You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હવે કોઈ અમેરિકા ગેરકાયદે નહીં જાય', દેશનિકાલ કરાયેલા ભારતીયની વ્યથા
- લેેખક, યોગિતા લિમયે
- પદ, દક્ષિણ એશિયા અને અફઘાનિસ્તાન સંવાદદાતા
ગુજરાત સહિત ભારતમાંથી ગેરકાયદે રીતે અમેરિકા ગયેલા અને પાછા આવેલા ભારતીયોની કહાણીઓ હજુ પણ ચર્ચામાં છે અને આવી જ એક કહાણી છે ગુરપ્રીતસિંહની.
ગુરપ્રીતસિંહને હાથકડી લગાવાઈ હતી, પગમાં બેડીઓ પણ હતી. આટલું ઓછું હોય તો તેમની કમરમાં પણ સાંકળ બાંધવામાં આવી હતી.
યુએસ બૉર્ડર પેટ્રોલ દ્વારા તેમને ટેક્સાસમાં ટાર્મેક પર ઊભા રહેલા લશ્કરી સામાનની હેરફેર માટેના વિમાન C-17 તરફ લઈ જવામાં આવતા હતા.
3 ફેબ્રુઆરીનો દિવસ હતો અને મહિનાઓ સુધીની મુસાફરી પછી તેમને ખ્યાલ આવ્યો કે અમેરિકામાં રહેવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. તેમને ભારત પરત મોકલાઈ રહ્યા હતા.
"એવું લાગ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે," એમ તેમણે કહ્યું.
39 વર્ષીય ગુરપ્રીત તાજેતરનાં વર્ષોમાં હજારો ભારતીયોમાંના એક હતા જેમણે પોતાની જીવનભરની બચત ખર્ચી નાખી હતી અને વિવિધ ખંડો પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તેઓ વતનમાં ચાલતા બેરોજગારીના સંકટથી બચવા માગતા હતા.
અમેરિકામાં દસ્તાવેજ વગરના સવા સાત લાખ ભારતીયો
2022માં પ્યુ રિસર્ચના આંકડા અનુસાર, અમેરિકામાં લગભગ 725,000 બિનદસ્તાવેજીકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. જે મૅક્સિકન અને અલસાલ્વાડોરના લોકો પછીનો ત્રીજો સૌથી મોટો સમૂહ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી સામૂહિક દેશનિકાલને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું હતું. આ જ સિલસિલામાં ગુરપ્રીત ઘરે પરત મોકલવામાં આવેલા પ્રથમ બિનદસ્તાવેજીકૃત ભારતીયોમાંના એક બની ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરપ્રીત ભારતમાં તેમને મળેલી ધમકીઓના આધારે આશ્રયનો દાવો કરવાનો ઇરાદો ધરાવતા હતા. પરંતુ પ્રવાસી લોકોને આશ્રય અંગેની સુનાવણી સાંભળ્યા વિના જ પરત મોકલવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર અનુસાર તેમને પણ આવો કોઈ મોકો મળ્યો નહીં.
તેમણે કહ્યું કે તેમના કેસ પર વિચાર કર્યા વિના જ તેમને પાછા મોકલી દેવાયા.
'અમે 40 કલાકથી બેડીઓ પહેરીને બેઠા હતા'
રાષ્ટ્રપતિ બાઇડનના કાર્યકાળ દરમિયાન લગભગ 3,700 ભારતીયોને ચાર્ટર અને કૉમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે સાંકળોમાં બાંધી અટકાયતીઓની જેમ તેમને ભારત પરત મોકલ્યા. તેમની તાજેતરની છબીઓએ ભારતમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.
યુએસ બૉર્ડર પેટ્રોલે એક ઑનલાઇન વીડિયોમાં આ વીડિયો મૂકવામાં આવ્યા છે. જેમાં એક ધમાકેદાર સાઉન્ડટ્રેક સાથે ચેતવણી આપવામાં આવી છે, "જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને હાંકી કાઢવામાં આવશે."
ગુરપ્રીતે બીબીસીને કહ્યું, "અમે 40 કલાકથી વધુ સમય સુધી હાથકડી અને બેડીઓ પહેરીને બેઠા હતા. મહિલાઓને પણ એ જ રીતે બાંધવામાં આવી હતી. ફક્ત બાળકો જ મુક્ત હતા."
"અમને ઊભા રહેવાની મંજૂરી નહોતી. અમે શૌચાલયનો ઉપયોગ કરવા માગતા હોય તો પણ યુએસ દળો ઍસ્કોર્ટ કરતા. અને ફક્ત અમારી એક જ હાથકડી છોડવામાં આવતી હતી."
વિપક્ષી પક્ષોએ સંસદમાં વિરોધ કર્યો અને કહ્યું કે પરત મોકલાયેલા ભારતીયો સાથે "અમાનવીય અને અપમાનજનક વર્તન" કરવામાં આવ્યું છે. મુખ્ય વિપક્ષી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, "વડા પ્રધાન મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. તો પછી મોદીએ આને મંજૂરી કેમ આપી?"
ગુરપ્રીતે કહ્યું, "ભારત સરકારે અમારા વતી કંઈક કહેવું જોઈતું હતું. તેમણે અમેરિકાને હાથકડી અને બેડીઓ વગર દેશનિકાલ કરવાનું કહેવું જોઈતું હતું."
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારે અમેરિકા સમક્ષ આ ચિંતાઓ વ્યક્ત કરી છે. જેના પરિણામે આના પછીની ફ્લાઇટ્સમાં મહિલા ડિપૉર્ટીઓને હાથકડી અને બેડીઓ પહેરાવવામાં આવતી ન હતી.
પરંતુ જમીન પર આ ડરાવનારી છબીઓ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વાણી-વર્તનથી પ્રભાવ પડી રહ્યો હોય તેવું લાગે છે.
'અમને ભારત છોડવાની ફરજ પાડવામાં આવે છે'
ગુરપ્રીતે કહ્યું, "ટ્રમ્પ સત્તામાં હોય ત્યારે હવે કોઈ પણ આ ગેરકાયદે 'ડૉન્કી' માર્ગે અમેરિકા જવાનો પ્રયાસ કરશે નહીં."
લાંબા ગાળે આ માત્ર અમેરિકાની નીતિ પર નિર્ભર રહેશે કે શું ત્યાં દેશનિકાલની પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે કે નહીં. પરંતુ હાલમાં ઘણા ભારતીય માનવતસ્કરો જેમને સ્થાનિક રીતે "એજન્ટ" કહેવામાં આવે છે. તેઓ ભારતીય પોલીસના સંભવિત દરોડાઓના ડરથી છુપાઈ ગયા છે.
ગુરપ્રીતે કહ્યું કે ભારતીય અધિકારીઓએ એજન્ટનો નંબર માગ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.
તેમણે કહ્યું કે "હું તેમને દોષ નથી આપતો. અમે તરસ્યા હતા અને કૂવામાં ગયા હતા. તેઓ અમારી પાસે નહોતા આવ્યા."
જ્યારે સત્તાવાર હેડલાઇનનો આંકડો બેરોજગારીનો દર ફક્ત 3.2% દર્શાવે છે, તે ઘણા ભારતીયો અંગેનું અનિશ્ચિત ચિત્ર છુપાવે છે. ફક્ત 22% કામદારોને નિયમિત પગાર મળે છે. મોટા ભાગના સ્વ-રોજગારી સાથે જોડાયેલા છે અને લગભગ પાંચમા ભાગ "અનપેઇડ હેલ્પર્સ" છે. જેમાં કૌટુંબિક વ્યવસાયોમાં કામ કરતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ગુરપ્રીતે કહ્યું, "અમે ભારત છોડીએ છીએ, કારણ કે અમને ફરજ પાડવામાં આવે છે. જો મને એવી નોકરી મળે જે મને મહિને 30,000 રૂપિયા પણ ચૂકવે, તો હું અને મારો પરિવાર ગુજરાન ચલાવી લેત અને મેં ક્યારેય દેશ છોડવાનું વિચાર્યું ન હોત."
ગુરપ્રીતને વતનમાં પત્ની, માતા અને 18 મહિનાનું બાળક છે.
તેઓ કહે છે, "તમે કાગળ પર અર્થતંત્ર વિશે ગમે તે કહી શકો છો પરંતુ તમારે વાસ્તવિકતા પણ જોવી પડશે. અહીં કામ કરવા કે વ્યવસાય ચલાવવા માટે કોઈ તકો ઉપલબ્ધ નથી."
ઉધાર પૈસા લઈને ચાલીસ લાખ રૂપિયા ભેગા કર્યા
ગુરપ્રીતની ટ્રકિંગ કંપની રોકડ-આધારિત નાના વ્યવસાયોમાંની એક હતી, જેને ભારત સરકારે ચાર કલાકની નોટિસ સાથે ચલણમાં રહેલા 86% ચલણ પાછું ખેંચી લીધા પછી ભારે ફટકો પડ્યો હતો.
તેમણે કહ્યું કે તેમને ગ્રાહકો તરફથી ચુકવણી મળી નથી અને તેમની પાસે વ્યવસાય ચાલુ રાખવા માટે પણ પૈસા નથી.
તેમણે કહ્યું કે તેમણે અન્ય કંપનીઓ માટે લૉજિસ્ટિક્સનું સંચાલન કરતો બીજો એક નાનો વ્યવસાય પણ સ્થાપ્યો હતો. જે પણ કોરોના લૉકડાઉનને કારણે નિષ્ફળ ગયો હતો.
ગુરપ્રીતે કહ્યું કે તેમણે કૅનેડા અને યુકે જવા માટે વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
પછી તેમણે પોતાની બધી બચત એકઠી કરી પોતાની માલિકીની જમીનનો પ્લૉટ વેચી દીધો. આ ઉપરાંત સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા જેથી 40 લાખ રૂપિયા ભેગા કરી શકાય. અને એજન્ટ રાખી તેમની વિદેશ મુસાફરીનું આયોજન કરી શકાય.
અમેરિકા જવા ક્યાંક બોટ, તો ક્યાંક કારથી મુસાફરી
28 ઑગસ્ટ 2024ના રોજ તેઓ ભારતથી દક્ષિણ અમેરિકાના ગુયાના ગયા અને પછી અમેરિકાની મુશ્કેલ યાત્રા શરૂ કરી.
ગુરપ્રીતે તેમના ફોનમાં નકશા પર તેઓ જ્યાં જ્યાં રોકાયા હતા તે બતાવ્યું. ગુયાનાથી તેમણે બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, ઇક્વાડૉર અને કોલંબિયામાં મુસાફરી કરી. મોટે ભાગે બસો અને કાર દ્વારા, ક્યાંક બોટથી અને થોડા સમય માટે વિમાનમાં. એક એજન્ટથી બીજાને સોંપવામાં આવ્યા. રસ્તામાં અધિકારીઓ દ્વારા તેમને ઘણી વખત અટકાયતમાં લેવાયા અને છોડી પણ દેવાયા હતા.
કોલંબિયાથી એજન્ટોએ તેમને મૅક્સિકો જવા માટે ફ્લાઇટ મેળવવાનો પ્રયાસ કર્યો. જેથી તેમને ભયાનક ડેરિયન ગૅપ પાર કરવાનું ટાળી શકે. પરંતુ કોલંબિયાના ઇમિગ્રેશન દ્વારા તેમને ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી તેમણે જંગલમાં ખતરનાક ટ્રેકિંગ કરવું પડ્યું.
કોલંબિયા અને પનામા વચ્ચે વરસાદી જંગલોનો ગીચ વિસ્તાર છે. ડેરિયન ગૅપ ફક્ત પગપાળા જ પાર કરી શકાય તેમ છે. જેમાં અકસ્માતો, રોગ અને ગુનાહિત ગૅંગ દ્વારા હુમલાઓનું જોખમ રહેલું છે. ગયા વર્ષે આને પાર કરતી વખતે 50 લોકો મૃત્યુ પામ્યા હતા.
'મારા પગના નખ તૂટી ગયા હતા, હથેળીઓ છોલાઈ ગઈ હતી'
ગુરપ્રીતે કહ્યું, "મને કોઈ ડર નહોતો. હું એક રમતવીર રહ્યો છું તેથી મેં વિચાર્યું કે મને કોઈ વાંધો નહીં આવે. પરંતુ આ સફરનો સૌથી મુશ્કેલ ભાગ હતો. અમે પાંચ દિવસ જંગલો અને નદીઓમાંથી ચાલ્યા. ઘણા ભાગોમાં નદીમાંથી પસાર થતી વખતે પાણી મારી છાતી સુધી આવી ગયું હતું."
દરેક જૂથ સાથે એક એજન્ટ હતો - તેમને ગુરપ્રીત અને અન્ય સ્થળાંતર કરનારાઓ તેનો ઉલ્લેખ "ડૉન્કર" તરીકે કરતા. આ શબ્દ ગેરકાયદે સ્થળાંતર યાત્રાઓ માટે વપરાતા "ડૉન્કી" શબ્દ પરથી ઊતરી આવ્યો હોય તેવું લાગે છે.
રાત્રે તેઓ જંગલમાં તંબુ તાણી સાથે લઈ ગયેલો ખોરાક ખાતા અને આરામ કરવાનો પ્રયાસ કરતા.
તેમણે કહ્યું, "અમે ત્યાં હતા તે બધા દિવસો વરસાદ પડતો હતો. અમારાં હાડકાં પોલાં થઈ ગયાં હતાં."
પહેલા બે દિવસમાં તેમને ત્રણ પર્વતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. તે પછી તેમણે કહ્યું કે તેમને એજન્ટોએ ઝાડ સાથે બાંધેલી વાદળી પ્લાસ્ટિકની થેલીઓથી ચિહ્નિત માર્ગને અનુસરવું પડ્યું.
"મારા પગ સીસા જેવા થવા માંડ્યા હતા. મારા પગના નખ તૂટી ગયા હતા અને મારી હથેળીઓ છોલાઈ ગઈ હતી. તેમાં કાંટા ભરાયેલા હતા. જોકે અમે નસીબદાર હતા કે અમારો કોઈ લૂંટારુઓ સાથે ભેટો ન થયો."
જ્યારે તેઓ પનામા પહોંચ્યા ત્યારે ગુરપ્રીતે કહ્યું કે તેમને અને લગભગ 150 અન્ય લોકોને સરહદ અધિકારીઓ દ્વારા એક સાંકડી જેલ જેવા કેન્દ્રમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 20 દિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. અને ત્યાંથી કોસ્ટા રિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ અને ગ્વાટેમાલામાંથી પસાર થઈને મૅક્સિકો પહોંચવામાં તેમને એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો.
ગુરપ્રીતે કહ્યું કે તેઓ મૅક્સિકોમાં લગભગ એક મહિના સુધી રાહ જોતા રહ્યા, જ્યાં સુધી સાન ડિઆગો નજીક અમેરિકામાં સરહદ પાર કરવાની તક ન મળી.
તેમણે કહ્યું, "અમે દીવાલ ચઢીને નહોતા ગયા. તેની નજીક એક પર્વત છે જે અમે ચઢી ગયા. અને ત્યાં એક રેઝર વાયર છે જેને એક એજન્ટે કાપી નાખ્યો."
ગુરપ્રીતે 15 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યભાર સંભાળ્યાના પાંચ દિવસ પહેલાં અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. એવું માનીને કે સરહદો અભેદ્ય બને અને નિયમો કડક બને તે પહેલાં સમયસર પહોંચી જાય.
અત્યારે ગુરપ્રીતની કેવી હાલત છે?
સાન ડિઆગોમાં આવ્યા પછી તેમણે અમેરિકા બૉર્ડર પેટ્રોલ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને પછી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા તેમની અટકાયત કરવામાં આવી.
બાઇડન વહીવટ દરમિયાન ગેરકાયદે અથવા બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓ ઇમિગ્રેશન અધિકારી સમક્ષ હાજર થતા હતા. દરેક વ્યક્તિ આશ્રય મેળવવા માટે લાયક છે કે નહીં તે માટે પ્રારંભિક ઇન્ટરવ્યૂ લેવાતા હતા.
જ્યારે મોટા ભાગના ભારતીયો આર્થિક જરૂરિયાતને કારણે સ્થળાંતર કરતા હતા. કેટલાક તેમના ધાર્મિક અથવા સામાજિક પૃષ્ઠભૂમિ અથવા તેમના જાતીય અભિગમને કારણે સતામણીના ડરથી પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
જો તેઓ ઇન્ટરવ્યૂ પાસ કરી દે તો તેમને ઇમિગ્રેશન જજ દ્વારા આશ્રય આપવાનો નિર્ણય આવવા સુધી છોડી દેવામાં આવતા. આ પ્રક્રિયામાં ઘણી વાર વર્ષો લાગતા પરંતુ આ દરમિયાન તેમને યુએસમાં રહેવાની મંજૂરી આપવામાં આવતી.
ગુરપ્રીતને એવું લાગતું હતું કે તેમની સાથે આવું જ થશે. તેમણે કરિયાણાની દુકાનમાં કામ શોધવાનું અને પછી ટ્રકિંગના વ્યવસાયમાં જોડાવાનું આયોજન કર્યું હતું. આ કામોથી તે પરિચિત હતા.
તેના બદલે યુએસમાં પ્રવેશ્યાનાં ત્રણ અઠવાડિયાં કરતાં પણ ઓછા સમયમાં જ તેમને તે C-17 વિમાન તરફ લઈ જવામાં આવ્યા અને જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી ત્યાં પાછા મૂકી દેવાયા.
પંજાબના ઉત્તરીય રાજ્યના સુલતાનપુર લોધી શહેરમાં તેમના નાના ઘરમાં ગુરપ્રીત હવે તેમના દેવાના પૈસા ચૂકવવા અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન