ઉદ્ધવ ઠાકરે : 'પાકિસ્તાન જેવી સર્જિકલ સ્ટ્રાઇક શિવાજીના મહારાષ્ટ્રમાં કરી'

ભાજપે એનસીપીના અજિત પવારનો સાથે લઈને રાતોરાત સરકાર બનાવી લીધા બાદ એનસીપી અને શિવસેનાએ સંયુક્ત પત્રકારપરિષદ કરી હતી. આ પત્રકારપરિષદમાં કૉંગ્રેસ સામેલ થઈ ન હતી.

શરદ પવારે આ મામલે સવારે ટ્વીટ કરીને જાણ કરી હતી કે આ નિર્ણય અજિત પવારનો છે એનસીપીનો નથી.

શરદ પવારની સાથે પત્રકારપરિષદમાં શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

શરદ પવારે કહ્યું કે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે સરકાર બનાવીશું.

તેમણે કહ્યું, "ત્રણેય પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો એકસાથે આવ્યા હતા કેટલાક અપક્ષોએ પણ સાથ આપ્યો હતો. અમારા ધારાસભ્યનો આંકડો 170 સુધી પહોંચી ગયો હતો."

"સવારના 6-30 વાગ્યે અમને જાણ થઈ કે રાજ્યપાલ રાજભવનમાં જ છે, અમે ખુશ હતા. ત્યાં જ સમાચાર આવ્યા કે અજિત પવાર ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. આ નિર્ણય અજિત પવારનો છે."

"આ એનસીપીની વિરુદ્ધમાં નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એનસીપીના કોઈ પણ કાર્યકર્તા ભાજપ સાથે નહીં જાય."

સર્જિક સ્ટ્રાઇક કરી

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "સમગ્ર દેશ મહારાષ્ટ્રમાં જે ખેલ ચાલી રહ્યો છે તે જોઈ રહ્યો છે. અમારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે અમે જનાદેશનો અનાદર કર્યો છે."

"બધાને ખબર છે કે શિવસેના જે કરે છે તે ધોળા દિવસે કરે છે. એ લોકો તોડવાની વાત કરે છે અમે જોડવાની વાત કરીએ છીએ."

"આમાંથી એક વાત સ્પષ્ટ તરી આવે છે કે બસ હું જ અને હું જ મિત્ર પક્ષોની જરૂરિયાત નથી. પાકિસ્તાનમાં જેવી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેવી છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં આજે સવારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે."

શરદ પવારે કહ્યું, "જેઓ વિચારી રહ્યા છે કે ભાજપ સાથે જશે કે ગયા છે તેમને કાયદાની જાણ હોવી જોઈએ, તેમને પક્ષાંતર ધારાની ખબર હોવી જોઈએ."

"જે આવા પ્રકારનો નિર્ણય લેશે તો મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો સમજશે અને જાણતા હશે. અમારે જે પગલાં લેવાનાં હશે, શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ તરફથી તે લેવામાં આવશે."

"જ્યારથી આ ઘટના બની છે કેટલાક લોકોએ અમારો સંપર્ક કર્યો છે."

એનસીપીના એક ધારાસભ્યે પત્રકારપરિષદમાં કહ્યું, "મને અજિત પવારનો ફોન આવ્યો હતો અને ધનંજય મુંડેના બંગલા પર બોલાવવામાં આવ્યો હતો."

"અમે જ્યારે રાજભવન પહોંચ્યા ત્યારે અમને ખબર જ ન હતી કે અમે શા માટે ત્યાં જઈ રહ્યા છીએ. અમે ત્યાં પહોંચીને વાતચીત કરી."

"દેવેન્દ્ર ફડણવીસે ત્યાં પહોંચીને શપથ ગ્રહણ કર્યા, અમને બિલકુલ જાણ ન હતી કે આવું કંઈ થવાનું છે."

"હું એનસીપીની સાથે જ છું, મને બિલકુલ અંદાજ ન હતો કે અમે કેમ રાજભવન જઈ રહ્યા છીએ."

'અમે શરદ પવારની સાથે'

એનસીપીના ધારાસભ્ય સંદીપ શેતકરે કહ્યું, "અજીત પવારે અમને ફોન કર્યો હતો. આ બધો ઘટનાક્રમ થયા બાદ અમે કહી રહ્યા છીએ કે અમે શરદ પવાર સાથે છીએ."

એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યું, "આ વાતોથી એ જાણ થાય છે કે તમામ પક્ષો પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોની સહી લઈને રાખે છે."

"એનસીપીના ધારાસભ્યના દળના નેતા અજિત પવાર પાસે પણ આ પત્ર હતો, મને અંદાજ છે કે આ પત્ર લઈને તેઓ રાજ્યપાલ પાસે ગયા હશે."

"54 ધારાસભ્યની સહીવાળો પત્ર અજિત પવાર પાસે હતો. તેઓ સદનમાં પોતાનો બહુમત સાબિત નહીં કરી શકે."

"અમે નક્કી કર્યું હતું કે શિવસેના જ અમારું નેતૃત્વ કરશે. અમે બધા એક છીએ. રાજ્યપાલે 30 તારીખ સુધીનો સમય આપ્યો છે. અમે ત્યાં સુધી સાથે જ છીએ. અમે બાદમાં જોઈશું કે શું પગલાં લેવાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો