ગોંડલ: જયરાજસિંહ જાડેજાના ઘરમાં 'ઘૂસનાર' અને હાઇવે પર રહસ્યમય મૃત્યુ પામનાર યુવાનનો કેસ ઉકેલવાનો પોલીસનો દાવો, એકની ધરપકડ

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગોંડલમાં એક યુવાનના મૃત્યુ અંગે પરિવારજનોના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આરોપ અને પોલીસના અલગ-અલગ નિવેદનની વચ્ચે પોલીસે આ કેસને ઉકેલી દેવાનો દાવો કર્યો છે.

રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખાનગી ટ્રાવેલ્સના બસચાલક રમેશ મેરની ધરપકડ કરી છે.

યુપીએસસીની પરીક્ષા આપીને સરકારી અધિકારી બનવાના સપનાં જોતા રાજકુમાર જાટ નામના એક 24 વર્ષીય યુવાનનું ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરની "મુલાકાત" પછી રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

આ યુવાનનું મૃત્યુ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર રાજકોટ નજીક હાઇવે પર થયું હતું.

યુવાનના પિતા રતનલાલ જાટે પોલીસને આપેલી એક અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમને અને તેમના દીકરા રાજકુમારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે માર મારવામાં આવ્યો હતો, પણ પોલીસે આ આક્ષેપને ફગાવી દીધો છે.

રાજકોટ પોલીસનું કહેવું હતું કે યુવાનનું માનસિક સંતુલન બરાબર ન હતું અને ઘરેથી ભાગી ગયા બાદ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકર લાગતા યુવાનનું મૃત્યુ થયું છે. તપાસના અંતે આ વાહન એક ખાનગી ટ્રાવેલ્સ બસ હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ સિટી પોલીસના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી, બાદમાં વિવાદ વકરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું.

ખાનગી ટ્રાવેલ્સના બસ ડ્રાઇવરની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) પાર્થરાજસિંહ ગોહિલે પત્રકારપરિષદ સંબોધી હતી અને રાજકુમાર જાટનાં અકસ્માતે મૃત્યુનો કેસ ઉકેલી લેવાનો દાવો કર્યો હતો.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા ગોહિલને ટાંકતા જણાવે છે, "યુવાનના મૃત્યુ સંદર્ભે જીવલેણ અકસ્માતનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાજકીય રીતે સંવેદનશીલ બની ગયેલા કેસને ઉકેલવા માટે રાજકોટ પોલીસના ઉચ્ચઅધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી."

"એ પછી સીસીટીવી ફૂટેજ તથા પ્રત્યક્ષદર્શીઓની જુબાનીના આધારે બનાવ ક્યારે બન્યો હશે અને તેના માટે કોણ જવાબદાર હોય શકે છે, તેના વિશે તપાસ હાથ ધરી હતી. આ કામમાં પોલીસ ઉપરાંત લૉકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપની ટીમો પણ જોડાઈ હતી."

"જેના આધારે ખાનગી ટ્રાવેલ્સ કંપનીના બસડ્રાઇવર રમેશ મેરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમક્ષ આરોપીએ કેફિયત આપી હતી કે આંખમાં પ્રકાશ પડતા ભૂલથી તેનાથી અકસ્માત થયો હતો."

બિપિન ટંકારિયા ઉમેરે છે કે રાજકોટ પોલીસે બસને કબજે લઈને તેની એફએસએલ તપાસ હાથ ધરી છે, જેથી કરીને કેસને મજબૂત બનાવી શકાય.

છઠ્ઠા દિવસે મૃતદેહની ઓળખ થઈ હતી

એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ) અનુસાર 'તારીખ ચાર માર્ચ 2025ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યે એક 108 ઍમ્બ્યુલન્સ રાજકોટ શહેરથી પૂર્વે બારેક કિલોમીટર તરઘડિયા ગામ પાસે રાજકોટ-અમદવાદ નૅશનલ હાઇવેના એક ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના સ્ટાફને બ્રિજ પર એક ઈજાગ્રસ્ત યુવાન પડ્યો હોવાનું ધ્યાને આવ્યું.'

એફઆઈઆર અનુસાર યુવાનને "અકસ્માત"માં માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું જણાતા ઍમ્બ્યુલન્સના સ્ટાફે તેને રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખસેડ્યો, પરંતુ સારવાર દરમિયાન તે જ દિવસે યુવાનનું મૃત્યુ થયું હતું.

કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. રજ્યાએ બીબીસીને જણાવ્યું હતું, ''યુવાનની ઓળખ થઈ શકી ન હોવાથી યુવાનનો મૃતદેહ સિવિલ હૉસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. ઘટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તાપસ ચાલુ કરી હતી."

મૃત્યુ પામેલા યુવાન રાજકુમારના પિતા રતનલાલ જાટ ફાસ્ટફૂડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

બીજી બાજુ, રતનલાલ જાટે પાંચ તારીખે ગોંડલના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરી કે તેમનો દીકરો રાજકુમાર ત્રણ તારીખની સવારથી ગુમ છે. એજ દિવસે સાંજે તેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસના એસ.પી. હિમકર સિંહને મળ્યા અને તેમના દીકરીને શોધી આપવા વિનંતી કરતી એક અરજી કરી હતી.

રાજકોટ રૂરલ પોલીસે રાજકુમારને શોધવાની કવાયત આદરી. રાજકુમાર મળતો ન હોવાની જાણ થતા રાજસ્થાનમાં રહેતા તેનાં બે બહેનો પૂજા અને માયા તથા માયાના પતિ કમલેશ જાટ પાંચ તારીખે રાત્રે ગોંડલ પહોંચી ગયાં. સાત તારીખે સવારે પૂજાના પતિ અર્જુન ચૌધરી પણ ગોંડલ પહોંચી ગયા અને રાજકુમારને શોધવામાં જોડાયા.

કુવાડવા પોલીસ મૃતદેહની ઓળખ કરવા મથી રહી હતી, તે દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસને શંકા ગઈ કે કુવાડવા પોલીસની હદમાં મૃત્યુ પામેલ વ્યક્તિ રાજકુમાર હોઈ શકે છે.

તેથી, ગોંડલ 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. દેસાઈએ રાજકુમારના બનેવી અર્જુન ચૌધરીને નવ માર્ચ 2025ના દિવસે સાંજે પાંચ વાગ્યે ફોન કરી હાઇવે પર ઈજા થતા યુવાનના મૃત્યુ અંગે જણાવ્યું અને તેનો મૃતદેહ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં રાખ્યાની માહિતી આપી હતી.

આને પગલે, અર્જુન, પૂજા અને કમલેશ રાજકોટ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યાં. પોલીસ ઇન્સ્પેક્ટરે ત્યાં રખાયેલા મૃતદેહ બતાવતા અર્જુને તેને ઓળખી બતાવ્યો.

મૃતદેહની ઓળખ થઈ ગયા બાદ અર્જુને આપેલ ફરિયાદના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલાક વિરુદ્ધ બેદરકારીભર્યા કૃત્ય અને જોખમી રીતે વાહન ચલાવી રાજકુમારનું મૃત્યુ નીપજાવવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1 ), 125 (એ ) 125 (બી ) , 281 તેમ જ મોટર વિહિકલ ઍક્ટની કલમ 184 , 177 અને 134 મુજબ ગુનો નોંધ્યો.

મૃતકના પિતાનો આક્ષેપથી ચકચાર

આ મામલામાં રાજકોટ સિટી પોલીસે નોંધેલી એફઆઈઆર મુજબ રાજકુમારનું મૃત્યુ ચાર તારીખે વહેલી સવારે અજાણ્યા વાહન સાથે અથડાવવાથી થયું હતું.

પણ પાંચ માર્ચના દિવસ રાજકોટ ગ્રામ્ય પોલીસને આપવામાં આવેલી અરજીમાં રતનલાલ જાટે આક્ષેપ કર્યો છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહના ઘરે બીજી માર્ચની રાત્રે તેમને અને તેમના પુત્ર રાજકુમારને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો.

રતનલાલ જાટે અરજીમાં કહ્યું છે કે બીજી માર્ચના રાત્રે 10 વાગ્યે તેમણે તેમના પુત્રને ફોન કર્યો ત્યારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલના મેદાન ખાતે વેરાઈ હનુમાનજી મંદિરના પૂજારીએ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે રાજકુમાર દર્શન કરવા આવ્યો હતો અને ફોન ત્યાં જ ભૂલી ગયો છે.

પિતા રતનલાલ જાટ મંદિર જવા નીકળ્યા હતા અને આ દરમિયાન રાજકુમાર મંદિરથી ફોન લઈને જતો રહ્યો હતો. પછી પિતા-પુત્ર મળ્યા અને બાઇક પર રાત્રે 11 વાગ્યે ગોંડલના ગાયત્રીનગરમાં તેમના ઘરે પાછા ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં પિતાએ પુત્રને બાઇક ઝડપથી ચલાવવા બદલ ઠપકો આપતા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.

રતનલાલે અરજીમાં કહ્યું છે કે, "ઠપકો આપતા મારા દીકરાએ બાઇક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે ઊભી રાખી હતી જેથી ત્યાં ઊતરી ગયા. "

રતનલાલ જાટે આરોપ મૂક્યો હતો કે 'અજાણ્યા લોકોએ રાજકુમારને ત્યાં બોલાવ્યો અને બંગલાની અંદર લઈ ગયા હતા. રતનલાલ પોતે પણ બંગલાની અંદર ગયા હતા. બંગલાની અંદર 10થી 12 લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પૂછપરછ કરી. ત્યાર બાદ ત્યાં ઊભા લોકોએ રાજકુમારને માર માર્યો હતો.'

રતનલાલનું કહેવું છે કે તેઓ પુત્રને બચાવવા ગયા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

રતનલાલ જાટે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી જેમાં તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસોએ માર મારતા તેમના દીકરાનું મૃત્યુ થયું હતું.

રતનલાલ જાટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આક્ષેપ કર્યો હતો, "હું મારા દીકરાને બાઇક ધીમું ચલાવવા કહેતો હતો, પરંતુ તે માનતો ન હતો. તેવામાં, પૂર્વ ધારાસભ્યના (જયરાજસિંહ) ઘર પાસેથી પસાર થતા ત્યાં એક બમ્પ હોવાથી બાઇક ધીમું પડ્યું અને હું બાઇક પરથી ઊતરી ગયો."

"તેથી મારો દીકરાએ બાઇક ઊભું રાખી કહ્યું કે સારું પપ્પા, તમે બાઇક ચલાવો. તેવામાં પૂર્વ ધારાસભ્યના માણસોએ હાથથી ઇશારો કરી મારા દીકરાને તેમની તરફ બોલાવ્યો અને પછી તેને માર માર્યો. બીજી સવારે મારો દીકરો ન મળ્યો તેથી મને તો પૂર્વ ધારાસભ્ય પર જ શંકા જાયને."

રતનલાલ જાટની અરજીમાં જણાવેલ વિગત મુજબ છેવટે પિતાએ વિનંતી કરતા અજાણ્યા માણસોએ પિતા-પુત્રને જયરાજસિંહના ઘરેથી જવા દીધા હતા.

પિતા રતનલાલ જાટે ઉમેર્યું હતું કે એ પછી પિતા-પુત્ર ઘરે આવ્યા હતા, પણ સવારે નવ વાગ્યે તેમણે જોયું કે પુત્ર રાજકુમાર તેના રૂમમાંથી ગાયબ હતો.

રતનલાલ મૂળતઃ રાજસ્થાનના વાતની છે, પરંતુ છેલ્લાં ચાલીસેક વરસથી ગોંડલમાં રહે છે.

રતનલાલે ઉમેર્યું કે જોધપુરમાં અભ્યાસ કરી રાજકુમારે સિવિલ ઍન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 2023-24માં દિલ્હી જઈ યુપીએસસીનું (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સંઘ લોકસેવા આયોગ) કોચિંગ પણ મેળવ્યું હતું.

બીબીસી ગુજરાતીએ જયરાજસિંને ફોન અને મૅસેજ કરીને સમગ્ર મામલે તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી હતી, પરંતુ તેમના તરફથી તત્કાલ કોઈ જવાબ મળ્યો ન હતો.

પોલીસ તપાસમાં શું ખૂલ્યું?

મૃતકના પરિવારની વિનંતી પર તારીખ દસ માર્ચે રાજકોટમાં રાજકુમારના મૃતદેહનું બીજી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.

મૃતદેહને સ્વીકારતા પહેલાં મીડિયા સાથે વાત કરતા રતનલાલે પૂર્વ ધારાસભ્ય સામે ફરી વાર આક્ષેપો કર્યાં. પરંતુ, તેની થોડી કલાકો બાદ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા રાજકોટ ગ્રામ્યના એસપી હિમકર સિંહે રાતનલાલના આક્ષેપોને નકાર્યા.

તેમણે કહ્યું કે રાજકુમાર ત્રણ તારીખે રાત્રે બે વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ ચાલીને ત્રણ તારીખની સવારે 6:50 વાગ્યે રાજકોટ નજીક શાપર પહોંચ્યા.

રાજકોટ-ગોંડલ હાઇવે પર લાગેલા વિવિધ સીસીટીવી કૅમેરાએ રેકૉર્ડ કરેલ ફૂટેજમાં તે ચાલતા જતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. તે જ દિવસે સાંજે 6:34 વાગ્યે રાજકુમાર જાટ તરઘડિયા પાસે આવેલા રામધામ આશ્રમમાં પ્રવેશતા દેખાય છે.

એસપી હિમકર સિંહે કહ્યું, "ચાર તારીખે સવારે બે વાગ્યે ત્યાંથી ફરી નીકળતા જોઈ શકાય છે અને પછી તેમનો મૃતદેહ લગભગ ત્રણ વાગ્યે રાજકોટથી અમદાવાદ હાઇવે પર મળ્યો હતો. અને પછી તેને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો."

એસ.પી. હિમકરસિંહે કહ્યું કે પિતા સાથે ઝઘડા પછી રાજકુમાર ધારાસભ્યના ઘરમાં "ઘૂસી" ગયા હતા.

હિમકરસિંહે ઉમેર્યું હતું, "પિતા-પુત્રમાં (રતનલાલ અને રાજકુમાર) ઝઘડો થયો હતો. બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થયા. પુત્ર બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા. સંયોગ એવો હતો કે પૂર્વ ધારાસભ્યના ઘરની સામે રાજકુમારના પિતા બાઇક પરથી ઊતરી ગયા."

"પુત્રે બાઇક રોકી, ટર્ન લીધો, ધારાસભ્યના ઘરની સામે બાઇક પાર્ક કર્યું અને કોઈને કહ્યા વગર જ એમના ઘરમાં સીધા જ ઘૂસી ગયા."

પોલીસનું કહેવું છે કે "રાજકુમાર કોઈને પૂછ્યા વગર જ પૂર્વ ધારાસભ્યના ઘરમાં ઘૂસી ગયા."

એસપીએ આગળ જણાવ્યું કે, ત્યાંના સિક્યૉરિટી ગાર્ડ્સ એમને બેસાડ્યા અને ત્યાં વાત થઈ. એમના પિતા પણ ત્યાં આવી ગયા હતા.

પોલીસનો દાવો છે કે તેમની પાસે આ બધી ઘટનાના સીસીટીવી ફૂટેજ છે.

એસપી આગળ કહે છે કે, પછી ત્યાં એક-બીજા સાથે સંવાદ થયો અને પછી ત્યાં બોલાચાલી થઈ. એમને ત્યાંથી ઊઠવા માટે કહેવામાં આવ્યું (પણ) તેઓ ઊઠ્યા નહીં ત્યાર બાદ એમને ઉઠાવીને બહાર કરવામાં આવે છે. આટલી બોલાચાલી, આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે. એના સિવાય ભૂતપૂર્વ ધારાસભ્યના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી."

એસપીએ માર મારવાની વાતને પણ ફગાવી અને કહ્યું કે રાજકુમાર ચાલતા-ચાલતા જ 40 કિલોમીટરથી પણ દૂર રાજકોટ કુવાડવા પોલીસની હદ સુધી પહોંચી ગયા હતા.

"પિતા-પુત્ર વચ્ચે તણાવ રહેતો હતો. પુત્ર ભણતો હતો અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા."

પોલીસે શું દાવો કર્યો હતો?

પોલીસ અનુસાર મૃત્યુ પામનાર રાજકુમાર માનસિક રૂપથી અસ્વસ્થ હતા. તેમને તણાવ રહેતો હતો. અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા. રાજકુમાર આની પહેલાં પણ બેથી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ગયા હતા

આ બાબતથી સ્પષ્ટ જાણવા મળે છે કે તે ત્રીજી તારીખે સવારે ગાયબ થાય છે પણ એમના પિતાએ પાંચમી તારીખે સવારે 11 વાગ્યે આવીને પોલીસ સ્ટેશનમાં એના ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી."

એસપીએ ઉમેર્યું, "અરજદારને અમે એક કલાક સાંભળ્યા હતા. અમે અરજદારની ફરિયાદ પણ દાખલ કરવાની તૈયારી બતાવી હતી. અરજદારનું કહેવાનું હતું કે સાહેબ અમારો દીકરો અમને મળી જાય પછી બાદની જે બાબતે વિચારીશું અને તમને કહીશું."

પરંતુ, રતનલાલે તેમના પુત્ર રાજકુમારની અંતિમવિધિ કરી હતી.

રતનલાલે સવાલ કર્યો, "અમે એક અરજી તો કરી જ દીધી હતી અને તેમાં પૂર્વ ધારાસભ્યના ઘરે અમને માર મારવાની ફરિયાદ કરી હતી. તો તેમાં એફઆઈઆર કેમ દાખલ ન કરી?"

એ પછી રાજકોટ પોલીસે રાજકુમારને ઠોકર મારનાર અજાણ્યા વાહનની ઉપર તપાસ કેન્દ્રિત કરી હતી અને કેસને ઉકેલવાનો દાવો કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.