીમ કોર્ટ નક્કી કરે તે પ્રમાણે વહેલા બહુમતી સાબિત કરવાની વાત આવે ત્યારે પણ અજિત પવારે પુરતી સંખ્યામાં ધારાસભ્યો પોતાની પક્ષે રાખવા પડે.

ભાજપે બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 35 ધારાસભ્યોની જરૂર છે. અજિત પવારે 54માંથી આટલી મોટી સંખ્યામાં સભ્યો તોડવા પડે.

બીજી બાજુ શરદ પવારનો દાવો છે કે અજિત પવાર સાથે 10-12થી વધારે ધારાસભ્યો નથી.

અન્ય એક દાવા પ્રમાણે એનસીપીના 49 ધારાસભ્યોને શનિવારે રાત્રે હોટલમાં લઈ જવાયા છે. તેમાંથી છેલ્લે કેટલા સાથે રહેશે, કેટલા ફૂટી જશે તે કહેવાય નહીં. મહારાષ્ટ્રનો ખેલ હજી ચાલુ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો