You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ખેડૂતોને નીતિન પટેલે જાહેર કરેલા રાહતપૅકેજથી કેટલો લાભ થશે?
ગુજરાત સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે એક વધારાના રાહતપૅકેજની જાહેરાત કરી છે.
ઑક્ટોબર-નવેમ્બર 2019માં થયેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારના એસ.ડી.આર.એફ. અને રાજ્યના બજેટમાં સહાયપૅકેજની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે રૂપિયા 3,795 કરોડના રાહતપૅકેજની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ મામલે પ્રતીક ઉપવાસ સહિતના કાર્યક્રમો કર્યા હતા.
અનેક ખેડૂત આગેવાનોએ અતિવૃષ્ટિને પગલે પાક નિષ્ફળ ગયો હોવાની ફરિયાદ કરી હતી અને પાક વીમાને મામલે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે.
નીતિન પટેલે પત્રકારપરિષદ સંબોધતાં ગુજરાતમાં થયેલા ભારે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનની પણ વાત કરી હતી.
તેઓએ કહ્યું કે ગુજરાતમાં આવેલા સતત વરસાદને લીધે જળસંચય થયું છે, પરંતુ પાકકાપણી અને લણણીના સમયે પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોનાં ખેતરોમાં પડેલા પાકને મોટું નુકસાન થયું છે.
નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતને થયેલા નુકસાન અંગે અમારો કૃષિ વિભાગ સતત અપડેટ આપતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારી સામે ખેડૂતોને થયેલા નુકસાન સામે સહાય આપવાની પણ અનેક વાર રજૂઆત થઈ હતી."
નીતિન પટેલે કહ્યું કે એક ઇંચથી ઓછો કે વરસાદ ન થયો હોય એવા રાજ્યના 21 જિલ્લાના 81 તાલુકાઓના ખેડૂતોના રૂપિયા 4000ની ઉચ્ચક સહાય ખાતાદીઠ અપાશે.
નીતિન પટેલે કરેલી જાહેરાતના મુખ્ય અંશ
- ગુજરાતના ખેડૂતો માટે 3,795 કરોડનું સહાયપૅકેજ.
- રાજ્યના 33 જિલ્લાના 248 ગ્રામ્ય તાલુકાનાં અંદાજે 18,369 ગામના અંદાજે 56 લાખ 36 હજાર ખેડૂતોને લાભ થશે.
- પ્રથમ તબક્કામાં અસરગ્રસ્ત ખેડૂતોને રૂપિયા 700 કરોડની જાહેરાત.
- એક ઇંચથી વધુ વરસાદ થયેલા રાજ્યના 29 જિલ્લાના 125 તાલુકાના અંદાજે 9,416 ગામના 28.61 લાખ ખાતેદાર ખેડૂતોને લાભ થશે.
- ખાતેદાર ખેડૂતોને એસ.ડી.આર.એફ. હેઠળ હેક્ટરદીઠ રૂપિયા 6800 લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અંદાજે રૂપિયા 2482 કરોડની સહાય.
- એક ઇંચથી વધુ વરસાદ પડેલા વિસ્તારના ખેડૂતો માટે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂપિયા 6800ની જાહેરાત.
- એક ઇંચથી ઓછા વરસાદ પડેલા વિસ્તારના ખાતેદાર ખેડૂતોને ખાતાદીઠ રૂપિયા 4000ની જાહેરાત.
- છૂટાછવાયા વરસાદથી થયેલા નુકસાનવાળા વિસ્તારના ખાતેદાર ખેડૂતોને ખાતાદીઠ રૂપિયા 4000ની જાહેરાત.
- કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને 3,795 કરોડ સહાય આપશે.
- 2,154 કરોડ કેન્દ્ર સરકાર અને 1,641 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે.
પત્રકારપરિષદ સંબોધતાં નીતિન પટેલે કહ્યું કે સહાયની આ બધી રકમ બને એટલી ઝડપથી ખેડૂતોના બૅન્કખાતામાં સીધી જમા થઈ જાય તેવો પ્રયત્ન કરીશું. તેના માટે ખેડૂતોએ માગણી કરવી પડશે અને વિગતો પણ આપવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો