You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોંડલ : તાજેતરનો વિવાદ પાટીદાર વિ. ક્ષત્રિયનું સ્વરૂપ ધારણ કરશે, કેમ વકર્યો વિવાદ?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ તથા ધાર્મિક માલવિયા જેવા પાટીદાર આગેવાનો ગણેશ જાડેજાના પ્રભુત્વવાળા ગોંડલમાં પ્રવેશ્યાં, ત્યારે તે મુલાકાત માત્ર ન બની રહેતાં શક્તિપ્રદર્શનનો મુદ્દો બની ગયો હતો.
પાટીદાર આગેવાનોએ ત્યારે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ગણેશ ગોંડલના કથિત સમર્થકો દ્વારા તેમની ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
બંને પક્ષકારો એકબીજા ઉપર આરોપ પ્રતિઆરોપ કરી રહ્યા છે. સાથે જ રાજકોટ પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે.
કથીરિયાએ ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સરખામણી 'મિર્ઝાપુર' સાથે કરી હતી. બીજી બાજુ, આ મુદ્દે રાજકારણ પણ શરુ થઈ ગયું છે. ભાજપ તથા કૉંગ્રેસના નેતાઓએ એકબીજા ઉપર આરોપ પ્રતિઆરોપ કર્યા છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય રાજકારણનો લાંબો ઇતિહાસ રહ્યો છે, ત્યારે શું તાજેતરનો વિવાદ ચિનગારીરુપ બનીને આ ઇતિહાસમાં વધુ એક પ્રકરણ લખશે? તાજેતરનો વિવાદ કેવી રીતે શરૂ થયો તથા રવિવારે શું થયું હતું?
પોલીસની ભૂમિકા પર સવાલ કેમ?
ગોંડલની બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજા તેમના સમર્થકોમાં ગણેશ 'ગોંડલ' તરીકે વિખ્યાત છે. ગોંડલમાં જાડેજા પરિવાર 'બાહુબલિ'ની છાપ ધરાવે છે અને તેમની શક્તિનો ગઢ પણ છે.
સુરત ખાતેની એક બેઠક બાદ ગણેશ ગોંડલે કેટલાક પાટીદાર આગેવાનોને 'ગોંડલમાં મારા ઘરે આવી જજો'નો પડકાર ફેંક્યો હતો. એ પછી અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા તથા જિગીષા પટેલ ગોંડલ પહોંચ્યાં હતાં.
આ કાફલાની ગાડીઓ ઉપર ભગવા ઝંડા લાગેલા હતા. સૌથી આગળની ગાડી ઉપર ભગવાન રામનું કટ-આઉટ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે ગણેશ ગોંડલના કહેવાતા સમર્થકોએ કાળા વાવટા અને બૅનરો દ્વારા તેમનો વિરોધ કર્યો હતો. જોત-જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેમની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "ભારતના બંધારણે દરેકને શાંતિપૂર્વક રીતે વિરોધ કરવાનો તથા મુક્ત રીતે હરફર કરવાનો અધિકાર આપેલો છે. અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા ઉપર જાહેર કર્યું કે તેઓ ગોંડલ આવશે, ત્યારે જ પોલીસે સતર્ક થઈ જવાની જરૂર હતી."
"પોલીસને જાણ હતી કે માહોલ ખૂબ જ ગરમ છે. કોણ શું કરવાનું છે, તેના વિશે પણ જાહેરાતો થઈ ગઈ હતી. એવા સંજોગોમાં કાં તો પોલીસે પાટીદાર આગેવાનોના કાફલાને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત આપવો જોઈતો હતો અથવા તો તેમને ગોંડલમાં પ્રવેશતા પહેલાં જ અટકાવી દેવાની જરૂર હતી. પોલીસની હાજરીમાં પાટીદાર આગેવાનોની ગાડીઓના કાચ કેવી રીતે તૂટે?"
ગણેશ ગોંડલે ફેંકેલા પડકારને ઝીલતા અલ્પેશ કથીરિયા જાડેજા પરિવારના ઘર પાસેથી નીકળીને આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા માટે જવાના હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેમણે પોતાનો રુટ બદલ્યો હતો તથા અન્ય માર્ગે પ્રતિમા સુધી પહોંચ્યા હતા.
પોલીસે તોડફોડ સંબંધે 'નામજોગ' એફઆઈઆર દાખલ કરી છે તથા રવિવારના ઘર્ષણ મુદ્દે સામસામે ફરિયાદો થઈ હોવાના અહેવાલ છે.
આ વિવાદ ક્ષત્રિય વિરુદ્ધ પાટીદારનો છે?
ગત સપ્તાહે ગોંડલના સુલતાનપુર ખાતે 'આક્રોશ રેલી'ને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વિવાદની શરૂઆત અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એ સભાને સંબોધિત કરતા ગણેશ ગોંડલે કહ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. એ પછી બંને પરિવારોને સાથે બેસાડીને અમે સમાધાન કરાવડાવ્યું હતું.
ગણેશ ગોંડલે કહ્યું હતું કે કેટલાક 'જાતિવાદી લોકો'એ સોશિયલ મીડિયા પોસ્ટ અને પત્રકાર પરિષદ સંબોધીને ગોંડલની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
એક ચર્ચા મુજબ, થોડા સમય પહેલાં ગોંડલના પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગાળાની પુણ્યતિથિ નિમિતે એક બેઠક મળી હતી. જેમાં કથીરિયા, જિગીષા પટેલ તથા અન્ય નેતાઓએ ગોંડલમાં પ્રવર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરવામાં આવી હતી.
બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ગોંડલમાં પ્રવર્તમાન ગુંડાગીરી સામે પ્રાણોની આહુતિ આપનારા પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં મૂકાવી જોઈએ.
માર્ચ-2004માં વિનુભાઈ શિંગાળાની રાજકોટસ્થિત તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર શિંગાળાની હત્યા માટે સોપારી આપવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં બાદમાં જયરાજસિંહનો પુરાવાના અભાવે છુટકારો થયો હતો.
એટલે સુરતની બેઠક ગણેશ ગોંડલ માટે ચેતવણીરુપ હતી. તેમણે સુલતાનપુરની આક્રોશ રેલીમાં કથીરિયા, જિગીષા પટેલ તથા મેહુલ બોઘરાને 'જાતિવાદી' કહ્યા હતા તથા તેમના 'હાય...હાય...'ના નારા પણ લગાવડાવ્યા હતા.
'ભાજપમાં 'આંતરિક ગૅંગવૉર' ચાલી રહી છે'
રવિવારે વિવાદ થયો ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા કૉંગ્રેસના "સંગઠન સર્જન અભિયાન" હેઠળ ગોંડલમાં હતા. તેમણે સમગ્ર વિવાદને 'ભાજપની આંતરિક ગૅંગવૉર' કહી હતી.
પત્રકારો સાથે વાતચીતમાં અમિત ચાવડાએ કહ્યું, 'ગુજરાતમાં ગુંડારાજ હોય એવી સ્થિતિ આપણે પ્રત્યક્ષ અને મીડિયાના મારફતે જોઈ છે. એ ભાજપમાં આંતરિક ગૅંગવોર ચાલી રહી છે. જાહેરમાં ગાડીઓના કાચ ફૂટે, મારામારી થાય અને એકબીજાની હત્યાસુધીના પ્રયાસ થાય એજ દર્શાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી.'
જગદીશ આચાર્ય માને છે, "પાટીદારોમાં અલગ-અલગ જૂથ છે. જે વેપારધંધા અને રાજકારણ સહિત ભિન્નભિન્ન ક્ષેત્રોમાં અગ્રેસર છે. સૌરાષ્ટ્રના મોટાભાગના ધારાસભ્યો અને સંસદસભ્યો પાટીદાર છે અને ભાજપના છે. છતાં તેઓ આ અંગે કશુ નથી બોલી રહ્યા."
વિવાદ મુદ્દે જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે વિવાદને કાવતરું ગણાવીને તે કૉંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. સાથે જ અલ્પેશ કથીરિયા સામે ભાજપના હાઈકમાન્ડમાં ફરિયાદ કરવાની વાત કહી છે. તેમણે કથીરિયાને ગોંડલમાંથી ચૂંટણી લડવાનો પણ પડકાર ફેંક્યો હતો.
શું રાજ્યભરમાં વિવાદની અસર જોવા મળશે?
પાટીદાર અનામત આંદોલન હોય કે અન્ય કોઈ વાત. સૌરાષ્ટ્રના પાટીદારોનું એક શક્તિકેન્દ્ર સુરતમાં પણ જોવા મળે છે. જ્યાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. ત્યારે શું તાજેતરના વિવાદને કારણે રાજ્યવ્યાપી અસર જોવા મળશે?
જગદીશ આચાર્યના મતે, "ગુજરાતમાં હજુ ચૂંટણીઓ દૂર છે એટલે તેની વ્યાપક રાજકીય અસર શું થશે, તે અંગે કંઈ કહી ન શકાય. છતાં જો ગણેશ જાડેજાનો રાજકીય પ્રોફાઇલ બનાવવો હશે તો કદાચ ગણેશ ગોંડલને તાલુકા કે જિલ્લા પંચાયતની ટિકિટ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. છતાં ગોંડલમાં પિતા-પુત્ર કે જાડેજા પરિવારનું રાજકીય કદ નહીં ઘટે."
વર્ષ 2024માં ગણેશ ગોંડલની ઉપર દલિત યુવક સાથે મારઝૂડના આરોપ લાગ્યા હતા અને તેમણે જેલમાં જવું પડ્યું હતું, બાદમાં જામીન ઉપર છૂટકારો થયો હતો.
ભાજપના એક પાટીદાર આગેવાને ગણેશ ગોંડલની પ્રશંસા કરતી વખતે તેમને ધારાસભા માટેના ઉમેદવાર બનાવવાની વાત કહી હતી. એ વાતે પણ વિવાદને વકરાવવામાં ભૂમિકા ભજવી છે.
કૌશિક મહેતા કહે છે, "આ ઘટનાક્રમને પગલે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયના નરૅટિવને વેગ મળી શકે છે. પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયના રાજકીય સંઘર્ષની જે પૃષ્ઠભૂમિ રહી છે. જેની સ્મૃતિઓ ક્યાંક ને ક્યાંક બંને સમાજના લોકોના માનસમાં ભંડારાયેલી હોય છે. એવામાં આ પ્રકારની ચિનગારી ભૂતકાળની યાદો તાજી કરી દેતી હોય છે."
કૌશિક મહેતા ઉમેરે છે, "સમગ્ર ઘટનાક્રમમાં ભાજપના નેતાઓ પણ કશું નથી બોલી રહ્યાં, કે પરિસ્થિતિને શાંત પાડવા માટે નિવેદન નથી આપી રહ્યા, તે અચરજ પમાડે તેવી બાબત છે."
તેઓ કહે છે કે હાલના તબક્કે તો આ વિવાદ સ્થાનિકસ્તરે જ છે અને તે રાજ્યવ્યાપી કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એમ નથી લાગતું, છતાં આગામી દિવસોમાં શું થાય છે તેના ઉપર પણ મદાર રહે છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય રાજકારણનો ઇતિહાસ
સૌરાષ્ટ્રમાં પાટીદાર વિરુદ્ધ રાજપૂત રાજકારણનો જૂનો ઇતિહાસ રહ્યો છે. રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે, "સામાન્ય સંજોગોમાં આ મતભેદ સપાટી ઉપર નથી જોવા મળતા, પરંતુ તેનાં મૂળિયાં ખૂબ જ ઊંડાં છે. આવી કોઈ ઘટના ચિનગારીનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે."
"જ્યારે પાટીદાર સમાજના લોકો તેમના આગેવાનો સાથે જે કંઈ થયું, તેના વીડિયો જુએ, ત્યારે તેમના મનમાં પણ સહાનુભૂતિ ઊભી થાય. ગોંડલના પાટીદારો સામાન્ય રીતે જાડેજા પરિવારના વર્ચસ્વ સામે બોલતા નથી, પરંતુ હવે તેમાંનો એક વર્ગ બોલતો થયો છે. જે ગોંડલ અને સુરતમાં જાહેરમાં બોલે છે."
ભારતને સ્વતંત્રતા મળી, ત્યારે ગુજરાત રાજ્યનું અસ્તિત્વ ન હતું અને સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. તત્કાલીન સરકારે 'ખેડે તેની જમીન'નો કાયદો લાગૂ કર્યો હતો.
જેના કારણે ભારતમાં ભળી જનારા સૌરાષ્ટ્રના 200થી વધુ રાજવીઓમાં કચવાટ ફેલાયો હતો, જેમાંથી અમુક સશસ્ત્ર અભિયાન પણ હાથ ધર્યું હતું, જેમાંથી એક રીબડાના મહિપતસિંહ જાડેજા હતા.
આગળ જતાં તેઓ ધારાસભ્ય બન્યા. એમના વર્ચસ્વને પાટીદાર નેતા પોપટભાઈ સોરઠિયાના કારણે પડકાર મળ્યો. ત્યારે મહિપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહે સરાજાહેર સોરઠિયાની હત્યા કરી.
આ સિવાય પણ બંને સમાજને સામ-સામે લાવી દે એવી અનેક ઘટનાઓ ઘટી હતી.
કાળક્રમે જયરાજસિંહ જાડેજાએ ન કેવળ મહિપતસિંહના વર્ચસ્વને પડકાર આપ્યો, પરંતુ ચૂંટણીજંગમાં તેમને વારંવાર હરાવ્યા અને પોતાનો દબદબો કાયમ પણ કર્યો. એટલે રીબડા અને ગોંડલના જાડેજા પરિવારો વચ્ચે પણ વિખવાદ છે.
એ પછી ગોંડલના રાજવી પરિવારની જમીનને પગલે ભાજપના નેતા વિનુભાઈ શિંગાળા અને જયરાજસિંહ જાડેજા સામ-સામે આવી ગયા. જેમાં 'વૅલ-બિલ્ટ મૅન' વિક્રમસિંહ રાણા, વિનુભાઈ, શિંગાળા અને નિલેશ રૈયાણી જેવા લોકોનાં મૃત્યુ થયાં.
ગત લોકસભા ચૂંટણી વખતે રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પાટીદાર નેતા પરશોત્તમ રૂપાલા ઉપર પૂર્વ રાજપૂત રાજવીઓ વિરુદ્ધ ઘસાતી ટિપ્પણી કરવાના આરોપ લાગ્યા હતા.
એ પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો હતો. કેટલાક વિવેચકોના મતે, આ વિવાદને કારણે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને નુકસાન થયું હતું.
જોકે, જાણકારોના મતે પાટીદાર સમાજ તથા 'રિવર્સ પૉલોરાઇઝેશન'ને કારણે રૂપાલા ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ વિવાદને કારણે 'કેન્દ્રમાં નિશ્ચિત મનાતું મંત્રીપદ તેમને નહોતું મળ્યું.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન