You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયા અને કતારમાં જ શાંતિકરારો શા માટે થાય છે?
- લેેખક, જેરેમી હૉવેલ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયા ખાતે મુલાકાત કરી. બંને દેશના ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકને 'સકારાત્મક' ગણાવી હતી. જેદ્દાહની રિત્ઝ કાર્લટન હોટલ ખાતે ચાલી રહેલી આ વાટાઘાટ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામનો માર્ગ ખુલ્લો કરી શકે છે.
ત્યારે વાતચીત માટે સાઉદી અરેબિયાની પર પસંદગીનો કળશ કેમ ઢોળવામાં આવ્યો?
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સુમેળભર્યા સંબંધ ધરાવે છે. આ બાબત મહત્ત્વપૂર્ણ છે.
સાઉદી અરબનું કહેવું છે કે તે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે.
ગત બે દાયકા દરમિયાન સાઉદી અરેબિયા તથા તેના પાડોશી દેશ કતારે દુનિયાભરના અનેક સંઘર્ષોમાં મધ્યસ્થતા કરી છે.
ઇઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝામાં યુદ્ધ વિરામ કરાવવામાં કતારે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ પહેલાં પણ કતારે અનેક દેશો વચ્ચે સમાધાન કરાવ્યા છે.
શા માટે આંતરરાષ્ટ્રીય શાંતિકરારો માટે આ બંને દેશને પસંદ કરવામાં આવે છે અને શું તેના કારણે બંને દેશો વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ છે?
સાઉદી અરેબિયાની ભૂમિકા
વર્ષ 2015માં સાઉદી અરેબિયાએ યમનના ગૃહયુદ્ધ દરમિયાન દરમિયાન ત્યાંની તત્કાલીન સરકારને સાથ આપ્યો હતો. સરકાર સામે લડી રહેલા હૂતી બળવાખોરો પર હવાઈ હુમલા કર્યા હતા અને તોપમારો પણ કર્યો હતો. આ રીતે સાઉદી અરેબિયાએ યમનનાં ગૃહયુદ્ધમાં દખલ દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાયકાઓ સુધી આક્રમક વલણ રાખ્યા બાદ સાઉદી અરેબિયાએ હવે શાંતિકરાર કરાવવામાં ભૂમિકા ભજવી છે.
વર્ષ 2010માં લેબનોનની સરકારે સાઉદી અરેબિયા પર આરોપ મૂક્યો હતો કે તેમના વડા પ્રધાન સૈયદ અલ-હરીરીને અટકમાં લીધા હતા. લેબનોનનો આરોપ હતો કે સાઉદી અરેબિયાએ તેમના વડા પ્રધાન સામે ખટલો ચલાવીને તેમને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2018માં સાઉદી અરેબિયાના કટ્ટર ટીકાકાર પત્રકાર જમાલ ખાશોગીની ઇસ્તંબૂલમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી.
વૉશિંગ્ટનસ્થિત મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના પૉલ સલેમે બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં મોહમ્મદ બિન સલમાનની નેતૃત્વ શૈલીને કારણે ટકરાવ પેદા થયો હતો. હવે, સાઉદી અરેબિયાના નેતૃત્વને અહેસાસ થયો છે કે ટકરાવ વધારવાની સરખામણીએ મધ્યસ્થતા કરીને મોટી ભૂમિકા ભજવી શકે છે."
મધ્યપૂર્વીય બાબતોના નિષ્ણાત તથા અમેરિકન થિન્કટૅન્ક વૉશિંગ્ટન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલાં ઍલિઝાબેથ ડૅન્ટનું કહેવું છે કે સાઉદી અરેબિયા મધ્યપૂર્વીય એશિયામાં સ્થિરતા ઇચ્છે છે, એટલે જ તે શાંતિકરાર માટે મધ્યસ્થતા ઇચ્છી રહ્યું છે.
ડૅન્ટે બીબીસીને જણાવ્યું, "વાસ્તવમાં સમજીવિચારીને આ વ્યૂહરચના અપનાવી છે. સાઉદી અરેબિયા ક્રૂડતેલ ઉપરની નિર્ભરતાને ખતમ કરવા માગે છે. તે ઇચ્છે છે કે ઇકૉનૉમીના નવા-નવા સેક્ટરોને વિકસાવવા માગે છે."
"સાઉદી અરેબિયા વિદેશી રોકાણકારોને આકર્ષવા માગે છે. મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવવા પાછળ પણ આ જ વ્યૂહરચના છે."
સમાધાન કરાવવામાં સાઉદી અરેબિયા કેટલું સફળ ?
છેલ્લા કેટલાક દાયકા દરમિયાન સાઉદી અરેબિયાએ અનેક શાંતિકરારોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સાઉદી અરેબિયાએ વર્ષ 1989માં લેબનોનમાં લડી રહેલા અલગ-અલગ સંગઠનો વચ્ચે સમાધાન કરાવડાવ્યું હતું. સાઉદીની મધ્યસ્થીથી 'તાએફ કરાર' માટે માર્ગ મોકળો થયો હતો, જેના કારણે વર્ષ 1990માં લેબનોનનું ગૃહયુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, જે લગભગ 15 વર્ષથી ચાલી રહ્યું હતું.
વર્ષ 2007માં સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઇનના ઉગ્રવાદી જૂથો હમાસ અને ફતહની વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જે 'મક્કા કરાર'માં પરિણામ્યું હતું.
ફરી એક વખત ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સાઉદી અરેબિયાએ મધ્યસ્થની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. સાઉદી અરેબિયા વર્ષ 2022થી જ યમનમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસરત્ છે.
સાઉદી અરેબિયાએ હૂતી બળવાખોરો સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે, જેથી કરીને ત્યાં ચાલી રહેલું ગૃહયુદ્ધ પૂરું થઈ શકે.
સુદાનમાં સેના અને બળવાખોર 'રેપિડ સપૉર્ટ ફૉર્સિસ'ની વચ્ચે સમાધાન કરાવવા માટે સાઉદી અરેબિયાએ બંને પક્ષકારો સાતે અનેક રાઉન્ડની વાટાઘાટ કરી હતી.
વર્ષ 2022માં રશિયા અને યુક્રેનની વચ્ચે અઢીસોથી વધુ યુદ્ધકેદીઓની પરસ્પર આપલે થઈ હતી જેના માટે સાઉદી અરેબિયાએ મધ્યસ્થી કરી હતી.
શાંતિકરારમાં કતારની ભૂમિકા
જાન્યુઆરી-2025માં ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધવિરામ થયું હતું. જેમાં ઇજિપ્ત અને અમેરિકાની સાથે કતારની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વર્ષ 2020માં કતાર અને તાલિબાન તથા અમેરિકાની વચ્ચે સમાધાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આને કારણે અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 વર્ષથી ચાલતો સંઘર્ષ સમાપ્ત થયો હતો.
એ પછી અમેરિકાએ પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા અને અફઘાનિસ્તાન પર તાલિબાનોનું પ્રભાવિત પ્રસ્થાપિત થયું હતું.
કતારે વર્ષ 2010માં યમનમાં હૂતી બળવાખોરો અને યમન સરકારની વચ્ચે સમાધાન કરાવડાવ્યું હતું, જે પછી પડી ભાંગ્યું હતું.
કતારે આફ્રિકામાં પણ અનેક શાંતિકરાર કરાવડાવ્યા છે. વર્ષ 2022માં કતારે ચાડની સરકાર તથા વિપક્ષી જૂથો વચ્ચે સમાધાન કરાવડાવ્યું હતું.
કતારે વર્ષ 2010માં સુદાન સરકાર અને ડાર્ફૂરમાં સક્રિય હથિયારબંધ સંગઠનોની વચ્ચે શાંતિકરાર કરાવ્યા હતા.
2008માં કતારમાં લેબનોનમાં લડી રહેલા બળવાખોર જૂથો વચ્ચે સમાધાન કરાવડાવ્યું હતું. લેબનોનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળે એમ હતું, એવા સમયે કતારે આ સમાધાન કરાવડાવ્યું હતું.
કતાર શા માટે શાંતિકરાર કરાવડાવવા માગે છે?
1995માં હમાદ બિન ખલીફા અલ-થાની કતારના શાસક બન્યા. આ સાથે જ કતારે આ શાંતિકરારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની શરૂ કરી હતી. અલ-થાની વર્ષ 2013 સુધી સત્તા પર રહ્યા.
મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવવા પાછળ કતારનો મહત્ત્વપૂર્ણ હેતુ હતો.
કતાર પાસે ખાડી દેશમાં સૌથી મોટા ગૅસના ભંડાર છે. જેને 'નૉર્થ હોમ' તથા 'સાઉથ પાર્સ' ફિલ્ડ કહેવામાં આવે છે. વર્ષ 1990માં તેની ખોજ થઈ હતી.
લંડનમાં રૉયલ યુનાઇટેડ સર્વિસિઝ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. એચ.એ. હેલેયરના કહેવા પ્રમાણે, આ ગૅસના ભંડાર કતાર તથા ઈરાન એમ બંને દેશના જળવિસ્તારમાં ફેલાયેલા છે. એટલે ઈરાન સાથે સહયોગ કરવો એ કતારની મજબૂરી હતી.
એ પણ હક્કીકત છે કે એ સમયે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે દુશ્મનાવટ હતી.
ડૉ. હેલેયર કહે છે કે કતારે જ્યારે ગૅસ ભંડાર શોધ્યા, ત્યારે તેને લાગ્યું કે તેનું દોહન કરવા માટેના રસ્તા શોધવા પડશે, એટલે તેણે મધ્યસ્થ બનવાનો માર્ગ પસંદ કર્યો.
ડૉ. હેલેયર કહે છે, "કતારને લાગ્યું કે જો તે અલગ-અલગ દેશો વચ્ચે શાંતિકરાર કરાવડાવશે, તો તે અનેક દેશો સાથે પોતાનું નેટવર્કિંગ વધુ સુદૃઢ કરી શકશે. જેનાથી તેના પ્રત્યે લોકોનું સમર્થન વધશે."
કતારે વર્ષ 2004માં જે બંધારણ અપનાવ્યું, તેમાં મધ્યસ્થ તરીકેની ભૂમિકા નિહિત છે.
ડૉ. સલેમના કહેવા પ્રમાણે, "કતારે આંતરરાષ્ટ્રીય બાબતોમાં મધ્યસ્થ તરીકેની ભૂમિકાને પોતાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી છે. તેણે ખુદને એવા દેશ તરીકે રજૂ કર્યો છે, જેનો ઉપયોગ અન્ય દેશો સમાધાનો માટે કરી શકે છે."
મધ્યસ્થ દેશ તરીકે સાઉદી અને કતારમાં મતભેદ
સાઉદી અરેબિયા તથા અરબ દેશો જે સંગઠન સાથે વાત પણ નથી કરવા માગતા, એવાની સાથે પણ કતાર સંબંધ ધરાવે છે, એટલે કેટલાક દેશ કતારને મધ્યસ્થ તરીકે પસંદ કરે છે.
ડૉ. સલેમ કહે છે, "સાઉદી અરેબિયા હમાસ તથા મુસ્લિમ બ્રધરવૂડ જેવાં ઇસ્લામિક સંગઠનો વિરુદ્ધ છે, પરંતુ કતાર તેમના પ્રત્યે દુશ્મનાવટનો ભાવ નથી રાખતું."
ડૉ. સલેમ કહે છે કે તાલિબાન સાથેનાં સંબંધોને કારણે જ કતારે અફઘાનિસ્તાનસ્થિત સંગઠન અને અમેરિકાની વચ્ચે સેતુનું કામ કર્યું. કતારે હમાસ તથા ઇઝરાયલની સાથે સંબંધ જાળવી રાખ્યા છે. એટલે જ તેણે યુદ્ધવિરામ કરાવડાવવામાં તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી.
એલિઝાબેથ ડૅન્ટ કહે છે, "શાંતિકરાર માટે સાઉદી અરેબિયા રૂઢીવાદી વલણ અપનાવે છે, પરંતુ કતાર બિનપરંપરાગત વલણ ધરાવે છે."
સાઉદી અરેબિયાનું માનવું છે કે મુસ્લિમ બ્રધરવૂડ તેની સત્તા માટે ખતરારૂપ છે. કતાર દ્વારા મુસ્લિમ બ્રધરવૂડને સમર્થન આપવામાં આવે છે, એટલે સાઉદી અરેબિયા પાડોશી દેશ કતારથી નારાજ છે.
ડૅન્ટ કહે છે, "વર્ષ 2010 અને 2011 દરમિયાન અનેક આરબ શોમાં સરકારો વિરુદ્ધ 'આરબ સ્પ્રિંગ' જેવાં જનઆંદોલન થયાં હતાં, ત્યારે કતારે સીરિયા અને લીબિયા જેવા દેશોમાં બળવાખોરોનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. કતારના આવા વલણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે શું ઇચ્છે છે."
વર્ષ 2017માં સાઉદી અરેબિયા તથા મધ્યપૂર્વના અનેક દેશોએ કતાર સાથેના સંબંધ કાપી નાખ્યા હતા, જેના કારણે 'ખાડી સંકટ' ઊભું થયું હતું.
ડૅન્ટ કહે છે, "આ ટકરાવ તથા પાડોશી દેશોના વર્તનને કારણે કતારે શાંતિકરાર માટે સાવચેતપર્ણ પગલાં લેવાં પડ્યાં. એટલે ઉગ્રવાદી જૂથોને સમાધાનની ચર્ચા સુધી લાવવામાં તેને મહત્ત્વપૂર્ણ સફળતા નહોતી મળી. હવે કતાર વધુ નિષ્પક્ષ મધ્યસ્થ બની ગયું છે."
ડૅન્ટ કહે છે, "હવે સાઉદી અરેબિયા સાથે કતાર સ્પર્ધા નથી ઇચ્છતું અને સાઉદી અરેબિયા પણ કતારના સમાધાનના પ્રયાસોમાં દખલ નથી દેતું. આમ છતાં હાલમાં દુનિયામાં એટલા બધા સંઘર્ષ થઈ રહ્યા છે કે બંને મધ્યસ્થોને વ્યસ્ત રાખવા માટે પૂરતા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન